તેર વર્ષની વયે પિતાના મરણથી એ છોકરાને બોરસદમાં બાપની અનાજ, લોખંડ અને ચિનાઈ માટીનાં વાસણોની દુકાન સંભાળવી પડી. વાજબી ભાવ અને સાચા બોલાના આકર્ષણે ઘરાકોની લાઈન લાગે. ધંધો ધમધોકાર ચાલે. આઠ વર્ષની વયે બાપે એ છોકરાને પરણાવી દીધેલો. છોકરાને સંસારમાં કે ધંધામાં રસ નહીં. એક દિવસે, સોળ વર્ષની વયે છોકરો માલ ખરીદવા બહારગામ જઉં છું કહીને રાત્રે ગયો તે ગયો. છોકરાને કોઈ દુન્યવી સામાન લેવો ન હતો. તેને આત્માનું કલ્યાણ થાય અને સમાજનું ભલું થાય તેવા સામાનની ભૂખ હતી. ઘર છોડીને એ દેશાટને નીકળ્યો.
સંન્યાસી બનીને ઠેર ઠેર ફર્યો. મળ્યા તે સંતોની સેવા કરી. એમની સાથે ધર્મની ચર્ચા કરી. ચિંતન અને અધ્યયન કર્યું. ફરતાં ફરતાં આ સંન્યાસી ૧૯૦૪માં ત્રીસ વર્ષની વયે અમદાવાદ આવ્યા. શિવાનંદજીએ એમને દીક્ષા આપી અને નવું નામ આપ્યું અખંડાનંદ.
સ્વામી અખંડાનંદજીનું મૂળ નામ લલ્લુભાઈ. બોરસદના ભક્તહૃદયી પિતા જગજીવનરામ ઠક્કર અને મા હરિબા. ૧૮૭૪માં એ જન્મેલો. સરદાર પટેલ કરતાં એક વર્ષ મોટો. વેપારી પિતા અને ઘરમાં નિયમિત પૂજા-પાઠ થાય. સાધુ-સંત આશરો પામે. આવા મા-બાપના સંસ્કારી પુત્ર લલ્લુભાઈ પર પડેલા. જગજીવનભાઈના ગુરુ મોહનદાસજી મહારાજે ભવિષ્ય ભાખ્યું હતું કે, ‘આ છોકરો સમર્થ સંન્યાસી થશે.’
અખંડાનંદને તેમના ભ્રમણ દરમિયાન દેશની ગરીબી અને અજ્ઞાનતાનો અનુભવ થયો. ગરીબીને લીધે પ્રજામાં વ્યાપેલાં દૂષણો, અંધશ્રદ્ધા, કુરિવાજ વગેરે શિક્ષણ હોય તો જ ઘટે એવું એ માનતા થયા. હરિદ્વારમાં તેમણે એક પુસ્તકના વેપારી પાસેથી ગીતાની કિંમત જાણી તો ખૂબ મોંઘી લાગી. બાઈબલ, કુરાન એવાં પુસ્તકો ખૂબ સસ્તાં હતાં. તેમણે જાણ્યું કે માત્ર પડતર કિંમતે આ પુસ્તકો વેચે છે. સાત્ત્વિક પુસ્તકો મારફતે પ્રજાનાં દૂષણો દૂર થઈ શકે. સાચા ધર્મનો પ્રચાર વધે, કુરિવાજો ઘટે એવું એ માનતા હતા. સાત્ત્વિક પુસ્તકોનો પ્રસાર, પ્રચાર કરવો. લોકોને પોષાય એવા ભાવે પુસ્તકો મળે તો જ થઈ શકે એવો વિચાર મનમાં ઘુમરાવા લાગ્યો. આમાં તે મુંબઈ આવ્યા.
એક શ્રીમંત ભક્ત મહિલાને ત્યાં કેટલાક સંતો સાથે એમનું જમવાનું ગોઠવાયું. જમવાનું પીરસાયું પણ જમ્યા વિના એ ઊભા થયા. યજમાને પૂછતાં કહ્યું, ‘મારે સાત્ત્વિક પુસ્તકોનું પ્રકાશન કરવાની ખૂબ ઈચ્છા છે. તે માટે સગવડ શી રીતે કરવી એની ચિંતામાં ખાવામાંથી રસ જતો રહ્યો છે.’
યજમાન મહિલાએ અખંડાનંદે કહેલી જરૂરી એક હજાર રૂપિયાની રકમ આપતાં, મહિલાના આગ્રહથી તે જમ્યા. પછી અમદાવાદ આવ્યા. આ પછી તે કહેતા કે હું સંન્યાસી ખરો પણ સારું કામ પાર પાડવાના ફંડ માટે હું ભિક્ષુ છું. સંન્યાસી અખંડાનંદ ભિક્ષુ અખંડાનંદ કહેવાયા. ૧૯૧૩માં અમદાવાદમાં તેમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય શરૂ કર્યું.
પોતાના અભ્યાસકાળ દરમિયાન તેમને ભાગવતનો એકાદશ સ્કંધ ખૂબ ગમેલો. તેમાં નીતરતો શુદ્ધ ભક્તિભાવ તેમને સ્પર્શી ગયેલો. આથી તેમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યલય તરફથી સૌપ્રથમ તેનું પ્રકાશન કર્યું. તે જમાનામાં માત્ર છ આનામાં વેચાતું એ પુસ્તક ખૂબ વેચાયું અને વંચાયું. આ પછી તેમણે સેંકડો પ્રકાશનો કર્યાં. અગાઉ હિન્દુ ધર્મનાં પુસ્તકો માત્ર સંસ્કૃતમાં હોવાથી લોકો સુધી પહોંચતાં ન હતાં. સંસ્કૃત જાણનાર સુધી જ એ મર્યાદિત હતાં. એ પુસ્તકોમાં અમુક લખ્યું છે એવી વાતો કરીને સ્થાપિત હિતો લોકોને ભરમાવતાં અને ભોળવતાં. સામાન્ય અક્ષરજ્ઞાનનો ય અભાવ હતો ત્યારે સંસ્કૃત જાણનાર કેટલા હોય?
ભિક્ષુ અખંડાનંદે એક પછી એક પુરાણો, રામાયણ, મહાભારત, ભાગવત વગેરેનો ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રકાશિત કર્યાં. શુક્ર નીતિસાર, કાદંબક નીતિસાર, મનુસ્મૃતિ, વેદો, દાસબોધ, જ્ઞાનેશ્વરી, યોગવસિષ્ઠ વગેરે ગુજરાતીમાં પ્રકાશિત કર્યાં. શામળ ભટ્ટની બત્રીસ પૂતળીની વાર્તા, સિંહાસન બત્રીસી, ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટનાં વૈદકમાં પુસ્તકો વગેરેનું પ્રકાશન કર્યું. ભડલી વાક્યો, ઈતિહાસ અને સંસ્કૃતિના ગ્રંથો, બાળકથાઓ, સ્ત્રીઓને ઉપયોગી સાહિત્ય, અનેક મહાપુરુષોનાં જીવનચરિત્ર, સાહિત્યકથાઓ, લોકકથાઓ, ભજનો, હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ગ્રંથો, લોકગીતો વગેરે એમણે સમાજ સુધી પહોંચાડ્યાં. આમ કરીને સમાજનું ઘડતર કર્યું.
ભિક્ષુ અખંડાનંદ પોતે વ્યક્તિને બદલે સંસ્થા જેવા બની ગયા હતા. ભારતીય સંસ્કૃતિના એ પરિવ્રાજક જંગમ વિદ્યાપીઠ શા હતા! આજે માસિકો, સાપ્તાહિકો કે અન્ય પ્રકાશનો વેચાણ વધારવા માટે શ્રૃંગાર રસને પ્રાધાન્ય આપે છે. સેક્સ, સિનેમા, સાહસને પ્રાધાન્ય આપતાં પ્રકાશનની નકલો વધે અને તેની નફો વધે એવી માન્યતા છે.
ભિક્ષુ અખંડાનંદે માનવ ઘડતરમાં ઉપયોગી, ઉર્ધ્વગામી, સાત્ત્વિક સાહિત્ય પ્રકાશન માટે પસંદ કર્યું. કમાવવાનો ખ્યાલ રાખ્યા વિના કિંમત ઓછી રાખીને આવું સાહિત્ય ઘેર-ઘેર પહોંચાડવાનું ધ્યેય રાખ્યું. પ્રજાને વાચનાભિમુખ બનાવવા અથાક પ્રયત્ન કર્યો.
ભિક્ષુ અખંડાનંદે માત્ર ધાર્મિક સાહિત્યના પ્રકાશનનો ખ્યાલ રાખ્યો ન હતો. જ્ઞાન-વિજ્ઞાન, સાહસ, ઈતિહાસ, વૈદક, ખગોળ, જ્યોતિષ, લોકસાહિત્ય, ધર્મ, સંશોધન વગેરે અનેક વિષયોને લગતું સાહિત્ય પ્રગટ કરવાની એમણે પહેલ કરી. હજી આજે પણ બધા વિષયોને આવરી લે તેવું, સસ્તું પ્રકાશન કરવામાં એમના પેંગડામાં પગ મૂકે એવી અન્ય સંસ્થા ગુજરાતમાં નથી.
૧૯૪૨માં ૬૮ વર્ષની વયે ભિક્ષુ અખંડાનંદે વિદાય લીધી ત્યારે સસ્તું સાહિત્ય વટવૃક્ષ બની ગયું હતું. અનાજ અને લોખંડનો વેપાર છોડીને તેમણે કરેલો વેપાર એમણે પુણ્યશ્લોક અને ગુજરાતને ગરવું બનાવી ગયો.