ગુરુ શોધનાર જીવતી વ્યક્તિને ગુરુ માને. જેમને જોયા પણ ન હોય અને જે હયાત પણ નથી એવાને ગુરુ માનનાર છે દિલીપ બારોટ. બી.ફાર્મ. થયેલ દિલીપભાઈએ અમેરિકા આવ્યા પછી એ જ્ઞાનનો ઉપયોગ ન કર્યો પણ ફાર્મસી કોલેજમાં ભણતી વખતે સહાધ્યાયિની વણિક પુત્રી ગોપીને જીવનસંગિની બનાવી. કોલેજ વખતે વાચનનો શોખ. અમેરિકા ૧૯૮૨માં આવ્યા ત્યારે એ શોખ ચાલુ. તેમાં કિશોરલાલ મશરૂવાળા અને તેમના ગુરુ કેદારનાથજી વિશે વાંચતાં ખૂબ પ્રભાવિત થયા. તેમણે કેદારનાથજીને ગુરુ માન્યા. કિશોરલાલ અને કેદારનાથજી બંને જેને આદરણીય માનતા એવા ગાંધીવિચારના પ્રભાવે સેવાની ભાવના વધી. આમાંય ભારતીય રેલવેના કર્મઠ અને સેવાભાવી કર્મચારી પિતા સોમાભાઈ બારોટનો સંસ્કારવારસો અને અવારનવાર તેમણે વ્યક્ત કરેલી ઈચ્છા કે ‘કર્મભૂમિ અને જન્મભૂમિમાં માણસ સ્વમાનભેર રોટલો રળી શકે તેવું તેમનો પુત્ર કરે.’
દિલીપભાઈએ પિતાની ઈચ્છા અને ગુરુ કેદારનાથજીના વિચારને ધ્રુવતારક માનીને જીવનની દિશા નક્કી કરી. એમણે ‘સાહસે વસતિ શ્રી’ એ સિદ્ધાંતને અનુસરીને સતત પુરુષાર્થ કર્યો. પત્ની ગોપીબહેને તન-મનથી સાથ આપ્યો. એમની હોંશ ટકાવી રાખી. કપરા દિવસોમાં ધીરજ રાખી. પતિના કામમાં ક્યારેય આડખીલી ના કરી કે મોં ના મચકોડ્યું. આજે દિલીપભાઈ અમેરિકાના યુવા ઉદ્યોગપતિ તરીકે નામના ધરાવે છે.
એમના સાહસ, વૈવિધ્ય અને સૂઝનો પાર નથી. બધાનું અંતિમ લક્ષ્ય છે માનવીને રોજગારી મળે તે. માણસને આશરો મળે તે. ગુજરાત અને અમેરિકામાં ધંધા-રોજગારના વિકાસમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે.
ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગરમાં તેમણે ઈન્ફોસિટી પાર્કનું સર્જન કર્યું. કંપનીની ૧૫૦ એકર જમીનમાં તે ફેલાયેલો છે. આમાં જુદી જુદી આઈટી કંપનીઓને બાંધકામ કરીને તેમણે જગ્યા ભાડે આપી છે, જેમાં કંપનીઓની ઓફિસ કે ઉત્પાદનસ્થળ હોય. આમાં ટીસીએસ એટલે કે તાતા કન્સલ્ટન્સી કંપનીમાં ૪૦૦૦ માણસ કામ કરે છે. આ ઉપરાંત ટેક્સાસની ઈ-ટેક, માઈક્રોસોફ્ટની ઓફિસ અને બીજી ઘણી ઓફિસો છે. આ જ સંકુલમાં કેટલીક બેંકો અને મોલ છે. અમેરિકા જેવી લીલોતરી, રસ્તા, સ્વચ્છતા અને સગવડો ઈન્ફોસિટીમાં છે. અહીં ૨૦૪ જેટલા એપાર્ટમેન્ટ આઈ.ટી.માં કામ કરતા માણસો માટે છે. ઈન્ફોસિટીમાં ૧૫,૦૦૦ માણસો કામ કરે છે. આટલી મોટી રોજગારીને લીધે ગાંધીનગર અને ગુજરાતને ફાયદો થયો. અહીં કર્મચારીઓ નજીકમાં રહેવાનું પસંદ કરે. એને લીધે ગાંધીનગરમાં સિનેમાગૃહો, રેસ્ટોરાં, સ્ટોર્સ, દુકાનો, દરજી, ધોબી, ડોક્ટર એ બધાને ગ્રાહકો મળતાં તેમની આવક વધે. આ ઈન્ફોસિટીની ૮૯ ટકા માલિકી દિલીપ બારોટ અને ૧૧ ટકા ગુજરાત સરકારની છે.
દિલીપભાઈ ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં આવેલી ઈ-ટેક કંપનીના સ્થાપક છે. આ કંપનીનું મૂળ નામ બેલસાઉથ હતું. પછીથી એટીએન્ડટી બની. આના કોન્ટેક્ટ સેન્ટરનું ઓપરેશન ઈ-ટેકે. ખરીદ્યું. આ કંપની એટીએન્ડટી, સ્પ્રિન્ટ, વેરાઈઝોન, ટાઈમ વોર્નર જેવી મોટી કંપનીઓને કરોડો ગ્રાહક મેળવી આપવાનું કામ કરે છે. મેળવેલા ગ્રાહકો કાયમ જળવાઈ રહે એ કામ પણ ઈ-ટેક સંભાળે છે. આરંભમાં આમાં ૪૦૦ માણસ કામ કરતા હતા. હાલ ૩૩૦૦ કર્મચારી છે. ઈ-ટેકમાં ૧૦૦૦ માણસ ભારતમાં, ૨૦૦૦ અમેરિકામાં અને જમૈકામાં ૩૦૦ કામ કરે છે.
દિલીપભાઈની બીજી કંપની વાયમેક્સ (Wimax) છે. આ કંપની ફ્લોરિડામાં કામ કરે છે. આ કંપની ઈન્ટરનેટ, ફોન, મકાન કે મિલકતને સિક્યુરિટી પૂરી પાડે છે. એન્ટરટેઈન્મેન્ટની કેબલ સર્વિસ પૂરી પાડે છે. ભાડાના એપાર્ટમેન્ટોને તે બધી સેવા પૂરી પાડે છે.
દિલીપ બારોટ પાસે ઓછી આવકવાળી વ્યક્તિઓ માટે ફ્લોરિડા, લાસ વેગાસ, જ્યોર્જિયા એ બધાં રાજ્યોમાં થઈને છ હજાર કરતાં વધારે એપાર્ટમેન્ટ છે. આમાં લાયબ્રેરી, કોમ્યુનિટી રૂમ, રમતગમતની સગવડો છે. સરકારની સહાય વિના આવી વસાહત ઊભી કરવાનું કામ સરળ નથી. આમાં બાંધકામ, જમીન અને જરૂરી સાધનો માટે મોટું રોકાણ જોઈએ. એપાર્ટમેન્ટ બનાવીને વેચવાના હોય તો વેચાતાં રકમ છૂટી જાય. ભાડાના એપાર્ટમેન્ટમાં એવું ના થાય. આથી રોકાણકાર ધીરજવાળા જોઈએ. તેને ખાતરી થાય કે ભાડાની આવક વ્યાજ જેવી-જેટલી થશે તો જ રોકાણ કરે.
ઓછી આવકવાળી વ્યક્તિઓને તેમની આવક જોઈને એપાર્ટમેન્ટમાં એમને અપાનાર રૂમની સંખ્યા પ્રમાણે ભાડું નિયત કરાય છે. ઓછું ભાડું હોય તો જ રહેવા આવનારને પોષાય. ભાડે આપ્યા પછી ભાડાની નિયમિત ઉઘરાણી કરવી પડે. રહેનાર દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને મકાનમાં ભાંગફોડ ના કરે એ પણ જોવું પડે. રહેનારની નોકરી જાય તો બીજી નોકરી કે રોજગારીમાં મદદરૂપ થવું પડે. આવા માટે જરૂર હોય તો ગૃહઉદ્યોગ કે તાલીમની વ્યવસ્થા પણ કરે છે. કેદારનાથજી અને ગાંધીવિચારથી પ્રભાવિત દિલીપ બારોટ આવી વસાહતોને ગાંધીજીની કલ્પનાના ગામ જેવી કરવા માગે છે. આ બધી વસાહતોમાં પ્લમ્બિંગ, ઈલેક્ટ્રિક કામ, સફાઈ, રંગરોગાન, લોન કાપવી એ બધા માટે અહીં રહેનાર તૈયાર હોય તો એને જ પ્રથમ પસંદગી આપે છે. જુદી જુદી વસાહતોમાં કાયદાની રીતે કોમ્યુનિટી હોલ કરવાનું ફરજિયાત નથી, છતાં દિલીપ બારોટ પોતાના ખર્ચે કરે છે. આવા હોલમાં જરૂરી માર્ગદર્શન કે શિક્ષણના વર્ગો પણ સ્વખર્ચે ચલાવે છે. સરકારે કરવાનું કામ પોતાના ખર્ચે કરી દિલીપ બારોટ પોતે વ્યક્તિરૂપ સંસ્થા બન્યા છે.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય અને અનુભૂતિ એક જ સ્થળે થાય તેવું કરવાનું તેમનો પ્રોજેક્ટ છે. આ છે ‘અમ્રિત વેલનેસ’. દક્ષિણ ફ્લોરિડાના સિંગર ટાપુ પર તેમણે એક રિસોર્ટની યોજના આરંભી છે. અહીં પૂર્વના વિચારો, આચાર અને આહારની ઉપસ્થિતિ હશે. યોગના પ્રવચનો, વર્ગ, પ્રદર્શન વીડિયોદર્શન મારફતે માણસ તન અને મનથી શાંતિ પામે, તાજગી મેળવે અને છતાં પશ્ચિમી જીવનની સગવડો સાથે રહીને પૂર્વનું ચિંતન અને પશ્ચિમનું જીવન માણી શકે. આત્મા અને એટમ (સાયન્સ)ના સુભગ સમન્વયનું અહીં આયોજન છે.
દિલીપ બારોટ એ સ્વપ્નસેવી અને તે સપનાં સાકાર કરવાનો પુરુષાર્થી જીવ છે. શાકાહારી વાનપ્રસ્થો માટે આહાર, આવાસ અને આનંદપૂર્ણ જીવન માટેની એક વસાહત એ કરવા માગે છે. જ્યાં પાછલી વયે વાનપ્રસ્થો સમૂહજીવનનો આનંદ અનુભવે.
દિલીપ બારોટ જનહિતાય કાર્યોને લીધે સંસ્થારૂપ વ્યક્તિ છે.