હજુ આજે પણ ભારત કે પાકિસ્તાનમાં સરકારોએ સાક્ષરતા અભિયાન ચલાવીને પોતાની સહી કરી શકે એને સાક્ષર કે ભણેલા તરીકે જાહેર કરવાનો ઉપક્રમ ચલાવવો પડે છે ત્યારે મહારાજા રણજિત સિંહની રાજધાની લાહોરમાં ૮૭ ટકા લોકો ફારસી લખી, વાંચી અને બોલી શકતા હતા, એવું કોઈ કહે ત્યારે કેવું લાગે? શીખ મહારાજાના પંજાબની ૭૮ ટકા પ્રજા ફારસી જાણતી અને ફારસીમાં પત્રો લખી શકતી હતી. આજે તો નંબર વન એવા આપણા ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં વસ્તી ગુજરાતી ભાષામાં પત્રો લખી શકવાનો દાવો નહીં કરી શકાય. શિક્ષિત થવા માટે એમણે નોખી પરંપરા સ્થાપી હતી. પ્રજા મહારાજાને પત્રો લખે એવી.
ક્યારેક રણજિત સિંહ જેવા સાવ જ અભણ એવા સુશાસન માટે જાણીતા પ્રજાવત્સલ રાજવી કનેથી પ્રજાને શિક્ષિત કેમ બનાવવી એના બોધપાઠ લેવા પડે. આપબળે એ મહારાજા તરીકે સ્થાપિત થયા. વાત ઈ.સ. ૧૭૮૦થી ૧૮૩૯ના સમયગાળાની જ છે. મુઘલો કે અંગ્રેજ શાસકો કનેથી એમણે મહારાજાનો હોદ્દો ગ્રહણ નહોતો કર્યો. એમને શીખોની બાર મિસલ (શાસક જાતો) થકી અને પંથ ખાલસાજી કનેથી મહારાજાનો હોદ્દો મળ્યો હતો એટલે એ દુનિયામાં કોઈને ઝૂકવાનું પસંદ નહોતા કરતા.
એમના રાજ્યમાં બહુમતી પ્રજા મુસ્લિમ હોય એટલે સુધી એને પેશાવર, મુલતાન, કાશ્મીર અને તિબેટ સુધી વિસ્તાર્યું. મહારાજા શીખ પણ એમના પ્રધાનમંડળમાં શીખ, મુસ્લિમ અને ડોગરાનો સમાવેશ આશ્ચર્ય ઉપજાવે તેવો હતો. ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ રાજવી. મહારાજનો હોદ્દો પણ એમણે સંકોચ સાથે ગ્રહણ કર્યો, પણ ક્યારેય સિંહાસન પર બેઠા નહીં. બધા દરબારીઓ સાથે બેસીને શાસન વ્યવસ્થા સંભાળે. ન્યાયી વહીવટ. કોઈને ફાંસીની સજા ફરમાવી નહીં. દુશ્મનો સાથે એ મર્યામાર્યાના ખેલ ખેલી લે, પણ એમની હત્યાનું કાવતરું ઘડનાર અકાલીને પણ જીવતદાન દે એવો એ રાજવી.
રાજધાની લાહોરને આબાદ કર્યું
લાહોરની અધિકાંશ મુસ્લિમ પ્રજાએ રણજિત સિંહને ખાનગી સંદેશ મોકલીને ભાંગ પીનારા ભાંગી વંશના સરદારોના અત્યાચારોથી મુક્ત કરાવવા માટે વિનંતી કરી. પોતાના લશ્કર સાથે રણજિત સિંહ આવી પહોંચ્યા. એમણે બંધ પડેલી બે મસ્જિદોમાં પ્રાર્થના કરીને લાહોર શાસનને હાથમાં લીધું. અફઘાનોને હંફાવ્યા. કાશ્મીરમાંથી અફઘાનોને ખદેડ્યા. રણજિત સિંહ જીવ્યા ત્યાં લગી અંગ્રેજોએ એમની સાથે મૈત્રીસંબંધો જાળવ્યા. એમના નિધન પછી જ એમના સૌથી નાના પુત્ર પાંચ વર્ષના બાળારાજા દિલીપ સિંહના રિજેન્ટ તરીકે મહારાણી જિંદ કૌર હતાં ત્યારે જ અંગ્રેજ ખેલ ખેલીને શીખ સામ્રાજ્યને નષ્ટ કરી દીધું. દિલીપ સિંહને ખ્રિસ્તી બનાવવા ઉપરાંત અંગ્રેજોએ રીતસર પોતાના ઈશારે નચાવ્યાં, પણ જ્યાં લગી રણજિત સિંહ હયાત હતા, કોઈની તાકાત નહોતી કે એમની સાથે બદતમીજી કરે.
મુસ્લિમ પ્રધાનો અને યુરોપીયન જનરલો
એમના સામ્રાજ્યના પ્રધાનમંત્રી તરીકે ડોગરા વંશના હિંદુ એટલે કે જમ્મૂના ધ્યાન સિંહ હતા. શીખ પ્રધાનો ઓછા હતા. મહત્ત્વનાં ખાતાં મુસ્લિમોને હસ્તક હતાં. ફકીર અઝીઝુદ્દીન વિદેશપ્રધાન હતા. ગૃહપ્રધાન તરીકે ફકીર નુરુદ્દી હતા. રાજકોષનો વહીવટ ફકીર ઈમામુદ્દીન હસ્તક હતો. સેનામાં શીખ સરદારો હતા, પણ યુરોપના મોટાભાગના દેશોના નિષ્ણાત જનરલોને ઊંચા પગારે રાખીને પોતાના લશ્કરને અંગ્રેજોના લશ્કરને ટક્કર મારે એટલી હદે અત્યાધુનિક બનાવ્યું હતું. એટલે જ મહારાજાના ફ્રેંચ જનરલ જીન ફ્રાન્સિ અલાર્ડના વતન સેન્ટ ટ્રોપેજમાં હજુ હમણાં જ એટલે કે સપ્ટેમ્બર ૨૦૧૬માં ત્યાંની પ્રજાની માગણીને પગલે મહારાજા રણજિત સિંહની પ્રતિમા મૂકાઈ છે.
રાજપૂત, શીખ અને મુસ્લિમ રાણીઓ
શીખોના અધિકૃત ઈતિહાસના લેખક ખુશવંત સિંહે મહારાજા રણજિત સિંહમાં શીખોના ગુણ-અવગુણની વાત કરતાં એમની મુસ્લિમ રાણીઓની પણ વાત છેડી છે. બાળપણમાં શીતળાને કારણે એક આંખ ગુમાવનાર મહારાજાનો ચહેરો પણ કદરૂપો હતો, છતાં લશ્કરી વ્યૂહરચના, સાહિત્ય-સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા તથા ન્યાય તોળવામાં એમનો જોટો જડે તેવો નહીં હોવાનું નોંધાયું હતું. બાવીસ લગ્નો કરનાર મહારાજાને આ રાણીઓથી સાત રાજકુમારો હતા. એમાં સૌથી મોટાં રાણીએ એમને વારસ ના આપ્યો, પણ સાસુમાએ શીખ સામ્રાજ્ય સ્થાપવામાં મદદ ખૂબ કરી.
જોકે પાછળથી સાસુમા અને એમનાં રાણી દુશ્મનો સાથે મળીને કાવતરાં કરતાં રહ્યાં, પણ ફાવ્યાં નહીં. પંજાબના સિંહ ગણાયેલા રણજિત સિંહે પ્રેમ કરવામાં પણ કોઈ મણા રાખી નહીં. તવાયફ એવી સુંદરીને શીખ સમાજના વિરોધની વચ્ચે લગ્નસંબંધે જોડીને ધાર્મિક સજા ભોગવવાની તૈયારી દાખવી, પણ એમણે સમાજમાં ધૂત્કાર પામતી તવાયફોના ઉદ્ધારની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. મહારાજા છ મહિના બીમાર રહ્યા. લકવો પડ્યો. મૃત્યુને ભેટ્યા. મોટા રાજકુમાર ખડક સિંહને મહારાજા નક્કી કરાયા હતા અને એમણે જ એમના દેહને અગ્નિ આપ્યો ત્યારે ચિતા પર બે રાજપૂત રાજકુમારી એવી રાણીઓ સહિતની ચાર રાણીઓ અને ૭ સેવિકાઓ સતિ થઈ હતી. જોકે, મહારાજા ખડક સિંહનું મૃત્યુ થતાં બાળા રાજા દિલીપ સિંહ મહારાજા થયા. પંજાબનો સૂરજ આથમ્યો.
કુર્રાને પાકનો ગુરુમુખીમાં અનુવાદ
મહારાજા રણજિત સિંહની સેનાએ ખૂબ યુદ્ધ લડ્યાં. એ પોતે જ યુદ્ધમાં સેના સાથે રહેતા. એમની એક કાશ્મીરી કન્યાઓની સૈનિક ગણવેશમાં ટુકડી હતી, જે એમની રક્ષક હતી. મુઅમ્મર ગડાફીની બોડીગાર્ડ મહિલાઓની ખૂબ ચર્ચા છે પણ એના ઘણાં વર્ષ પહેલાં મહારાજાએ આવી ટુકડી રાખી હતી. એમણે શાસનમાં ધર્મના ભેદ રાખ્યા નહોતા. તમામ ધર્મોનો આદર થતો હતો. આજે પણ પાકિસ્તાનમાં લોકો ગૌરવ અનુભવે છે કે મહારાજાએ કુર્રાને પાકનો ગુરુમુખીમાં અનુવાદ કરાવ્યો અને અમારા પૂર્વજો એ વાંચીને-પઠન કરીને ઈસ્લામમાં પ્રવેશ્યા. મહારાજાના સૈન્ય તથા અધિકારીઓને આદેશ હતો કે કોઈ ધર્મસ્થળ કે ધર્મગ્રંથોને નુકસાન નહીં પહોંચાડવું.
આજે પણ પાકિસ્તાનમાં ગુમનામીમાં રહેલા મહારાજાના ઈતિહાસને ફરી પ્રકાશમાં આણીને એમને આદર્શ રાજવી તરીકે સ્થાપિત કરવામાં મુસ્લિમ બુદ્ધિજીવીઓ અને ઈતિહાસકારો અગ્રેસર છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 20 May 2017
અથવા
ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2riROha)