સુવહીવટ અને શિક્ષણનો જીવઃ આઈ. જી. પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Thursday 31st August 2017 08:47 EDT
 
 

ભારતને નેહરુ પરિવારની છદ્મ સમાજવાદી અને ભ્રામક રાજનીતિથી છોડાવીને ઉદારીકરણની નીતિ અમલી બનાવવાનો આરંભ થયો વડા પ્રધાન નરસિંહ રાવના સમયમાં. બહુ ભાષાવિદ્દ, માણસપારખુ અને ગજબની નિર્ણયશક્તિ ધરાવનાર નરસિંહ રાવે સામે ચાલીને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર આઈ. જી. પટેલને નાણાં પ્રધાન બનવા ૧૯૯૧માં આમંત્રણ આપ્યું. વડા પ્રધાન પછી નાણાં પ્રધાનનું પદ ખૂબ જ મહત્ત્વનું મનાય. પ્રતિષ્ઠાનું આ પદ મેળવવા રાજકારણીઓ એડીચોટીનું જોર લગાવે, પડાપડી કરે અને મેળવવાનાં સપનાં જુએ! આઈ. જી. પટેલે સામે ચાલીને, નમ્રતાભેર આ પદની અનિચ્છા બતાવી.

આઈ. જી. પટેલ એટલે ઈંદુપ્રસાદ ગોરધનભાઈ પટેલ. મૂળે કરમસદના વતની, ૧૯૨૪માં વડોદરામાં જન્મેલા આઈ. જી. પટેલે જ્યાં જ્યાં કામ કર્યું ત્યાં નોખી ભાત પાડી. તેઓ વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ જ તેજસ્વી. તેમના જમાનામાં મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટી લે. આનું કાર્યક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને સિંધ સુધી વિસ્તરેલું. મુંબઈ યુનિવર્સિટીમાં તે મેટ્રિકમાં પ્રથમ નંબરે આવેલા. બી.એ.માં પણ તેમજ થયેલું. પછી ગાયકવાડની સ્કોલરશિપ મેળવીને વધુ અભ્યાસ માટે લંડન પહોંચ્યા. એમના પ્રોફેસર મિ. ઓસ્ટીન રોબિન્સન કહે, ‘જિંદગીમાં આના જેવો બીજો વિદ્યાર્થી મને મળ્યો નથી!’
૧૯૪૯માં લંડનથી પાછા આવીને વડોદરામાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા પણ બીજે વર્ષે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના સંશોધનમાં જોડાવવા લંડન ગયા. પાંચ વર્ષ પછી ભારત પાછા ફરીને નાણાં ખાતામાં સલાહકાર બન્યા. સતત ૧૮ વર્ષ ભારત સરકારના નાણાં ખાતામાં એક અથવા બીજો મહત્ત્વનો હોદ્દો સંભાળતા રહ્યા.
૧૯૭૨માં યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે લંડન ગયા. ૧૯૭૭માં તેમની ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિમણૂક થતાં ભારત આવ્યા. રિઝર્વ બેંકના ગવર્નર તરીકે તેમણે નોટબંધી અપનાવી અને ૧૦૦૦, ૫૦૦૦ અને ૧૦,૦૦૦ની નોટો ચલણમાંથી રદ્દ કરી. આવી જ નીતિ બરાબર સાડા ત્રણ દશકા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવી. આ ઉપરાંત બેન્ક તરફથી સોનાની હરાજી કરવાનું તેમણે બંધ કર્યું. જોગાનુજોગ, ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેનાર બંને ગુજરાતી.
આઈ. જી. પટેલ નમ્રતા અને સાદગીથી ભરેલા હતા. તેમની ઓફિસમાં તેમને ગમેત્યારે મુલાકાત નક્કી કર્યા વિના મળી શકાતું. રિઝર્વ બેંકના ગવર્નરપદ દરમિયાન ભારત વતી રશિયા, બ્રિટન અને અમેરિકાની સરકારો સાથે નાણાંને લગતી મંત્રણાઓ અને સમજૂતીઓ તેમણે કરી હતી. હૂંડિયામણ અંગેની આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ પણ તેમણે કરી હતી.
૧૯૮૨માં તેઓ આઈઆઈએમ-અમદાવાદના ડાયરેક્ટર બન્યા. ભારતની ઉત્તમ બિઝનેસ સ્કૂલ તરીકે આઈઆઈએમને સ્થાપિત કરતો રસ્તો એમણે આંક્યો હતો. આ પછી ૧૯૮૪માં તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડાયરેક્ટર થયા. તેમના સમયમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ આર્થિક રીતે સદ્ધર બની. એની મિલકતો વધી અને નવા અભ્યાસક્રમો અને સંશોધનની પ્રવૃત્તિ વધી. લંડનનો આ હોદ્દો સ્વીકારવાનું કારણ હતું તેમની પુત્રીને લંડનમાં અભ્યાસ કરવો હતો અને પત્ની અલકનંદા પુત્રીને સથવારો આપવા ઈચ્છતા હતા. અલકનંદા મૂળે બંગાળી યુવતી અને લંડનમાં આઈ. જી. પટેલના સહાધ્યાયી અને ત્યાં જ પ્રેમ પાંગરતાં પરણ્યાં હતાં. આઈ. જી. પટેલ આમ ૧૯૮૪થી ૧૯૯૦ સુધી લંડન બિઝનેસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ડાયરેક્ટર રહ્યા.
આવીને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણાવવા લાગ્યા. ૧૯૯૧માં ત્યારના વડા પ્રધાન નરસિંહ રાવે તેમને નાણાં પ્રધાન બનવા આમંત્ર્યા પણ સક્રિય રાજકારણમાં પડવાની અનિચ્છાથી તેમણે વિનયપૂર્વક નાણાં પ્રધાન બનવાનું નકાર્યું. તે જ વર્ષે ભારતના રાષ્ટ્રપતિએ તેમને પદ્મવિભૂષણ તરીકે નવાજ્યા હતા. વિશ્વગુર્જરી એવોર્ડ એમને મળ્યો હતો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સે આઈ. જી. પટેલના માનમાં ચેર સ્થાપી છે.
નામદાર આગાખાને તેમને ભારતના આગાખાન ફાઉન્ડેશનના પ્રમુખ બનાવ્યા. નાણાં પ્રધાનના હોદ્દાનો અસ્વીકાર કરનાર તે એક ઈસ્માઈલી ફાઉન્ડેશનના વડા બન્યા. તેનું કારણ હતું, આગાખાન ફાઉન્ડેશનમાં બંધારણીય શરત હતી કે રકમનો કેટલોક ભાગ બિનમુસ્લિમો માટે ફરજિયાતપણે ખર્ચવો. જેથી આ રકમનો ઉપયોગ શિક્ષણ, આરોગ્યવિષયક પ્રવૃત્તિઓ, જાહેર બાંધકામો વગેરે માટે ખર્ચી શકાય.
નિવૃત્ત જીવનમાં પણ આઈ. જી. સદા વાંચનમાં પ્રવૃત્ત હતા. તેમણે લખેલાં અભ્યાસપૂર્ણ પુસ્તકો આજે પણ આર્થિક બાબતોના અભ્યાસીઓને આકર્ષે છે. ૨૦૦૫માં આઈ. જી. પટેલનું અવસાન થયું. તેમણે વિકાસના પંથે દોરેલી સંસ્થાઓ તેમની યાદ જીવંત રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter