સહજાનંદ સ્વામી, કાકાસાહેબ કાલેલકર, સયાજીરાવ ગાયકવાડ, ફાધર વાલેસ વગેરે ગુજરાત બહાર જન્મ્યા છતાં પ્રવૃત્તિઓથી સવાયા ગુજરાતી બની રહ્યા. તેમણે ગુજરાતને ગરવું, નરવું અને સરવું બનાવ્યું. ડો. વર્ગીસ કુરિયને લગભગ છ દશકા ગુજરાતમાં વસીને શ્વેતક્રાંતિના ક્ષેત્રે ગુજરાતને ભારતમાં શિખરે મૂક્યું. વિશ્વમાં અમૂલ મારફતે આણંદને જાણીતું કર્યું. દૂધ દ્વારા ભારતમાં શ્વેતક્રાંતિ લાવીને કરોડો ખેડૂતો અને ભૂમિહીન શ્રમજીવીઓના જીવનમાં સુરખી લાવ્યા. ગાંધીજી રેંટિયા મારફતે ભૂખ્યાને અડધો રોટલો મળે તો ય સંતોષ માનતા. કુરિયને કરોડો ભૂખ્યાને આખો રોટલો અપાવ્યો. સમગ્ર દેશમાં દૂધ માટેની ‘અમૂલ પેટર્ન’ ઊભી કરી.
ભેંસના દૂધમાંથી વિશ્વમાં સૌ પ્રથમવાર બેબી ફૂડ, દૂધનો પાવડર અને ચીઝ બનાવવામાં સફળતા મેળવી. આમ કરીને નેધરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, ડેન્માર્ક જેવા દૂધ ઉત્પાદક રાષ્ટ્રોની દૂધની બનાવટોની ઈજારાશાહી તોડી. ડો. કુરિયને ચરોતરની ધરતીમાં ધરબાઈને સમગ્ર રાષ્ટ્રના આર્થિક ઉત્થાનમાં ભાગ ભજવ્યો. ગાંધીજી કહેતા કે આર્થિક સ્વાવલંબન વિનાની આઝાદી અધૂરી છે. આર્થિક આઝાદીની ભારતની લડનમાં ડો. કુરિયન એ રીતે એક યોદ્ધા હતા.
એકલા ગુજરાતમાં આજે ૧૨,૦૦૦ જેટલી દૂધ સહકારી મંડળીઓ, ૧૨ જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે. ડો. કુરિયન ૧૯૨૧માં કેરળના કાલિકટમાં જન્મ્યા. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અને આવડત જોતાં ખૂબ મોટા ઉદ્યોગપતિ બની શક્યા હોત પણ ખેડૂતોનું હિત હૈયે વસેલું તેથી દેશમાં રહ્યા. ખેતપેદાશની પ્રક્રિયા કે દૂધની પ્રવૃત્તિ ખાનગી હાથોમાં પડે કે સરકારીકરણ દ્વારા ચાલે તો ખેડૂતોનાં હિતો જોખમાય માનીને તેઓ આજીવન સ્થાપિત હિતો કે સરકારીકરણ સામે ઝૂઝ્યા.
ડો. વર્ગીસ કુરિયન પાસે ૧૪ જેટલી માનદ્ ડોક્ટરેટની પદવી છે. જેમાંની અડધોઅડધ કેનેડા, ઈંગ્લેન્ડ, યુએસએ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની યુનિવર્સિટીઓએ આપેલી. ૧૫ જેટલી સંસ્થાઓમાં તેઓ ચેરમેન હતા અને એટલી બીજી સંસ્થાઓમાં વાઈસ ચેરમેન હતા. સંખ્યાબંધ સ્થળે ડિરેક્ટર હતા.
પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને કૃષિરત્ન જેવાં મોટાં સન્માન એમને પ્રાપ્ત થયા હતાં. રેમેન મેગ્સેસે એવોર્ડ, નેધરલેન્ડનો વોટલેર પીસ પ્રાઈઝ એવોર્ડ, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ એવોર્ડ, જાપાનનો ૨૦૦૦નો પ્રાદેશિક એશિયન પ્રોડક્ટિવિટી એવોર્ડ અને બીજા એટલા બધા એવોર્ડ કે યાદી કરતાં પાનાં ભરાઈ જાય. આ બધું ડો. કુરિયનને પ્રાપ્ત થયું છે.
૧૯૪૯માં ડો. કુરિયન અમૂલમાં જોડાયા ત્યારે રોજનું ૮૦૦ લીટર દૂધ થતું. એ છૂટા થયા - ૧૯૭૪માં - ત્યારે રોજ સાડા ચાર લાખ લીટર દૂધ થતું. દૂધ વધારવા તેમણે અમૂલ દાણની ફેક્ટરી નાંખી. અમૂલમાં તેમને ૬૦૦૦ પગાર મળતો. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમણે સ્થાપ્યું. સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગને લાભ થાય તે માટે. આ નવી સંસ્થાને ના પોષાય માની માત્ર માસિક પાંચ હજાર રૂપિયા પગાર લેતા. ડો. કુરિયન અર્ધલોભી કે સ્વાર્થી ન હતા. ૬૦ વર્ષની વયે નિવૃત્ત થયા ત્યાં સુધી પગાર, પણ પછીનાં વર્ષ વિના પગારે અમૂલમાં કામ કર્યું.
૧૯૬૯માં ત્યારના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સૂચનથી તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) સ્થાપવા સરકારને સાથ આપ્યો. આવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું કાર્યાલય દિલ્હીમાં રાખવાનું હોય. ડો. કુરિયને પોતે આણંદમાં એ રખાય તો જ જવાબદારી લેવા જણાવ્યું. એમને ત્યારે અમૂલ છોડવું ન હતું. સરકારે તેથી આવા રાષ્ટ્રીય કોર્પોરેશનનું કાર્યાલય આણંદમાં રાખ્યું. આમાં ૩૩ વર્ષ એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિના પગારે કામ કર્યું. એનડીડીબીનો વિકાસ કર્યો અને કરોડો રૂપિયાનો નફો કરતી સંસ્થા બનાવી. જેના ઉપક્રમે ભારતમાં ઠેર ઠેર સહકારી ધોરણે દૂધ ઉત્પાદક સંઘ સ્થપાયા.
ડો. કુરિયને ભારતમાં મોટા શહેરોની પ્રજાને ચોખ્ખું દૂધ મળે અને ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે માટે મધર ડેરી સ્થાપી. અમદાવાદ, બેંગ્લૂરુ, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, કોલકાતામાં આવી ડેરીઓને કરીને જે તે રાજ્યના દૂધ ઉત્પાદકોના સંઘોને સોંપી. દિલ્હી ત્યારે કોઈ રાજ્ય ન હતું. મધર ડેરી સ્થાપવા એનડીડીબીએ રોકાણ કર્યું. મધર ડેરીને નફો થતાં એ રકમ તેણે એનડીડીબીને પરત આપી. એનડીડીબીનું કોઈ મૂડીરોકાણ ન રહ્યું. એના શેર પણ નહીં, છતાં વહીવટ એની પાસે રહ્યો. મધર ડેરી એનડીડીબીની રજિસ્ટર્ડ કંપની બની. તેણે પોતાના બ્રાન્ડ નેમથી ઉત્પાદનો બજારમાં વેચવા માંડ્યા. ડો. કુરિયને આ સામે વિરોધ કર્યો. કહે, ‘ખેડૂતોના ઉત્પાદનમાંથી મધર ડેરીને થયેલા નફામાં તેણે એનડીડીબીનું દેવું આપ્યું. મધર ડેરીમાં એનડીડીબીનું કોઈ રોકાણ નથી. આથી મધર ડેરીની માલિકી પણ ખેડૂતોની સહકારી સંસ્થાની જ હોવી જોઈએ.’ અંતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેના મેનેજિંગ ડિરેક્ટર ડો. કુરિયન હતા ત્યાંથી પણ તે વિદાય થયા. નગુણા રાજકારણીઓ શુદ્ધ સહકારીને ભરખી ગયા.