પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક વર્ગ. 50 વર્ષનો ગાળો એ કંઈ પણ બે પળનો વાત નથી. જિંદગીના રસકસ નીચોવી લેવા માટે આટલો ગાળો પૂરતો છે. માનવ જીંદગી અને અખબાર વચ્ચે મુખ્ય તફાવત એટલો છે કે આ ઉંમરે માનવ જિંદગી હાંફવા લાગે છે, ત્યારે આ ઉંમરે પહોંચેલા અખબારમાં નવું જોમ ફૂંકાય છે. નવી ચેતના ઉભરાય છે જેનું કારણ છે, વાંચકોનો અસ્ખલિત સ્નેહ જે અખબારમાં નવું જોમ ભરતો રહે છે અને અખબારની યાત્રા અથાક ચાલુ રહે છે.
માનવીના બાહ્ય દેખાવ કરતાં ય એનો સ્વભાવ, એનું ચારિત્ર્ય અને એના સંસ્કાર ઘણા મહત્ત્વના છે, અને એ જ રીતે અખબારના બાહ્ય કલેવર કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે સમાચારની તટસ્થતા. વાચકોનો વિશ્વાસ જેમાં દ્દઢ થઈ શકે એ જ અખબાર વાચકોના હૃદય અને મન સુધી પહોંચી શકે. દરેક વાચકને સરળતાથી સમજાઈ શકે તેવી સરળ છતાં વેધક શૈલી એટલે જ ગુજરાત સમાચારનો શબ્દદેહ.
ગુજરાત સમાચાર એના જન્મદિવસે એના વિશાળ વાચક વર્ગને ખાતરી આપે કે તે દરેક ઘટનાઓને સત્વરે અક્ષરદેહ આપી પ્રકાશિત કરશે. દરેક રાજકીય પ્રસંગનું તલસ્પર્શી નિરુપણ કરશે અને પહેલી ફરજ તરીકે વાચકોના અવાજને વાચા આપશે. આશા છે કે અમારી માંગણીને પુરી કરશો.