યંત્રયુગની આ દોડતી દુનિયાની હોડમાં આજના માતા-પિતા પોતાના સંતાનોના ઉછેર અને એજ્યુકેશન પાછળ જિંદગીની કેવી હરિફાઇમાં પડ્યા છે એ વિષે તાજેતરમાં ગુજરાતના ખ્યાતનામ કવિ તુષાર શુકલએ બહુ જ રમૂજભરી રીતે પણ ચોટદાર રજૂઆત કરી એ સાંભળી મને આપ સમક્ષ મારી ગઠરિયામાંથી આપ સૌને કંઇક રમૂજ મળે એવી વાત રજૂ કરવાનું મન થયું.
તુષારભાઇ કહે છે કે સ્કૂલેથી આવીને બાળકે લેશન કરવાનું હોય છે એ કાળો કેર છે, ઘરે આવીને ઘરની પ્રવૃત્તિઓ કરવાની હોય, શાળાએ જ શાળાના ભાગનું લેશન પૂરું કરી લેવાનું હોય ! મેં તો ક્યારેય ઘરે આવીને લેશન કર્યું જ નથી. મારા પપ્પાએ તો મારી નોટના પાછલા પૂઠે ચિઠ્ઠી લખી રાખી હતી કે, ચિ. તુષારે ગૃહકાર્ય કર્યું નથી..! અને સ્કૂલ માસ્તરે પણ મને કહી દીધેલું કે તમે જ્યારે લેશન કરીને લાવો ત્યારે જણાવજો..! ઘરે આવીને મમ્મી-પપ્પા સાથે ઘણી પ્રવૃત્તિઓ હોય ત્યાં આપણે લેશનનું ટેન્શન શું કામ લાવવાનું? અત્યારે માણસ-માણસ વચ્ચે કોમ્પીટીશન- હરિફાઇ બહુ છે, બે માણસો સંમત થાય ત્યારે જ હરિફાઇ સર્જાય. બાળકોને આપણે આપણા હાથે હરિફાઇમાં નાળી દીધાં છે, દરેક માણસ એકબીજાનો વાંક કાઢીને કહે છે "એટલી બધી કોમ્પીટીશન છે ને?! ત્રણ-ચાર બાળકો સાથે ઉભા રહે ત્યારે જ હરિફાઇ તા.. તમે તમારા બાળકને હરિફાઇમાં ઉભૂં જ શુ કામ રાખૌ છો? બાળક હરિફાઇનો વિષય નથી, એ પ્રસન્નતાનું વરદાન છે, તમારે ઘેર એ આવ્યા નથી હોતાં ત્યારે તમારી મનોદશા કેવી હોય છે? કેટકેટલા મંદિરોએ જઇને માથાં નમાવીએ છીએ ત્યારે તમારે ઘેર એ આવે છે અને એ આવ્યા પછી એમની સાથે શું કરીએ છીએ?! નોકરી ધંધો કરતા હોય તો ત્રણ-ચાર મહિનાના બાળકને નેની (આયા)ને સોંપી દેવાય અથવા નર્સરીને હવાલે કરાય.! ઇન્ડિયામાં અઢી અઢઈ વર્ષનાં છોકરાંને ટોપ સ્કૂલમાં એડમિશન લેવા રાતથી ચોકીદારો કે નોકરોને ફોર્મ લેવા લાઇનમાં ઉભા રાખી દેવાય. કયારેક વળી એડમિશન મળે એમ ના લાગે તો "પગ મને ધોવા દો રઘુરાય" જેમ ટ્રસ્ટી કે આચાર્ય સામે લાગવગ લગાડી મસ્કા-પોલીસી થાય. એક ત્રણેક માસના બાળકને નર્સરીમાં મૂકી દો અથવા પ્રસન્ન ચિત્તે ખેલકૂદ કરવાની ઉંમરે સ્કૂલે મોકલી દો તો એ બાળકેે તમને કેટલા વર્ષ સાથે રાખવાં જોઇએ?! એ પછી તમારું રહેતું નથી. આધુનિક સુપર મોમ્સને કંઇક ઓતાર આવે છે કે બાળખને શું કરી નાખીએ..! અભ્યાસ કરતા બાળક કરતાં એની મોમને ભણતરની બહુ ચિંતા હોય. પરીક્ષા હોય ત્યારે બાળક ઝોકે ચઢી ઉંઘી જાય પણ મમ્મી સતત ચોકીદાર બની જાગતી રહે. સવારનું એલાર્મ મૂકે એ પહેલાં તો એ ઉઠી જાય, કડકડતી ઠંડીમાં બ્લેન્કેટની હૂંફમાં બાળક નિંદર માણતું હોય ત્યાં છ વાગ્યાથી ધમાચકડી કરી છોકરાંને અડધી ઉંધમાં જ ઉભાં કરી દે, બૂમાબૂમ કરી છોકરાંને તૈયાર કરી સ્કૂલ તરફ ભાગદોડ કરે. બપોરે સ્કૂલેથી છૂટે એ પહેલાં કારમાં જ સ્નેક્સ તૈયાર હોય એ આપી સીધા સ્વીમીંગમાં અને જો બીજું સંતાન દીકરો હોય તો કરાટે, ફૂટબોલ, રગ્બી કે સંગીત શિક્ષણ છેલો, ટ્રમ્પેટ, વાયોલીન, પિયાનો જેવા વાજિંત્રોના કલાસીસમાં ધકેલવાનો, દીકરી હોય તો બેલે, છેલો, સ્વીમીંગ જેવી એકટીવીટીમાં જોઇન્ટ કરી દેવાની. કેટલીક મમ્મીઓ તો એમના બાળકને સ્કૂલમાં ફ્રેન્ચ, જર્મન, સ્પેનીશ જેવી યુરોપિયન ભાષાઓ શીખવા માટે આગ્રહ સેવે. આમ સવારથી સાંજ સુધી ફીક્સ શેડ્યુઅલમાં સુપર મોમ્સને સાંસ લેવાનો સમય તો ના હોય પણ મુક્તમને ઘરમાં હસતા,રમવાની ઉંમરે બાળક ઉપર જે માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે એ અસહ્ય હોય છે. એ માસૂમ પર ઘડિયાળના કાંટે સુપર મમ્મીઓ જે એકટીવીટીની ભરમાળ દ્વારા માનસિક ટોર્ચર કરતી હોય છે એના પડઘા મોટી ઉંમર થતાં પડે જ છે.
તુષાર શુકલએ કટાક્ષ કરતાં કહ્યું કે, "બાળક પાસે આટલું ઉત્તમ કરાવાનો હઠાગ્રહ શા માટે?તમારે એક સાથે જૂડો, કરાટે, સ્વીમીંગ, સંગીત, ફૂટબોલ એકટીવીટી કરાવાના અભરખા હોય તો મા-બાપ તરીકે તમારે સહેજ વહેલા વિચારવું જોઇએ..! આ એક એક બાળકનું અલગ અલગ કામ છે..! આ એકનું નથી.. આ બિચારું કેટલાનું કરશે…! બાપની બે આંખોમાં બાકી રહેલાં સપનાં અને માની બે આંખોમાં બાકી રહેલા સપના.. એ ચાર આંખોના ઉધાર રહી ગયેલા સપનાનો ભાર બિચારા આની બે આંખો ઉપર… અને આની બે આંખોના સપનાનું તો કોઇ વિચારતું જ નથી..! એવી દશા કરે છે છોકરાંઓની.. મને ઘણીવાર થાય છે કે આ કો'કના છે એ એમને આપ્યા છે કે એમના જ છે…!
અત્યારે મોટાભાગનાં મા-બાપ એમના સંતાનોને સ્પેશીયાલીસ્ટ ડોકટર, કમ્પયુટર એન્જિનિયર, લોયર કે આઇટી ટેકનિશીયન બનાવવાની હોડમાં ઉતર્યાં છે પણ એમનું મહામૂલુ બાળપણ અને એમાં નિર્દોષતાથી રમાતી રમતો, પારિવારીક આત્મીયતાથી વંચિત રહી જાય છે. પહેલાં સ્કૂલેથી આવી આપણે સૌ કબ્બડી, આંબલા-પીપળી, શત્તૂડીયુ, લંગડી, દોરડા કૂદ, ગિલ્લી-દંદા, ભમરડા, કૂકા, કોચણીયું જેવી રમતો રમતા એ કયાંય વિસરાઇ ગઇ છે.