સાંધાના ઓપરેશનોમાં વિશ્વવિખ્યાતઃ ડો. દિનેશ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 30th September 2017 06:18 EDT
 
 

ઢીંચણ હોય કે એડી. કોણી હોય કે ખભો. એનો દુઃખાવો માણસમાં હતાશા પ્રેરે. જીવવામાં રસ ના રહે તેવો કંટાળો આવે. યુવાન પણ અકાળે ઘડપણ અનુભવે. આમાંથી છૂટકારા માટે ભાતભાતના અખતરા થયા, પણ સર્જરી મારફતે સાંધાના સવિશેષ તો ઢીંચણના દુઃખાવામાં કાયમી છૂટકારો મળે એવી શોધ કરનાર ડો. દિનેશ પટેલ છે. એમના નામે આ શોધની પેટન્ટ નોંધાઈ છે.

ડો. દિનેશ પટેલના હાથ નીચે કે માર્ગદર્શનમાં ૧૫૦૦ જેટલાં સાંધાના ઓપરેશન અથવા નવાં જોડાણ થયાં છે. ખેલજગત, આર્થિક ક્ષેત્ર કે ધાર્મિક ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓનાં તેમણે ઓપરેશન કર્યાં છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં પ્રથમ વાર સેવા અને નિપુણતાનો એવોર્ડ તેમને મળ્યો હતો. વધારામાં રાજ્યના ગવર્નરે તેમને ઉત્તમ ઈમિગ્રન્ટના એવોર્ડથી નવાજ્યા હતા. યુએસ ન્યુઝ નામના વર્તમાનપત્રે તેમને અમેરિકામાં વર્ષના સર્વશ્રેષ્ઠ ડોક્ટર તરીકે સન્માન્યા હતા.
આખા અમેરિકામાં ભારતીય ડોક્ટરોનું સૌપ્રથમ સંગઠન મેસેચ્યુસેટ્સ રાજ્યમાં સ્થપાયું. આની સ્થાપનામાં દિનેશ પટેલે મિત્રો સાથે મળીને અગત્યનો ભાગ ભજવ્યો હતો. અમેરિકન ભારતીય હિતોના રખેવાળ શા ઈન્ડો-અમેરિકન ફોરમના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી.
ઓર્થોસ્કોપિક જ્ઞાન અને નિપુણતામાં તેઓની વૈશ્વિક નામના છે. પોતાનું જ્ઞાન બીજાને લાભદાયી બને માટે પોતાનો સમય કાઢીને શીખવવા માટે ઈજિપ્ત, જાપાન, બ્રાઝિલ, સ્પેન, ઈટલી, ઈન્ડોનેશિયા, મેક્સિકો વગેરે દેશોમાં ગયા છે. ભારતમાં અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ વગેરે મહાનગરોમાં પણ આવા જ હેતુ માટે જાય છે. સેમિનારોમાં સૌને શીખવે છે.
દુબઈના શેખે તેમને આમંત્રીને દુબઈના હેલ્થ લાયસન્સ બોર્ડના ડિરેક્ટર બનાવેલા. જે દુબઈની આરોગ્યસેવા વ્યવસ્થિત કરે અને આ બોર્ડના ડિરેક્ટર તરીકે હોસ્પિટલોની ગુણવત્તા ચકાસણી, ડોક્ટરો અને નર્સોની યોગ્યતાની ચકાસણી એ બધાની અલગ અલગ વ્યવસ્થાને બદલે માત્ર એક જ બોર્ડના નેજા હેઠળ થાય માટે તેનું એકીકરણ કરવાની જવાબદારી આ બોર્ડની. દિનેશભાઈએ સ્થાનિક માણસો તૈયાર કર્યાં. એમનો આત્મવિશ્વાસ વધાર્યો. માણસો જવાબદારી ઉપાડે એવા તૈયાર થતાં ખુરશી કે ધનના લોભ સિવાય તેઓ સ્વેચ્છાએ હટી ગયા.
દિનેશભાઈની સેવાનિષ્ઠાની કદર દેશ-પરદેશમાં થઈ છે. સાડા પાંચ દસકાથી અમેરિકાવાસી દિનેશભાઈની કદર જે રીતે થઈ છે તેવી બીજા ગુજરાતી ડોક્ટરોની થઈ હોય તેવું જાણ્યું નથી. બોસ્ટનની જી.એચ.એમ. હોસ્પિટલમાં વર્ષો સુધી તેમણે કામ કર્યું. હોસ્પિટલે તેમના નામે ‘ડો. દિનેશ જી. પટેલ ઓર્થોસ્કોપિક લેબોરેટરી’ શરૂ કરી છે. અહીં દેશ-વિદેશના ડોક્ટરો ઓર્થોસ્કોપિક સંશોધનો કરે છે તેનો લાભ તેમને અને સમાજને થાય છે.
દિનેશભાઈના નામ અને કામથી પ્રેરાઈને મેડિકલ સાધનો બનાવનારી બહુરાષ્ટ્રીય કંપની ‘સ્મિથ એન્ડ નેવ્યુ’એ ત્રણ લાખ ડોલરનું દાન આપ્યું. ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલના સંકુલમાં જમીન આપી. દાતાના આગ્રહથી ‘દિનેશ જી. પટેલ ઓર્થોસ્કોપિક લર્નિંગ સેન્ટર’ની ઈમારત સર્જાઈ. અહીં દેશભરમાંથી ડોક્ટરો એડવાન્સ અભ્યાસ માટે આવે છે. આવા ડોક્ટરોની સંખ્યાનો આંક હજાર ઉપરની સંખ્યાને વટાવી ગયો છે.
દિનેશભાઈની મોટી વિશિષ્ટતા છે. મોટા ભાગે અહીંના ગુજરાતી મૂળના ડોક્ટરો અમેરિકામાં ભણે અને પૈસા કમાય. નામના વધે. થોડું દાન કરે અને બધું સ્વપુરુષાર્થે પામ્યા છે તેવું દેખાડે, પિતાના નામનો ઉલ્લેખ ટાળે. દિનેશભાઈ પોતાની પાછળ પિતાનું નામ રાખવાનું ક્યારેય ચૂકતા નથી. દિનેશભાઈને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે લગાવ છે. પરિવાર પ્રત્યે લગાવ છે. પોતે જે કરી શક્યા એમાં પરિવાર અને પત્ની કોકિલાબહેનનો સાથ ના હોત તો ના થયું હોત એમ માને છે.
દિનેશભાઈ મૂળે નડિયાદના. નડિયાદ એજ્યુકેશન સોસાયટીના વર્ષો સુધી પ્રમુખ અને તમાકુના જાણીતા વેપારી ગોકળભાઈ સોમાભાઈ પટેલના પુત્ર. પિતા ગોકળભાઈને કારણે તેમનામાં સેવાના સંસ્કાર આવ્યા તો મા શાંતાબહેન અને પિતાના પ્રોત્સાહનથી ભણ્યા.
દિનેશભાઈને વિશ્વગુર્જરી અને ગુજરાત ગરિમા એવોર્ડ પ્રાપ્ત થયા છે. બોસ્ટનની હાવર્ડ હોસ્પિટલમાં ૧૯૮૭થી ’૯૨ સુધી વિવિધ કમિટીઓના સભ્ય, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હતા. સમગ્ર મેસેચ્યુસેટ્સ રાજ્યના બોર્ડ ઓફ રજિસ્ટ્રેશન ઈન મેડિસિનના ચેરમેન તરીકે વર્ષો સુધી રહ્યા. આ બોર્ડની સત્તા રાજ્યના ડોક્ટરોને પ્રેક્ટિસનું લાયસન્સ આપવાની અને રદ્દ કરવાની હતી.
દિનેશભાઈને બે પુત્રી અને એક પુત્ર તે પરેશ. બધાં સુશિક્ષિત છે. અમેરિકામાં જન્મેલા પરેશ અને એની પત્ની નીરવાને પિતાની જન્મભૂમિ ગમે છે તેથી અમેરિકા છોડીને તે મુંબઈમાં સ્થાયી થયા છે અને પોતાની ‘સેન્ડસ્ટોન કેપિટલ કંપની’ સ્થાપીને ચલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter