લાડકોડમાં ઉછરેલ નાચતા-કૂદતાં ઝરણા જેવી અલ્હડ દિકરી યુવાનીના ઉંબરે પગ મૂકતાં સરિતા જેવી ઠરેલ બની સાસરવાસની વાટ પકડી પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ બનાવી પોતાના જીવનની ગાડી હાંકતી, કપરાં સંજોગોનો હિંમતભેર સામનો કરી સંસાર સાગર પાર કરી રહેલ અનેક યુવતીઓને આ કહાનીમાં પોતાની વીતક હોવાનો અહેસાસ થવાની સંભાવના ખરી. આજે હું પ્રીતિ પટેલ નામની યુવતીની વાત કરી રહી છું. મૂળ ધર્મજના શ્રી શાંતિભાઇ પટેલ અને વિરબાળાબહેનની દિકરી પ્રીતિ. મોહમયી મુંબઇ નગરીમાં જન્મ-ઉછેર, કુટુંબમાં ચાર દિકરીઓ અને એક દિકરો, એમાં સૌથી નાની પ્રીતિ એટલે ઘરમાં જવાબદારીનો બોજ પ્રમાણમાં જૂજ. જોકે દિકરીને ઘરકામ અને રસોઇની તાલીમ તો ઓછેવત્તે અંશે અપાય જ!
પ્રીતિને પરદેશ જવાના કોડ. બી.કોમ. થયા બાદ વિલાયતથી આવેલ મૂળ કરમસદના કેતન નામના યુવક સાથે ૧૯૯૩માં લગ્ન થયાં. જો કે દુકાન ચલાવવાની ન હોય એવા યુવકને પસંદ કરવાનું મનોમન નક્કી કરેલ. એને ખબર હતી કે દુકાનવાળાની જીંદગી અઘરી હોય છે.
કેતનના પિતા કાંતિભાઇ અને માતા ઇન્દિરાબહેનની દુકાન હતી પરંતુ એની ચિંતા પ્રીતિએ કરવાની નથી એવું એમણે સ્પષ્ટ કરેલ. દુકાન તો ટૂંક સમયમાં વેચી દેવાની છે. કેતને તો કોમ્પ્યુટર પ્રોગ્રામીંગનો અભ્યાસ કરેલ એથી લંડનની હાઇ સ્ટ્રીટ બેંકમાં સારી જોબ હતી. કેતન-પ્રીતિએ એકબીજા પર પસંદગીનો કળશ ઢોળ્યો. કોડીલી કન્યા પ્રીતિ પરિણિતા બની. શરૂમાં સાસુ-સસરા, જેઠ-જેઠાણી અને આ નવોદિત દંપતિએ સાથે રહેવાનું. સંયુક્ત કુટુંબના ફાયદા-ગેરફાયદા તો રહેવાના જ!
સમય જતાં રવિ અને પ્રિયેશ નામના બે દેવના દીધેલ દિકરાઓ પ્રીતિબહેનની કૂખે જન્મ્યાં. પ્રેગ્નન્સી દરિમયાન થોડા કોમ્પલીકેશન્સ થવાને કારણે તબિયત પર અસર થઇ. સુખી દામ્પત્ય જીવનમાં એકાએક ઝંઝાવાત આવ્યો.
માણસ ધારે શું અને બને શું? કેતનભાઇ મિલ્ટનકીન્સમાં કામ કરતા હતા અને હેડલીવુડમાં રહેતા. દરરોજ કાર લઇ જોબ પર જતા હતા. એક દિવસ કાર ડ્રાઇવ કરતા હતા અને અચાનક દર્દ થતાં બાજુમાં ગાડી ઉભી રાખી. એ વખતે સ્ટ્રોકનો હુમલો થતા એમનું પ્રાણ પંખેરૂં ઊડી ગયું અને પ્રીતિબહેનના જીવનમાં ગ્રહણ લાગ્યું.
નવેમ્બર ૨૦૧૪માં વૈધવ્યના એ કારમા આઘાતે જીવનમાં હલચલ મચાવી દીધી. મોટો દિકરો રવિ કેમ્બ્રીજમાં અભ્યાસ કરતો હતો. હવે શું? એકલતા અને આર્થિક ભારણનો બોજ માથે આવી ગયો. મેનેજ કરવાનો એકડો ક્યાંથી માંડવો એની સૂઝ નહિ!
પોતાની દર્દભરી કહાની જણાવતાં પ્રીતિબહેને કહ્યું, "અમારૂં ઘર ભાડે આપી કેમ્બ્રીજ રહેવા જવાનો અમે નિર્ણય લીધો. કેમ્બ્રીજમાં મિત્ર વર્તુળ પણ ખૂબ સારૂં છે. યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને મિત્રોના સાથ-સહકારથી અમે કેમ્બ્રીજમાં સેટલ થયા. જીવનમાં મારા દિકરાઓને બાપની ખોટ ના સાલે એ માટેની કોશીષ કરી રહી છું. આખરે "દુનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા...”ની જેમ કુદરતના પડકારને ઝીલ્યો. અમે સર્વાઇવ થયા. ઇશ્વરની કૃપાથી મોટો દિકરાએ ઇકોનોમીક્સમાં ડિગ્રી મેળવી અને વધુ અભ્યાસ જોબ સાથે કરવાનો નિર્ણય લીધો. એને ગવર્મેન્ટના લો ડીપાર્ટમેન્ટમાં જોબ સાથે ભણવાની તક મળી છે. હવે અમે લંડનમાં ઇસ્ટ બારનેટમાં ભાડે રહીએ છીએ. નાનો દિકરા પ્રિયેશે A લેવલ્સ કેમ્બ્રીજમાંથી કર્યા અને હવે સોફ્ટવેર પ્રોગ્રામીંગનો ડીપ્લોમા અભ્યાસ કરી રહ્યો છે. સાથે-સાથે પાર્ટ ટાઇમ જોબ કરી પોતાનો ખર્ચ ઉપાડી રહ્યો છે, લોન લીધા વગર. અને સમયાનુસાર ચેરિટીમાં અનુદાન આપી રહ્યો છે. બાપ-દિકરા વચ્ચે ખુબ જ બોન્ડીંગ હતું એથી પ્રસંગોપાત એમને પિતાની ખોટ સાલતી રહે છે. જે જિંદગીભર રહેવાની જ! બન્ને દિકરાઓ ખૂબ સમજુ છે. "મોટો દિકરો પોતે કુટુંબનો હેડ છે એટલે નાના ભાઇને ભણાવવાની જવાબદારી મારી છે. હું એનો પપ્પા બની મારી ફરજ અદા કરીશ" એમ કહે છે. એ સાથે જ પોતે લગ્ન પણ એવી છોકરી સાથે જ કરશે કે જે મમ સાથે રહેવા સંમત હોય. એવા ઉચ્ચ સંસ્કાર અને ભાવ માની મમતામાંથી જન્મે છે. ધન્ય છે એ જનનીને જેના આવા સંસ્કારી અને હોનહાર દિકરાઓ હોય. આ આપોઆપ નથી બનતું. એ માટે તમારે ઉદાહરણ સેટ કરવું પડે છે.