અમે છીએ દરિયો અમને અમારું કૌશલ ખબર છે
જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
આ પંક્તિ ડો. બાબાસાહેબ આંબેડકરના વ્યક્તિત્વને યથાતથ્ બયાન કરે છે. બાબાસાહેબ જીવનસંઘર્ષનું પ્રતીક છે. તેઓ એક એવા ઉચ્ચ કોટિના નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે નબળા હતા. તેમને આ અભિશાપમાંથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો. તેઓ સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન ઝઝૂમતા રહ્યા હતા. ‘બાબાસાહેબ’ના હુલામણા નામથી પ્રસિદ્ધ એવા ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાસ્ત્રી, કાનૂનવિદ્, પ્રખર દેશભકત, દલિતો-વંચિતોના મુકિતદાતા ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્ય પ્રદેશમાં મહુની લશ્કરી છાવણીમાં થયો હતો.
રામજી શકપાલ અને ભીમાબાઇના ૧૪મા સંતાન તરીકે જન્મેલા ભીમરાવ નાનપણથી જ અસ્પૃશ્યતાના લીધે અપમાન અને અવમાનનાનો ભોગ બનતા રહ્યા હતાં. તેમના વ્યક્તિત્વમાં સ્મરણશક્તિની પ્રખરતા, બુદ્ધિમત્તા, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દૃઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો અનોખો સમન્વય હતો. ઉચ્ચ પ્રતિભાશાળી ભીમરાવની આ સજ્જતા-ક્ષમતાને સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકે પારખી. તેમણે ભીમરાવને શિક્ષણ આપીને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કર્યું. સામાજિક બદીઓથી માંડીને અત્યાચારભરી નીતિરીતિથી માહિતગાર કર્યા, આ દૂષણો સામે લડવા માર્ગદર્શન આપ્યું. આ ભીમરાવે વયસ્ક બન્યા બાદ સમાજના કચડાયેલા વર્ગ માટે, દલિતો માટે, વંચિતો માટે અવાજ ઉઠાવ્યો. બાબાસાહેબ ભારપૂર્વક માનતા હતા કે કે વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત - મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી.
સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારની હિંસક-અહિંસક ક્રાંતિઓ તથા માનવીય હકકો માટેની લડાઇઓ અને સત્યાગ્રહો થયા છે. સત્તાપરિવર્તન, વિચારપરિવર્તન અને આઝાદી માટેના આંદોલનો થયેલા છે, પરંતુ ભારત જેવા દેશમાં ડો. બાબાસાહેબે માણસને પીવાનું પાણી સરળતાથી, કોઇ પણ જાતના ભેદભાવ વગર મળી રહે તે માટે સત્યાગ્રહ કર્યો હતો.
શ્રેણીવિહીન અને વર્ણવિહીન સમાજ
ડો. આંબેડકરનું સ્પષ્ટ કહેવું હતું કે ‘સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશું નથી તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશું નથી તેઓ દલિત સમજાય છે.’ બાબાસાહેબે સંઘર્ષનું બ્યૂગલ વગાડીને આહવાન કરતાં કહ્યું હતું, ‘છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યું કે ‘હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યુ છે. તેમનું હિન્દુત્વ દીવાલો વચ્ચે કેદ નથી.’
‘ભારતીય જાતિ વિભાજન’ પર સંશોધન પત્ર
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેધાવી વિદ્યાર્થી હોવાના નાતે શિષ્યવૃત્તિ આપીને ૧૯૧૩માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલ્યા. અમેરિકામાં કોલંબિયા યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવવિજ્ઞાન, દર્શનશાસ્ત્ર અને અર્થનીતિનો ઉંડો અભ્યાસ બાબાસાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મથી મળતી અસ્પૃશ્યતા નહોતી. આથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો. આંબેડકરે અમેરિકામાં અભ્યાસ દરમિયાન એક સેમિનારમાં ‘ભારતીય જાતિ વિભાજન’ પર તેમના પ્રખ્યાત સંશોધન-પત્રનું વાંચન કર્યું હતું. આ રિસર્ચ પેપરથી તેમના વ્યક્તિત્વની સુવાસ ચારેબાજુ ફેલાઇ હતી.
સ્ત્રી સમાજનું આભૂષણ
બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇ પણ સમાજના ઉત્થાન અને પતનની પારાશીશી તે સમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે. આથી જ તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓની જે પશુવત્ દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇને તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ, બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપીને સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારીમુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.
અલબત્ત, બાબાસાહેબે પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વગર, રાતદિવસ જોયા વગર પ્રબળ પરિશ્રમ ઉઠાવીને તૈયાર કરેલા હિન્દુ કોડ બિલનો કરુણ રકાસ થયો. હિન્દુસમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સપનું ભાંગી પડયું. હિન્દુ કોડ બિલની પીછેહઠથી બાબાસાહેબ ખૂબ વ્યથિત થયા અને નારીમુકિતના યજ્ઞમાં પોતાના પ્રધાનપદની આહુતિ આપી દીધી.
સંવિધાન સભા સમિતિના અધ્યક્ષ પદે
દેશની આઝાદી વેળા ભારતીય સંવિધાનની રચનાનો વિચાર રજૂ થયો ત્યારે આ સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી માટે સર્વસંમત પસંદગી તરીકે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ ઉપસ્યું. તેમને સંવિધાન સભાના સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમનું લક્ષ્ય એક જ હતુંઃ સામાજિક અસમાનતા દૂર કરીને દલિતોના માનવધિકારની પ્રતિષ્ઠા કરવી. ડો. આંબેડકરે ઉંડા અને ગંભીર અવાજમાં દેશવાસીઓને સાવધાન કરતા કહ્યું હતું, ‘જાન્યુઆરી ૧૯૫૦માં આપણે પરસ્પરવિરોધી જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આપણા રાજકીય ક્ષેત્રમાં તો સમાનતા રહેશે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં અસમાનતા રહેશે. જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી આપણે આ વિરોધાભાસને દૂર કરવો પડશે, નહીં તો અસમાનતાના શિકાર થઈશું.’
તે આ રાજનીતિક ગણતંત્રના ઢાઁચાને ઉડાવી દેશે. ડો. આંબેડકર એક નાયક, વિદ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિત્વના માલિક હતા.