સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત પ્રથમ મહિલા : અમૃતા પ્રીતમ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 26th March 2025 05:30 EDT
 
 

નવીન ઋત દા કોઈ સંદેશ દેતા
ઈસ કની દી લાજ તૂ પલના વે
આ પંજાબી પંક્તિઓનો અર્થ છે : એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું વૃક્ષ ખીલે છે, તો એની જૈતૂનની ડાળી હંમેશ માટે આપણી છે !
આ રચના જે સંગ્રહમાંથી લેવામાં આવી છે, તેનું શીર્ષક ‘સુનેહડે’ છે. પંજાબી ‘સુનેહડે’નો ગુજરાતી અર્થ ‘’સંદેશા’ થાય...’સુનેહડે’માં સંદેશાઓ આલેખવા બદલ રચયિતાને ૧૯૫૬માં સાહિત્ય અકાદમીના પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવી. એ સાથે સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત એ પ્રથમ મહિલા બની ગઈ... ૧૯૬૯માં દેશનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી, ૧૯૮૨માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર, અને ૨૦૦૪માં દેશનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મવિભૂષણ !
એનું નામ અમૃતા પ્રીતમ... મશહૂર પંજાબી સાહિત્યકાર. પંજાબી ભાષાની પ્રથમ કવયિત્રી. કાવ્યો, વાર્તાસંગ્રહ અને નવલકથાઓની લેખિકા... અમૃતાનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૧૯ના પંજાબના ગુજરાંવાલામાં રાજબીબી અને કરતારસિંહને ઘેર થયો. કરતારસિંહ પીયૂષ ઉપનામ સાથે કવિતા લખતા. દીકરીનો જન્મ થયો ત્યારે કરતારસિંહે પીયૂષ શબ્દનો પંજાબીમાં અનુવાદ કરીને અમૃત નામ પાડ્યું. અમૃતનું અમૃતા થઈ ગયું. સોળ વર્ષની ઉંમરે ૧૯૩૫માં અમૃતાનાં લગ્ન લાહોરના વેપારી પ્રીતમ સિંહ સાથે થયાં. લગ્ન પછી પણ અમૃતા સાહિત્યસર્જન કરતી રહી.
અમૃતાનું સાહિત્ય એટલું ઉત્કૃષ્ટ હતું કે પહેલો જ પુરસ્કાર એને સાહિત્ય અકાદમીનો મળ્યો. જોકે પુરસ્કાર મળ્યાની ક્ષણ વિશે અમૃતા પ્રીતમે આત્મકથા ‘રસીદી ટિકટ’માં નોંધ્યું છે કે, ‘તે દિવસે સાંજે એક પ્રેસરિપોર્ટર આવ્યો. સાથે ફોટોગ્રાફર હતો. તે ફોટો પાડવા લાગ્યો. મેં સામે મેજ પર કાગળ મૂક્યો અને હાથમાં કલમ લઈને કાગળ પર કોઈ કવિતા લખવાને બદલે એક અભાન જેવી દશામાં એનું નામ લખવા માંડ્યું, જેને માટે તે ‘સુનેહડે’ લખ્યા હતા. સાહિર, સાહિર, સાહિર.... આખો કાગળ ભરાઈ ગયો.
આ સાહિર એટલે સાહિર લુધિયાનવી. મશહૂર ગીતકાર અને શાયર.... પ્રીતમને પરણેલી અમૃતાનો પહેલો પ્રીતમ. એક મુશાયરામાં બન્નેનો પરિચય થયેલો. એ સાહિર સાથે કલાકો ગાળતી. દરમિયાન સાહિર સંખ્યાબંધ સિગારેટો પીતા. અમૃતા એ બળેલી સિગારેટો સાચવીને મૂકી દેતી, અને એને આંગળીઓમાં પકડીને સાહિરનો સ્પર્શ અનુભવતી. જોકે પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં એ ક્યારેય હૈયાની વાત હોઠે ન આણી શકી.
સામે પક્ષે સાહિરની પણ એ જ સ્થિતિ હતી. અમૃતાના સાંનિધ્યમાં સાહિરે અધિક સંખ્યામાં ગીતો અને શાયરીઓની રચના કરી. એમણે અમૃતાને ‘તાજમહલ’ શાયરીની સોગાદ આપી. અમૃતાએ જીવનભર એને સાચવીને રાખી. સાહિરે મિલનની ઈચ્છા દર્શાવેલી, પણ પછી એમનું ખામોશ રહેવું, ધર્મની દીવાલ અને અમૃતાનું પરિણીત હોવું- આ કારણોસર બન્ને એક ન થઈ શક્યાં. સાહિર અને અમૃતાના રસ્તા અલગ થયા. સાહિરની સ્મૃતિમાં અમૃતાએ ‘સુનેહડે’ની રચના કરી અને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત કર્યો. દરમિયાન, પ્રીતમસિંહ સાથેનું લગ્નજીવન તૂટ્યું. કંદલા અને નવરોઝની માતા બનેલી અમૃતાએ ૧૯૬૦માં પતિના નામમાંથી પ્રીતમ રાખીને પતિને છોડી દીધેલો. પતિનો સાથ છોડ્યો અને પ્રેમીનો સાથ છૂટ્યો.
સાહિરના જવાથી અમૃતાના જીવનનું બારણું બંધ થયું, પણ ઈમરોઝના સ્વરૂપમાં એક બારી ખૂલી. ઈમરોઝ લેખક અને ચિત્રકાર હતા. બેયની મુલાકાતનું નિમિત્ત બન્યું એક પુસ્તકનું મુખપૃષ્ઠ. ઈમરોઝે સુંદર મજાનું મુખપૃષ્ઠ તૈયાર કરી દીધું. પણ એ ગાળામાં બન્ને એકબીજાની નિકટ આવ્યાં. સારાં મિત્રો બન્યાં.
ઈમરોઝના સ્કૂટર પર એની પાછળ બેસીને એની પીઠ પર પોતાની આંગળીઓથી સાહિરનું નામ લખ્યું. ઈમરોઝ કાંઈ ન બોલ્યો. અમૃતાએ પૂછી લીધું, ‘મેં તારી પીઠ પર સાહિરનું નામ લખ્યું, તો તને માથું ન લાગ્યું ?’ ઈમરોઝે કહ્યું, ‘સાહિર પણ તારા, મારી પીઠ પણ તારી, તો પછી હું શું કામ માઠું લગાડું?’ અમૃતાએ સાહિર અને ઈમરોઝ સાથેનાં સંબંધો અંગે કહેલું કે, સાહિર મારા જીવનનું આસમાન છે અને ઈમરોઝ મારા ઘરનું છત્ર !’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter