સગાં દીઠાં ઝામોરિન રાજાનાં રસ્તે રઝળતાં!

ઈતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Saturday 22nd July 2017 07:02 EDT
 
 

સમય સમયની બલિહારી છેઃ સદીઓ સુધી ઉત્તર કેરળનાં સૌથી પ્રભાવી રાજવી લેખાતા ઝામોરિનની ત્રણ શાખાઓના ૮૨૬ જેટલા વંશજો માટે કેરળની સરકારે પેન્શનની વ્યવસ્થા કરવી પડે છે. હિંદુ નાયર એવા ઝામોરિન રાજવીઓના પ્રતાપે વર્તમાન કેરળની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનાં દ્વાર ખુલ્યાં હતાં. એ જ ઝામોરિન રાજવીનાં વંશજોએ આઝાદી પછી કોંગ્રેસના વડપણવાળી મદ્રાસ સરકાર સમક્ષ વિનંતી રજૂ કરવાનો વખત આવ્યો કે અમને જીવાઈ માટે પેન્શનની વ્યવસ્થા કરી આપો. આઝાદીના દાયકા સુધી મદ્રાસ સરકારને એ વિશે વિચારવાનો વખત ના મળ્યો, પણ પછી કેરળ રાજ્યની રચના થયાના દાયકાઓ પછી હજુ ચાર વર્ષ પહેલાં જ કોંગ્રેસના નેતૃત્વવાળી સંયુક્ત લોકતાંત્રિક મોરચના (યુડીએફ)ની મુખ્ય પ્રધાન ઓમાન ચાંડીની કેબિનેટે પ્રત્યેક ઝામોરિન વંશજને મહિને ૨૫૦૦ રૂપિયાનું પેન્શન બાંધી આપવાનો નિર્ણય કર્યો, ત્યારે એની સામે પણ વિવાદવંટોળ ઊઠ્યો હતો. અત્યારે કેરળમાં શાસન કરતી માર્ક્સવાદી મોરચાની સરકાર પણ અગાઉની સરકારના એ નિર્ણય સાથે સંમત રહી છે. કમનસીબી તો જુઓ કે પોતાની અબજોની સંપત્તિ ભારતભૂમિને ચરણે ધરનારા રાજવીઓએ હવે પેન્શન પર જીવવાનો વખત આવ્યો છે! રાજવીના કેટલાક વંશજો અત્યારે પટાવાળાની નોકરી કરીને જીવન વીતાવે છે.

સરદાર પટેલના વચનનો ઈંદિરા થકી દ્રોહ

સો વર્ષની વય વટાવીને ચાર વર્ષ પહેલાં ગુજરી ગયેલા ‘તખ્ત વિનાના રાજવી’ ઝામોરિન પી. કે. એસ. સમૂથિરી રાજા તો ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)માં મહાવ્યવસ્થાપક (જીએમ)ના હોદ્દેથી નિવૃત્ત થયા હતા. સાદા ઘરમાં વસતા હતા. ટાટા ઈન્ડિકા કારની આગળ ઝામોરિનનું રાજવી બોર્ડ લટકાવીને મુસાફરી કરતા હતા. એમના દીવાનખંડમાંની છેલ્લા વાઈસરોય અને અંગ્રેજ ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટન અને લેડી એડવિના માઉન્ટબેટન સાથે તેમની અને તેમનાં પત્ની કમલાની તસવીર વિશે ગૌરવ અનુભવતા હતા.
બ્રિટિશ ઈન્ડિયાના સૌથી સમૃદ્ધ રજવાડા હૈદરાબાદના નિઝામનાં વંશજો કોલકાતામાં ચાની કીટલી ચલાવીને જીવન વ્યતીત કરતા હોય, તો પ્રમાણમાં નાના ઝામોરિનના રજવાડા કોઝીકોડે (કાલીકટ)ના રાજવીના વંશજોની સ્થિતિ ક્યાંથી સારી હોય!
આઝાદ ભારત સાથે દેશી રાજ્યોને જોડતાં રિયાસતી ખાતાના પ્રધાન અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પ્રત્યેક રાજવીને અને એમના વંશજોને ઘટતા ક્રમમાં સાલિયાણાં આપવાની અને કેટલાક વિશેષાધિકારોની બંધારણીય જોગવાઈ કરાવી હતી. કમનસીબે નેહરુ-સરદારની સરકારના આ વચનને નેહરુ-પુત્રી ઈંદિરા ગાંધીએ ૧૯૭૧માં સાલિયાણાંનાબૂદી થકી લોકચાહના મેળવવાની લાહ્યમાં ફોક કર્યું. દેશભરના એ રાજવીઓ કે જેમણે પોતાનાં રજવાડાંની અબજોની સંપત્તિ દેશને ચરણે ધરી હતી એમને વર્ષે માંડ ચાર કરોડ રૂપિયાનાં સાલિયાણાં નાબૂદ કરવાનો વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની સરકારે નિર્ણય કર્યો, પણ એમનાથી આજની નરેન્દ્ર મોદીની સરકાર સુધી નવ-રાજવી બનેલા સાંસદો અને ધારાસભ્યોને અબજો રૂપિયા પેન્શન અને ભથ્થાં તરીકે ચૂકવાય છે. વિધિની વક્રતા તો જુઓ, દલા તરવાડીના ન્યાયની જેમ આજે પણ ભારતના ધારાસભ્યો અને સાંસદો પ્રજાની સેવા માટે પગાર અને ભથ્થાંમાં વધારો કરતા રહેવામાં સર્વાનુમત ઠરાવો કરે છે!

છ સદી સુધી ઉત્તર-મધ્ય કેરળમાં શાસન

લગભગ ૧૨મી સદીથી લઈને છેક ૧૮મી સદી સુધી કેરળના ઉત્તર અને મધ્ય ભાગમાં હિંદુ નાયર એવા ૧૨૦ જેટલા ઝામોરિન શાસન કરતા રહ્યા. દુનિયાભરના દેશો સાથે કેરળના સાગરકાંઠાનાં બંદરોથી વેપારને વિકસાવતા રહ્યા. આરબો, ચીના, પોર્ટુગીઝો અને ડચ તથા અંગ્રેજો સાથેના વેપારસંબંધોને સુવિધા પૂરી પાડીને પ્રોત્સાહિત કરતા રહ્યા. એ સમયે યુરોપમાં શક્તિશાળી લેખાતા પોર્ટુગલના રાજવીના દૂત તરીકે વાસ્કો-દ-ગામાનું ૨૭ મે ૧૪૯૮ના દિવસે ઝામોરિનના દરબારમાં આગમન થયું ત્યારે એની સારી એવી આગતાસ્વાગતા કરાઈ હતી. જોકે, આરબોના પ્રભાવ હેઠળ ઝામોરિને પોર્ટુગીઝો માટે દરિયાઈ માર્ગે વેપારની ખેપો કરવામાં કરવેરામાં રાહત આપવાનું નકાર્યું એટલે ચારેક મહિના વાસ્કો-દ-ગામાએ કન્નૂરના કોલાથિરી રાજવીને જવાનું નક્કી કર્યું.
કોલાથિરી સાથે ઝામોરિનની પરંપરાગત દુશ્મની હતી. ગામાએ એનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. ઝામોરિનના તાબા હેઠળના કોચી (કોચીન)ના રાજા સાથે પણ ગામાએ સંતલસ કરીને એને ઝામોરિન વિરુદ્ધ ભડકાવ્યો. આજે કેરળમાં હિંદુ અને ખ્રિસ્તી સમાજમાં મહિસૂરના એ વેળાના રાજવી હૈદરઅલી અને ટીપુ સુલતાને આચરેલા અત્યાચારની વાતો ખૂબ ચર્ચાય છે. જોકે, વાસ્કો-દ-ગામાએ જે રીતે હિંદુ રાજવીઓને અંદર અંદર લડાવીને પોતાના પક્ષને મજબૂત કર્યો અને ગોવામાં પ્રભાવ પ્રસાર્યો, એ દરમિયાન ખ્રિસ્તી વટાળવૃત્તિને વધારી અને જે અત્યાચારો આચર્યા હિંદુ અને મુસ્લિમો પર એનાં વર્ણનો રૂવાડાં ખડાં કરી દેવા એવાં છે. ગામા પછી આલ્બુકર્ક અને બીજા પોર્ટુગલ પ્રતિનિધિઓએ એ વેળાના વિજયનગરના કૃષ્ણદેવ રાયા સાથે સુમેળ સાધીને ઝામોરિન વિરુદ્ધના જંગમાં તેમની મદદ મેળવવાની કોશિશ કરી.

ટીપુથી ત્રસ્ત દુશ્મન-ત્રિપુટી ધર્મરાજાના શરણમાં

મહિસૂરના શાસક હૈદરઅલી અને એમના વારસ ટીપુ સુલતાને કેરળના રાજવીઓ પર આક્રમણ કરીને એમને નમાવવાના પ્રયાસ કર્યા ત્યારે મૂળ કેરળ અને આરબ પ્રજાથી પેદા થયેલી મોપલા જાતિની મુસ્લિમ પ્રજાએ આક્રમણખોરોને સાથ આપ્યો. સાટામાં જીતેલા પ્રદેશમાં વિશેષાધિકાર મળ્યો. મહિસૂર અને મોપલા જોડાણ સામે કેરળના હિંદુ રાજવીઓ ટકી શકવાની સ્થિતિમાં નહોતા. એકમાત્ર ત્રાવણકોરના ‘ધર્મરાજા’ તરીકે ઓળખાતા કાર્તિક તિરુનલ રામ વર્માને પક્ષે અંગ્રેજો હોવાથી એણે મહિસૂર સામે ઝૂકવાનો નન્નો ભણી દીધો.
કોઝીકોડેના રાજવી-ઝામોરિન, કોચીના રાજા અને કન્નૂરના કોલાથિરી રાજવીઓ એકમેકની દુશ્મની છતાં ત્રણેય છેવટે અસ્તિત્વની લડાઈમાં ત્રાવણકોરના મહારાજાના શરણમાં ગયા અને દરિયાદિલ ત્રાવણકોર ‘ધર્મરાજા’એ ત્રણેયને સંકટના સમયે જાગીરો આપીને રાજ્યાશ્રય બક્ષ્યો. ટીપુએ ત્રાવણકોર પર ચડાઈ કરી, પણ એ ફાવ્યો નહીં. ત્રાવણકોરને પક્ષે અંગ્રેજો કોર્નવોલિસના માર્ગદર્શનમાં ટીપુ સામે લડ્યા. ૧૭૯૨માં અંગ્રેજો સાથે ટીપુએ સંધિ કરવી પડી અને શ્રીરંગપટ્ટણમ સંધિ તરીકે જાણીતી આ સમજૂતીમાં ટીપુએ આખા મલબાર પરનો હક્ક ગુમાવવો પડ્યો. છેલ્લે ૧૭૯૯માં ટીપુ અંગ્રેજો સાથેના જંગમાં હણાયો ત્યારે હૈદરાબાદના નિઝામ અને મહારાષ્ટ્રના મરાઠા અંગ્રેજોને પક્ષે લડ્યા હતા. ટીપુના અંતે ભારતમાં અંગ્રેજોના મૂળિયાં મજબૂત કર્યાં હતાં.

ઝામોરિન ભણી કેરળની પ્રજાનો આદર

વર્તમાન સંજોગોમાં રાજા-રજવાડાં મટી ગયા છતાં કેરળની પ્રજાના દિલમાં હજુ ઝામોરિન ભણી આદરભાવ જળવાયો છે. ઝામોરિન આજે પણ ઉત્તર કેરળના મલબાર ઈલાકામાં આવેલાં ૪૫ જેટલાં ધર્મસ્થળોમાં ટ્રસ્ટી તરીકેનો આદર પામે છે. સામાન્ય રીતે સામ્યવાદી વિચારધારા ધરાવતા માર્કસવાદી સામ્યવાદી પક્ષના શાસકો રાજવીઓ ભણી ઘૃણા ધરાવે છે. કેરળમાં એવું નથી. હજુ મે ૨૦૧૭માં જ માર્કસવાદી મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનને મળવા માટે આજના ‘તખ્ત વિનાના ઝામોરિન’ મનાતા ૯૨ વર્ષના કેસીયુ રાજા ગયા, ત્યારે મુખ્ય પ્રધાને ભાવથી એમનો આદર સત્કાર કર્યો હતો. પૂર્વ રાજવીએ કાલિકટના ઈતિહાસનાં પુસ્તકો અને ઈન્ક પેન (હિંદી પેન) મુખ્ય પ્રધાનને ભેટ ધરી હતી. ૧૯૯૯માં એ વેળાના ઝામોરિન પી. કે. ઈત્તાનુન્ની રાજાએ સપરિવાર એ વેળાના માર્કસવાદી મુખ્ય પ્રધાન ઈ. કે. નયનારની સેક્રેટિયેટમાં મુલાકત લીધી હતી.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 29 July 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2gVTqfN)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter