પ્રિય વાચક મિત્રો,
આપ સૌને ખ્યાલ હશે કે 'ગુજરાત સમાચાર'માં ‘દાદાજીનો બગીચો’ના શીર્ષક હેઠળ મારા લેખો હું નિયમીત લખતો હતો. તે પછી મારી આંખની તકલીફના લીધે હું ખામોશ થઈ ગયો હતો અને તેમાં સારો એવો સમય પસાર થઈ ગયો. અત્યારે તો હું પહેલાની જેમ પાછો સ્વસ્થ થઈ ફરીથી મારા કામમાં પરોવાઈ ગયો છું. બાગાયત એક એવી હોબી છે કે તેમાં તમે ક્યારેય નવરા ન પડો અને સમય એવો દોડે કે ક્યારેય નવરાશ ન મળે. આંખની તકલીફને કારણે મેં મારા લેખન કાર્યને સ્થગિત કરી દીધું, પરંતુ રવિવારે ભાઇ શ્રી કમલ રાવના ફોન પછી મને વિચાર આવ્યો કે ફરી પેન કેમ ન પકડવી? આમેય હું શ્રી સી. બી. અને શ્રી કમલ રાવનો ઋણી તો છું અને વિચાર આવ્યો કે ફરીથી 'ગુજરાત સમાચાર'ને બાગાયતના રંગ અને સુગંધથી ભરી દઉં.
હાલ તો ઘણું મોડું થઈ ગયું, સ્પ્રીંગથી લઈને અત્યાર સુધી ઘણું થઈ ગયું. હવે તો જૂન પણ જવાની તૈયારીમાં છે. લોનથી માંડી સીઝનલ ફૂલો... ઘણું બધું નીકળી ગયું. સ્પ્રીંગથી માંડી અત્યાર સુધી બધાના ફૂલોનો નજારો જોઈ લીધો. માવજત પણ ઘણી કરી. એક અનેરો આનંદ લીધો. ડેફોડીલથી લઈ સ્નોડ્રોપ, પ્રીમરોઝ, ટ્યુલીપ, હનીસકલ અને હમણાં હમણાં પોપીના ઘણા ફૂલો આવ્યા અને જવાની તૈયારીમાં છે, પણ હજુ લાલચટક પોપીના નાજુક ફૂલો બગીચામાં લહેરાય છે. હજી ઘણા સીઝનલ ફૂલો પણ અકબંધ છે અને વીક બે વીકમાં જતા પણ રહેશે.
હવે સમય આવશે એકદમ મોટા સુગંધીદાર પીયુનીસ તેમજ રંગબેરંગી ગલગોટા જેવા રોઝીઝ, કેળની શેઈપમાં કેના બિગોનીયા, ડેલીયા, ફુસીયા, પિચુનીયા અને હેંગિગ બાસ્કેટમાં ટ્રેઈલિંગ જેરેનિયમ ફુસીયા અને બીજા રંગબેરંગી ઝીણા ફૂલોનો. આ બધા પ્લાન્ટ થઈ ગયા છે.. માવજત ચાલુ છે.
આ વખતે ઋતુઓમાં થોડો માર પડે છે. સવાર-સાંજ વાતાવરણ ઠંડુ રહે છે જેથી ફૂલોને વિકાસ થવામાં થોડો વિલંબ થાય છે. છતાં આવતા મહિનામાં બધુ ફૂલોથી ભરાઈ જશે ત્યારે આ બધા ફૂલોના ફોટા લઈ 'ગુજરાત સમાચાર'માં મોકલી થોડી ઘણી માહિતી રજૂ કરીશ. હવે પછીથી પહેલાંની જેમ બાગાયતની માવજત કેમ કરવી, આંગણાની શોભા કેમ વધારવી તે બધુ વિગતવારથી હું જણાવીશ.