(વાચક મિત્રો, આ સાથે ‘ગુજરાત સમાચાર’ના વર્ષોજૂના ચાહક-વાચક માનનીય મુરબ્બી શ્રી મનુભાઇ પટેલનો લેખ રજૂ કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. હાલ લંડનના વિમ્બલડનમાં વસતા ‘માત્ર’ 91 વર્ષના શ્રી મનુભાઇ એક સમયે આફ્રિકાના દારે-સલામમાં વસતા હતા. શ્રી મનુભાઇના આ લેખમાં તેમના વાચન-લેખનનો શોખ અને વૈશ્વિક ઇતિહાસ વિશેનું તેમનું જ્ઞાન ઝળકે છે. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી)
•••
સિલ્ક રૂટ V/s ગોલ્ડન રોડ
એક આધારભૂત લખાણ મુજબ ચીનની સિલ્ક રૂટની બડાશો સામે 2500 વર્ષો પહેલાંનો ભારત - અરબી સમુદ્ર - રેડ સી - ઈજીપ્ત અને એલેકઝાન્ડ્રીયા થઈને રોમ ગોલ્ડન રોડનો વહેપાર અનેક ગણો વિકસિત અને સમૃદ્ધ હતો. ચીનનો સિલ્ક રૂટ લાંબો, ખર્ચાળ, જોખમી અને વિવિધ લોકોના હસ્તક હતો. જેથી રોમ તો બહુ છુટક કે લગભગ નહિવત્ માલસામાન પહોંચતો. તે સમયે ભારતના પશ્ચિમ પ્રદેશમાં તોતિંગ જહાજો બનતાં હતા અને સેંકડોની સંખ્યામાં માણસો તેમજ માલસામાનની હેરાફેરી કરવાની ક્ષમતા ધરાવતા હતાં.
કચ્છ, ભરૂચ, સુરત અને આંધ્રના કુશળ નાવિકોનું અરબી અને બંગાળના સમુદ્રો ઉપર અધિપત્ય હતું. અરબી સમુદ્રના મોનસુન હવામાનના અભ્યાસી હતા. તે ગાળામાં આફ્રિકામાં નાહિંમત થઈ ગયેલા વાસ્કો ડી ગામાને એક કુશાગ્ર કચ્છી નાવિક કાનજી માલમે કેન્યાના મલીન્ડીથી કાલિકટ પહોંચાડ્યો હતો. આંધ્રના નાવિકોની બંગાળના સમુદ્રમાં બોલબાલા હતી અને જાવા-સુમાત્રાના તેજાના વિગેરે માલો ભારતમાં લાવતા હતા. આવા નાવિકોએ રેડ-સીમાં સહકુટુંબ વસાહતો કરી હતી. વચ્ચે આવેલા સીકોત્રા ટાપુના ખડકો ઉપર આજે પણ તેમણે દોરેલા દેવ-દેવીઓના ચિત્રો અને લખાણો જોવા મળે છે.
ચીનના રેશમની જાણ ભારત દ્વારા થયેલી અને રોમ પહોંચાડતા હતા. ત્યારે રોમમાં રેશમ અને મરી સોનાના ભાવે વેચાતા હતા. તે ઉપરાંત ભારતીય જહાજો સુખડ - ઇમારતી લાકડાં - મરીમસાલા, હાથીદાંત - સોનું - હીરા-માણેક અને કાપડ વિગેરે લઈ આવતા હતા. દલાલીથી કામ કરતા વચ્ચેના વહેપારીઓ પણ માલેતુજાર થઈ ગયેલા. રોમની રાણીઓ રેશમ, રત્ન અને હીરા-માણેકથી પોતાની જાતને માથાથી પગરખાં સુધી શણગારતી હતી. તેમના રાજા-વજીરો ભારતથી મંગાવેલા સિંહ, વાઘ, દીપડાઓને ગુલોમા સાથે લડાવીને મનોરંજન માણતા હતા.
પાપોર (કુદરતી પાન) ઉપરના લખાણ મુજબ રોમ જતાં હારવેલ નામના એક જહાજમાં 80 પેટી તેલ, 4 ટન હાથીદાંત, કાપડ વિગેરેની કિંમત ઇજીપ્તમાં 2400 એકર ફળદ્રૂપ જમીન ખરીદી શકાય તેટલી હતી. આ વહેપાર થકી જ આજે પણ દક્ષિણ ભારતમાં રોમન બનાવટના સોનાના સિક્કાઓ મળી આવે છે, જે ચીનમાં બિલ્કુલ મળતા નથી.
આ એકતરફી વહેપાર થકી ભારતમાં ઠલવાતાં નાણાંથી રોમના શાસકો ચિંતિત હતા. જેના નિરાકરણ માટે અને રોમનું દેવું હળવું કરવા ભારતના બે પ્રતિનિધિઓ રોમ ગયા હતા. ઇતિહાસકારો સિલ્ક રૂટને મહત્ત્વતા આપવામાં ભૂલ કરે છે. ખુદ ચીનના ધુરંધરો ચંગીઝ ખાન અને માર્કો પોલો તેનો કોઈ ઉલ્લેખ કરતા નથી.
અજંતા-ઇલોરાની ગુફામાં આજે પણ આ સમૃદ્ધ વહેપારના સહભાગી એવા તોતિંગ જહાજો, ગ્રીક - રોમન - ઈજિપ્ત વિગેરે દેશોના પહેરવેશના રંગબેરંગી ચિત્રો જોવા મળે છે. અજંતામાંની બૌદ્ધ મઠોની વસાહતો આ પરદેશી વહેપારીને આવકારી મદદરૂપ બનતા હતા. તેમની ત્યાં વસાહતો પણ હતી. ત્યારે વિશ્વ વિકાસમાં ભારતનો 25 ટકા ફાળો હતો.