૭ ઓક્ટોબર... આમ સાધારણ જણાતી આ તારીખ ભારતના રાજકીય ઇતિહાસમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ તારીખના રોજ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. તે ઘડીથી લઈને આજ દિવસ સુધી નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકેની દરેક ચૂંટણી જીતી આજે દેશના વડા પ્રધાન તરીકે ભૂમિકા સક્ષમતાથી નિભાવી રહ્યા છે. આજે તેઓની સરકારના વડા તરીકેની સેવા બજાવવાના ૨૦ વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેમનામાં રહેલો લોકોનો વિશ્વાસ આદર્શ આગેવાન તરીકેના ગુણની સાક્ષી પૂરે છે.
આપણને ચૂંટણીની જીત અને બહોળી લોકપ્રિયતા તો નજરે ચઢે છે પરંતુ તેની પાછળ રહેલો પુરુષાર્થ અને કટિબદ્ધતાની વાતો ઘણી ઓછી થાય છે. નરેન્દ્ર મોદીની સફળતા પાછળનું કારણ છે તેમનો અથાક પરિશ્રમ અને અજોડ દીર્ઘદૃષ્ટિ.
જ્યારે કોઇ નેતા પાવર સેક્ટરમાં સુધારા આણવાની કલ્પના પણ નહોતા કરી શકતા તેવા સમયે નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વિશ્વાસમાં લઈ ગુજરાતના વીજક્ષેત્રમાં સુધારો કર્યો. ગુજરાતના દરેક ગામમાં વીજળી પહોંચતી કરીને પાવર સરપ્લસ રાજ્ય બનાવ્યું અને આજે વડા પ્રધાન તરીકે તેમણે દરેક ગામ અને દરેક ઘર સુધી વીજળી પહોંચાડી છે.
૨૦૦૩માં, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની રોકાણકારોની સમિટ ભાગ્યે જ યોજાતી, ત્યારે મોદીજીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ કર્યો. તે દિવસથી લઇને આજ સુધી વાઇબ્રન્ટ સમિટ અને ગુજરાત એ વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં પ્રસિદ્ધ બન્યા છે. આ જ રીતે હાલ વડા પ્રધાન તરીકે તેમણે નોંધપાત્ર એફડીઆઇ (સીધું વિદેશી મૂડીરોકાણ) નિશ્ચિત કરી છે.
નરેન્દ્ર મોદીએ વિકસાવેલા ગુજરાત મોડેલને તે કેમ ભુલાય! રાજ્યમાં અર્ધ-સુકા પ્રદેશો હોવા છતાં કૃષિક્ષેત્રે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ગુજરાતે ઝડપભેર વૃદ્ધિ હાંસલ કરી છે. દાયકાઓ બાદ આજે કોઈ વડા પ્રધાને ખેડૂતોની સ્વતંત્રતાની ખાતરી કરી છે. હાલ મોદીના નેતૃત્વમાં વિકસી રહેલી ભારતની માળખાકીય સુવિધાઓ આવનાર દિવસોમાં હજુ વધારે સુદૃઢ બનશે તે નિઃશંક છે.
‘બેટી બચાવો બેટી પઢાઓ’ દ્વારા બાળકીને બચાવવા અને શિક્ષિત કરવાની નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા સહુ કોઇ કરે છે. દીકરીઓના શિક્ષણ માટે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કન્યા કેળવણી કાર્યક્રમ શરૂ કર્યો હતો જેમાં મુખ્ય પ્રધાન તરીકે તેમની આગેવાની હેઠળની સરકાર ગામડાંગામમાં જઈને દીકરીઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહિત કરતી હતી. આ કન્યા કેળવણી કાર્યનું દેશવ્યાપી વિસ્તરણ મોદીજીએ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દ્વારા કર્યું છે.
એક નેતા તરીકે મોદીજીની અપરાજિત સફળતાનું કારણ છે તેમની પોતાની જાતને સતત પડકારવાની ક્ષમતા. કોઈ પણ બાહ્ય પડકારોની ક્ષમતા કરતાં વધારે તેઓ પોતાને જ પડકારે છે અને બમણા જોશ સાથે એ પડકારોમાંથી ઉભરે છે. તેઓ મુક્તમને અને બહાદુરીથી ઊંચાં લક્ષ્યો નક્કી કરવાનું જોખમ લે છે. ધીમી ગતિ માટે વગોવાતા વહીવટી તંત્રોને મોદીજીએ નિશ્ચિત સમયમર્યાદા સાથે કાર્ય કરતા કર્યા છે. પછી ભલેને એ સ્વચ્છતા અભિયાન હોય કે ગ્રામીણ વીજકરણ હોય, બધા માટે ઘરની યોજના હોય, બધા માટે પીવાનું પાણી પૂરું પાડવાનું હોય કે પછી ખેડૂતની આવક બમણી કરવાના અભિયાનો હોય. તેમણે આ દરેક કાર્યક્રમોને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરાવ્યા છે.
તેમનું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું શાસન કાર્યક્ષમ, અસરકારક અને સુધારાવાદી રહ્યું જ છે. જ્યારે નરેન્દ્ર મોદીની ૨૦૦૧માં મુખ્ય પ્રધાન પદે નિયુક્તિ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની યાત્રા અન્ય કારણોસર પણ અજોડ છે.
નરેન્દ્ર મોદી એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જે શાસન અને રાજકારણના સ્તરોથી આગળ છે. તેઓ ભારત અને ભારતીયોમાં શ્રેષ્ઠતાની અપીલ કરે છે અને સહુ કોઇમાંથી ઉત્તમ બહાર લાવવા માટે પ્રયત્નો કરે છે.
તેમણે લોકોમાં સારું કરવાની ભાવના જન્માવીને સ્વચ્છતાનું એક અનોખું જનઆંદોલન ઉપાડયું છે. જે દેશમાં રાજકીય સંસ્કૃતિ વધુને વધુ સબસિડી આપવા માટે જ પ્રચલિત હતી ત્યાં તેમણે લોકોને સબસિડી છોડી દેવાની પ્રેરણા આપી, જેથી ગરીબોને મફત ગેસ જોડાણો મળી રહે.
ભારત એક વૈવિધ્યસભર અને સ્વીકૃતિમાં માનતી સભ્યતા છે જે ઓળખ કેવી રીતે આગળ વધારવી તે જાણે છે. ગુજરાતથી આવીને ઉત્તર પ્રદેશના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા નરેન્દ્ર મોદીએ કોઈ પણ પક્ષપાત, જાતિ, સમુદાય, વર્ગ અથવા પ્રાદેશિક વિચારધારા તરફ ધ્યાન આપ્યું નથી કે ભેદભાવ કર્યો નથી. તેમની અપીલ આ મર્યાદાને વટાવી અને સમગ્ર દેશમાં લોકોને એક જ હેતુ માટે જોડે છે - ભારતની મહાનતા.
ભારતીય પરંપરા તિરસ્કારોના સમયમાં પણ આપણને ગૌરવ દાખવતા શીખવે છે. આપણી સંસ્કૃતિનું સત્ય આખરે તમામ નકારાત્મકતાને દૂર કરે જ છે. નરેન્દ્ર મોદીના ઉદયની વાતના પાયામાં પણ આ ભાવના છે.
બે દાયકાથી તેમની પ્રતિષ્ઠા પર ઘણા પ્રહારો છતાં અનેક ગુણો, મક્કમતા અને અનુભવોએ તેમનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. જ્યાં એક નાનકડી અવિવેકતાનો અર્થ પણ રાજકીય સફરનો અંત બની શકે એવા તીવ્ર સંજોગોનો સામનો કરીને પણ તેમણે પોતાના રાજ્ય અને રાષ્ટ્ર માટેનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ પ્રયાણ કર્યું છે અને કરતા રહેશે.
મોટેભાગે, આ સ્થાને પહોંચેલી વ્યક્તિને લોકો ભવ્ય સ્વપ્નદ્રષ્ટા માને છે, પરંતુ તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેના કાર્યો ઘણા જૂજ લોકો કરી શકતા હોય છે. મોદી સ્વપ્નદ્રષ્ટા પણ છે અને કાર્યકુશળ પણ છે. લક્ષ્ય હાંસલ કરવા માટેનાં કાર્યોને પરિપૂર્ણ કરવા માટે તેમની પાસે વિશાળ દૃષ્ટિ તેમજ ચોકસાઈ અને દૃઢતાનો સમન્વય છે.
આજે જ્યારે દેશહિતને વરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વડા તરીકેના વીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમની અત્યાર સુધી સિદ્ધિઓ તો શ્રેષ્ઠ છે, આપણે સૌએ સર્વશ્રેષ્ઠ સાક્ષી બનવાનું બાકી છે અને તે છે - આત્મનિર્ભર ભારતનું નિર્માણ.
(લેખક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.)