જથ્થાબંધ આશીર્વાદ આપીને જથ્થાબંધ દાન મેળવીને રંગરાગમાં જીવતી, સીધી કે આડકતરી રીતે પોતાના પ્રચારમાં ડિમડિમ પીટતી જમાતથી ‘પાપડી ભેગી ઈયળ બફાય’ તેમ સાચા સાધુઓમાં ય લોકોને આશંકા જન્મે એવું થયું છે ત્યારે સ્વામી સચ્ચિદાનંદજી એમાં અપવાદરૂપ બનીને સંતો, મહંતો, સમાજના કલ્યાણની પ્રવૃત્તિમાં રાચતા સૌ શિક્ષિતો, સમાજસેવકો અને દેશ-વિદેશના કેટલાય ધનિકોના હૈયામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
સચ્ચિદાનંજી સાધુ-સંતોમાં આગવી ભાત પાડે છે. અદ્વૈતવાદી શાંકરમતના એ સંન્યાસી છે. સાધુ તો ચલતા ભલા એવી લોકોક્તિ એમણે યથાર્થ બનાવી છે. ફંડ-ફાળો ઉઘરાવવાના કોઈ કાર્યક્રમ કે હેતુ વિના તેમના જેવું વૈશ્વિક પરિભ્રમણ બીજા કોઈ સંતે કર્યું હોય તેવું જાણમાં નથી. આર્થિક જીવનધોરણ ઊંચું આવતાં, જેમને પોષાય તે હવે પ્રવાસ કરતા થયા છે. આવા પ્રયાસ મનોરંજન અને શોખને પોષે પણ એથી સમાજને શો લાભ? સ્વામીજીના પ્રવાસોએ ગુજરાતને ઉત્તમ પ્રવાસ સાહિત્ય આપ્યું છે. યુરોપના દેશો - તુર્કી, ચીન, ઈઝરાયેલ, આરબ જગત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા, સિંગાપોર વગેરે અનેક દેશોના લોકજીવન ત્યાં વસતા ગુજરાતીઓ, ત્યાંની સરકાર, સ્થળમહિમા, ઈતિહાસ વગેરેનું માહિતીપ્રદ અને રસપ્રદ નિરુપણ કર્યું છે. બીજા લેખકોનાં પ્રવાસ વર્ણનો કરતાં આ તદ્દન નોખું દર્શન છે. બીજા પ્રવાસીઓ પ્રવાસ કરે, પાછા ફરે પણ જે દેશમાં જાય તે દેશની પ્રજાનો સદ્ભાવ ભારતીય પ્રત્યે વધે તેવું ધ્યાન ના પણ રાખે, સ્વામીજી એમાંય જુદા છે. અજાણ્યાને પણ ખોબલાબંધ પ્રસાદ એ પીરસતા રહે છે. એમનાં પુસ્તકો વાંચ્યા જ કરવાનું મન થાય તેવાં છે. પ્રવાસ ઉપરાંત ભારતીય ધર્મ અને સંસ્કૃતિનું લોકભોગ્ય ભાષામાં દર્શન કરાવતું તેમનું સાહિત્ય છે. તેમનાં પુસ્તકોની સંખ્યા સો કરતાં વધારે છે. એમાંય કોઈના દાન કે સાથથી છાપેલાં પુસ્તકો વેચીને નફો રળવાની તેમની વૃત્તિ નથી. આવાં પુસ્તકો તે રસ ધરાવતાને ભેટ આપે છે. યુરોપ, અમેરિકા, રશિયા વગેરેના તેમના પ્રવાસમાં સાથે રહેલા ભાદરણના લંડનસ્થિત સુરેન્દ્ર પટેલ પ્રવાસ દરમિયાન સ્વામીજીની સૂઝ, સાદગી, ચિંતન અને સરળતાથી પ્રભાવિત થઈને તેમના કાયમી પ્રશંસક અને સમર્થક બન્યા છે.
સ્વામીજી ૧૯૬૯માં ચરોતરના દંતાલીમાં સ્થાયી થયા. અહીંનો એમનો આશ્રમ મૌલિકતા અને પ્રવૃત્તિ માટે જાણીતો છે. અહીં ૩૦થી ૩૫ વૃદ્ધો રહે છે. જે માસિક ખર્ચ પેટે ૧૦૦ રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા જેટલી રકમ ગજા પ્રમાણે આપે છે. જે વૃદ્ધો પોતાનું કામ જાતે કરી શકે તેવા અને વ્યસનરહિત હોય તેમને રાખવામાં આવે છે. બંને વખત તેમને શુદ્ધ-સાત્વિક ભોજન આપવામાં આવે છે. સવારે ચા અપાય છે. રસોડામાં બહારના સ્વયંસેવકો અને સ્વૈચ્છિક સેવા આપતા આશ્રમવાસીઓની સેવાથી ઓછા ખર્ચે કામ થાય છે. વધારામાં સંખ્યાબંધ દાતાઓએ લખાવેલી તિથિએ તેમના તરફથી અપાતા ભોજનને લીધે, સરકારી મદદ વિના આશ્રમ સુંદર રીતે ચાલે છે.
મહિનામાં પંદરથી વીસ વખત તિથિભોજનને લીધે મિષ્ટાન્ન હોય છે. સ્વામીજી આશ્રમવાસીઓ પાસે કોઈ કામ કે દાનની અપેક્ષા રાખતા નથી. પોતેપોતાની રૂમ સાફ રાખે અને સવાર-સાંજ અડધો કલાક પ્રાર્થનામાં આવે તેમ ઈચ્છે છે, બાકી વધારે પ્રાર્થના કે ભજન તેમની રૂમમાં કરે, એમને ફરજ ના પડાય. નિવૃત્ત જીવનમાં તેમને આનંદ મળવો જોઈએ એમ સ્વામીજી માને છે. ઊંઝા અને કોબામાં પણ સ્વામીજીના આવા આશ્રમ છે. ત્યાં પણ સ્વામીજી આવું જ કરે છે.
દંતાલીમાં સ્વામીજી છાસ કેન્દ્ર ચલાવે છે. આસપાસના સેંકડો પરિવાર આનો લાભ લે છે. ઉનાળાની સખ્ત ગરમીમાં સ્વામીજીને કોઈકે સૂચવ્યું કે ગરમીમાં કાંદા ખાય તો લૂ ના લાગે. સ્વામીજીએ આશ્રમમાં છાસ સાથે કાંદાનું દાન શરૂ કર્યું. કાંદાનું દાન કરનાર સંત સ્વામીજી એકલા જ હશે!
સ્વામીજી ભારતીય હિતો અને સંસ્કૃતિના રક્ષણના હિમાયતી છે. કાયરની અહિંસા અને મુસ્લિમ તુષ્ટિકરણની સરકારી નીતિના એ વિરોધી છે. સ્વામીજી ગુણગ્રાહક છે. મિશનરીઓની વટાળ પ્રવૃત્તિના વિરોધી છતાં એમની સેવાભાવનાના અનુકરણના હિમાયતી છે. અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિગત ધર્માંધતાના એ વિરોધી પણ કોઈ પણ ધર્મ દ્વારા થતી સત્કાર્યની પ્રવૃત્તિના એ પ્રશંસક છે.
સચ્ચિદાનંદજી લાંબા વહીવટમાં પડવા માગતા નથી. આપ્યું, લીધું અને ભૂલી ગયાની એમની વૃત્તિ છે. સ્વામીજી ઈચ્છે તો મોટી હોસ્પિટલો કે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે. તેને બદલે તેમને મળતાં દાન તે હોસ્પિટલો અને શિક્ષણસંસ્થાઓમાં સીધા આપીને આઘા રહે છે કે જરૂરતમંદ વિદ્યાર્થીઓને આપીને વહીવટથી વેગળા રહે છે. કોઈ પણ પ્રકારના દર્દીની આર્થિક મુશ્કેલી હોય તો તે હોસ્પિટલનું દવા કે ઓપરેશનનું બિલ ચૂકવી દે છે. સંસ્કૃત પાઠશાળાઓ માટે તેમને ઘણાં દાન આપ્યા છે. તેમની સહાયથી ભણીને તૈયાર થયેલા ડોક્ટર અને એન્જિનિયરોની સંખ્યા મોટી છે.
નજીકના શેખડી ગામના સ્મશાનમાં અગ્નિદાન માટે કાયમ લાકડાં મળી રહે તેવી ગોઠવણ તેમના દાનથી થઈ છે. સિદ્ધપુરમાં સરસ્વતી તટે અગ્નિદાહનું મહાત્મ્ય છે. આસપાસના ૧૦૦ કિલોમીટરના વિસ્તારથી શબદહન માટે આવનારને શબ લાવવાની મુશ્કેલી હતી. તેમણે મોટી મોટરની રથ જેવી શબવાહિની બનાવીને વ્યવસ્થા કરી. નદી તટે રોજ ૨૦-૨૫ શબદહન થાય પણ બેસવાનો છાંયો નહીં, પીવાનું પાણી નહીં. સ્વામીજીએ પ્રોજેક્ટની આગેવાની લીધી. એક સુંદર બગીચો, પીવાનું અને ફોનની વ્યવસ્થા કરી. અડધાં લાકડાથી શબદહન થાય તેવી યોજનાથી વૃક્ષો બચે છે. પ્રોજેક્ટમાં એક કરોડ ખર્ચાયાં.
ગુજરાતમાં દુષ્કાળ રાહતનાં કામોનો પ્રચાર સરકાર અને ધર્મસંસ્થાઓ કરે છે. પ્રચારનાં પડઘમ વિના સ્વામીજીએ ઉત્તર ગુજરાતમાં આઠ તળાવ ઊંડા કરાવ્યાં, જેની માટી આસપાસ વાપરીને રસ્તો બનાવ્યો. સરકારી કામો કરતાં નવમા ભાગના ખર્ચે કામ થયું. સ્વામીજીની કોઠાસૂઝથી માંડ એક કે બે ટકાના વહીવટી ખર્ચમાં કામ પત્યું, જે બીજે ૧૫થી ૨૦ ટકા હોય!
સ્વામીજી બહાર નીકળે ત્યારે કારમાં ઠંડુ પાણી ખાસ રાખે. ગામથી દૂર અકસ્માત થયો હોય અને ડ્રાઈવર ભૂખ્યો-તરસ્યો બેઠો હોય તે સ્વામીજીની નજરે પડે તો પેલાને પાણી અને સાથે ખાવાનું ય આપે. આવા વખતે પેલો ડ્રાઈવર જો હિંદુ હોય તો તેને સ્વામીજી દેવદૂત અને મુસલમાન હોય તો પયગંબર જેવા લાગે.
સ્વામીજીને નાતજાતના ભેદ નડતા નથી. જૈન સાધુઓ વિચરણ વખતે બે-ચાર દિવસ અહીં રહી જાય છે. હિંદુ સાધુ-સંત પણ આવે. સ્વામીજી વહીવટમાં પડવું પડે એવી પ્રવૃત્તિ આપદધર્મ તરીકે કરે છે. બાકી એ સાચા વિતરાગ કે સંન્યાસી છે. તેઓ યજ્ઞ કરતા નથી. ચેલા મૂંડતા નથી. છાપામાં કોઈ જાહેરાત કે સમાચાર આપતા નથી. સ્વામીજી સાચા સંન્યાસી છે. માનવતાવાદી સત્કર્મોથી તેમણે સંન્યાસ લીધો નથી. ઈતિહાસ, ધર્મ, સંસ્કૃતિ, માનવજીવન અને જુદા જુદા દેશોના પ્રવાસી અને લેખક સ્વામીજી ભારતીય સંસ્કૃતિના પરિવ્રાજક છે. નીડર, ત્યાગી અને સત્કાર્યના એ સદા સેનાપતિ છે.