સરદાર પટેલનો લંડનવાસ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Wednesday 25th October 2017 05:45 EDT
 
 

૧૯૧૩માં લંડનના છાપામાં એક તેજસ્વી હિંદી વિદ્યાર્થીની કારકિર્દીના સમાચાર આવ્યા. આ હિંદી વિદ્યાર્થી ગુજરાતી હતો અને તે બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવીને યશસ્વી રીતે પાસ થયો હતો. બેરિસ્ટરની પરીક્ષામાં ત્રણ વર્ષ થાય પણ તેજસ્વિતાને લીધે તેણે અઢી વર્ષમાં પાસ કરી હતી. આ પહેલાં કોઈ પણ ગુજરાતી પ્રથમ વર્ગમાં બેરિસ્ટર થયો ન હતો. પ્રથમ વર્ગમાં અને તેય પ્રથમ આવનાર વલ્લભભાઈ ત્યારે એક માત્ર ગુજરાતી હતા.

લંડનમાં આ સમયે શેપર્ડ નામના એક નિવૃત્ત આઈ.સી.એસ. અધિકારી હતા. જે અગાઉ ગુજરાતના ઉત્તર વિભાગના કમિશનર હતા. પાટીદારો ભણીને સુખી થાય તેવી તેમની ઝંખના હતી. પાટીદારોમાં સમાજસુધારા કરવામાં તેમને રસ હતો. આ પાટીદાર યુવકના સમાચાર જાણીને આનંદ વ્યક્ત કરવા અને અભિનંદન આપવા તેઓ ત્યારે વલ્લભભાઈને ત્યાં ગયા હતા.
વલ્લભભાઈની સિદ્ધિ એમના દૃઢ મનોબળ અને પુરુષાર્થને આભારી હતી. બાકી તે જમાનામાં લંડન ભણવા મોટા ભાગે રાજવી કુટુંબો કે ધનકુબેરોના નબીરા જતા. તેઓ ભણવાને બદલે મોજમજામાં સમય કાઢતા. બાપના કે પરિવારના પૈસે જતા અને મોજમજામાં ખોવાતા.
વલ્લભભાઈ એક સામાન્ય ખેડૂતના પુત્ર હતા. મેટ્રિક થઈને તે જમાનામાં લેવાતી પ્લીડર (વકીલ)ની પરીક્ષા પાસ કરીને વકીલાત કરતા હતા. મેટ્રિક પણ ૨૧ વર્ષની ઉંમરે થયેલા! વકીલ કરતાં બેરિસ્ટર થવાથી વધુ પૈસા મળે માનીને બેરિસ્ટર થવા લંડન જવા એ પૈસા બચાવતા હતા.
૧૯૦૫ની આસપાસ એ માટે જરૂરી રકમ ભેગી થઈ. લંડનમાં એડમિશન મળ્યું. વી. જે. પટેલના નામે પત્ર આવ્યો. મોટા ભાઈ વિઠ્ઠલભાઈના હાથમાં એ પત્ર આવ્યો. બંને વી. જે. પટેલ હતા! તેમણે કહ્યું, ‘હું મોટો છું. મોટો બાકી રહે અને નાનો જાય તે સારું ના લાગે.’ કોલેજની ફી અને જવાની ટિકિટ વલ્લભભાઈએ ખર્ચ્યાં હતાં. વિઠ્ઠલભાઈ લંડન ગયા. વલ્લભભાઈએ વિઠ્ઠલભાઈનાં પત્નીને પોતાની સાથે રાખીને તેમને નચિંત કર્યાં.
૧૯૧૦માં વલ્લભભાઈ પૈસા બચાવીને ગયા ત્યારે ૩૫ વર્ષની વય. પાછળ પુત્ર અને પુત્રી. પત્ની મરણ પામેલાં.
વિધુર વલ્લભભાઈ બેરિસ્ટર થવા નીકળ્યા. સ્ટીમરની મુસાફરીમાં થોડા દિવસમાં તબિયત બગડી. મુસાફરી દરમિયાન વિઠ્ઠલભાઈએ આપેલા કાયદાનાં પુસ્તકો વાંચ્યાં. મુસાફરીમાં સૌરાષ્ટ્રના એક ઠાકોર સાથે મૈત્રી થતાં લંડનમાં ઉતરીને એ ઠાકોર ઉતર્યા હતા તે હોટેલમાં રૂમ લઈને ગયા. બીજે દિવસે સમજાયું કે આ ખર્ચાળ હોટેલ ના ચાલે. ખાલી કરીને ઓળખીતા જોરાભાઈ પટેલનું મકાન શોધીને પહોંચ્યાં. ત્યાંથી જ શોધીને એક અંગ્રેજ મહિલના પેઈંગ ગેસ્ટ બન્યા. મિડલ ટેમ્પલમાં પ્રવેશ લીધો. અગાઉ ગાંધીજી અને જવાહરલાલ અહીં જ ભણેલા. આરંભની પરીક્ષામાં સારા માર્ક્સ લાવતાં પાંચ પાઉન્ડનું ઈનામ મળ્યું. વલ્લભભાઈની આત્મશ્રદ્ધા, જુસ્સો અને ઉત્સાહમાં આથી વધારો થયો.
વિધુર વલ્લભભાઈ લંડનમાં મોજમજાથી વેગળા રહ્યા. કોઈ રૂપલલનાના આકર્ષણમાં ના ખેંચાયા. પૂરી જવાબદારી સાથે ભણવામાં મંડી પડ્યા. ઘરે બે સંતાન હતાં. તેમના તરફની ફરજ એ સતત યાદ રાખતા. પુસ્તકો ખરીદવા ના પડે માટે ઘરથી દસ માઈલ દૂર આવેલી લાયબ્રેરીમાં રોજ પગે ચાલીને જતા અને વાંચતા. મોટા ભાગના દિવસો તે લાયબ્રેરી બંધ થાય ત્યાં સુધી બેસતા. વાંચીને નોંધ કરતાં.
લંડનમાં એમની સહનશક્તિ અને મક્કમ મનોબળની પ્રતીતિ કરાવતી એક ઘટના બની. લંડનમાં એક દિવસ બાથરૂમમાં ન્હાવા જતાં અચાનક ચક્કર આવતાં એ ગબડી પડ્યા અને બેભાન થયા. મકાનમાલિક અંગ્રેજ મહિલા ગભરાઈ. ડોક્ટરને બોલાવ્યા. તાવ ચઢ્યો. ડોક્ટર હતા પી. ટી. પટેલ. તેમણે તપાસ કરીને કહ્યું પગમાં વાળાનું દર્દ છે. વાળા એટલે લાંબા પાતળા અળસિયાં જેવા દેખાતાં જીવડાં પગમાં થાય. જોકે, એ ખૂબ જ પાતળા હોય. હોસ્પિટલમાં દાખલ કર્યાં. વાળા કાઢ્યા. એક વાળો રહી ગયો. આને કારણે બીજી વાર ઓપરેશન કરતાં ધનુર થયું. ડોક્ટરોએ તપાસ કરીને કહ્યું, ‘પગ કપાવવો પડશે, નહીં તો જીવનું જોખમ થશે.’
વલ્લભભાઈ કહે, ‘લંગડા પગે દેશમાં નહીં જઉં. જીવ જાય તો ભલે!’
ડોક્ટર પી. ટી. પટેલે કહ્યું, ‘વિના ક્લોરોફોમે ઓપરેશન થાય તો કદાચ સારું થાય પણ જોખમ લેવાની તૈયારી રાખવી પડે.’
વલ્લભભાઈ જોખમ લેવા તૈયાર થયા અને ડો. પી. ટી. પટેલે ઓપરેશન કર્યું.
લંડનમાં અભ્યાસ દરમિયાન આવી સર્જરી થઈ. વળી ચાલીને રોજ લાયબ્રેરી પર પહોંચવાનું. ઘેર બાળકોની ચિંતા. પિતા ઝવેરભાઈની ઉંમર પણ થઈ હતી. આ બધા વચ્ચે વલ્લભભાઈ ભણ્યા. બેરિસ્ટરી એમના માટે એકલવ્યના નિશાન શી હતી! એ નિશાન એમણે યશસ્વી રીતે પાર પાડ્યું અને છ માસ બચાવ્યા તેમજ પ્રથમ નંબર લાવ્યા. પચાસ પાઉન્ડનું ઈનામ પણ. આ પછી સીધા ભારત આવ્યા.
લંડનવાસ આ ખેડૂત પુત્રને ફળ્યો. અમદાવાદમાં ઓફિસ કરી. ધૂમ કમાણી થવા લાગી. મોટા ભાઈ વિઠ્ઠલભાઈને કહી દીધું, ‘તમે હવે પૈસાની ચિંતા વિના દેશકાર્ય કરો. જાહેરજીવનમાં ભાગ લો. હું તમારું ઘરખર્ચ આપીશ.’ વલ્લભભાઈએ પાછા આવીને પાંચ-સાત વર્ષ જ પ્રેક્ટિસ કરી અને કમાઈ લીધું. સાદું અને સંયમી જીવન. બીજો ખર્ચ નહીં. કોઈ લાલસા નહીં. બાકીની જિંદગીમાં ક્યાંય એમણે કોઈ પાસે પોતાના માટે હાથ લાંબો ના કર્યો. ક્યાંય ભ્રષ્ટાચાર ના કર્યો.
વલ્લભભાઈની જેમ જ ગાંધીજી અને જવાહરલાલ નેહરુ પણ એ જ ટેમ્પલ ઈનમાંથી બેરિસ્ટર થયા હતા. ગાંધીજીની બેરિસ્ટરી ના ચાલી. દક્ષિણ આફ્રિકા ગયા અને તેય ગોરા વકીલને પોતાના અસીલ દાદા અબ્દુલ્લાના કેસની વિગતો અંગ્રેજીમાં સમજાવવાના કામે. કારણ ગોરો વકીલ ગુજરાતી ના જાણે અને દાદા અબ્દુલ્લા અંગ્રેજી ના જાણે!
જવાહરલાલ ધનિક વકીલ પુત્ર, પિતાના ખર્ચે લંડન ભણવા ગયા. બેરિસ્ટરના ભણતર પહેલાં વધારાનાં ત્રણ વર્ષ પણ એ લંડનમાં રહીને ભણ્યા હતા. આ પછી બેરિસ્ટર થવા માટે ટેમ્પલ ઈનમાં જોડાયા. એમણે આવીને વકીલાત કરી હોય તેવું જાણ્યું નથી.
લંડનથી પાછા ફર્યાં પછી ત્રણેય ભારતના જાહેરજીવનમાં પડ્યા. રાજકારણમાં પડ્યા. ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો ચર્ચાસ્પદ બન્યા. જવાહરલાલ નેહરુના સ્ત્રીઓ સાથેના લગ્નેતર સંબંધોની વાતો એમની હયાતિ અને પછીથી પણ ચાલી. ૩૪ વર્ષે વિધુર બનેલા સરદાર વિશે ક્યાંય આવી વાતો ચાલી નથી. તેમના વિરોધીઓએ પણ ક્યારેય સરદાર પટેલના ચારિત્ર્ય વિશે ક્યાંય ટીકા કરી નથી.
લંડનવાસે સરદારની મૂળ પ્રશ્નો તરત જ સમજવાની શક્તિ વધારી હોય તેમ સરદાર પટેલે ભારતમાં રાજકારણમાં પડ્યા પછી તેમના મૂળ પ્રશ્નો સમજીને ઉકેલવામાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. દેશી રાજ્યોનું એકીકરણ, ખેડૂતો માટેની સહકારી પ્રવૃત્તિ અને શિક્ષણમાં એમનું પ્રદાન અનન્ય છે.

સરદાર પટેલનો જન્મદિન હવે ૧૦૦ કલાકથીય ઓછો દૂર છે. સેવા અને શુદ્ધ રાજકારણના હિમાલય શા સરદાર પટેલની જરૂર ૧૯૫૦ કરતાં આજે ભારતને વધારે છે. હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો એવી કહેવત સરદાર પટેલ માટે યથાર્થ છે.
લંડનવાસે સરદાર પટેલને ડિગ્રી આપી. એમની મહેનત, સંયમ અને સાદગી અહીં વિકસ્યા. એમની સહનશીલતા અને નીડરતાની અહીં કસોટી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter