શ્રીકૃષ્ણઃ યાદવોના આગેવાન અને પાંડવોના મિત્ર-સહાયક

જન્માષ્ટમી (આ વર્ષે 26 ઓગસ્ટ)

- નગીનદાસ સંઘવી Wednesday 21st August 2024 04:39 EDT
 
 

હિન્દુ ધર્મની વાત હંમેશાં વેદ-ઉપનિષદથી શરૂ કરવામાં આવે છે, પણ વેદમાં જે દેવોના નામ છે તેમાંથી એક પણ દેવની પૂજા આજે થતી નથી અને આજે જે દેવોની પૂજા કરવામાં આવે છે તેવા એક પણ દેવનું નામ વેદમાં નથી. આમાં એક જ અપવાદ છે. કૃષ્ણના નામનો ઉલ્લેખ ઋગ્વેદની સંહિતામાં પણ વારંવાર થયો છે અને છાંદોગ્ય ઉપનિષદમાં તો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. પણ કૃષ્ણની પૂજા ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ તે કોઈ જાણતું નથી.
રામ અને કૃષ્ણ આજે હિન્દુ સમાજના આરાધ્ય દેવો છે અને તેમાં પણ કૃષ્ણના અનુયાયી વૈષ્ણવોનો સમુદાય સૌથી મોટો છે. વૈષ્ણવ સંપ્રદાયમાં અનેક પેટાપંથો છે તેમાં સૌથી જૂનો અને સૌથી મોટો સંપ્રદાય શ્રી વૈષ્ણવો કહેવાય છે. શ્રી વૈષ્ણવ સંપ્રદાયના વિખ્યાત આચાર્ય રામાનૂજના શિષ્ય રામાનંદે રામ પૂજાનો આરંભ કર્યો તેવી પરંપરા છે.
રામના સળંગ ચરિત્ર માટે વાલ્મીકિએ રામાયણ લખ્યું પણ કૃષ્ણ ચરિત્ર હંમેશાં ટૂકડે-ટૂકડે લખાયું છે અને ઊંધા છેડેથી તેની શરૂઆત થાય છે.
સૌથી જૂના ગ્રંથ મહાભારતમાં કૃષ્ણના બાળપણની કથા નથી. કૃષ્ણ ગોપીજન વલ્લભ કહેવાયા છે અને શકટભંગ-ગોવર્ધન ધારણ અને પુતના વધનો અછડતો ઉપયોગ કરીને શીશુપાલે કૃષ્ણને વગોવ્યા છે. મહાભારતના કૃષ્ણ આધેડવયના છે, યાદવોના આગેવાન છે, ‘મહાપ્રહારી’ છે. પાંડવોના મિત્ર અને સહાયક છે. મહાભારતમાં કૃષ્ણનું ઉત્તર જીવન છે અને તેમના અવસાન સુધીની કથા વિગતવાર કહેવાઈ છે. હરીવંશમાં કૃષ્ણની કથા બાળપણથી આધેડ ઉમર સુધી કહેવામાં આવી છે. તેમાં યાદવાસ્થળી નથી અને અવસાન લીલા પણ નથી પણ રાજપુરુષ અને લડવૈયા કૃષ્ણની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે.
ઋગ્વેદમાં કૃષ્ણ મંત્રદૃષ્ટા રૂપી છે અને મહાભારતમાં વિદ્વાન આગેવાન છે. વિષ્ણુપુરાણમાં કૃષ્ણ બાળપણના થોડા પ્રસંગો છે પણ મોટી ઉંમરની કેટલીક કથા - ખાસ કરીને સ્યમંતક મણીની કથા બીજે કશે આટલી વિગતવાર કહેવાઈ નથી. સૌથી છેલ્લે લખાયેલા ભાગવતમાં કૃષ્ણ બાળલીલા મુખ્ય છે, પણ રાજપુરુષ તરીકેની કથા અને દ્વારકા વિનાશની કથા નથી.
આવું શા માટે થયું અને સળંગ કૃષ્ણ ચરિત્ર કેમ નહીં લખાયું હોય તેના કારણ આપણે જાણતા નથી પણ વૈષ્ણવો કૃષ્ણના બાળ સ્વરૂપની અને શૃંગાર સ્વરૂપની પૂજા કરે છે. આપણે કૃષ્ણને જગતગુરુ અને યોગેશ્વર કહીએ છીએ, પણ ગુરુ સ્વરૂપે અથવા યોગેશ્વર કૃષ્ણને પૂજવામાં આવતા નથી. સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો યોગેશ્વર કૃષ્ણને મહત્ત્વ આપે છે પણ સ્વાધ્યાયને હજુ વૈષ્ણવ સંપ્રદાય તરીકે સ્વીકારવામાં આવ્યો નથી.
ગીતા જેવા અદભુત પુસ્તકના રચિયતા તરીકે કૃષ્ણની ઉપાસના કરવામાં આવતી નથી, પણ ભારતમાં આજે જેટલા દેવોની પુજા થાય છે તેમાં કૃષ્ણ સૌથી વધારે ચર્ચાસ્પદ મહાનુભાવ ગણાય છે. કૃષ્ણ માત્ર આધ્યાત્મિક દેવ છે, એ ઇતિહાસ પુરુષ છે અને તેમના ચરિત્રમાં અવનવા રંગ ક્યારે પુરાયા અને શા માટે પુરાયા તેની ચર્ચા પ્રાચીન ભારતના અભ્યાસી વિદ્વાનોમાં સતત ચાલતી રહે છે તેનો એક દાખલો આપીએ તો મુદ્દો વધારે સમજી શકાશે.
કૃષ્ણ વાસુદેવ કહેવાયા છે અને વસુદેવના પુત્ર એવો અર્થ સામાન્ય રીતે કરવામાં આવે છે તે ખોટો છે. બલરામ પણ વસુદેવના પુત્ર છે છતાં કદી વાસુદેવ કહેવાયા નથી. હરીવંશમાં અને વિષ્ણુપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વાસુદેવ કોઈ હોદ્દા અથવા પદનું નામ છે. વાસુદેવ બને તે પીળું પિતાંબર પહેરી શકે અને ચક્ર ધારણ કરી શકે. આ હોદ્દા માટે લડાઈઓ થયાના ઉલ્લેખ પણ છે. તેમાં કરવીરપુરના રાજા શ્રૃંગાલ સાથેની લડાઈનું લંબાણ વર્ણન હરીવંશમાં છે. કૃષ્ણને વાસુદેવ બનવા માટે અનેક જોખમ ખેડવા પડ્યા છે.
કૃષ્ણને દ્વારકાના રાજા કહેવાની રૂઢી પડી ગઈ છે. કૃષ્ણે દ્વારિકા વસાવી અને ‘રસિક પુરુષ પોતાની પત્નીને હોંશથી શણગારે તેમ શણગારી’ તેવું હરીવંશમાં લખાયું છે, પણ કૃષ્ણે કદી રાજા બનવાનું સ્વીકાર્યું નહીં અને જિંદગી આખી દ્વારકાના સન્માનિત નાગરિક બની રહ્યાં. કંસને અસુર અને રાક્ષસ કહેનાર ભૂલી જાય છે કે કંસ કૃષ્ણનો સગો મામો છે અને દેવકીનો ભાઈ છે. કુળ તરીકે અને ગુણ તરીકે એમ બે રીતે રાક્ષસ શબ્દ વપરાય છે. પ્રહલાદ રાક્ષસ કુળમાં જન્મેલા સંતપુરુષ છે. તેમ કંસ યાદવ કુળમાં જન્મ્યો પણ સ્વભાવના કારણે રાક્ષસની રીતે વર્તે છે.

•••

વહાલો લાગે કાનુડો
કોઈ નથી કોઈનું આ જગમાં એ તો કહેવાની વાત છે
બની જાવ કોઈનાં તો જાણશો કે કેવો રૂડો સાથ છે
ચોરી ચોરી માખણ ખાતો તોય વ્હાલો સૌને ગામમાં
સુધબુધ ખોઈ ઘેલી ગોપીઓ નાચે બંસરીનાં સૂરમાં
દિલથી દિલને હોય જોડવું તો પહેલા દિલ દેવું પડે
દિલ દીધું રાધાએ શામને તો રાધેશામ પૂજાય છે
બની દીવાની કાન્હાની મીરા તે ભજન આજ ગવાય છે
દીધા વિના આ દુનિયામાં ક્યાં કશુંય પામી શકાય છે
મન મળ્યા દિલ દીધા બન્યા મિત્રો સાંદિપની આશ્રમમાં
ગાદી છોડી દોડ્યા દ્વારકાધીશ સખા સુદામાને ભેટવા
ચીર હરણ ન કરવા દીધા કૌરવોની સભામાં ‘શશિ’,
આવશે યુગે યુગે શ્રીક્રિષ્ન ધરમ ધજા ફરકાવવા.
- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter