ભારતમાં સંયુક્ત કુટુંબો તૂટતાં જાય છે ત્યારે કાંતિભાઈ પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વિશિષ્ટ સંપીલા અને સંયુક્ત કુટુંબના વડા છે. પાંચ ભાઈ માત્ર સૂવા અને જમવાની સગવડ સાચવવા પૂરતા જ આજુબાજુના ઘરમાં રહે છે. એક જ ધંધામાં ભાઈઓ અને તેમનાં ભણેલાં અને પરણેલાં સંતાનોય ભેગાં રહે છે. કુટુંબના વડા કાંતિભાઈ માંડ ચાર ધોરણ સુધી ભણેલા અને બીજા ભાઈઓ તેમનાથી ઘણું વધારે ભણેલા. આમાંના હસમુખભાઈ એમ.બી.બી.એસ. થયા પછી એમ.એસ. થયા છે. બીજાની સર્જરી કરવાને બદલે તેમણે પોતાના સ્વભાવની સર્જરી કરી છે. ડોક્ટર હસમુખભાઈ ભાઈઓ સાથે રહેવા માટે ડોક્ટરી કરવાને બદલે ધંધામાં રહ્યા અને બધા ભાઈઓ કાંતિભાઈને પરિવારના વડા માનીને તેમનો પડ્યો બોલ ઝીલે છે.
સંપ અને પરસ્પર સ્નેહના સંબંધો ધરાવતો આ વિશિષ્ટ પરિવાર ભારતીય સંસ્કૃતિની સ્નેહગંગા છે. પરિવારની કથા રસપ્રદ છે. વેળા વેળાની તડકો-છાંયડો જોઈને, અનુભવે ઘડાઈને આ બંધુ પરિવાર ટક્યો છે. આ પરિવાર ચાર-ચાર પેઢીથી વેપારમાં છે.
ભારત, મોઝામ્બિક અને પોર્ટુગલ ત્રણ-ત્રણ દેશોમાં એના સંબંધોનો પથારો છે. દ્વારકા પાસેના ભાટિયા ગામના કાળાભાઈ કપાસ-કાલાના વેપારી અને ખેડૂત. તેમના પુત્ર ખીમજીભાઈ અનાજ-કરિયાણાના વેપારી થયા. અવારનવાર પડતા દુકાળથી વેપાર કે ખેતી સરખાં ના ચાલે. આથી ૧૯૩૧માં મોટા દીકરા વિઠ્ઠલદાસ અને પછી ૧૯૩૩માં તેથી નાના વલ્લભદાસ મોઝામ્બિક ગયા. ચાર ધોરણ ભણેલા પણ હોંશિયાર અને પછીથી અનુભવે ઘડાયેલા વલ્લભદાસે ૧૯૪૭માં મપુટુમાં દુકાન કરી.
વલ્લભદાસ અને શાંતાબહેનને પાંચ દીકરા અને બે દીકરી. આમાં ૧૯૪૮માં જન્મેલા કાંતિભાઈ મોટા. કાંતિભાઈ શાળાના સમય પછી અને રજાના દિવસે પિતાને દુકાનમાં મદદ કરતા. દુકાનમાં ઝાઝું કામ. બહારનો માણસ પૈસા આપીને રાખવાનું ના પોષાય. નવ જણનો પરિવાર અને તેને નભાવવો અઘરો. પરિવાર પ્રત્યેની લાગણીથી કાંતિભાઈ ભણવાનું છોડીને ધંધામાં જોડાઈ ગયા. કાંતિભાઈ અનુભવે ઘડાયા. કોઈના છીદ્રો ના શોધે, કોઈ સાથે સંબંધ ના બગાડે.
માની ભક્તિના સંસ્કારે ધર્મશ્રદ્ધા વધી. સાધુ-સંતો તરફ માન વધ્યું અને ભવિષ્યમાં વિદેશની ધરતી પર સાધુ-સંતોનો સધિયારો બન્યાં.
શાંતાબહેન અને વલ્લભદાસના બધાં સંતાનો મોઝામ્બિકમાં જન્મ્યાં. પ્રાથમિક શિક્ષણ મોઝામ્બિકમાં લીધું. કાંતિભાઈ સિવાયના બધાં સંતાનો પછીથી ભારતમાં ભણ્યાં.
મોઝામ્બિકની સરકારે સામ્યવાદીઓ સામેના સંઘર્ષમાં બધા નાગરિકો માટે લશ્કરી સેવા ફરજિયાત કરી. આથી કાંતિભાઈ, મહેન્દ્રભાઈ અને શશીકાંતભાઈ ચાર - ચાર વર્ષ લશ્કરમાં રહ્યાં. લશ્કરમાં બધાંએ કેપ્ટનનું માનવાનું. લશ્કરમાં શિસ્ત હોય. આ તાલીમથી કાંતિભાઈના પરિવારને લાભ થયો, લશ્કરમાં કેપ્ટનનું માનવું પડે. આથી ભાઈઓમાં શિસ્ત આવી. કાંતિભાઈ મોટા એટલે કેપ્ટન. બધાએ તેમને પરિવારના કેપ્ટન માન્યા. તેમની ઈચ્છા મુજબ કામ કરતા થયા. પરિવારમાં કાંતિભાઈને બધાએ વડા તરીકે સ્વીકાર્યાં. આમાંથી લિસ્બનના ગુજરાતી પરિવારોમાં સંપીલા અને સહિયારા પરિવાર તરીકે કાંતિભાઈનું સ્થાન સર્જાયું.
૧૯૬૧માં ભારતે ભારતમાંનાં પોર્ટુગીઝ સંસ્થાનો કબજે લીધાં તેથી મોઝામ્બિકે ભારતીયોની મિલકતો સીલ કરીને ભારતીયોને લશ્કરી છાવણીમાં રાખ્યાં. વલ્લભદાસના પરિવારને આ રીતે છ માસ રહેવું પડ્યું. ત્યાં ગંદકી, અપૂરતો અને ઠેકાણાં વગરનો ખોરાક અને મચ્છરોનો ત્રાસ. અંતે બધાંને દેશ છોડવા આદેશ મળ્યો. ૧૯૬૨ના અંતે વલ્લભદાસે દેશ છોડીને ભારત આવીને જીવતા રહેવા ભાત-ભાતના ધંધા કર્યાં. ૧૯૭૪માં મોઝામ્બિકે પાછા ફરવાની છૂટ આપતાં ૧૯ વર્ષની વયે કાંતિભાઈ મોઝામ્બિક ગયા. બે વર્ષ નોકરી કરીને પછી કાપડની દુકાન અને સુપર માર્કેટ ખરીદ્યું. દેશમાંથી ભાઈઓ પણ આવ્યા હતા. પછી સામ્યવાદી શાસન આવતાં ૧૯૮૫માં કાંતિભાઈ મોઝામ્બિક છોડીને લિસ્બનમાં આવ્યા અને માત્ર ૨૦ ચોરસ વારની નાનકડી દુકાન કરી. ધંધો જામ્યો. બીજી ભાત-ભાતની ચીજવસ્તુ મંગાવતા થયાં. આજે ૮૦૦૦ વારના પોતાની માલિકીના મકાનમાં તેમનો ધંધો ચાલે છે. ઓફિસ સપ્લાય, સ્ટેશનરી અને ભાત-ભાતની ચીજો ભારત, ઈટલી, સ્પેન, જર્મની, તાઈવાન, હોંગકોંગથી મંગાવે છે. વર્ષે દસ લાખ કરતાં વધારે યુરોનો એમનો વેપાર છે. આ ઉપરાંત રિઅલ એસ્ટેટના ધંધામાં એમની પાસે જમીન છે.
કાંતિભાઈ શિરપાબહેનને પરણ્યાં છે. બંને દીકરા ચેતન અને ચિરાગ ધંધામાં છે. બધા ભાઈઓ ધંધામાં ભેગાં હોવાથી કાંતિભાઈને જાહેર જીવનમાં ભાગ લેવાની તક મળે છે. પારકી ભૂમિમાં બધા ગુજરાતી અને હિંદુ ભેગાં મળીને વિચારવિનિમય અને પ્રવૃત્તિ કરે તો પરસ્પર હૂંફ મળે. વધારામાં ધર્મપાલન થઈ શકે. જ્યાં ઉત્સવોની ઊજવણી અને પૂજા-પાઠ, ભજન, બાધા, લગ્ન વગેરે થઈ શકે તેવા સ્થળની જરૂર હતી. તેમણે ૧૯૯૩માં સાત મિત્રો સાથે મળીને શિવ ટેમ્પલ એસોસિએશનની સ્થાપના કરી. ટ્રસ્ટના ઉપક્રમે હિંદુ તહેવારો ઊજવવા માંડ્યાં. આ પ્રવૃત્તિની રજૂઆત સરકારમાં કરી. અમલદારો સાથે સંબંધો હતાં. રજૂઆત કરતાં સરકારે ૧૬ હજાર ચોરસ મીટર જમીન ટ્રસ્ટને વિનામૂલ્યે આપી. ૨૦૦૧માં સ્વામી સત્યમિત્રાનંદજી પાસે ખાતમુહૂર્ત કરાવીને ૧૦૦૦ ચોરસ મીટરનો ભવ્ય હોલ બંધાવ્યો. આમાં જ મંદિર કર્યું. આમાં ભગવાન શિવ ઉપરાંત બીજા દેવોની પ્રતિમાઓ પણ છે. મંદિરમાં વિના ફીએ ગુજરાતી ભાષાના વર્ગો ચલાવાય છે. અવારનવાર સંતોને આમંત્રીને કથા-સત્સંગ વગેરે યોજે છે.
કાંતિભાઈ ભારતીય સંસ્કૃતિના ચાહક છે. કોઈ પણ સારા કામના સાથીદાર બનીને સાથ આપે છે. ગુપ્ત દાનમાં બંધુ પરિવાર માને છે. દેશમાં અને લિસ્બનમાંય શિક્ષણમાં મદદરૂપ થાય છે. સંપ, સહકાર અને સ્નેહથી તે શોભે છે.