વૈશાખના શુકલ પક્ષની ત્રીજ (આ વર્ષે 30 એપ્રિલ) લોકબોલીમાં ‘અખાત્રીજ’ તરીકે ઓળખાય છે. ખરેખર તો મૂળ સંસ્કૃત શબ્દ ‘અક્ષયતૃતીયા’ છે. અખાત્રીજ એ ચાર યુગ પૈકી પહેલા સત્યયુગનો પહેલો દિવસ ગણાય છે. તેથી તે યુગાદિ તિથિ કહેવાય છે. આનો અર્થ એ થયો કે ભારતીય કાળગણના પ્રમાણે વૈશાખ સુદ ત્રીજથી સત્યયુગનો આરંભ થયો. તેથી આ ત્રીજનું સુખ-સંપત્તિ અને સમૃદ્ધિની દૃષ્ટિએ મહત્ત્વ વધી જાય છે. આ કારણે જ તે ‘અક્ષયતૃતીયા’ કહેવાય છે.
અક્ષય એટલે જેનો ક્ષય કે નાશ ન થાય. માન્યતા મુજબ અક્ષયતૃતીયા સ્વયંસિદ્ધ અભિજિત મુહૂર્ત છે. આ તિથિએ કરાતું કોઈ પણ માંગલિક, શુભકર્મ કે પુણ્યકર્મનું ફળ અક્ષય બની જાય છે. પુરાણકથાઓમાં પણ કહેવાયું છે કે અક્ષયતૃતીયાના દિવસે સ્નાન, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ અને જે કંઈ દાન કર્યું હોય તે સઘળું ક્ષયરહિત-અક્ષય બની રહે છે.
મનુષ્યનું કર્મ કાળસાક્ષેપ છે. કાળ (સમય) ઉપર તો માત્ર પરમેશ્વરનું શાસન ચાલે છે. શ્રીકૃષ્ણ કહે છેઃ કાલોસ્મિ, હું કાળ (સમય) છું. શિવજી તો મહાકાલ કહેવાય છે. મનુષ્યનાં શુભ-અશુભ કર્મ ઉપર શુભ-અશુભ કાળનો પ્રભાવ પડે છે, તેવી આપણી શાસ્ત્રીય માન્યતા છે. અક્ષયતૃતીયા તિથિનો પ્રભાવ આ સંદર્ભમાં વિચારી શકાય.
દરિદ્ર સુદામાએ અખાત્રીજે શ્રીકૃષ્ણને તાંદુલ અર્પણ કર્યા, તો સુદામાની ઝૂંપડી સમૃદ્ધિથી છલકાતા રાજમહેલમાં ફેરવાઈ ગઈ! મહાભારત પ્રમાણે આ દિવસે શ્રીકૃષ્ણે પાંડવોને આપેલું અન્નપાત્ર ‘અક્ષય’ બની ગયેલું! મહર્ષિ વ્યાસે મહાભારત લખવાની શરૂઆત અખાત્રીજે કરેલી, તેથી તે એક લાખ શ્લોકના અક્ષય-ભંડાર સમો ગ્રંથ બન્યો.
નૂતન વર્ષારંભ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરશ, લાભપાંચમ અને ધૂળેટી આ છ કાયમી શુભ મુહૂર્તો ગણાય છે. આમાંય અક્ષયતૃતીયા સર્વશ્રેષ્ઠ ગણાયું છે. કેમ કે એ આખી તિથિ મુહૂર્તરૂપ બની રહે છે. એટલે આ તિથિએ શુભ કાર્યના આરંભ માટે પંચાંગશુદ્ધિ જોવાની જરૂર રહેતી નથી. આ કારણે અખાત્રીજે હજારો લગ્ન યોજાય છે.
આપણા કેટલાક તહેવારોનું આયોજન ગ્રામસંસ્કૃતિ કે લોકજીવનના વ્યવહારોને કેન્દ્રમાં રાખી થયું છે. અખાત્રીજ તો લોકજીવનમાં અનેક રીતે વણાઈ ગઈ છે. આપણી કૃષિ સંસ્કૃતિના નિર્માતા ખેડૂતોના નવા વર્ષનો આરંભ અખાત્રીજથી થાય છે. આ દિવસે ખેડૂત ‘હળોતરા’ કરે છે. આમાં હળ અને બળદને નાડાછડી બાંધી શણગારાય છે, તેની પૂજા કરાય છે અને ખેડૂત તેને ખેતરમાં લઈ જઈને ખેડનો એક ચાસ પડાય છે, લાપસીનાં રાંધણ થાય છે. આ રીતે નવા વર્ષે કૃષિકાર્યનો આરંભ કરાય છે.
અખાત્રીજથી ઉનાળો ભરજુવાનીમાં પ્રવેશે છે એમ કહી સકાય. આવા પ્રખર તાપમાં પશુ-પંખી અને વટેમાર્ગુઓની તરસ છિપાવવી એ સાચું ધર્મકાર્ય છે, તેથી આ દિવસે પરબો અને પરબડીઓ તેમ જ વાવ-કૂવા-તળાવ વગેરે બંધાવવાનું અને જળનું દાન કરવાનું આપણા પુરાણો અને ધર્મશાસ્ત્રો કહે છે. ઉગ્ર તાપ-તડકાથી રક્ષણ કરી શકાય તેવી વસ્તુઓ જેવી કે છત્ર-છત્રી, પગરખાં, પંખા, માટીનાં પાત્રો વગેરેના દાનનો મહિમા પણ કરાયો છે. સુગંધ, જળ, તલ, અન્ન અને દક્ષિણાથી ભરેલા ધર્મઘટનું પણ દાન કરાય છે. અખાત્રીજથી વૃક્ષોને નિયમિત પાણી પાવાનો પણ ધર્મશાસ્ત્રીય આદેશ છે.
અખાત્રીજથી વૈશાખી સ્નાનનો આરંભ થાય છે. વહેલી સવારે તીર્થસ્થળે કે ગંગા જેવી નદીઓમાં સ્નાન કરવાથી આંતરિક શુદ્ધિ થાય છે, પાપમુક્ત થવાય છે, એવું આપણા પુરાણો કહે છે. પ્રાતઃકાળે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરાય છે. અખાત્રીજના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ છે. વિષ્ણુના પરશુરામ, હયગ્રીવ અને નરનારાયણ જેવા ત્રણ-ત્રણ અવતારોનું પ્રાગટ્ય પણ આ દિવસે થયું છે.
ભગવાન વિષ્ણુનાં પત્ની લક્ષ્મી ઐશ્વર્યની અધિષ્ઠાત્રી મનાયાં છે. તેથી લક્ષ્મીને ઘરમાં સ્થિર કરવા, સંપત્તિ-સમૃદ્ધિમાં વધારો કરવા માટે લક્ષ્મીદેવીની પૂજા-આરાધના કરાય છે. આ સંદર્ભમાં સુવર્ણ-ઝવેરાતની ખરીદી, મૂડી રોકાણ તેમ જ કિંમતી ચીજવસ્તુઓની ખરીદી માટે અખાત્રીજનો દિવસ ઉત્તમ મનાયો છે. આ દિવસે ખરીદેલ સંપત્તિ અક્ષય-અખૂટ બની જાય છે, એવી માન્યતા છે. અખાત્રીજે દેવતાઓ અને પિતૃઓને તલ અને જળ અર્પણ કરી તર્પણ પણ કરાય છે. તલ સાત્ત્વિકતા, સ્નિગ્ધતાનું પ્રતીક છે, તો જળ નિર્મળતા-શુદ્ધિનું પ્રતીક છે. સાત્ત્વિક-નિર્મળ વૃત્તિથી તર્પણ કરાય તો તેનું અક્ષયફળ પ્રાપ્ત થાય છે.
ઉત્તરાખંડમાં ભગવાન બદ્રીનાથનાં દર્શન અખાત્રીજથી ખૂલે છે. વર્ષમાં એક જ વાર થતા ભગવાન બાંકે બિહારીનાં ચરણવિંદનાં દર્શન કરવા અખાત્રીજે વૃંદાવન ઉભરાય છે. વ્રજભૂમિમાં આ તિથિએ વૈશાખી સ્નાન કરી ઠાકોરજીને સાથવા (શેકેલા ધાન્યનો લોટ)નો ભોગ ધરાવાય છે. જગન્નાથપુરીમાં અષાઢી રથયાત્રા માટેના રથોના નિર્માણનું કાર્ય અખાત્રીજથી આરંભાય છે.
ભવિષ્યપુરાણની એક કથા મુજબ મહોદય નામનો એક વૈશ્યે (જૈન) અક્ષયતૃતીયાનું વ્રત કરી પિતૃ અને દેવને તૃપ્ત કર્યા. આખી જિંદગી એણે અન્ન, જળ, ધનનું દાન કર્યું. બીજા જન્મમાં તે શ્રીમંત ક્ષત્રિય થયો. તે મહાન દાનવીર હતો, છતાં તેનો સંપત્તિ-ભંડાર અક્ષય-અખૂટ રહ્યો હતો.
જૈનધર્મમાં આગવું મહત્ત્વ
જૈનધર્મમાં પણ અક્ષયતૃતીયાનું મહત્ત્વ સ્વીકારાયું છે. જૈનો એક વર્ષનું ‘વર્ષીતપ’ કરે છે. અક્ષયતૃતીયાએ આ તપનું પારણું શેરડીના રસ (ઇક્ષુરસ)થી કરાય છે. ભગવાન ઋષભદેવના 12-12 મહિનાના ઉપવાસનાં પારણાં આ દિવસે તેમના પૌત્ર શ્રેયાંસકુમાર દ્વારા ઇક્ષુરસથી થયાં. દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રગટ કર્યાં. ઇક્ષુરસનું આ દાન શ્રેયાંસકુમારને અક્ષય ફળ આપનારું નીવડ્યું, ત્યારથી આ દિવસ અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધ થયો. પ્રભુ ઋષભદેવની સ્મૃતિમાં લોકોએ વર્ષીતપ શરૂ કર્યાં અને અક્ષયતૃતીયાના દિવસે આ મહાતપનાં પારણાંનો મોટો ઉત્સવ ઊજવવાની પરંપરા ચાલુ થઈ, જે સેંકડો વર્ષ પછી પણ ચાલે છે.