સમાન નાગરી ધારાનું સરદારનું અધૂરું સ્વપ્ન

ઈતિહાસનાં નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 01st January 2018 05:30 EST
 
 

વિરાટ વ્યક્તિત્વોના યુગમાંથી આઝાદીના માત્ર સાત જ દાયકામાં ભારત વામણાઓના યુગમાં આવી પહોંચે એને કરમની કઠણાઈ જ કહેવી પડે. અંગ્રેજ શાસનનો અંત આણતી ગાંધીમાર્ગી લડાઈના જયજયકારને પગલે સ્વતંત્ર ભારત માટે સ્વપ્નદૃષ્ટા બંધારણ ઘડવા માટે દેશના સપૂતો બંધારણ સભામાં એકઠા મળ્યા. ત્રણેક વર્ષ સક્રિય ચિંતન અને વિચારવિમર્શને અંતે જે બંધારણના અંતિમ મુસદ્દાને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના અધ્યક્ષ અને પછીથી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડો. રાજેન્દ્ર પ્રસાદને સુપરત કર્યો, એમાં દેશના એ મહારથીઓના અને પ્રજાનાં સ્વપ્નાંને સાકાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ કંડારાયેલી હતી. નાત-જાતના ભેદ ભૂલીને આદર્શ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવાનો એ બંધારણમાં સંકલ્પ હતો. 

મહાત્મા ગાંધીના સ્વપ્નના ભારતને પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના પુરુષાર્થના સિંચનથી અમલમાં આણવાનું હતું. કમનસીબી તો જુઓ કે બંધારણના ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી અમલના માંડ સાત દાયકામાં ખોળિયું તો સરદારે સર્જેલા ભારતના ભવ્ય નક્શાનું રહ્યું છે. પણ એનો આત્મા જાણે કે આજેય કણસતો હોવાનું અનુભવાય છે.
સમગ્ર રાષ્ટ્રની હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન સહિતની પ્રજા માટે સમાન નાગરી ધારા (યુનિફોર્મ સિવિલ કોડ)ના અમલના સ્વપ્નને એ બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતની કલમ (અનુચ્છેદ) ૪૪ (અગાઉના મુસદ્દામાં ૩૫) તરીકે કંડારવામાં આવ્યું હતું, એ સાત સાત દાયકા લગી શક્ય બન્યું નથી. પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવામાં તમામ કોમ કે સમાજ માટે સમાન નાગરી ધારાનો અમલ આદર્શ બનીને તગતો હોય છતાં બંધારણ સભામાં ત્રણ-ત્રણ વર્ષ મથામણ કરીને, શ્રેષ્ઠ બંધારણ ઘડીને અમલમાં આણનારા મહાન સપૂતોનું એ સ્વપ્ન હજુ સમગ્ર ભારત માટે અમલી બન્યું નથી. સત્તાધીશોની વોટબેંક એના અમલમાં કાળોતરો બનીને આડી ઉતરી અવરોધ સર્જે ત્યારે એને બ્રેક મારવાની જરૂર ખરી.
નેહરુ-સરદારના એ સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અત્યારની નરેન્દ્ર મોદી સરકાર કામે વળી હોય એવું લાગે છે. સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓમાં સમાન નાગરી ધારાના રાષ્ટ્રવ્યાપી અમલની તરફેણ કરી છે. મુસ્લિમો એનો વિરોધ કરતા રહ્યા છે. ત્રિપલ તલાકના મુદ્દે પણ મુસ્લિમ મહિલાઓ અમનાવીય પ્રથામાંથી મુક્ત થાય એ દિશામાં ભારત સરકાર સક્રિય બની છે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કાયદો ઘડવાની કરેલી પહેલની સાથે જ વિપક્ષ કોંગ્રેસ થકી મળેલા સમર્થનને પણ બિરદાવવું પડે. સર્વોચ્ચ અદાલતે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવવા ઉપરાંત યોગ્ય કાયદો કરવાનો નિર્દેશ પણ કેન્દ્ર સરકારને આપ્યો હોય ત્યારે એ દિશામાં મોદી-રાહુલના સહિયારા પ્રયાસોમાં કોઈ ફાચર મારે એ યોગ્ય નથી. કાયદા પંચે પણ સમાન નાગરી ધારાના અમલ માટેની તૈયારી આદરી છે, એ આવકાર્ય છે.

મુસ્લિમ દેશો અને અલ્લાઉદ્દીન ખીલજીના કાયદા

પશ્ચિમના લોકશાહી દેશોમાં તમામ ધર્મ કે સંપ્રદાયના નાગરિકોની ધાર્મિક આસ્થાઓના આદર સાથે જ સમાન નાગરી અને ફોજદારી ધારા તમામ નાગરિકોને સમાન ધોરણે લાગુ કરવામાં આવે છે. ભારતમાં ફોજદારી ધારાના અમલની બાબતમાં તમામ નાગરિકોને સમાન રીતે લાગુ કરાય છે, પણ લગ્ન, વારસાઈ વગેરે બાબતમાં ધાર્મિક દૃષ્ટિએ ભેદભાવ રહે છે. ખાસ કરીને મુસ્લિમોને લગતા કાયદા-કાનૂનમાં કોઈ ફેરફાર કરવા જતાં ભારે ઉહાપોહ જાગે છે. ત્રિપલ તલાકનો કાયદો કરીને એને ગેરબંધારણીય અને અમાનવીય ઠરાવીને સજાની જોગવાઈ કરવાની દિશામાં મોદી સરકાર આગળ વધી રહી છે. ત્યારે એમાં કેટલાક મુસ્લિમ સંગઠનો અવરોધ સર્જી રહ્યાં છે. હકીકતમાં મુસ્લિમ દેશોમાં પણ શરિયત કાયદાઓમાં ઘણા બધા ફેરફાર થતાં રહ્યાં હોવા છતાં ભારતમાં એવા કાયદામાં ફેરફાર કરાય તો ‘ઈસ્લામ ખતરે મેં હૈ’ના નારા બુલંદ કરાય છે.
જોકે, બંધારણ ઘડાતું હતું ત્યારે એના માર્ગદર્શક સિદ્ધાંતો (ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ)માં સમાન નાગરી ધારાના અમલની જોગવાઈ કરવામાં આવી ત્યારે પણ ભારે ઉહાપોહવાળી ચર્ચા થઈ હતી. એમ છતાં બંધારણસભાના દીર્ઘદૃષ્ટા સભ્યોએ ભવિષ્યનો વિચાર કરીને એનો સમાવેશ બંધારણમાં કરવાનું યોગ્ય લેખ્યું હતું. એ ચર્ચામાં ક. મા. મુનશી જેવા સરદારનિષ્ઠ કેન્દ્રના પ્રધાને ઈજિપ્ત અને તુર્કી જેવા પ્રગતિશીલ મુસ્લિમ દેશોની જોગવાઈથી લઈને ભારતમાં પહેલી વાર મુસ્લિમ શાસન સ્થાપનાર અલ્લાઉદ્દીન ખીલજીના શરિયતને ઉથાપીને પ્રજાના વિશાળ હિતમાં કરવામાં આવેલા કાયદાઓની ચર્ચા કરી હતી.

હિંદુ કોડ બિલ સામે રાજેન્દ્ર પ્રસાદનો વિરોધ

ભારતના પ્રથમ વડા પ્રધાન નેહરુ અને પ્રથમ કાયદાપ્રધાન ડો. આંબેડકર હિંદુ કોડ બિલને મંજૂર કરાવીને દેશભરના હિંદુઓ માટે સમાન રીતે લગ્ન, છૂટાછેડા, સંપત્તિ હક સહિતની કાયદાકીય જોગવાઈઓ કરવા માટે કૃતસંકલ્પ હતા. જોકે, આની સામે એ વેળા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ, નાયબ વડા પ્રધાન સરદાર પટેલ, ઉદ્યોગપ્રધાન અને હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી સહિતના હિંદુવાદી કોંગ્રેસીઓ અને અન્યોએ વિરોધ કર્યો હતો. આને કારણે જે નેહરુ હિંદુ કોડ બિલ મંજૂર કરાવવા માટે પોતાની સરકારનું રાજીનામું ધરી દેવાની વાતો કરતા હતા, એમણે પાણીમાં બેસી જવું પડ્યું હતું.
ડો. આંબેડકરે જે પાંચ મુદ્દા પર ૧૯૫૧માં સરકારમાંથી રાજીનામું આપ્યું અને નેહરુની ટીકા કરી એમાં હિંદુ કોડ બિલનો મુદ્દો પણ મુખ્ય હતો. એ દિવસોમાં હિંદુવાદી સંગઠનોએ, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ સમાવેશ થતો હતો, ડો. આંબેડકરના પૂતળાં બાળવા સુધી જવાનું પસંદ કર્યું હતું. રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે તો ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ વડા પ્રધાન નેહરુને પત્ર લખીને હિંદુ કોડ બિલને હિંદુ કુટુંબ પ્રથા માટે ઘાતક લેખાવવા સહિતની બાબતે વિરોધ કરીને દબાણ આણ્યું હતું. નેહરુ સરકારે પાછળથી હિંદુ કોડ બિલને અલગ અલગ કાયદામાં વિભાજિત કરીને હિંદુઓ માટેના અલગ અલગ કાયદા મંજૂર કરાવવા પડ્યા હતા. સરદાર પટેલનું તો ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું હોવાથી આ મામલે પ્રભાવી મધ્યસ્થી કરવા સક્ષમ કોઈ વ્યક્તિત્વ નહોતું અને ડો. આંબેડકર સરકારમાંથી છૂટા થઈને સામી પાટલીએ બેઠાં હતાં.

કાયદો થાય એ સાથે તેનું પાલન મહત્ત્વનું

બ્રિટનમાં લિખિત બંધારણ નહીં હોવા છતાં એની ઉજ્જવળ પરંપરાઓને આધારી લોકશાહીને દૃઢ કરવાની દિશામાં નિર્ણયો લેવાતા રહે છે અને સમયાંતરે લોકશાહી મજબૂત થતી રહી છે. ભારતમાં શ્રેષ્ઠ બંધારણ ઘડવામાં આવ્યું, એના અમલ માટેના કાયદાઓ પણ ઘડાયા, પરંતુ કાયદાઓના પાલનની દિશામાં પ્રજાની ઉદાસીનતા અથવા તો કાયદા તોડવાની વૃત્તિ-પ્રવૃત્તિ સવિશેષ જોવા મળી છે એટલે ભારતમાં માત્ર કાયદો ઘડી કાઢવાથી વાત પતતી નથી, એ કાયદાનો યોગ્ય અમલ કરવાની દિશામાં પ્રજાને સજ્જ કરવામાં આવે એની સવિશેષ જરૂર છે. સમાન નાગરી ધારાનો સત્વરે અમલ થાય એ અપેક્ષિત છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૬ જાન્યુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબ લિંકઃ.http://bit.ly/2lGF1TE)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter