હાલની ચૂટણીમાં ગુજરાતની કેટલીક બેઠકોની ગણતરી કરાય છે તેમાંની એક રાજકોટની પણ છે. પણ રાજકોટની આજને સમજવા માટે ગઇકાલનો અંદાજ મેળવવો પડે. તેના રસપ્રદ વિરોધાભાસો સમજવા જોઈએ. શરૂઆત ગાંધીજીથી કરીએ, જેમણે અનેક સત્યાગ્રહો કર્યા, અનશન કર્યા, તેમનું “રાજકોટ સત્યાગ્રહ”નું મંથન આ શબ્દોમાં ઢેબરભાઇના જીવનીકાર મનુભાઈ રાવળેએ નોંધ્યા છે: “રાજકોટે મારી જુવાની હારી લીધી છે. ઘડપણ મે કદી જાણ્યું નથી. આજે હું અડીખમ છું એનું ભાન થયું છે. નિરાશા શી ચીજ છે એની મને ઓળખ નહોતી. આજે રાજકોટમાં આશાણે ટાઢી ઠારીને હું નીકળ્યો છું. હું ખાલી હાથે , ભાંગેલા દેહે, આશા ઉમેદ દફનાવીને નીકળ્યો છુ. રાજકોટ મારે સારુ જીવનની અનમૂલી પાઠશાળા નીવડ્યું છે. કાઠિયાવાડની રાજખટપટે મારી ધીરજની બૂરી કસોટી કરી છે.” સરદાર વલ્લભભાઇ પણ રાજકોટ સત્યાગ્રહથી દુખી રહ્યા. આ બધાના મૂળમાં હતું કાઠીયાવાડ રાજકીય પરિષદની સ્થાપના અને રાજકોટ રિયાસતને જવાબદાર રાજતંત્રમાં ફેરવવાનો ઠરાવ. આને માટે પરિષદ યોજાઇ, આંદોલનો થયા, જેલોમાં કાર્યકર્તાઓ અને નેતાઓ ગયા, સરદાર આવ્યા, રાજતંત્રના મુખિયાઓ સાથે મંત્રણા કરી. ગાંધીજીની સહી લેવામાં આવી,સાત પ્રતિનિધિની સમિતિ રચવામાં આવી. ઠાકોર સાહેબ,. સલાહકાર દરબાર વીરાવાળા અને બ્રિટિશ પ્રતિનિધિ ગીબ્સનની આ મંત્રણા પછી તે વિષે જાહેરનામું પણ આવ્યું. પણ તેમાં બીજા ત્રણ-જે રાજકોટ રિયાસતના જુદા જુદા સમૂહોના પ્રતિનિધિ હોય તેને સામેલ કરવા જોઈએ એવું રાજ્ય તરફથી જણાવવામાં આવ્યું. એવું બન્યું નહિ.ખુદ ડો. આંબેડકર પણ ગાંધીજીને મળ્યા અને દલિત પ્રતિનિધિ સમાવવા કહ્યું. મુસ્લિમ પ્રતિનિધિ માટે મુંબઈથી ધારાશાસ્ત્રી ચુંદરીગર આવીને ગાંધીજીને મળી ગયા (આ ચૂંદરીગર સ્વતંત્રતા પછી પાકિસ્તાનનાં વડાપ્રધાન બન્યા હતા.) ભાયાતો અને ગિરસદારોનું સરઘસ ગાંધીજીને મળવા રાષ્ટ્રીય શાળાએ પહોંચ્યું અને કાર્યકર્તાઓને બાજુ પર રાખીને મળવા ગાંધી ઊભા થયા. પણ, લાઠીના ટેકે ચાલતા ગાંધીજીને તમ્મર આવ્યા, વિસામો લીધો. કશું અણધાર્યું ના બને એટ્લે સરઘસમાંથી હરિસિંહ ગોહિલ આગળ આવ્યા, ગાંધીજીએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેમને લેવા આવેલી મોટરગાડી સુધી દોરી ગયા.
રસપ્રદ વાત એ છે, જે રાજકોટના મિજાજને દર્શાવે છે. રાજકોટ સત્યાગ્રહના મુખિયા ઢેબર ભાઈ હતા, સ્વતંત્રતા પછી તે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી બન્યા, પણ તેમના સાથીદારોમાના ઘણા જુદા પડ્યા. ગાંધીજી અને સરદારે સૂચવેલી સમિતિમાં એક વજુભાઈ શુક્લ હતા. 1947 પછી તે પ્રખર સામ્યવાદી નેતા બન્યા અને ચૂટણી લડીને હાર્યા. બીજા રાજકોટ સત્યાગ્રહ દરમિયાન રાજકોટથી સ્વયંભૂ હદપાર થઈને જુનાગઢ જઈને વસેલા યુવા નેતા નારણદસ પાઉં હતા, પ્રખર વક્તા અને 1952થી ભારતીય જનસંઘના નેતા તરીકે જૂનાગઢમાં થાણું નાખ્યું, ગાંધીજીને ખભો આપનારા હરિસિંહ ગોહિલ પહેલા હિંદૂસભામાં જોડાયા. રાજકોટમાં આજે પણ એક ગરાસિયા છાત્રાલય છે તેના ગૃહપતિ બન્યા. પછી જનસંઘમાં જોડાયા અને પ્રદેશના બીજા અધ્યક્ષ બન્યા. મૂળ ગઢૂલાના, અનેક રાજપરિવારોની સાથે અને મણિલાલ પાગલ, ત્રાપજકર, અમૃત ઘાયલ જેવા કલાકારોના મિત્ર હરિસિંહ ગોહિલ જુનાગઢ મુક્તિ માટે રચાયેલી આરઝી હકૂમતમાં પણ હતા, ધ્રોલ ઠાકોર અને ભાડવા દરબાર ચંદ્રસિંહજી સાથે આત્મીય નાતો.
આ ભાડવા દરબાર પણ સ્વતંત્રતા પછી વિરોધ પક્ષના બોલકા નેતા બન્યા. એવું જ શામળદાસ ગાંધીએ કર્યું. આરઝી હકૂમતના સરસેનાપતિ તરીકે લડાયક ભૂમિકા ભજવી. જુનાગઢ જતાં પહેલા રાજકોટમાં તેનો વિજેતા પ્રયોગ થયો. જુનાગઢ નવાબના ઉતારા તરીકે જાણીતી ઇમારત આરઝી હકૂમતે કબ્જે કરી તેનું રસપ્રદ વર્ણન રતુભાઈ અદાણીએ તેમના પુસ્તકમાં કર્યું છે. આ ઇમારત આજે સરદાર બાગમાં અતિથિ ગૃહ તરીકે ઊભી છે. રતુભાઈ શરૂઆતમાં તો કોંગ્રેસી નેતા અને મંત્રી બન્યા પણ પછી “ખામ” નીતિના વિરોધી તરીકે નવો પક્ષ સ્થાપ્યો હતો. આરઝી હકૂમતના એવા બીજા નેતા જશવંત મહેતા અને સનત મહેતા
પણ સમાજવાદી પક્ષ અને પછી કોંગ્રેસમાં જઈને નિરાશ થયા.
... પણ રાજકોટે દેશને ઘણું આપ્યું છે. ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જેવું સૌરાષ્ટ્ર-ગીત રાજકોટવાસી ત્રિભુવન વ્યાસનું છે. કવિ કલાપી અહીંની રાજકુમાર કોલેજના વિદ્યાર્થી. કુમારના તંત્રી બચુભાઈ રાવત અને શારદાના ગોકુલદાસ રાયચૂરા રાજકોટની આસપાસના, ગોંડલ નરેશ ભગવત સિંહનું ભગવદ ગો મંડલ દેશભરના સમગ્ર રજવાડાઓમાં પ્રથમ વિદ્યાકીય પુરુષાર્થ. તેનું
અતિ ખર્ચાળ પુન:પ્રકાશન રાજકોટમાં પ્રવીણ પ્રકાશનનું સાહસ.
ગાંધીજી અને રાજકોટ: સ્વાતંત્ર્ય સત્યાગ્રહની બીજા આંદોલનોથી સાવ આલ્ગ ઓળખ આપે તેવી ઘટના છે. ઓગસ્ટ 1938થી મે 1939 સુધી બબ્બે વાર તે ચાલ્યો. કસ્તુરબા અને મણિબહેન પટેલ પણ જેલમાં ગયા. ત્રંબા અને સણોસરા તેના સાક્ષી છે. તત્કાલિન પુસ્તકોએ આ સત્યાગ્રહમાં દરબાર વીરાવાળાને ખલનાયક દર્શાવ્યા છે, કેટલાકે બ્રિટિશ અફસરોને.સર લાખાજી રાજની સરખામણીમાં ધર્મેન્દ્રસિંહને ઉણા ચીતર્યા છે.
સ્વતંત્રતા પછી ગુજરાતમાં કોઈ એક શહેરે ચાર મુખ્યમંત્રી અને ભવિષ્યના એક વડાપ્રધાન આપ્યાનું નસીબ રાજકોટનું છે. ઢેબરભાઈ, કેશુભાઈ પટેલ વિજય રૂપાણી અને નરેંદ્ર મોદી રાજકોટથી ચૂંટાઈને મુખ્યમંત્રી બન્યા. એક રાજયપાલ અને પ્રદેશ પ્રમુખ વજુભાઈ વાળા. તેમના પુરોગામી પ્રદેશ પ્રમુખ હરિસિંહ ભાઈ ગોહિલ. અરવિંદ મણિયારે સહકારી પરિબળનું નિર્માણ કર્યું. કાર-અકસ્માતમાં અકાળ મૃત્યુ પામ્યા ના હોત તો મુખ્યમંત્રી બનવાની સજ્જતા તેમનામાં હતી. એક એ વાત પણ નોંધવી જરૂરી છે કે દેશભરમાં ડો. લોહીયા, આચાર્ય કૃપાલાણી જેવા કોંગ્રેસની ખિલાફ પડકાર બનીને ચૂટણી લડ્યા તેમાં સ્વતંત્ર પક્ષના મીનુ મસાણીને રાજકોટે સંસદમાં મોકલ્યા હતા!