સમય આવ્યો છે આપ સહુને આવજો કહેવાનો...

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 31st May 2022 12:43 EDT
 

આવજો... કહેવાનો સમય આવી ગયો છે. ત્રણ વર્ષ અને એક મહિનાના લંડનવાસ પછી હવે સમય આવી ગયો છે આપ સૌને આવજો કહેવાનો, અલવિદા કહેવાનો. આવા અલવિદા કહેવાના મોકા આપણા જીવનમાં અનેકવાર આવતા હોય છે. શાળા છોડીએ કે શહેર છોડીએ ત્યારે આપણે એકબીજાને અલવિદા કહીએ છીએ. નોકરી બદલીએ કે દેશ બદલીએ, આવા ફેરવેલના પ્રસંગો આવે છે. મોટા ભાગે તો આવી પળો હર્ષ-શોકનું મિશ્રણ હોય છે. આગળ વધવાની ખુશી પણ હોય છે, નવા સ્થળે જવાનો ઉત્સાહ પણ હોય છે, પરંતુ મિત્રો અને શુભચિંતકોથી દૂર થવાનું દુઃખ પણ હૈયામાં રહે છે. આવી મિશ્ર લાગણી સાથે આજે આ છેલ્લો આર્ટિકલ લંડનથી લખી રહ્યો છું. ભારતીય ઉચ્ચાયોગ લંડનનો કાર્યકાળ પૂરો કરીને હવે પછીની પોસ્ટિંગમાં ડેપ્યુટી હાઈ કમિશ્નર તરીકે નાઇરોબી, કેન્યામાં ફરજ પર જોડાતા પહેલા થોડા દિવસ ભારતમાં ટ્રેનિંગ અને રજાઓ માટે સમય વીતાવીશું. જોકે એક વાત સ્પષ્ટ છે કે આપનો આ શબ્દોના માધ્યમથી સંવાદ કરવાનો નાતો તો જળવાઈ જ રહેશે. આ કોલમ તો આપણે શક્ય હશે ત્યાં સુધી ચાલુ જ રાખીશું અને દર સપ્તાહ વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા કરતા રહીશું.

અલવિદા કહેવાની જ વાત પર આગળ વધીએ તો જયારે મિત્રોથી અલગ થવાનો સમય આવે છે ત્યારે દુઃખ થાય છે, ફરીથી સાથે સમય વિતાવી શકાશે કે કેમ તે અંગે દ્વિધા રહે છે. ક્યારેક તો એકાધિકારની લાગણી મનમાં આવી જાય છે અને તેને નવા મિત્રો મળી જશે અને તે આપણને ભૂલી જશે તેવી શંકા પણ થાય છે. સ્નેહીજનને ગુમાવવાનો ડર આપોઆપ મનમાં પ્રવેશે છે અને તે જ કદાચ એક કારણ છે કે અલવિદા કહેવાના પ્રસંગો દુઃખદાયક બની રહે છે. આમ તો આપણે ફેરવેલ પાર્ટી કરીએ છીએ અને નજીકના મિત્રો અને સ્નેહીઓને આમંત્રિત કરીને તેમની સાથે વિતાવેલી યાદગાર ક્ષણોને ફરીથી જીવી લેવાના પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આવી પાર્ટીમાં પણ લોકોની આંખોમાં આંસુ આવી જતા હોય છે.
જયારે કોઈ પ્રગતિ કરીને આગળ વધતું હોય અને તેને કારણે સ્થળ છોડવું પડતું હોય તો તેમના માટે એક માન અને આદરની ભાવના પણ ઉભરાય છે. કોઈના જવાના પ્રસંગો યાદગાર બની રહે છે. ભગવાન રામનું અયોધ્યા છોડીને વનવાસ જવું દુઃખદાયક હતું, પરંતુ તેમણે રાવણદહન કરીને અયોધ્યા આવવા માટે પ્રયાણ કર્યું ત્યારે લંકા અને દક્ષિણ ભારતમાં પણ લોકોને દુઃખ તો થયું જ હશે, ભલે પછી તેમને રામના રાજા બનવાની ખુશી પણ હોય. તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ વૃંદાવન છોડીને દ્વારકા ગયા હશે ત્યારે કેવી ફેરવેલ પાર્ટી થઇ હશે તેની કલ્પના કરીને જ મન ખુશ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને હસ્તિનાપુર મહાભારતના યુદ્ધ માટે ગયા ત્યારે ફરીથી તેમની સુવર્ણ નગરીમાં ઉદાસી તો છવાઈ જ હશે ને? દીકરીને વિદાય કરતી વખતે માતા-પિતાની આંખોમાંથી છલકાતા આંસુ પણ હર્ષ-શોકનું ઉદાહરણ છે.
પરંતુ એ વાત સ્પષ્ટ છે કે સ્થળાંતર જીવનનો ક્રમ છે. આપણે સૌ ક્યારેકને ક્યારેક તો કોઈને કોઈ રીતે સ્થળાંતર કરતા હોઈએ છે, મિત્રોને, સંબંધીઓને અને સહકર્મીઓને ગુડ બાય કહેતા હોઈએ છે અને તેમ છતાંય આવનારા સમયમાં તેમને ફરીથી મળવાની આશા મનમાં રહે છે, સંપર્કમાં રહેવાની અને એકબીજાને મદદરૂપ થવાની ઉમ્મીદ હૃદયમાં બની રહે છે. એટલે આ આર્ટિકલના માધ્યમથી સૌ વાચક મિત્રોને ગુડ બાય કે ફેરવેલ કહી રહ્યો છું છતાંય આપનો સાથે જળવાઈ રહેશે અને આપણે એકબીજા સાથે આ કોલમના માધ્યમથી સંપર્કમાં રહીશું, સુખ-દુઃખ વહેંચતા રહીશું અને મિત્રોની જેમ કાનમાં ગોષ્ઠી કરતા રહીશું તે વાતનો સંતોષ છે.
તો લંડનમાંથી લખાઈ રહેલા આ છેલ્લા લેખના માધ્યમથી આપ સૌને મારા તરફથી અલવિદા અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter