વર્ષમાં કુલ બાર પૂર્ણિમાઓ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. વિદ્વાનોના મતાનુસાર વર્ષની બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમા શ્રેષ્ઠ હોય છે. આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવતી હોવાને કારણે તેને શરદપૂર્ણિમા (આ વર્ષે 28 ઓક્ટોબર) પણ કહે છે.
એક પૌરાણિક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાાન અશ્વિનીકુમારોએ જ આપ્યું હતું. આ જ જ્ઞાન આજે હજારો વર્ષો પછી પણ આપણી પાસે સચવાયેલું છે. અશ્વિનીકુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ ચંદ્રમા અમૃતના સ્ત્રોત છે. તેને કારણે એવું મનાય છે કે શરદપૂર્ણિમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે. તેથી જ શરદપૂર્ણિમાએ રાત્રે ગાયના દૂધમાંથી બનાવેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપ ગ્રહણ કરવામાં આવે છે.
શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે. તેથી ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાનાં અમૃત બુંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદપૂર્ણિમાના ચંદ્રપ્રકાશના ઔષધીય ગુણોના મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.
શરદપૂર્ણિમા શ્રીકૃષ્ણની રાસલીલા સાથે જોડાયેલી છે. શરદપૂર્ણિમાની રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે વૃંદાવનના વંશીવટ ક્ષેત્રમાં આવેલા યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી. યોગમાયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક-એક કૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસલીલા કરી. જેમાં ભગવાન શિવજી પણ ગોપીનું રૂપ
ધારણ કરીને આ લીલા જોવા આવ્યા હતા. ત્યારથી જ ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા શ્રીકૃષ્ણનું નામ રાસેશ્વર શ્રીકૃષ્ણ પડયું.
રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુનિયાને અપાયેલો પ્રેમસંદેશ છે. આ રાસલીલાનો અર્થ અધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસલીલાનું જ એક રૂપ છે.
ભગવાન શ્રીકૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી આપ્યો છે. રાસલીલા દરેક ગોપીનો શ્રીકૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ જ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદપૂર્ણિમાએ આજેય રાસલીલા અને શ્રીકૃષ્ણ લીલાઓનું આયોજન થાય છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની રાસલીલામાં તેમના પરમભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલનો અગ્નિ ધીરે ધીરે તેમના હાથે પહોંચ્યો અને તેમનો અડધો હાથ બળી ગયો તેનું પણ તેમને ભાન ન રહ્યું.
મહાલક્ષ્મી અને કુબેરની કૃપા પામવાનો અવસર
શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ધનનાં દેવી લક્ષ્મીમાતાના કોજાગ્રત વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદપૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના એકસો દીવા પ્રગટાવવા જોઈએ.
શરદપૂર્ણિમાના દિવસે મધ્યરાત્રિએ જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે મહાલક્ષ્મી પોતાનાં કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને વ્રત-જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદપૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મી અને ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે.
રમઝટ વાગે દાંડિયા
દુહોઃ કાના તારી વાંસલડીથી સૂતું ગોપીગણ જાગે
તેમ ઢોલ નગારા ને ત્રાંસા વાગે ઠેરઠેર લંડન ગાજે
રે ભાઈ ઠેરઠેર લંડન ગાજે રે ભાઈ ઠેરઠેર લંડન ગાજે
•
(ઢાળઃ શેરીયું વળાવીને સજ કરું ને ઘરે આવો રે)
ખેલ દાંડિયાનો ખેલવાના વિલાયત દેશમાં
અમે રાસે આજ રમવાના કે જાણે ગુજરાતમાં
ખેલ દાંડિયાનો ખેલવાના વિલાયત દેશમાં
જેવો કુમકુમ કેરો ચાંદલો માના ભાલમાં
તેવો ચમકે ચાંદો આજે ઊંચે આભમાં
ખેલ દાંડિયાનો ખેલવાના વિલાયત દેશમાં
આજ વૃંદાવન ઊભરાણું છે લંડન ગામમાં
નહીં લાગે આજ જરાય કે પરદેશમાં
ખેલ દાંડિયાનો ખેલવાના વિલાયત દેશમાં
અહીં રમઝટ રાસે રમે ‘શશિ’ અતિ શોખમાં
મારી અંબે મા હરખાય ગબ્બર ગોખમાં
ખેલ દાંડિયાનો ખેલવાના વિલાયત દેશમાં
- શશિકાંત દવે, ટુટિંગ, લંડન