ક્યારેય તમારી સાથે એવું થયું છે કે તમે કોઈ મુસાફરી માટે ટિકિટ બુક કરાવો, હોટેલ બુક કરાવો, બીજી બધી તૈયારી કરી લો અને પછી જવાનું કેન્સલ થાય? થોડા દિવસ પછી ફરીથી નક્કી થાય કે મુસાફરી હવે કરી શકાશે એટલે ફરીથી ઉત્સાહપૂર્વક પુરી પ્રક્રિયાનું પુનરાવર્તન થાય અને પાછું પરિણામ એ જ આવે - ટ્રીપ કેન્સલ. આ સમયે વ્યક્તિ ગુસ્સો, હતાશા અને નિરાશાનો એકસાથે અનુભવ કરે છે. ખિન્નતા વ્યક્તિના મન પર હાવી બને છે અને તેને ફરીથી ક્યારેય કોઈ પ્રવાસનું આયોજન કરવાની ઈચ્છા થતી નથી. પરંતુ તે શું કરી શકે? પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે મજબૂર હોય છે.
એ સ્થિતિ ખુબ કપરી હોય છે જયારે પુરા સમૂહમાંથી અમુક લોકો ભૂલ કરે તો પણ બધાને ભોગવવું પડતું હોય. આ સમયે દરેક વ્યક્તિના મનમાં એક દ્વિધા હોય છે કે હું શિસ્ત રાખું પરંતુ બીજાના દોષને કારણે પણ ભોગવવાનું તો બધાને સરખું જ છે તો પછી મારે જ શા માટે બધા નિયમોનું પાલન કરવું અને અસુવિધાનો ભોગ બનવું. તેની સામે જે લોકો સાવધાનીમાં ન માને તેમને મન પણ કદાચ બીજા કોઈનું ખરાબ કરવાની ભાવના ન પણ હોય પરંતુ તેમના એકલાના રોકવાથી પરિસ્થિતિ બદલાશે નહિ તેવી માન્યતા હોવાથી તેઓ પોતાની પ્રવૃતિઓ પર નિયંત્રણ રાખતા નથી.
એવી પરિસ્થિતિ કે જ્યાં સૌનું કલ્યાણ સમૂહના એકેએક વ્યક્તિની પ્રવૃત્તિ અને કાર્ય પર આધાર રાખતો હોય ત્યાં પોતે નિયમોનું ચુસ્તપણે પાલન કરીને, શિસ્તપૂર્વક વર્તીને કોઈ લાભ જતો કરવો કે પછી બીજું કોઈ એવું ન કરતું હોય તેનું ઉદાહરણ લઈને પોતે પણ જે તે રીતે પોતાના ફાયદા મુજબ વર્તવું એ નિર્ણય ખુબ કપરો હોય છે. આવી સ્થિતિ ખાસ કરીને લોકશાહીની રાજનૈતિક પ્રક્રિયામાં અને સમાજમાં કાનુનવ્યવસ્થા ઢીલી હોય ત્યારે નિયમપાલન અંગે ઉદ્ભવતી હોય છે. ટ્રાફિક સિગ્નલ પર કેમેરો ન લાગેલો હોય અને એક વ્યક્તિ રેડ લાઈટ દરમિયાન પણ રસ્તો ઓળંગી જાય ત્યારે ત્યાં ઉભેલો બીજો વ્યક્તિ પોતાના શાણપણ અને મૂર્ખતા અંગે અસમંજસ અનુભવે તે સ્વાભાવિક છે. તેની સામે જે વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ તોડીને નીકળી જાય તેના મનમાં આવી દુવિધા ભાગ્યે જ ઉદ્ભવે છે. આ સ્થિતિ તો ખરેખર સારા વ્યક્તિ માટે ધર્મસંકટ જેવી સમસ્યા ઉભી કરી દે છે.
આ વાત સૌથી વધારે પુરવાર કરી રહ્યો છે કોરોના વાઇરસ. ઘણી સાવધાની રાખીને લગભગ એવું માનવા લાગીએ કે હવે આ મહામારીમાંથી આપણે બહાર આવી ગયા છીએ ત્યારે ફરીથી કોઈ નવો વેરિએન્ટ આવી જાય અને બધી આશાઓ પર પાણી ફેરવી દે. અત્યારે ઓમિક્રોન જે રીતે યુકેમાં ફેલાઈ રહ્યો છે તે જોતા ફરીથી આપણે તલવારની ધાર પર ચાલવા જેવી સ્થિતિમાં આવી ગયા છીએ. થોડું ચૂક્યા કે ઘરમાં બંધ થવાનો વારો આવી જશે. અત્યારે લોકોને સમજાતું નથી કે તેઓ અત્યારે જે હરવા-ફરવાની સ્વતંત્રતા મળી છે તેનો આનંદ માણે અને થોડા સમય પછી જો લોકડાઉન લાગી જાય તો અફસોસ ન થાય. કે પછી તેઓ અત્યારે જ ઘરમાં બેસી જાય અને વધારે બહાર હરેફરે નહિ જેથી લોકડાઉન જેવું સ્થિતિ ન આવે. પરંતુ તેવું કરવામાં એક ડર લોકોના મનમાં એ પણ હોય છે કે જો બીજા લોકો સંયમ નહિ રાખે તો પણ લોકડાઉન તો લાગવાનું જ છે.
આવી સ્થિતિમાં આજે આપણે મુકાઈ ગયા છીએ પરંતુ જો કોઈ આ પ્રશ્નનો જવાબ મેળવવા ઈચ્છે તો વિના સંકોચે એ કહી શકાય કે સંયમ અને શિસ્તનું પાલન કર્યા વિના સૌનું નુકશાન છે. જેટલા વધારે લોકો સાવચેત રહેશે તેટલું સૌનું કલ્યાણ નક્કી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)