14મી ઓકટોબરે ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચ કરતાં પણ મહત્વની ઘટના બની તે વિજાપુર પાસેના સમૌ ગામમાં અનામ, અજાણ વીર શહીદોના સ્મારકની સ્થાપના. માણસાના એક વયોવૃદ્ધ રહેવાસીએ હોંશભેર કહ્યું:”આપણો અમિત સમૌ આવ્યો અને વીર મગન ભૂખણને વંદન કરી ગયો!
કોણ મગન ભૂખણ?
અને જેઠા માધવજી?
આ કોઈ માથાફરેલા લોકો નહોતા. નક્કી કર્યું હતું કે દેશ આખામાં સળગેલી 1857ની આગને ગુજરાતમાં પણ જગવવી. એવું થયું છેક પંચમહાલ મહીકાંઠા, વડોદરા, અમદાવાદ, ઓખા સુધી. સામાન્ય લોકો-પટેલ, બ્રાહ્મણ, ભીલ, ઠાકોર, સંધિ, વાઘેર, કોળી,- એ હથિયાર હાથમાં લીધા. બ્રિટિશ સેનામાં પણ બગાવત સર્જાઈ. તાત્યા તોપે ઉત્તર ભારત પછી પશ્ચિમ ભારતમાં વિપ્લવનો રણટંકાર જગાવવા આવી રહ્યો હતો. તેને મદદ કરનારા મહીકાંઠાના ગ્રામજનોને મહીકાંઠે એક વડની ડાળીઓ પર લટકાવીને અંગ્રેજ સેનાએ મારી નાખ્યા. સંખ્યા અઢીસોની. ઘોઘામાં વરસાદને લીધે જેમને ફાંસી આપી શકાઈ નહિ, તેવા ભારતીય સૈનિકોને અમદાવાદ કેંટોનમેંટમાં ફાંસી અને તોપથી ઉડાવી દેવામાં આવ્યા. આવું દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર, રાજપીપળા, ચાંડુપ, દ્વારિકા, ઓખા, અનલગઢ, પ્રતાપપુરા, ઝાલોદ, ખેરાલુ, નાંદોદ, ઇડર, વડોદરા, ડીસા, પાલનપુર, કડી, ખેડા, ભરુચ, લીમડી, જાંબુઘોડા, ચિખલી, વાઘોડિયા, દભોઈ, સંખેડા, અલીરાજપુર, રંગપુર, નર્મદા નદીના કિનારે... પણ બન્યું. કોઈ રાજા કે સામંત નહિ, સામાન્ય માણસ બ્રિટિશ સત્તા સામે લડી રહ્યો હતો.
તેમાના બે વિપ્લવીઓની ખાંભી સમૌ ગામની શાળાના મેદાનમાં હતી, હવે સ્મારક બનશે. મગનલાલ ભૂખણ તેનો સેનાની. મૂળ પાટણનો વાતની. સાથીદાર જેઠા માધવજી વીજપુરનો. મહીકાંઠાના પ્રતાપપૂરા ચોક તળાવથી નીકળવું, ત્યાંથી વડોદરા, બરાબર ધનતેરશના તહેવારે, (16 ઓક્ટોબર,1857) હુમલો કરીને વડોદરાને મુક્ત કરવાનો પ્રયાસ કરવો, આવી યોજના હતી. એક, બે અને હવે ત્રીજા પ્રયાસમાં મગનલાલે કમર કસી. ભાઉસાહેબ પવાર, રાજા ભોંસલે, નિહાલચંદ ઝવેરી અને બીજાઓએ સાથે મળીને યોજના ઘડી કાઢી, વડોદરાથી અમદાવાદ સુધીના પટ્ટાને મુક્ત કરવો હતો. અમદાવાદમા સૈન્યમાં બગાવત અને મહીકાંઠામાં સંગ્રામનો એજન્ડા હતો. દુર્ભાગ્યે દિલ્હીમાં નિષ્ફળતા મળી પણ મહીકાંઠો દ્રઢ હતો. બ્રિટિશ સેના ત્રાટકી. કેટલાક પકડાયા. કેટલાક ગોળીએ દેવાયા.પ્રતાપપુરા અને અંગેર ગામોને સંપૂર્ણ બાળી મૂકવામાં આવ્યા.
પણ મગનલાલ હાથમાં આવ્યો નહિ. હતો વણિક, પણ કામ ક્ષત્રિયનું. તે પોતાના સાથીઓને લઈને લોદરા આવ્યો. લોદરાએ ટેકો આપ્યો તેની કેએચબીઆર અંગ્રેજ સેનાપતિ મેજર એગરે પીછો કર્યો પણ નિષ્ફળ રહ્યો. મગનલાલે કડી પ્રદેશમાં સૈનિકો ઊભા કર્યા. વ્યાવસાયિક વત્તા દેશપ્રેમી સેના ઊભી કરવાનો એકમાત્ર પ્રયાસ ગુજરાતમાં આ મગન ભૂખણે જ કર્યો છે. 2000 જેટલી ભરતી કરી. 150 ઘોડેસવાર સૈનિકો તૈયાર કર્યા. કડી, તારંગા, ખેરાલુ, વીજાપુર, ઇંદ્રાસી સુધી આ સંગ્રામની હવા ઊભી થઈ. છેક ઓખાના વાઘેરોનો પણ સંપર્ક કર્યો. પહેલીવારની નિષ્ફળતામાં મુખ્ય સૂત્રધાર બાપુરાવ ગાયકવાડને પકડી લેવાયો હતો. એટ્લે મગનલાલે તારંગાના જંગલોમાં નવો મોરચો ખોલ્યો. સિપોર, સરના, છાબળિયા, કબીરપુર, દમલા જેવાં સ્થાનોએ કોળી સમુદાયની ભરતી કરી. વીજાપુર અને ખરોળ ગામની વચ્ચે સૌ એકત્રિત થ્ય. આ સૈનિકોને સાત અને દસ રૂપિયાનો પગાર પણ બાંધી આપ્યો.
પિલવાઇ ભલે નજીક હતું પણ મગનલાલે લોદરાને કેન્દ્રમાં રાખ્યું. વરસોવાના ઠાકોર અને ગાયકવાડનો અહી ભાગ હતો. મગનલાલની ટુકડી અહી ત્રાટકી. 2000 સિપાહી અને 50 અશ્વારોહીઓએ હુમલો કર્યો. પણ મેજર એંડરૂઝ મોટી સંખ્યામાં લશ્કરને લઈ આવી પહોંચ્યો હતો. વરસોવાના ઠાકોરોએ તેને સાથ આપ્યો એટ્લે મગનલાલની પીછેહઠ થઈ. લોદરા ઘટનાથી ડરીને ઇડર રાજવીએ બ્રિટિશરોની વધુ કુમક માંગી. મેજર વ્હાઇટલોકે એક રેજિમેન્ટ અને તોપચીઑ મોકલ્યા. 300 ઊંટ સવારો પણ આપ્યા, કોઈપણ ભોગે તેને ભારતીયોનો સંઘર્ષ કચડી નાખવો હતો.
એકલો મગન અને તેના મુઠ્ઠીભર સાથીઓ કઇ રીતે પહોંચી શકે? કલોલના રિદ્રોલ ગમે તો તેના પોતાના સાથીઓએ મદદના બહાને વિરોધ કર્યો. ભાગલા પડ્યા. હવે મગનલાલની પાસે થોડાક વિશ્વાસુ સાથીદારો રહ્યા હતા. તેની માહિતી સમૌના થાનેદારને કેટલાક લાલચુઑએ પહોંચાડી દીધી. મેજર અગરની સૈનિકી તાકાત ત્યાં પહોંચી ગઈ. મગન ભૂખણ અને તેના અગિયાર સાથીદારો પર હુમલો કરીને પકડી લેવામાં આવ્યા.
ન્યાયનું નાટક તો કરવું જ પડે ને? કલેક્ટર હેડાઉ અને જનરલ રોબર્ટ્સની લશ્કરી અદાલતમા કેસ ચાલ્યો. આરોપ અંગ્રેજીમાં, સુનાવણી અંગ્રેજીમાં, દલીલ અંગ્રેજીમાં, અને ચુકાદો પણ અંગ્રેજીમાં, જે મગન ભૂખણ અને બીજા આ અંગ્રેજી તો ક્યાંથી જાણે?
21 ડિસેમ્બર, 1857ના દિવસે મગનલાલ ભૂખણ અને જેઠાલાલ માધવજીને જાહેરમાં ફાંસી આપવામાં આવી. બીજાઓને મોટી સજા થઈ. આ બધાના નામો આપણે જાણીએ છીએ? આપના ઈતિહાસોમાં તેનો ઉલ્લેખ ભણાવવામાં આવે છે? અરે તેમની હુતાત્મા-ભૂમિને જાળવવામાં આવી છે? ઇતિહાસ બોધથી શૂન્ય થવાનું જીવંત સમાજને પોસાય ખરું? એટ્લે 14 ઓકટોબરે પાકિસ્તાન-ભારત ક્રિકેટ મેચ કરતાં વધુ મહત્વની ઘટના તો આ હતી, જ્યાં નાનકડા ગામમાં ભારત સરકારના ગૃહમંત્રી આ ગુમનામ શહીદોના સ્મારકને વંદન કરવા આવ્યા.
આવા તો 101 સ્થાનો વીર ગુજરાતીઓના બલિદાનોના છે! સમૌથી બહુ દૂર નહિ એવા આણંદમાં પણ 1857માં ઝુકાવનારા મુખી ગરબડદાસ પટેલને આંદામાનની કાળ કોટડીમાં મૃત્યુ સુધીની સજા મળી હતી અને બીજા બ્રિટિશ સેનાની સામે લડીને મોતને ભેટ્યા હતા. જો સમૌમાં સ્મારક થાય તો આણંદમાં કેમ નહિ? આની વાત હવે પછી કરીશું.