૧૯૭૮માં ભારત સરકારે બનાવટી નોટોથી બચવા એક હજાર રૂપિયાની નોટો બંધ કરી. બેંકમાં એ નોટ ભરીને નાની નોટ મેળવવી પડે ત્યારે ૨૦ વર્ષના એ યુવક પાસે ૧૦૦૦ રૂપિયાની ૬૦ નોટ હતી. ૫૦ અને ૧૦૦ રૂપિયાની સંખ્યાબંધ નોટ હતી. નાની વયનો સાત ધોરણ ભણેલ આ યુવક અરવિંદ માવાણી.
અરવિંદભાઈ હાલ પંદર-સત્તર દેશો સાથે હીરાનો વેપાર કરે છે. રશિયા, દુબઈ, બેલ્જિયમ, સિંગાપોર, ઈઝરાયેલ, ઝઈર, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, ચીન વગેરે દેશોમાં હીરા ખરીદવા ગયા હોય ત્યારે એમને ભાષાનું બંધન નડતું નથી. કોઠાસૂઝ અને સાહસના સથવારે એ પહોંચી વળે છે. દુબઈમાં સખત ગરમી હોય તો ગીનીમાં વરસાદ, એન્ટવર્પમાં ઠંડી હોય અને સાઈબિરીયામાં શૂન્યથી નીચે ૪૦થી ૫૦ ફેરનહિટ ઠંડી હોય, ત્યાંય અરવિંદભાઈ દિવસો સુધી રહ્યા છે. બીજા લોકો જ્યાં જતાં સાત વાર વિચારે ત્યાં અરવિંદભાઈ ઝંપલાવી દે.
અરવિંદભાઈ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કામ કરતી ૨૨ જેટલી સંસ્થાઓમાં ટ્રસ્ટી છે. એમના પોતાના ઈ.એમ. ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે તે દાન આપે છે. જે ટ્રસ્ટમાં પોતે ટ્રસ્ટી હોય તેને પોતે દાન આપે અને અપાવે તેથી ઘણી સંસ્થાઓ એમને ટ્રસ્ટી બનાવવા આતુર હોય છે. અરવિંદભાઈના દાનની સરિતા વહેતી રહે છે.
પાલિતાણા નજીકના રાણપરડા ગામના ભવાનભાઈ અને ગંગાબહેનના ચાર પુત્ર અને બે પુત્રી. એમનાં છ સંતાનમાં ૧૯૫૯માં જન્મેલ છેલ્લું સંતાન તે અરવિંદભાઈ. ચબરાક અને હોંશિયાર અરવિંદભાઈ. પાંચ ધોરણ સુધી ગામમાં ભણ્યા. મનજીભાઈ અને હીરાલાલ બે મોટા ભાઈ હીરા વ્યવસાયમાં સુરતમાં સ્થાયી થતાં અરવિંદભાઈ સુરત આવીને સાત ધોરણ સુધી ભણ્યા. અરવિંદભાઈને ભાઈઓનું જોઈને હીરા ઘસીને કમાણીનું મન થતાં એમણે અભ્યાસ છોડ્યો. અડધો સમય હીરા ઘસે અને માર્કેટમાં જાય. બાકીના સમયમાં ટ્યુશન રાખીને અંગ્રેજી શીખે. જબરી યાદશક્તિથી તેઓ અંગ્રેજી બોલતા, વાંચતા અને લખતા થયા. ઘેર બેઠાં ભણીને ફાવ્યાં. ૧૫-૧૬ વર્ષની વયે સુરતમાં ઝવેરી બજારની પીપળા શેરીમાં જાય. આવડો નાનો છોકરો રોજ ૧૦થી ૨૫ હજાર રૂપિયાનો માલ વેચી આવે. માત્ર પાંચ છ વર્ષના સમયમાં આ યુવકે તેની ચબરાકી, ઘરાક સાથે વાત કરવાની આવડત અને સામાને સમજાવવાની આવડતથી ધંધા-વેપારમાં સફળતા મેળવી અને હજાર હજાર રૂપિયાની નોટો ફેરવતો થયો. જે ઉંમરે બીજા હીરા ઘસતા હતા તે ઉંમરે આ યુવક મોટો વેપારી થયો.
૧૯૭૯માં હજી મૂછનો દોરો ફૂટતો હતો ત્યારે આ યુવકે ભાગીદારીમાં સુરતમાં રવિ ડાયમંડ નામે કંપની શરૂ કરી. ૧૯૮૧માં ૨૨ વર્ષની વયે હીરા ખરીદવા એન્ટવર્પ ગયા, પછી જવાનું વધતું ગયું અને વર્ષે પાંચ - છ વાર એન્ટવર્પ જતા થયા. ૧૯૮૭માં ભાગીદાર છૂટા થયા. તેમનો ટેક્સટાઈલમાં અને હીરામાં ભાગ હતો. અરવિંદભાઈ પાસે ભાગમાં ડાયમંડનો ધંધો આવ્યો.
૧૯૮૭માં ધંધો ઝડપથી વિકાસતાં વારંવાર એન્ટવર્પ જવાનું અને રોકાવાનું થતાં. અંતે ૧૯૯૧માં એન્ટવર્પમાં જ ઓફિસ કરીને કાયમી રોકાવાનું કર્યું.
એન્ટવર્પમાં રહ્યા પછી કામકાજનો પથારો ઝડપથી વધ્યો. એન્ટવર્પથી જ બીજા દેશોમાં જતા થયા. સાહસથી ભૌતિક સમૃદ્ધિ વધતાં સાથે સાથે મનની સમૃદ્ધિ વધી. દાન કરતા થયાં. અરવિંદભાઈ નિખાલસ છે. કાવાદાવાથી એ છેટા ભાગે છે. મનમાં કાંઈ રાખ્યા વિના સાચું લાગે તે મોંએ સંભળાવી દે. જાણ્યા અને અજાણ્યાને મદદ કરવામાં પાછું વળીને જુએ નહીં. આથી મિત્રો અને ચાહકો વધ્યા છે.
૧૯૮૧માં તેઓ પાલિતાણાના મોહનભાઈ સવાણીનાં પુત્રી મંજુલાબહેન સાથે પરણ્યા. એન્ટવર્પમાં અરવિંદભાઈ આતિથ્ય માટે નામના ધરાવે છે. દાન, સાહસ અને આવડતમાં આગેવાન અરવિંદભાઈ સામાજિક પ્રવૃત્તિઓ અને ધંધામાં સદા વ્યસ્ત રહે છે. અરવિંદભાઈ એન્ટવર્પની ભારતીય મૂળની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લે છે. સભ્ય બને છે અને દાન આપે છે. પછી તે સંસ્થા જૈનોથી સંચાલિત હોય કે સૌરાષ્ટ્રના પાટીદારોથી. ઈન્ડિયન એસોસિએશન જેવી બધાંને જોડતી સંસ્થા હોય. સત્કાર્યના સાથી બનવાનું અરવિંદભાઈને ગમે છે.