સત્તાસ્થાને બેઠેલાઓને ટીકા બહુ પસંદ હોતી નથી. કોઈ રમૂજમાં પણ ટીકા કરી બેસે તો કેવા વરવા વિવાદને આકાર આપે છે અને ૧૯૫૦નાં વર્ષોમાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન મોરારજી રણછોડજી દેસાઈ અને મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મોહમ્મદ અલી કરીમ અલી મર્ચેન્ટ-ચાગલા વચ્ચેના પત્રવ્યવહારમાં ઝળકે છે.
આ મોરારજી એટલે મૂળ દક્ષિણ ગુજરાતના વતની અને મુંબઈની વિલ્સન કોલેજમાં ભણીને બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દે પહોંચેલા. ગાંધીજીના રંગે રંગાયા. સાદગી અને ખાદી માટેના પ્રેમે એમને નોકરી છોડી ગાંધી-સરદારના નેતૃત્વમાં કોંગ્રેસના નેજા હેઠળ આઝાદીની ચળવળમાં જોતર્યાં. સમયાંતરે મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન, મુખ્ય પ્રધાનથી લઈને પંડિત જવાહરલાલ નેહરુની ભારત સરકારમાં ગૃહ પ્રધાન અને ઈંદિરા ગાંધીની સરકારમાં નાયબ વડા પ્રધાન તથા નાણાં પ્રધાન રહ્યા. હોદ્દાની આકાંક્ષા ખરી. નેહરુ પછી વડા પ્રધાનપદ ઝંખતા હતા. લાલબહાદુર શાસ્ત્રી પછી પણ વડા પ્રધાન થવા મેદાને પડ્યા, પણ નેહરુ-પુત્રી સામે શિકસ્ત મળી. કોંગ્રેસની સામે થઈને, જેલવાસ ભોગવી, જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બન્યાય ખરા. પ્રામાણિકતા, શિસ્ત અને સાદગી તેમજ કુશળ વહીવટ માટે એ જાણીતા.
ઝીણાએ મુસ્લિમ લીગની સ્થાપનાને વખોડી
જસ્ટિસ ચાગલાના મૂળ ગોત્ર કચ્છમાં. મૂળ અટક મર્ચેન્ટ. મર્ચેન્ટમાંથી ચાગલા થયા. ઓક્સફર્ડમાં ભણ્યા. મુસ્લિમ લીગના અગ્રણી મોહમ્મદ અલી ઝીણાના સાથી રહ્યા, જ્યાં લગી ઝીણા રાષ્ટ્રવાદી હતા. ચાગલા થકી જ લોકોએ જાણ્યું કે મુસ્લિમ લીગની ૧૯૦૫માં સ્થાપના થઈ ત્યારે બેરિસ્ટર ઝીણાએ એને વખોડવાનું પસંદ કરેલું. અંગ્રેજોની કુટિલ નીતિથી ભારતને તોડવાની ચાલ ગણાવી હતી. એ વેળા ઝીણા મુંબઈમાં બેરિસ્ટરી કરનારા કોંગ્રેસી આગેવાન હતા.
જેએનયુના સંસ્થાપક શિક્ષણ પ્રધાન
સમયાંતરે ઝીણાએ જ બ્રિટિશ ઈન્ડિયામાંથી પાકિસ્તાન મેળવ્યું. મુસ્લિમ લીગી રાજકારણમાંથી જસ્ટિસ ચાગલા ન્યાયતંત્રને મારગ ફંટાયા. મુંબઈની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ થયા. ભારત સરકારમાં વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને ઈંદિરા ગાંધીની સરકારોમાં એ શિક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાન પણ રહ્યા. અમેરિકામાં ભારતીય રાજદૂત તેમજ સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર પ્રશ્નો સૌથી પ્રભાવી રજૂઆત કરનાર ભારતીય પ્રતિનિધિમંડળના નેતા પણ રહ્યા. ભારતમાં મુસ્લિમો લઘુમતી નથી એ તેમની તકિયાકલમ. નેહરુ સરકારમાં જોડાવાનું નિમંત્રણ મળ્યું ત્યારે ‘મારી લાયકાતને ધોરણે મને પ્રધાનપદું આપતા હોય તો સ્વીકારીશ, મારી કોમને જોઈને લેવા માંગતા હોય તો નહીં’ એવું સુણાવનાર જસ્ટિસ ચાગલાએ નેહરુના અંતરંગ મિત્ર અને નાણાં પ્રધાન ટી. ટી. કૃષ્ણમાચારીએ રાજીનામું આપવું પડ્યું એ મુંદડા કૌભાંડની તપાસના વડા તરીકે નિષ્પક્ષ અહેવાલ આપ્યો હતો. આ કૌભાંડ નેહરુના જ જમાઈ ફિરોઝ ગાંધીએ સંસદમાં ખુલ્લું પાડ્યું હતું.
જે ઈંદિરા ગાંધીની સરકારમાં એ કેબિનેટ પ્રધાન હતા, એમાંથી ય સિદ્ધાંતના મુદ્દે રાજીનામું આપવામાંય એમને જરાય સંકોચ થયો નહોતો. શિક્ષણ પ્રધાન તરીકે નેહરુ સરકારમાં હતા ત્યારે જ જસ્ટિસ ચાગલાએ ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ (જેએનયુ)ની સ્થાપના માટેનું વિધેયક તૈયાર કર્યું. ઈંદિરા યુગમાં પાર્થસારથિને એના પ્રથમ કુલપતિ (વાઈસ ચાન્સેલર) નિયુક્ત કરાયા.
સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે રાજ્યસભામાં નેહરુના મૃત્યુ પછી ચર્ચા માટે આવેલા જેએનયુ બિલ ટાણે ચાગલા પર ખૂબ માછલાં ધોયાં પણ આ યુનિવર્સિટી સાથે નેહરુનું નામ જોડવાનો ચાગલાનો આગ્રહ સકારણ હતો. નેહરુની અનિચ્છા છતાં એમણે જીદ કરીને એમની સંમતિ મેળવી હતી એ વાત ડાહ્યાભાઈ પટેલને ક્યાં ખબર હતી. શિક્ષણ પ્રધાન તરીકે ત્વરિત નિર્ણય કરવા અને અમલ પણ ત્વરિત કરવો એ ચાગલાનો સ્વભાવ રહ્યો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના નામમાંથી ‘મુસ્લિમ’ અને બનારસ હિંદુ યુનિવર્સિટીના નામમાંથી ‘હિંદુ’ કાઢી નાંખવાના એ આગ્રહી હતા.
કોઈના ગમા-અણગમાનો વિચાર નહીં
લોકશાહી મૂલ્યોના પ્રખર આગ્રહી એવા ચાગલાએ મોરારજીને ૩૦ ઓક્ટોબર ૧૯૫૦ના પત્રમાં નોંધેલા શબ્દો ટાંકવાનું મન થાય છે. ‘હું જ્યારે કોઈ વિષય પર બોલતો હોઉં ત્યારે મારું કોઈ ઉચ્ચારણ કોઈને ગમશે કે નહીં ગમે, તેનો વિચાર કરવાની મને ટેવ નથી. બ્રિટિશ સરકાર હેઠળ મને એવી ટેવ નહોતી. અને આપણી પોતાની સરકાર હેઠળ પણ એવી ટેવ પાડવાનો મારો ઈરાદો નથી.’ એટલે મોરારજીને આ જ પત્રમાં ઈંગ્લેન્ડના એક વડા ન્યાયમૂર્તિએ લખેલું ‘નવી આપખુદી’ નામનું પુસ્તક વાંચવા ખાસ ભલામણ કરી હતી. અને આ પત્ર પાછો જસ્ટિસ ચાગલાની આત્મકથા ‘Roses in December’માં તો છપાયો છે, પણ મોરારજીની આત્મકથા ‘મારું જીવનવૃતાંતઃ ભાગ બીજો’માં પણ પ્રકાશિત થયો છે! બેઉ જણા પોતાના મતભેદો છતાં પરસ્પર માટે આદર ધરાવતા હતા. સંભવતઃ એટલે જ ઈંદિરા ગાંધીની ૧૯૭૫-૭૭ની ઈમર્જન્સી સામે બંનેએ લડત આપી. મોરારજીભાઈ જેલવાસ ભોગવી વડા પ્રધાન થયા, ચાગલા જેલ જવા તૈયાર હતા, પણ જરાકમાં જેલ જતાં ચુક્યા.
મોરારજીને ચાગલા માટે આદર
મોરારજીએ ૨૮ નવેમ્બર ૧૯૫૦ના રોજ જસ્ટિસ ચાગલાને લખેલા પત્રમાં નોંધ્યું હતુંઃ ‘મારા જીવતાં જો આ દેશ પર સરમુખત્યારી આવી પડે તો તે વખતે હું સરકારી સ્થાને નહીં હોઉં પણ એ સરમુખત્યારી સામે, ઈશ્વરે મને જે કંઈ થોડીઘણી શક્તિ આપી છે તે વડે લડતાં હું ભયંકરમાં ભયંકર કષ્ટો વેઠવા અને મારું માથું ગુમાવવા પણ તૈયાર હોઈશ એ ચોક્કસ છે.’ મોરારજીએ બોલ્યું પાળ્યું. એ જ પત્રમાં એ નોંધે છેઃ ‘મારે ન્યાય ખાતાના વડાની લાગણી ન દુભવવી જોઈએ કે એમને ઉશ્કેરવા ન જોઈએ. એને હું અત્યંત જરૂરી ગણું છું. કારણ કે આપણે બંને જે લોકશાહી શાસન ચણવા માંગીએ છીએ તેને માટે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે એખલાસભર્યા સંબંધો રહે એ ખૂબ જરૂરી છે. આ બાબતમાં તમારી પાસેથી નિખાલસ દોરવણી મળશે તો હું અત્યંત આભારી થઈશ.’ અત્યારના શાસકોએ આ શીખ ગૂંજે બાંધવાની જરૂર ખરી.
બંને દીર્ઘદૃષ્ટા અને લોકશાહીવાદી
સદ્નસીબે મુંબઈમાં મોરારજી દેસાઈ અને જસ્ટિસ ચાગલા બેઉ સાથે ખૂબ જ નિકટનો સંબંધ રહ્યાથી સ્વાનુભવે પણ કહી શકાય કે બંનેના સ્વભાવમાં ખૂબ અંતર હોવા છતાં બંનેના હેતુ કાયમ શુભ હતા. લોકશાહીના પુરસ્કર્તા હતા. દેશના ઉજ્જવળ ભાવિ માટે કશુંક કરી છૂટવાની ભાવનાવાળા હતા. પોતાના મૃત્યુના એકાદ વર્ષ પહેલાં મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પ્રથમ અધિવેશનમાં અતિથિ વક્તા તરીકે જસ્ટિસ ચાગલાએ ભાજપમાં ‘ભવિષ્યની આશા’ નિહાળી હતી. એ વાત સમયે સાચી સાબિત કરી બતાવી. એ વખતે મંચસ્થ મહાનુભાવોમાં તે વેળાના પક્ષના અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી, લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી અને રામ જેઠમલાણી હજુ નજર સામે તગે છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક તા. 17th June 2017 અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2rljaaj)