વાત એકલી નવી ઈમારતની નથી, તેના આત્માની પણ છે. નવું સંસદ ભવન તેના નવાં સત્રથી કામ કરતું થઈ ગયું. તેમાં શરૂઆતમાં લેવાયેલા નિર્ણયો ઐતિહાસિક અને નિર્ણાયક છે. મૂળ પ્રશ્ન એ છે કે ભારતીય પ્રજાની પીડા અને ખેવનાનું પ્રતિનિધિત્વ કરતું આ સંસદ ભવન બધી રીતે નુતન મિજાજ બતાવશે? આગામી વર્ષોમાં દેશ અને દુનિયાના પડકારોની સામે તાકાતથી ઊભા રહેવાની સ્થિતિને મજબૂત બનાવશે? એક પત્રકાર મિત્રે મને દિલ્હીમાં નવાં સત્રની કાર્યવાહીને મીડિયા લોબીમાંથી નિહાળ્યા પછી ફોન કરીને કહ્યું કે હવે “લ્યુટન-મુક્ત”વિચારોનો આ સમય છે. વાત તો સાચી છે. લ્યુટન તો બ્રિટિશરોએ દિલ્હીની તે સમયની એસેમ્બલીની અને બીજી ઇમારતોનું નિર્માણ કર્યું હતું,
પણ પછી ભારતીય સ્વતંત્રતા આવી, નવું સંવિધાન અને સ્વાધીન સરકાર રચાઇ, પોતાનું ન્યાયતંત્ર અને પ્રશાસન બન્યા તો પણ પેલી બ્રિટિશ નજરે જોવાની અને ભારતીય મૂળિયાં ધરાવતી જીવન શૈલી અને વિચારને અપનાવવાને બદલે પશ્ચિમી નજરે જોનારાઓનો બોલકો વર્ગ રહ્યો, તેને “લ્યુટિનીયન” કહેવામા આવે છે, અને “ખાન માર્કેટના બૌદ્ધિકો” તરીકે મજાક કરવામાં આવે છે.
આઝાદીના 75 વર્ષો પછી પણ જો પોતાનું ગૌરવ સ્થાપિત કરવામાં આવા અવરોધો હોય તો એક બાબત સ્પષ્ટ છે કે જલ્દીથી લ્યુટન-મુક્તિ તરફ જવું રહ્યું. તેવા પ્રયાસો પણ શરૂ થયા. 200 વર્ષની સામ્રાજ્યવાદી પડછાયે “ઈન્ડિયા ધેટ ઇસ ભારત”ની માનસિકતા ગઈ નહિ, સંવિધાનકર્તા પણ તેનાથી બચી શક્યા નહિ. ભારતને સુખી કરવા માટે નહિ પણ પોતાનું રાજ હેમખેમ રાખવામાં મદદ થાય તેવા ણ કાયદાઓને “લો એન્ડ ઓર્ડર” નામ આપ્યું. મેકોલેથી રોલેટ સુધીના પ્રયાસો જુઓ તો પણ ખ્યાલ આવી જશે કે ભારતીય શિક્ષણને તદ્દન નેસ્તનાબુદ કરવાનો અને સાઈમન કમિશનથી માંડીને રોલેટ સુધીના કાનૂની સકંજાથી યુવા ક્રાંતિકારોને ફાંસી, આંદામાન અને યાતનાઓ આપવામાં તેઓએ કશું બાકી રાખ્યું નહોતું. એજ કાયદાઓ સ્વરાજ પછી લાંબા સમય સુધી ચાલુ રહ્યા, “રાજદ્રોહ” એકલો નહિ, બીજા એવા જ પરેશાની પેદા કરતા કાયદાઓ હતા. મોદી સરકારે તેમાના ઘણા કાયદાઓને સમાપ્ત કર્યા તે સારું જ થયું. આવું જ બીજું કામ આક્રમકોએ નગરોને આપેલા નામો બદલાવવાની પ્રક્રિયા ચાલુ થઈ. દક્ષિણના રાજ્યોએ , પોતાના મૂળ નામો સ્થાપિત કરવાનું પગલું લીધું તે પછી ઇલાહાબાદ, મુઘલસરાઈ જેવા નામો વિસરાઈ જવા માંડ્યા છે. દિલ્હીના કેટલાક માર્ગોનું નવું નામકરણ થયું. સંસદમાં દક્ષિણ ભારતના ધર્મ-દંડનું સ્થાપન થયું. અને હવે ભારત નામ ગાજવા માંડ્યુ.
આ તો કેટલાંક ઉદાહરણો છે. સંભવ છે કે પોલીસ જે રીતે “રાજદ્રોહ”ની કલમનો ઉપયોગ કરે તે સમાપ્ત થાય.પણ હજુ ઘણું બાકી છે. ભારતીય સંવિધાન અર્થાત બંધારણની રચના થઈ ત્યારે જ કેટલી મથામણ શરૂ થઈ ગઈ હતી. તત્કાલિન બધા રાજનેતાઓ ભારતને ભારત જેવુ બનાવવા માગતા હતા. પણ એવું સંપૂર્ણ રીતે થઈ ના શક્યું. કેટલાક નિષ્ણાતોના અભિપ્રાય મુજબ 1935માં બ્રિટિશ સરકારે ભારતીય સત્તાનું માળખું રચ્યું હતું તેને જ અનુસરવામાં આવ્યું. ભારતની પોતાની ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાનો કોઈ નિર્ણય ના લેવાયો, અને હિન્દીને રાજભાષા તરીકે વિકસિત કરાશે એટલું જ કહેવાયું. સંવિધાનનો 17મો ભાગ 343થી 351 અનુચ્છેદ ઉપધારાનો બનેલો છે તેમાં નોંધવામાં આવ્યું કે ભારતીય સંઘની રાજભાષા હિન્દી અને દેવનાગરી લિપિ રહેશે. રાજ્યોમાં વસતિના પ્રમાણ મુજબ ભાષા નક્કી થશે પણ તમામ પ્રાંતોની સંપર્ક ભાષા હિન્દી રહેશે. આ વિભાગના ત્રીજા પ્રકરણમાં અદાલતોમાં અંગ્રેજીના પ્રાધાન્યનો સ્વીકાર કરવામાં આવ્યો. ચોથા પ્રકરણમાં પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનું માધ્યમ રાખવામા આવે. અંતિમ પ્રકરણમાં એટલું કહેવાયું કે હિન્દીના પ્રચારપ્રસારની ફરજ કેન્દ્રની છે. આજે શી હાલત છે? છેક ગામડેથી આવેલો ફરિયાદી કે આરોપી સર્વોચ્ચ અદાલત સુધીમાં ક્યાંય પોતાની ભાષામાં ન્યાય પ્રાપ્ત કરે છે? મને 1857ના ઈતિહાસનું એક ઉદાહરણ યાદ આવે છે. આણંદના મુખી ગરબડદાસ પટેલની સામે રાજદ્રોહ અને હથિયાર ઉઠાવવાનો મુકદ્દમો ચાલ્યો અને તેને આંદામાનની જનમટીપ સજા ફરમાવવામાં આવી તે આખો મુક્દમો અંગ્રેજી ભાષામાં હતો, ને સજા પણ એજ ભાષામાં! ભારતમાં ન્યાયની ભાષા હિન્દીમાં અથવા તે પ્રદેશની ભાષામાં હોવી જોઈએ કે નહિ?
હિન્દીને રાષ્ટ્રભાષા સ્થાપિત કરવાની માગણી તો સંવિધાન સભાના પહેલા જ દિવસે 10 ડિસેમ્બર, 1946ની બેઠકમાં થઈ હતી. આજે તો કોઈને એ નામ યાદ પણ નહિ હોય, રઘુનાથ વિનાયક ધૂલેકરે જવાહરલાલ, આંબેડકર, રાજેન્દ્રપ્રસાદ આચાર્ય કૃપાલાની જેવા ધુરંધરોની વચ્ચે ઊભા થઈને એક સુધારો રજૂ કર્યો, કેમ કે આચાર્ય કૃપાલાનીનો સંવિધાન વિશેનો પ્રસ્તાવ આખો અંગ્રેજીમાં હતો. હિન્દી સ્ટેનોગ્રાફરની કોઈ સગવડ નહોતી. ધૂલેકરે કહ્યું કે હું અંગ્રેજી જાણું છું પણ બોલીશ હિન્દીમાં. આ આખો ડ્રાફ્ટ હિન્દીમાં પણ હોવો જોઈએ. અચાનક આવી રજૂઆતથી ઉહાપોહ થયો. જવાહરલાલ આગલી હરોળથી ઊભા થઈને ધૂલેકરની પાસે આવ્યા. ગુસ્સાભેર બોલ્યા કે આ સંવિધાન સભા છે, ઝાંસીની સભા નથી કે ભાઈઓ, ભાઈઓ કરવા માંડ્યા છો. ધૂલેકર વિદ્વાન હતા, કોલકાતા વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી ભાષામાં અનુસ્નાતક થયા હતા, કાનૂનના નિષ્ણાત હતા. હિન્દીનો પ્રથમ શબ્દકોષ રચ્યો હતો. તિલક અને ગાંધીજીના અનુયાયી હતા. અનેકવાર જેલવાસી બન્યા હતા. ઝાંસીના નિવાસી હતા. જુઓ તો ખરા કે સંવિધાન સભાની કાર્યવાહી નોંધમાં આ ચર્ચાને ગૂમ કરી દેવામાં આવી એવું ખુદ ધૂલેકરે સરસ્વતી સામયિકના તંત્રી શ્રીનારાયણ ચાતુર્વેદીને પ્રત્યક્ષ જણાવી હતી.
કહેવાનું તાત્પર્ય એ જ છે કે જૂના ભવનથી નુતન સંસદ ભવન સુધી પહોંચવાનો આ ઐતિહાસિક અવસર મોદી-સરકારે પેદા કર્યો, સંસદીય લોકતંત્રની ગંગોત્રી તો સંવિધાનમા છે તે મોદી બરાબર જાણે છે. હવે ભારત અને ભારતીયતાને અનુરૂપ મજબૂત સમાજ અને શાસનની છે.