ઈતિહાસના નીરક્ષીર
ફરી એક વાર સતી પ્રથા જેવી અમાનવીય અને ઘૃણાસ્પદ પ્રથા ચર્ચામાં આવી છે. ભારતીય સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક મુદ્દે પંચ-ધર્મી ન્યાયાધીશોની બંધારણીય પીઠ સમક્ષ સુનાવણી ચાલતી હતી ત્યારે ત્રણ વાર તલાક-તલાક-તલાક કહીને પરિણીતાને છૂટાછેડા આપવાની અમાનવીય પ્રથાની સતી પ્રથા સાથે તુલના થઈ. છેલ્લે રાજસ્થાનના દેવરાલામાં રૂપકુંવર નામક આશાસ્પદ નવોઢાએ ત્રણ હજારની જનમેદનીની ઉપસ્થિતિમાં ૪ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ સતી થવાનું દૃશ્ય જ્યારે સામે આવ્યું ત્યારે આ ઘૃણાસ્પદ હિંદુ પ્રથાની ગાજવીજ દુનિયાભરમાં થઈ હતી. ભારતનાં કેટલાંક રાજકીય નેતા સતી પ્રથાના બચાવમાં એ વેળા આગળ આવ્યાં એટલે એમના પર સતી પ્રથાને પ્રોત્સાહિત કરવાના આક્ષેપો પણ થયા. સદનસીબે વિધવાઓને જીવતી બાળી મૂકવા કે પતિના શબ સાથે દફન થવાની ફરજ પાડતી આ પ્રથા વિશે ફિટકાર વરસાવવાનું સ્વાભાવિક હતું. ભારત સરકારે દેવરાલાની ઘટના પછી સતી પ્રથા વિરોધી કાયદાને વધુ કડક બનાવ્યો અને એમાં દંડાત્મક જોગવાઈઓ પણ અગાઉ કરતાં વધુ કરવામાં આવી.
બ્રિટિશ ગવર્નર-જનરલ વિલિયમ બેન્ટિકનું મક્કમ પગલું
સામાન્ય સમજ એવી છે કે બ્રિટિશ ઈન્ડિયામાં ગવર્નર જનરલ તરીકે લોર્ડ વિલિયમ બેન્ટિક આવ્યા ત્યારથી એમણે બંગાળમાં સતી પ્રથાને પ્રતિબંધિત કરવા માટે પગલાં લેવાનું વિચાર્યું અને રાજા રામમોહન રાય જેવા સુધારાવાદી હિંદુ આગેવાનના ટેકામાં ૧૮૨૯માં લોર્ડ બેન્ટિકે સતી પ્રથાને પ્રતિબંધિત જાહેર કરી. એ પહેલાં એમણે પોતાના લશ્કરી અધિકારીઓ પાસેથી એ વાતની ખાતરી કરી લીધી હતી કે સતી પ્રથાને બંધ કરવા જતાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનાં મૂળિયાં ભારતમાંથી ઊખડી જાય નહીં.
જોકે, બેન્ટિકે આ મુદ્દે સ્વદેશમાં સત્તાવાળાઓ સાથે ખાસ્સું ઝઝમવું પડ્યું હતું, પણ આખરે ડિસેમ્બર ૧૯૨૯માં એમણે સતી પ્રથાને કાનૂની રીતે બંગાળમાં પ્રતિબંધિત જાહેર કરી. એવું નહોતું કે એ વેળા ગવર્નર-જનરલ પ્રતિબંધ જાહેર કરે એટલે બધા હિંદુ એને માની જ લે. ક્યારેક ‘ઈસ્લામ ખતરે મેં હૈ’ જેવાં સૂત્રો સંભળાતા હતા એમ સતી પ્રથાને બેન્ટિકે પ્રતિબંધિત કરી ત્યારે ‘હિંદુત્વ ભયમાં આવી પડ્યું છે’ એવી ઘોષણાઓ સાથે સમાજના પ્રભાવી લોકોએ એનો વિરોધ કર્યો હતો. એ વેળા રાજા રામમોહન રાય જેવાને પક્ષે થોડાઘણા સુધારાવાદી સતી પ્રથાને બંધ કરવાને પક્ષે હતા.
જોકે, લોર્ડ બેન્ટિક એ બાબતમાં મક્કમ હતા. એમની સમક્ષ એમના જ સતી પ્રથા પ્રતિબંધક જાહેરનામાને રદ્દ કરવા રજૂઆત કરાઈ, વિરોધ સભાઓ થઈ, પણ એમણે એ રજૂઆતોને ફગાવી દીધી. પ્રીવિ કાઉન્સિલમાં પણ લોર્ડ બેન્ટિકના આદેશ વિરુદ્ધ રજૂઆતો થઈ. પ્રીવિ કાઉન્સિલના મોટાભાગના સભ્યો સતી પ્રથાને કાનૂની રીતે પ્રતિબંધિત કરીને હિંદુ ધર્મમાં દખલગીરીને ખફગી વહોરવા ઈચ્છતા નહોતા. છતાં એમણે બેન્ટિકના જાહેરનામાની વિરુદ્ધની રજૂઆતોને ફગાવી દીધી. મૃત્યુ પામેલા રાજવી કે શ્રીમંતોના અંતિમ સંસ્કાર વખતે તેમની સાથે અનેક પત્નીઓ કે પ્રેયસીઓ અગ્નિકુંડમાં બળી મરવાની આ અમાનવીય પ્રથા કાયદાથી બંધ તો ના થઈ પણ બેન્ટિક અને એ પછીના અંગ્રેજ હાકેમોએ ભારતનાં બીજાં રજવાડામાં પણ સતી પ્રથા વિરુદ્ધ આદેશો કરાવ્યા એટલે એના પ્રમાણમાં ક્રમશઃ ઘટાડો જરૂર થયો.
મુઘલ બાદશાહોનો વિરોધ, પોર્ટુગીઝે સૌપ્રથમ પ્રતિબંધ લાદ્યો
હિંદુઓના ઋગ્વેદમાં સતી પ્રથાને સમર્થન નહીં હોવા છતાં ઋચાઓના વિકૃત અર્થઘટનોથી વેદકાળમાં પણ સતી પ્રથાને માન્યતા હોવાનું હિંદુ ધર્મના પંડિતો કહી રહ્યા હતા. જોકે, ઘણા હિંદુ સતી પ્રથાને ખાસ કરીને મુસ્લિમ આક્રમણખોરો ભારત આવ્યા ત્યારથી એનું ચલણ વધ્યાની વાત કરે છે, પરંતુ આશ્ચર્ય એ વાતનું થાય છે કે મુઘલ બાદશાહ હુમાયુ સતી પ્રથાને રોકવાનો વિચાર કરનાર સર્વપ્રથમ રાજવી હતો. જોકે એ ધર્મભીરુ હતો અને સતી પ્રથાને પ્રતિબંધિત કરવા જતા મોતને ભેટવું પડે એવું માનતો હોવાથી એણે સતી પ્રથાને રોકવા કોઈ કાયદો કર્યો નહોતો. એના પુત્ર બાદશાહ અકબરે સતી પ્રથાના બનાવો રોકવામાં સક્રિયતા દાખવી. જોધપુર અને જયપુરના રાજવી પરિવારોમાં સતી થવાના કિસ્સાને સમજાવટથી રોકવાનો એણે પ્રયાસ કર્યો. એણે કોટવાળોને નિયુક્ત કરીને સતી થવાના કિસ્સા રોકવા આદેશ આપ્યા. બાળ વિધવાઓને પતિ સાથે બાળવાના કિસ્સા બંધ કરાવ્યા. એના અનુગામી બાદશાહો જહાંગીર જ નહીં, ઔરંગઝેબ પણ સતી પ્રથાને રોકવા પ્રયત્નશીલ રહ્યા, પણ હિંદુ ધર્મમાં દખલ નહીં કરવા કોઈ કાનૂની પ્રતિબંધ લાદ્યો નહીં.
સામાન્ય માન્યતા લોર્ડ વિલિયમ બેન્ટિકે ૧૮૨૯માં સતી પ્રથા પર પ્રતિબંધ લાદ્યાની છે, પણ એ પહેલાં ગોવાના પોર્ટુગીઝ શાસક આલ્ફાન્સો-દ-આલ્બુકર્કે તો છેક ઈ.સ. ૧૫૧૫માં સતી પ્રથા પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, આ પોર્ટુગીઝ રાજાના પ્રતિનિધિ હિંદુ સામ્રાજ્ય વિજયનગરના રાજવી કૃષ્ણદેવ રાયા સાથે સુમેળભર્યા સંબંધ અને લશ્કરી સંધિ ધરાવતા હોવા છતાં વિજયનગર સામ્રાજ્યમાં સતી પ્રથાનું સૌથી ઘૃણાસ્પદ ચિત્ર જોવા મળતું હતું. જોકે, સમગ્ર ભારતમાં સતી પ્રથા ભણી લોકો ગૌરવભાવથી નિહાળતા હતા, પણ એના અમલમાં એકરૂપતા નહોતી. એવું જ કાંઈક એને રોકવાના પ્રયાસોમાં પણ થયું હતું. બંગાળમાં સતી પ્રથાનું ચલણ ખૂબ હતું. ૧૮૧૫થી ૧૮૨૫ વચ્ચે ૬૬૩૨ જેટલા બંગાળ, બોમ્બે અને મદ્રાસમાં નોંધાયેલા કિસ્સામાંથી એકલા બંગાળમાં જ ૫૯૯૭ કિસ્સા બન્યા હતા!
સતી પ્રથા દુનિયાભરમાં જોવા મળે છે
સતી પ્રથા માત્ર હિંદુ ધર્મમાં જ અસ્તિત્વમાં હતી અને ભારતમાં જ એનું ચલણ હતું એવી ગેરમાન્યતા પરથી ઈતિહાસકાર ડો. મીનાક્ષી જૈન (‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના મશહૂર તંત્રી રહેલી ગિરીલાલ જૈનનાં દીકરી) પરદો ઊંચકતાં એના વૈશ્વિક પ્રભાવની વાત પોતાના ‘સતી’ અંગેના તાજા પુસ્તકમાં નોંધે છે. એમણે નોંધ્યું છે કે યુરોપ, ગ્રીસ, પશ્ચિમ અને મધ્ય એશિયા, ચીન અને ઈજિપ્તમાં પણ એનું ચલણ હતું.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૨૭ મે ૨૦૧૭ અથવા
ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2qc70vG