સડતા અંગને કાપી ફેંકવું પડેઃ પાકિસ્તાન વિશે સરદાર પટેલ

ઈતિહાસનાં નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Wednesday 06th December 2017 06:35 EST
 
 

‘શરીરનું કોઈ અંગ સડતું હોય તો એને કાપીને ફેંકી દેવું પડે’ એવા શબ્દો સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને સ્વીકારવા બાબત કહ્યા હતા. જૂન ૧૯૪૮માં અંગ્રેજ શાસકો ભારતની કમાન ભારતીય નેતાઓને સોંપી ઉચાળા ભરી જવાના હતા. કમ સે કમ વડા પ્રધાન ક્લેમન્ટ એટલીએ સંસદમાં ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ એવી ઘોષણા કરી હતી. એમાં ભારતના ભાગલાનો સંકેત પણ હતો છતાં કોંગ્રેસના નેતાઓ ભાગલાના પક્ષે નહોતા. 

ગાંધીજી તો પોતાનો દેહ પડે પછી જ બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા થાય એવું કહેતા હતા. જરૂર પડે તો સ્વતંત્ર ભારતના વડા પ્રધાનપદે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાને બેસાડીને પણ ભાગલા ટાળવા હતા. ઝીણાને ગાંધીજીની વાતમાં વિશ્વાસ બેસતો નહોતો. ગાંધીજીની વાત એમના સાથી નેતા માને જ એવું નહોતું લાગતું. ઝીણાને એમાં છટકું અનુભવાતું હતું. બીજી બાજુ, જવાહરલાલ નેહરુને વડા પ્રધાન થવાના ધખારા હતા. એ સ્વપ્ન સિદ્ધ ના થાય તો નાજુક સમયગાળામાં એ કોંગ્રેસને તોડવા સુધી જાય એનો અણસાર ગાંધીજીને આવી ગયો હતો એટલે ૧૪માંથી ૧૨ પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓની સરદાર પટેલને કોંગ્રેસપ્રમુખ બનાવવાની ભલામણ છતાં ગાંધીજી થકી સરદારને કોઈ ઈશારો કરાયો અને આચાર્ય કૃપાલાનીએ આગળ કરેલા પંડિત નેહરુના નાના ટેકામાં સરદારે પોતાનું નામ પાછું ખેંચી લઈને નેહરુને ટેકો આપવાનું પસંદ કર્યું હતું.
૧૯૪૬ની આ ઘટના હતી. કોંગ્રેસપ્રમુખ જે થાય એ અંગ્રેજો જતાં વડા પ્રધાન બનવાનો હોવાનું સ્પષ્ટ થતું હતું. મૌલાના અબુલ કલામ આઝાદ પોતે કોંગ્રેસપ્રમુખ તરીકે ચાલુ રહેવા ઈચ્છુક હતા, પણ ગાંધીજી એમના ટેકામાં નહોતા. સરદાર તો ઓલિયો માણસ. આઝાદી પછી એ તો શકોરું લઈને સાધુ થઈ જવા નીકળી પડવાના મૂડમાં હોવાનું ઘણાં વખત પહેલાં જેલવાસ દરમિયાન જ એમણે બાપુને જણાવ્યું હતું. ગાંધીજીએ સરદાર પટેલને અન્યાય કરવાની કાગારોળ અત્યારે ય મચે છે, પણ ક્યારેય કોઈ સરદાર-પુત્રી મણિબહેને દુર્ગાદાસની સરદાર પરની ગ્રંથશ્રેણીમાં લખેલા શબ્દો ભણી ધ્યાન આપતું નથી.
મણિબહેને નોંધ્યું છેઃ ‘સરદારને વડા પ્રધાનપદ કે અન્ય કોઈ ઊંચા હોદ્દાની પ્રાપ્તિના ધખારા ક્યારેય નહોતા.’ એમણે તો બાપુનો આદેશ કાયમ શિરોમાન્ય લેખ્યો. આજે તો એવા લોકો સરદારના નામને ગજવવાનું પસંદ કરે છે, જેમને સરદાર કે સ્વાતંત્ર્ય ચળવળ સાથે લેવાદેવા નહોતી!

સરદારે તો ડિસેમ્બર ’૪૬માં ભાગલા કબૂલ્યા

નવાઈ લાગે એવી વાત છતાં હકીકત છે કે સરદાર પટેલે ૨૫ ડિસેમ્બર ૧૯૪૬ના દિવસે ભારતના ભાગલા સિવાય આરો નહીં હોવાનું કબૂલ્યું હતું. ભારતના ભાગલા માટે મોહમ્મદ અલી ઝીણાની મુસ્લિમ લીગ પાર્ટી ઉહાપોહ મચાવી હતી. એણે ઘણાં ત્રાગાં પણ કર્યાં. અંગ્રેજોને પણ કોંગ્રેસની સ્વાતંત્ર્ય ચળવળમાં સુરંગો મૂકવા માટે મુસ્લિમ લીગના ઝીણાને અને હિંદુ મહાસભાને સાધવાનું ફાવી ગયું હતું. કોમ્યુનિસ્ટો પણ અંગ્રેજ સરકારના પેરોલ પર રહીને હિંદુ મહાસભાના કેટલાક નેતાઓની જેમ જ બ્રિટિશ સરકારને અનુકૂળ માહોલ સર્જવાની વેતરણમાં હતા.
કોંગ્રેસી અગ્રણીઓ જેલવાસ ભોગવતા હતા એવા સમયે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગવાળા મળીને બંગાળ, સિંધ અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકાર ચલાવીને બ્રિટિશ હાકેમોની કુરનિશ બજાવતા હતા. આવા સમયગાળામાં કેબિનેટ આવ્યું અને એણે ૧૬ મે ૧૯૪૬મી યોજના જાહેર કરી, પણ ના તો કોંગ્રેસવાળાને એ માફક આવી કે ના મુસ્લિમ લીગ વાળાને, ના દલિતોના પક્ષોને કે ના શીખોના પક્ષને. છેવટે પેલી ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૭ની ભારતને આઝાદીની જાહેરાત આવી એ પહેલાં વચગાળાની સરકાર રચવાની વાત આવી.
૨ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ કોંગ્રેસના પંડિત નેહરુ અને સરદાર સહિતના નેતાઓ સાથેની એ સરકાર રચાઈ ત્યારે ઝીણાની મુસ્લિમ લીગ રુસણે બેઠેલી હતી. એણે છેક ૧૫ ઓક્ટોબર ’૪૬ના રોજ વચગાળાની સરકારમાં પ્રવેશ કર્યો. ઝીણા પોતે તો જોડાયા નહીં, પણ લિયાકત અલી ખાન સહિતના સભ્યોને એમાં સામેલ કર્યાં. મુસ્લિમ લીગની આમાં સામેલગીરી પાકિસ્તાનના એમના એજન્ડાને આગળ વધારવાની ચાલ જ હતી. એ પૂર્વે ઝીણાએ ‘ડાયરેક્ટ એક્શન ડે’ ૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના રોજ જાહેર કરીને ત્રણ દિવસ કોલકાતામાં પાંચેક હજાર લોકોની લાશો ઢાળવાનો ખેલ ચલાવ્યો હતો. એની પ્રત્યાઘાતી અસરો અન્યત્ર અને ખાસ કરીને બિહારમાં પણ થઈ હતી.
મુસ્લિમ લીગ વચગાળાની સરકારમાં આવવાની પૂર્વ શરત તરીકે એમને ગૃહખાતું અપાય એ હતી. જોકે, ગૃહ ખાતું સરદાર હસ્તક હતું અને એ આપવું જોખમી ગણીને છોડવા તૈયાર નહોતા. છેવટે નાણાં ખાતું મુસ્લિમ લીગને ફાળે ગયું. આ પણ મોટી ભૂલ સાબિત થઈ. કારણ કોંગ્રેસને પ્રધાનો થકી જે પણ યોજના રજૂ થાય કે સાદા પટાવાળાની નિમણૂકની દરખાસ્ત પણ રજૂ થાય તો નાણાં ખાતું એને નકારી કાઢે. સરદાર પટેલને મુસ્લિમ લીગ પ્રધાનોના બદઈરાદાનો અણસાર ડિસેમ્બર ૧૯૪૬ સુધીમાં બરાબર આવી ગયો હતો.

ભાગલા વિશે ગાંધીજી છેક સુધી અંધારામાં

સરદારનું અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર લખનાર રાજમોહન ગાંધીએ તારવ્યું છે કે ૨૫ ડિસેમ્બર ૧૯૪૬ સુધીમાં સરદાર એવા મત પર આવ્યા હતા કે ઝીણાને ખપતું મુસ્લિમો માટેનું પાકિસ્તાન એમને આપીને રોજિંદા ત્રાસમાંથી મુક્ત થવું જોઈએ. એમણે એ દિશામાં વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનના બંધારણીય સલાહકાર અને પછીથી સરદારના અખત્યાર હેઠળના રિયાસતી ખાતાના સચિવ થયેલા વી. પી. મેનન સાથે ભાગલા સંબંધી યોજનાની ચર્ચા કરીને એને સંમતિ પણ આપી હતી. જોકે, મહાત્મા ગાંધી તો છેક સુધી અંધારામાં જ હતા.
નેહરુને સરદારે વિશ્વાસમાં લીધા હોવા છતાં જવાહરલાલ ભાગલાને મુદ્દે દ્વિધાની સ્થિતિ અનુભવતા હતા. જોકે, છેવટે લોર્ડ માઉન્ટબેટને ૩ જૂન ૧૯૪૭ના રોજ કરેલી જાહેરાત મુજબ, ભારતીય સંઘ, પાકિસ્તાન સંઘ અને રજવાડાંઓ વિશેની વ્યવસ્થા કરીને આઝાદી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમાં આવે એવી ગોઠવણ કરાઈ હતી.
ભારત અને પાકિસ્તાન અલગ કર્યા પછી રજવાડાંને પણ મુક્ત જાહેર કરીને અંગ્રેજો કુટિલ ચાલ રમ્યા, પણ સરદાર પટેલના અથાગ પરિશ્રમને પગલે ભારતનો વર્તમાન નકશો અસ્તિત્વમાં આવ્યો. એટલે જ સરદારને અખંડ ભારતના શિલ્પી ગણવામાં આવે છે. ૫૬૫ રજવાડાંને ભારતમાં વિલીન કરવાના ભગીરથ કાર્ય માટે એમને લાખ લાખ વંદન.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક તા. ૯ ડિસેમ્બર ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2iQff21)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter