હોંગ કોંગમાં કલરસ્ટોનના ક્ષેત્રે સમૃદ્ધ વ્યવસાયી અને યુવાપ્રવૃત્તિમાં અગ્રણી સુરેશ ઘેવરિયા કહે, ‘સ્વાધ્યાય પ્રવૃત્તિના કારણે અમારાં બાળકો પ્રાર્થના કરીને સૂતાં થયાં છે અને સવારે ઊઠીને વડીલોને પગે લાગતાં થયાં છે.’ હોંગ કોંગમાં આ સંસ્કાર સંવર્ધક પ્રવૃત્તિના આરંભક અને પ્રણેતા છે પ્રવીણભાઈ ડોંડા. તેઓ સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવે છે. સાથે સાથે મહિલા કેન્દ્ર પણ ચાલે છે. દર શુક્રવારે રાત્રે ૯-૩૦થી ૧૦-૩૦ સુધી સ્વાધ્યાયમાં ભેગા થનાર કોઈ એક વિષયની ચર્ચા કરે, પ્રેરક સાહિત્ય વાંચે, પ્રાર્થના કરે. આ રીતે ભેગા થનાર ૩૦થી ૩૫ વ્યક્તિ હોય.
પારકી ભૂમિમાં ગુજરાતીઓ જ્યાં થોડા હોય ત્યાં આવી રીતે ભેગા થઈને પોતાની ભાષા બોલે, એકબીજાને હળેમળે એમાંથી બંધુતા, મમભાવ અને શક્તિ સર્જાય. સાંસ્કૃતિક વારસો જળવાય. મહિલા કેન્દ્ર મહિને એક વાર ચાલે. નગરોમાં આજે સમૃદ્ધ પરિવારની મહિલાઓ કીટી પાર્ટી યોજે. તેમાં ખાવા-પીવાની, ફેશનની, પોતાના શોખની વાતો ચાલે. સ્ત્રીઓ ફેશનની પૂતળી બનીને આવે. એને બદલે અહીં મહિલાઓ કોઈ એકાદ પુસ્તક વાંચે. પુસ્તકમાંના વિચારો અને વિગતોની ચર્ચા કરે. આને કારણે અલ્પશિક્ષિત મહિલાઓનું જ્ઞાન વધે, એનો આત્મવિશ્વાસ વધે. ક્યારેક મહિલાઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો એકબીજાને કહે, મન હળવું કરે અને માર્ગદર્શન મેળવે. મહિલાઓ આને કારણે પલટાતા જમાનાની તાસીરનો ખ્યાલ પામે. એકબીજા સાથે સમજ અને સંબંધ દૃઢ બને. મહિલા સશક્તિકરણ થાય. ભારતીય પરંપરા અને મહાપુરુષો વિશે માહિતગાર થાય. આનો અમલ ઘરમાં થતાં બાળકો સંસ્કારી, ચારિત્ર્યવાન અને વ્યસનરહિત બને. બાળઘડતર દ્વારા તેઓ રાષ્ટ્રની વિધાયિકાઓ બને. પેલી પંક્તિ, ‘જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે’ સાર્થક થાય. આમ હોંગકોંગના ગુજરાતીઓમાં પ્રવીણભાઈનું આ કામ નક્કર અને સર્જનાત્મક છે.
પ્રવીણભાઈની આ સંસ્કારિતામાં દાદીમા કાશીબાના સંસ્કારવારસાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પતિ કરમશીભાઈનું અવસાન પુત્ર નરસિંહના બાળપણમાં થયેલું. કરમશીદાદા પાસે જમીન હતી, પણ માઠાં વર્ષોમાં જમીન ગીરો મૂકાયેલી. વિધવા કાશીબાએ ત્યારે હિંમત ના ગુમાવી. કાશીબાએ સખત મહેનત કરી, ભેંસો રાખી. મજૂરો અને ભાગિયાઓથી ખેતી કરી. ગીરો જમીન છોડાવી.
કાશીબા લખી-વાંચી જાણતાં. તેમને આવક-જાવકનો હિસાબ રાખતાં આવડે. એક પૈસો ય ખોટો ના ખર્ચાય તેનું ધ્યાન રાખે. ફસલ વેચતી વખતે બરાબર હિસાબ ગણીને વેચે અને પૈસા વસૂલે. તેમની મહેનત સમાજમાં કુટુંબનું માન વધ્યું. આકળા ગામમાં તેમની નેતાગીરી થઈ. લાઠી તાલુકા પંચાયતના એ સભ્ય બનેલાં. પોલીસ કેસ હોય કે સરકારી ઓફિસનું કામ હોય, કાશીબા સૌનાં સાચા કામમાં સાથી. તેઓ કામ પતાવી આપે. આગવી કોઠાસૂઝ વાળાં. તેઓ ચિત્રકામ જાણે.
કાશીબાના દીકરા નરસિંહભાઈ ૬૦ વીઘા ખેતીની જમીન ધરાવે. નરસિંહભાઈ અને શિવકુંવરબાના સાત સંતાનોમાં ૧૯૫૫માં જન્મેલા પ્રવીણભાઈ બીજા નંબરે. સાત ધોરણ સુધી ગામમાં ભણીને મામા ભગવાનભાઈએ હાથ પકડમાં સુરત જઈને ત્રણ માસમાં હીરા ઘસવાનું શીખી લીધું, ૧૯૭૯માં હીરા ઘસવાની બે ઘંટી કરી. ૧૯૯૦ સુધીમાં ૪૦ ઘંટી થઈ, તેમાં ૧૫૦ માણસને રોજી મળતી. મંદી આવતાં દૂધ, દહીં, પેંડા, ઘી બનાવીને ચાર વર્ષ કાઢ્યા.
સુરતથી તૈયાર હીરા લઈને મુંબઈ જતા. વેપારીઓ પાસે ઉઘરાણી કરવા જાય તો વાયદા થાય. હોટેલમાં રહેવું પડે. જવા-આવવાનો ખર્ચ થાય. આ બધાને બદલે ૧૯૯૭માં વિચાર્યું હોંગ કોંગમાં ઓફિસ કરવાથી ફાયદો થાય. હોંગ કોંગ ગયા. દલાલો શોધીને મળે, પણ ભાષાની મુશ્કેલી. હિંમત ના હાર્યાં. હીરાના વેપારીઓની ઓફિસ નજીક રહેવાનું મકાન રાખ્યું. જેથી ટેક્સીનો ખર્ચ બચે. શરૂમાં એકલા રહ્યા. ઓસ્ટ્રેલિયા અને ભારતથી માલ મંગાવે અને વેચે.
પ્રવીણભાઈ ૧૯૭૫માં વીસ વર્ષની વયે વસંતબહેનને પરણ્યા હતા. મોટો પુત્ર રશ્મિકાંત ન્યૂ યોર્કમાં ભણીને એન્જિનિયર થયો છે. એમની પત્ની રીમા એમ.કોમ. છે. નાના જિજ્ઞેશે સ્વિત્ઝર્લેન્ડમાં ભણીને બિઝનેસમાં ડિગ્રી મેળવી છે. એની પત્ની વિભા ગ્રેજ્યુએટ છે. આમ પ્રવીણભાઈ એમના સંજોગોમાં ના ભણ્યા તેનો તેમનો વસવસો પુત્રોને ભણાવીને પૂરો કર્યો છે. પ્રવીણભાઈએ શુન્યમાંથી સમૃદ્ધિ સર્જી છે.
પ્રવીણભાઈએ ભલે જાતે ઊભું કર્યું હોય પણ તે એકલપેટા કે અભિમાની નથી. ભાઈઓ સાથે ધંધામાં ભાગીદારી છે. જિજ્ઞેશ મુંબઈમાં રહે છે તો રશ્મિકાંત પ્રવીણભાઈ સાથે હોંગ કોંગ રહે છે. પ્રવીણભાઈના સંયુક્ત કુટુંબમાં ૩૨ વ્યક્તિ છે.
સંયુક્ત કુટુંબની ભાવનાથી શોભતા પાંચેય ભાઈઓ ધંધામાં સાથે છે. નાના ભાઈ અશોકભાઈ જાહેરજીવનમાં ભાગ લે છે. સુરત પટેલ સમાજમાં તે ટ્રસ્ટી છે. મુંબઈના પટેલ સોશિયલ ગ્રુપમાં ટ્રસ્ટી છે. મનોજભાઇ એમ.એ. થયા છે અને ખરીદી સંભાળે છે. મુકેશભાઈ ફેક્ટરી સંભાળે છે તો જીતુભાઈ રિઅલ એસ્ટેટના વ્યવસાયમાં છે. સંયુક્ત કુટુંબ ટક્યું છે, સંસ્કાર ટક્યા છે તે જોઈને દાદીમા કાશીબાના આત્માને સ્વર્ગમાંય સંતોષ થતો હશે.
પ્રવીણભાઈનો પરિવાર કમાય છે અને દાન કરે છે. વતન અકાળામાં દાદીમાનાં નામે કે. કે. ડોંડા વિદ્યામંદિર કર્યું છે. પોતાની કૂળદેવી ખોડિયાર માના મંદિર નજીક ‘કાશીબહેન કરમશી ડોંડા’ ધર્મશાળા બાંધી છે.
વિપત્તિ વિદ્યાલયમાં ઘડાયેલા પ્રવીણભાઈ ગજબની કોઠાસૂઝ ધરાવે છે. તાઈવાન, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, બેલ્જિયમ, ઈઝરાયલ, દુબઈ અને યુરોપના સંખ્યાબંધ દેશોનો પ્રવાસ એમણે સજોડે કર્યો છે.
પ્રવીણભાઈ દિવસભરના કામ પછી સાંજે ઘરે આવે ત્યારે સ્નાન કર્યાં પછી પૂજા કરે, હનુમાન ચાલીસા કરે અને પછી જ જમે. સવારે ઓફિસે જાય ત્યારે ગીતા પાઠ કરીને જ જાય. સ્ત્રીઓ પણ આ રીતે રોજ પાઠ અને પૂજા કરે છે.
૨૧મી સદીમાં ૧૯મી સદીનું આતિથ્ય ધરાવતો આ પરિવાર હોંગ કોંગમાં સંસ્કાર અને પરંપરા અને સમૃદ્ધિનો સર્જક એવો આ વિશિષ્ટ ગુજરાતી પરિવાર છે.