સાથી ડોક્ટરોએ સલાહ આપી. એક ભૂલ કરી તો ભલે પણ બીજી ભૂલ કરશો તો જીવનભર પસ્તાવું પડશે. વાત છે પિડિયાટ્રિશ્યન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની. તેમણે ત્રણ બાળકોને ઈન્ક્યુબેટરમાં રાખેલા હતાં, તેમાં એક બાળકનું હૃદય ધીમે ધીમે બંધ પડતું જતું હતું. બીજા દિવસે બાળદર્દીનું અવસાન થયું. ડોક્ટરને ખ્યાલ આવ્યો કે જો આવું કર્યું હોત તો બાળક જરૂર બચી જાત. ભૂલનો ખ્યાલ આવતા ડોક્ટર દુઃખી થયા. તેમણે વિચાર્યું કે, ‘મારે એનાં મા-બાપને જાણ કરવી જોઈએ કે મેં આ સારવાર કરી હોત તો બાળક કદાચ બચી ગયું હોત. ભૂલથી મેં બીજી રીતે સારવાર કરી.’ ડોક્ટરે પોતાના મિત્રોને વિચાર જણાવ્યો તો મિત્રોએ એકી અવાજ આવું કરવાથી થતાં ખતરાથી સંભવિત નુકસાનની વાત કરીને મના કરી. ખતરો હતો બાળકના વાલી કેસ કરે તો લાખ્ખો ડોલરની નુકસાની આપવાની થાય. પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ પણ કદાચ જપ્ત થાય તો જિંદગીભર ડોક્ટર તરીકે કામ જ ન થાય. આમ છતાં ડોક્ટરના અંતરાત્માએ સાચું કબૂલ કરવા પ્રેરણા આપી. ડોક્ટરે વાલીને સાચી વાત કહીને માફી માગી. વાલીએ વાત આગળ ના વધારી.
આવું જોખમી સાહસ કરનાર ડોક્ટર હતા જિતેન્દ્ર શાહ. સત્યનિષ્ઠાનો વારસો એ પિતા જીવણલાલના ઉછેરની ભેટ છે. જીવણલાલ શાહ નડિયાદ નજીકના સાસ્તાપુરના વતની. એ પોસ્ટખાતામાં કામ કરે. સરકારી નોકરીમાં બદલી થાય ત્યારે પત્ની સવિતાબહેન અને બાળકો સાથે નવા સ્થળે રહે. જીવણલાલનું ધર્મ અને નીતિથી ભરેલું જીવન. ઘરમાં રોજ સમગ્ર પરિવાર પ્રાર્થના-પૂજા કરે. જીવણલાલ પોસ્ટમાસ્તર. સરકારી રબર, કાગળ, પેન્સિલ, ગુંદર, બીજી સ્ટેશનરી ક્યારેય અંગત ઉપયોગમાં ના લે. ના બાળકોને ઉપયોગ કરવા આપે. આ જીવણલાલ અમદાવાદમાં નોકરી કરતાં હતા ત્યારે દરિયાપુર રહેતા. સાદગીથી જીવતા અને શાક લેવા દિલ્હી દરવાજા ચાલીને જતા. એક દિવસ બે બાળકો જિતેન્દ્ર અને મહેશને લઈને શાક લેવા ગયા. શાક લઈને ઘરે પાછા આવ્યા ત્યારે સવિતાબહેન કહે, ‘આદું મંગાવ્યું ન હતું તોય લાવ્યા?’ તેમણે થેલીમાંથી નીકળેલું આદું જોયું. બાળકોને પૂછ્યું પણ કંઈ જવાબ ન મળતાં સમજી ગયા કે બાળકોએ થેલીમાં શાક સાથે છાબમાંથી લઈને છાનામાના નાંખ્યું છે. તેઓ બાળકોને લઈને ચાલતાં જ્યાંથી શાકભાજી લાવ્યા હતા તે દુકાને પહોંચ્યાં. બાળકો પાસે આદું પાછું અપાવીને કહેવડાવ્યું, ‘અમે તમારું આદું છાનામાના ચોરી ગયા હતા. તે પાછું લો. અમને માફ કરો. અમે ફરી ભૂલ નહીં કરીએ.’
જીવણલાલ આટલેથી ના થંભ્યા. એ જ લાઈનની બધી દુકાનો પર બાળકોને લઈ જઈને માફી મંગાવી અને ફરી એવું ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. જિતેન્દ્રભાઈમાં સત્યનિષ્ઠ પિતાનો વારસો હતો તેથી જ તેમણે બાળકના પિતા સમક્ષ ભૂલ કબૂલ કરીને માફી માંગી. જિતેન્દ્રભાઈ શરૂથી હોંશિયાર વિદ્યાર્થી પણ મા સવિતાબહેન ગંભીર માંદગીમાં પટકાયાં ત્યારે વિચાર્યું કે હું જો ડોક્ટર બનું તો મા-બાપ અને બધાં બીમારની સેવા કરી શકું. આ વિચારે અભ્યાસમાં એવું ધ્યાન કેન્દ્રિત કર્યું કે એસએસસીની પરીક્ષામાં નડિયાદ કેન્દ્રમાં પ્રથમ નંબરે પાસ થયા. આ પછી ડોક્ટર થઈને વધુ ભણવા અમેરિકામાં ફિલાડેલ્ફિયા આવ્યા. અહીં પાંચ વર્ષ પિડિયાટ્રિશ્યન અને કાર્ડિયોલોજીમાં રેસિડન્સી કરીને પછીથી શિકાગો નજીક પિયોરિયામાં હોસ્પિટલમાં જોડાયા.
અમેરિકામાં આરંભના દિવસો કપરા હતા. પિતાએ લખ્યું, ‘ત્યાં ઠંડીને કારણે ખોરાકમાં ફેરફાર કરવો પડે તો ચાલશે.’ જિતેન્દ્રભાઈએ લખ્યું, ‘હું શાકાહારી હતો, છું અને રહીશ.’ લગભગ પચાસ વર્ષના અમેરિકીનિવાસ છતાં તે મદ્ય, માંસથી પર રહ્યા છે.
૧૯૭૧માં આવ્યા. વાર્ષિક પગાર માત્ર ૯૫૦૦ ડોલર. આમાં વતનમાં વૃદ્ધ મા-બાપને મદદરૂપ થવાનું અને અમેરિકામાં જીવવાનું. બીજે વર્ષે પત્ની દક્ષાબહેન આવ્યાં, એવામાં નાનાભાઈ મહેશનું ભારતમાં લગ્ન ગોઠવાતાં, પિતાની ઈચ્છા સંતોષવા દેવું કરીને ભારત ગયેલા. ૧૯૭૩થી ૧૯૮૧ સુધીમાં ચાર પુત્રીઓ જન્મી. આ બધામાં દક્ષાબહેન સરખી અને કાયમી નોકરી ના કરી શકે.
પિયોરિયામાં ૧૯૭૬માં આવ્યા. અહીં ડો. રીટાબહેન અને જિતેન્દ્ર પટેલના કારણે અનુપમ મિશનના પૂ. જશભાઈ સાહેબ અને સંતોનો પરિચય થતાં તેમને સાદા, સ્વાવલંબી અને સ્નેહાળ સંતો ગમ્યા અને અનુપમ મિશનમાં રસ વધતો ગયો. પિયોરિયામાં સાધુચરિત સેવાભાવી ડો. આલ્બર્ટ સાથે એક જ વિભાગમાં કામ કરતાં સેવાનો બાપીકો રંગ પાક્કો થયો. રાતદાડો દર્દીઓમાં ખોવાતા ગયા. બાળદર્દીઓનાં મા-બાપ દર્દીની સર્જરી કે મુલાકાતે આવે તો બધાને હોટેલમાં રહેવું ના પોષાય. આથી એવા લોકો માટે અલગ મકાન કરવામાં ડો. આલ્બર્ટ સાથે સહભાગી થયા અને આવા મકાનમાં રોકાતાં જરૂરતમંદ દર્દીના મા-બાપને ભોજન માટે એ જ મકાનમાં પોતાની ગ્રોસરી લઈને બે-ત્રણ સાથીઓ સાથે મહિને ત્રણ-ચાર શાકાહારી ભોજન બનાવીને પીરસે છે.
બાળકોના ડોક્ટર જિતેન્દ્રભાઈને બાળકોમાં પ્રભુનો વાસ લાગે છે તેથી અનુપમ મિશનની મતિમંદ બાળકોની સંસ્થામાં તન અને ધનથી ઘસાઈને ઉજળાં બને છે. મા-બાપને બે દશકા સુધી અમેરિકામાં પોતાની સાથે રાખ્યાં. પિતાને ભારતમાં મળતું પેન્શન પિતાની ઈચ્છા મુજબ ભારતમાં જ વિવિધ સત્કાર્યોમાં વાપરતાં રહ્યાં. વર્ષોથી એકલ વિદ્યાલયની પ્રવૃત્તિમાં તે દર વર્ષે એક કે બે ગામ દત્તક લે છે. સેવા, સાદગી અને ભક્તિથી ભરેલાં ડોક્ટર જિતેન્દ્ર શાહ વિદેશીવાસી ગુજરાતીઓને તેમના આચારવિચાર અને જીવનથી પ્રેરક છે.