વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ રહી છે. આ સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિ સુવિકસિત સભ્યતા છે, આ સંસ્કૃતિ વૈજ્ઞાનિક અભિગમ ધરાવે છે.
સંસ્કૃતિનાં આ ત્રણેય પાસાંઓને પોષણ આપીને યુગે યુગે તેને સજીવન રાખનાર કોણ છે? વૈદિક સમયથી આ સંસ્કૃતિનાં ઉચ્ચ મૂલ્યોની સુવાસ વિશ્વભરમાં વિસ્તારનાર સંસ્કૃતિપુરુષની ભૂમિકા કોણે બજાવી છે? વિશ્વના અનેક ખૂણાઓમાંથી આ સંસ્કૃતિ પર અનેક આક્રમણો થયાં છે, છતાં આજ પર્યંત છેલ્લાં દસ હજાર કરતાંય વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવી રહેલી આ સંસ્કૃતિની રક્ષા કોણે કરી છે?
આવા અનેક પ્રશ્નોના ઉત્તરરૂપે ઇતિહાસ જેનાં નામ ઉચ્ચારે છે તે આ સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર ઋષિઓ, સંતો છે. પ્રત્યેક રાષ્ટ્ર કે પ્રત્યેક સંસ્કૃતિના પાયામાં કોઈને કોઈ મહાન નેતાનું પ્રદાન હોય છે. પરંતુ વિશ્વની તમામ સંસ્કૃતિઓની જનની ભારતીય સંસ્કૃતિ એમાં અપવાદરૂપ છે. કારણ કે આ સંસ્કૃતિ કે રાષ્ટ્રના પાયામાં કોઈ નેતા કે રાજવી કરતાં મહાન સંતો અને ઋષિઓનું દિવ્ય બલિદાન સમાયેલું છે.
ભારતીય સંસ્કૃતિના વિરાટ સમયકાળમાં હજારો સહસ્રાબ્દીઓ વીતી ચૂકી છે. પશ્ચિમમાં સહસ્રાબ્દી પૂરી થાય છે ત્યારે Men of the Millennium તરીકે રાજકીય કે સામાજિક અગ્રણીઓની યાદી કૃતજ્ઞતાપૂર્વક પ્રગટ કરાય છે. ભારતમાં વીતેલી હજારો સહસ્રાબ્દીઓના Men of the Millennium તરીકે યાદી પ્રગટ કરવામાં આવે તો આ સંસ્કૃતિના સ્તંભરૂપ બનેલા સંતોની જ એક વિરાટ યાદી ઊભરી આવે, એ નિશ્ચિત છે.
શક્તિશાળી સમ્રાટો કે શાસકો ભારતીય હૃદય પર ક્યારેય શાશ્વત શાસન જમાવી શક્યા નથી, પરંતુ જેમણે પોતાની સંપત્તિ, શક્તિ, સમર્થતાને સંસ્કૃતિનાં મૂલ્યોના જતન-સંવર્ધનમાં ઓવારી દીધાં છે એવા મહાન સંતો અને ઋષિઓ જ ભારતીય હૃદયોના સાચા સમ્રાટ હતા અને આજ સુધી રહ્યા છે. કારણ કે જેમને કોઈ સ્વાર્થ નથી, પોતાનું સર્વસ્વ ત્યાગીને પરમાર્થ અને પરહિતને જ જીવનનું કર્તવ્ય બનાવ્યું છે, જીવપ્રાણીમાત્રના સુહૃદ બનીને જેમણે અસંખ્યના ઉદ્ધાર કર્યા છે - એવા સંતો ભારતીય સંસ્કૃતિના સાચા આધારસ્તંભ બની રહ્યા છે.
તુલસીદાસજીએ આવા સંતને ‘જંગમ તીર્થ’ની ઉપમા આપી છે. રામચરિતમાનસમાં તેઓ લખે છેઃ
‘મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ!’
જંગમ તીરથ એટલે સતત વિચરણ કરતું તીર્થ. ભારતે અદ્યતન યુગમાં એવું જંગમ તીર્થ પ્રમુખસ્વામી મહારાજમાં નિહાળ્યું છે. લોકકલ્યાણ અર્થે અહોરાત્ર વિચરતા પ્રમુખસ્વામી મહારાજે ‘ચરૈવૈતિ ચરૈવૈતિ’ ઋષિઆદેશને રગેરગમાં પચાવ્યો છે. આસેતુ હિમાલય વિચરણ કરીને વૈદિક ઋષિ અગત્સ્ય કે આદિ શંકરાચાર્યની જેમ અર્વાચીન મહર્ષિ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં સંસ્કૃતિના પ્રસ્તાર માટે નિત્ય વિચરણને પોતાની જીવનશૈલી બનાવી દીધી હતી. જનજીવનમાં સંસ્કૃતિનાં શાશ્વત આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવા માટે પ્રમુખસ્વામી મહારાજે 55 દેશોમાં, 2.5 લાખ ઘરોમાં અને 17 હજારથીય વધુ ગામો-નગરો-શહેરોમાં અથાગ વિચરણ કર્યું છે. આબાલવૃદ્ધોમાં સંસ્કારસિંચન માટે ત્રણેય ઋતુઓમાં રાતદિવસ જાયાં વિના તેઓ ઘટિકાયંત્રની જેમ સતત વિચરતા જ રહ્યા છે. ગામડે ગામડે અને ઝૂંપડીઓમાં વિચરીને તેમણે વ્યક્તિ વ્યક્તિને મળીને લાખોનાં જીવનમાં સાંસ્કૃતિક સંસ્કારોને સાંગોપાંગ ઊતાર્યા છે. તેમના આ કઠિન પરિશ્રમભર્યા વિચરણના પરિપાકરૂપે આજે લાખો પરિવારોનો વિરાટ સત્સંગસમુદાય વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનાં અજવાળાં પાથરે છે.
તેઓના વિચરણથી અનેક પરિવારો કે જ્ઞાતિસમાજો ને ગામડાંઓના કુસંપ અને કુરિવાજો શમ્યા છે. સ્વામીશ્રીના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનાં કુકડ-ઓદરકા ગામના 250 વર્ષના અપૈયા (એકબીજાના ગામનું પાણી હરામ કરવાની પ્રતિજ્ઞા) છૂટ્યા ને વેર શમ્યાં. એવા કંઈક પરિવારો ને ગામોનાં વેરઝેર સ્વામીશ્રીએ શમાવ્યાં છે.
સ્વામીશ્રીએ પાંચેય ખંડમાં વસતી ભારતીય મૂળની પ્રજાના સંસ્કારોને સજીવન રાખ્યા છે. જેની અસર ત્યાંના નિવાસીઓ ઉપર પડી છે. સને 2000માં સ્વામીશ્રીએ ન્યૂયોર્કમાં યુનોમાં વિશ્વના જુદા જુદા ધર્મોના 1,800 જેટલા ધર્મગુરુઓની ‘સહસ્રાબ્દી શાંતિ પરિષદ’માં ઉદ્બોધન કર્યું ત્યારે એક ભારતીય ધર્મગુરુ બોલી ઊઠ્યા હતાઃ ‘સ્વામીજી, આપે તો હિંદુ ધર્મ અને સંસ્કૃતિની લાજ રાખી છે.’
આદિવાસીઓનાં ઝૂંપડાંઓથી લઈને બ્રિટનની પાર્લામેન્ટ સુધી વિચરતા સ્વામીશ્રીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં તેમનું બહુમાન થયું ત્યારે એક સાંસદે જણાવેલું કે ‘સ્વામીશ્રી! આપની મુલાકાત અમારી સાંસ્કૃતિક શક્તિને ઘડે છે અને વિનાશને આરે જતી દુનિયાને શાંતિનો સંદેશો આપવા માટે આ પાર્લામેન્ટમાં આપની ઉપસ્થિતિ અતિ આવશ્યક છે.’
સ્વામીશ્રી માત્ર સંસ્કૃતિક પ્રચારક નહોતા, તેઓ એક ઉચ્ચ કોટિના આધ્યાત્મિક મહાપુરુષ હતા. હાડે સાધુતાની મૂર્તિ હતા. માન-અપમાન, સુખ-દુઃખ વગેરે દ્વંદોમાં સમતાથી યુક્ત અને સર્વોચ્ચ બ્રાહ્મીસ્થિતિ સંપન્ન યુગવિભૂતિ તરીકે લાખો લોકોના હૈયે આદર પામ્યા હતા. આવા સંત જ સાચા અર્થમાં સંસ્કૃતિના ધારક છે. તેમનો મહિમા ગાતાં શાસ્ત્રોએ અદ્ભુત મહિમા ગાયો છે
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીમુખે કહે છેઃ
साधवो हृदयं मह्यं साधूनां हृदयत्वहम् ।
मदन्यत् ते न जानन्ति नाहं तेभ्यो मनागपि ॥
અર્થાત્ મારા સંત જ મારું હૃદય છે અને હું સંતનું હૃદય છું. તેઓ મારા વિના બીજું જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું જાણતો નથી. (ભાગવત, 9/4/68)
શાસ્ત્રોમાં સંતો માટે આવો અપરિમિત મહિમા કહ્યો છે એવા સંત પ્રમુખસ્વામી મહારાજ છે, તેની પ્રતીતિ અસંખ્ય મુમુક્ષુઓએ કરી છે. સ્વામીશ્રીની આવી સાધુતાથી પ્રભાવિત થઈને ભારત સાધુ સમાજના પ્રમુખ મહામંડલેશ્વર રામસ્વરૂપ શાસ્ત્રી સને 1981માં અમદાવાદમાં બોલી ઊઠેલા કે ‘તેઓ તો અમારા હૃદયસમ્રાટ છે.’ સ્વામીશ્રીના આવા વિશિષ્ટ વ્યક્તિત્વને લઈને જ તેમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની અત્યંત પ્રભાવશાળી 20 વ્યક્તિઓમાં સ્થાન આપીને બિરદાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાતજાતના અનેક રેકોર્ડ્સ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારનો આ એક સર્વપ્રથમ રેકોર્ડ મૂકવામાં આવ્યો છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ‘હું સ્પષ્ટ માનું છું કે પુનઃ એકવાર વિશ્વગુરુ બનવાનું સામર્થ્ય પેદા કરવા માટેની સાંસ્કૃતિક પીઠિકા તૈયાર કરવાનું કાર્ય સ્વયં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થઈ રહ્યું છે. આ પ્રયત્ન 21મી સદીના હિંદુસ્તાનના સાંસ્કૃતિક વારસાનું નિર્માણ કરવાનો છે. આપણે ત્યાં સંસ્કારનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહે છે કે માતા જન્મ આપે છે અને ગુરુ જીવન આપે છે. અને પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુ આપણને બધાને જીવન આપી રહ્યા છે.’
રામકૃષ્ણ મિશન - રાયપુર (મધ્ય પ્રદેશ)ના અધ્યક્ષ અને પ્રખર વિદ્વાન સ્વામી આત્માનંદજીએ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય કાર્યને નિહાળ્યું ત્યારે તેમને લાગ્યું કે આ કાર્ય સંસ્કૃતિનો પાયો મજબૂત કરવાનું કાર્ય છે. તેઓ બોલી ઊઠ્યા હતાઃ ‘હું તો ખૂબ ધન્યવાદ આપું છું આદરણીય પ્રમુખસ્વામી મહારાજને કે જેમણે બધા જ પ્રકારની વિદ્યાઓને સમાજ સમક્ષ ખુલ્લી મૂકી છે. એ જ સંત છે, જે દિશા આપે છે. સંત તો પારસમણિ સમાન હોય છે, જે સ્પર્શ કરીને સર્વને પારસ બનાવી દે છે. પ્રમુખસ્વામી મહારાજ એવા પારસમણિ છે.’
આવા સંત માટે શાસ્ત્રોએ કહેલા મહિમાના સાર રૂપે બ્રહ્માનંદ સ્વામીએ સ્વામીશ્રી જેવા સંત માટે જ જાણે ગાયું છેઃ
‘સંત પરમ હિતકારી, જગતમાંહી, સંત પરમ હિતકારી,
પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી.’
વર્તમાન સમયે એવા સંત મહંત સ્વામી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજના અનુગામી જ નહીં, પરંતુ તેમના સ્વરૂપ બનીને સમાજને પોતાની પવિત્ર સાધુતા દ્વારા સંસ્કૃતિ અને અધ્યાત્મની પ્રેરણા આપી રહ્યા છે. આવા પરમ હિતકારી મહાપુરુષ, સંસ્કૃતિપુરુષ, અધ્યાત્મપુરુષ, ગુણાતીત સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજને તેઓના 103મા જન્મદિને કોટિ કોટિ વંદન...