૧૯૮૬માં ઈટાલીમાં ટ્રેડ ફેર થયો. આમાં અમેરિકા વસતો, નોકરી કરતો યુવક, તેની પત્ની અને નાનકડી બાળકી ગયાં. ગયાં હતાં કંપની વતી નિરીક્ષણ માટે, નવું જાણવા માટે, હોટેલમાં ઊતર્યાં. હોટેલની રેસ્ટોરાંમાં નાસ્તા માટે ગયાં. સોહામણી અને ખિલખિલાટ હસતી નાનકડી બાળકી ઋતાને જોઈને સામે બેઠેલી એક વ્યક્તિએ કહ્યું, ‘ભારતીય લાગો છો? ક્યાં રહો છો?’
યુવક તે પિનાકીન પાઠક અને પત્ની કીર્તિદાબહેન. આ પછી વાતો ચાલી અને પરસ્પર પરિચય થયો. સામેની વ્યક્તિ હતી ચેન્નાઈસ્થિત વીરમણિ. ભારતમાં ગ્રેનાઈટ બ્લોક્સના પ્રથમ હરોળના ઉત્પાદક. પિનાકીનભાઈ નોકરી કરતા હતા. પિતાના મિત્ર એવા ભૂતડાની કંપની ગટરનાં ઢાંકણાં બનાવતી એમાં એ માર્કેટિંગની જવાબદારી સંભાળતા. વર્ષે ૬૦ હજાર ડોલર જેટલો પગાર મેળવતા, પણ સમૃદ્ધિ ધંધાથી જ મળે એમ માનીને ધંધાનાં સપનાં જોતા હતા. આ બ્રાહ્મણ જીવમાં ગળથૂથીથી જ પ્રામાણિકતાના સંસ્કાર હતા તેથી ધંધો કરે અને નોકરી ચાલુ રાખે તો છેતરપિંડી કર્યાંનું માને. બાકી ભૂતડાએ કહેલું, ‘અમેરિકામાં ગ્રેનાઈટના બ્લોક્સ ના ચાલે. અમેરિકામાં એની પ્રોસેસ કરવાની મશીનરી નથી માટે સ્લેબ ચાલે, વેપાર કરવો હોય તો કહેજો.’ તેથી જવાબ આપેલો, ‘હાલ તો નોકરી છે. છોડીશ તો મળીશું.’
પિનાકીનભાઈએ ૧૯૮૬ના અંતે નોકરી છોડી અને સીધા પહોંચ્યા ચેન્નાઈ. ભૂતડાને મળ્યા અને ધંધાની ગોઠવણ કરી. થોડી બચત હતી અને લોનથી એક કન્ટેઈનર મંગાવ્યું. માર્કેટિંગની સૂઝ, સોહામણું વ્યક્તિત્વ અને બોલવાની આવડતથી માલ વેચાયો. પૈસા છૂટા થયા અને સાતેક કન્ટેઈનર વેચાતા વિના લોને ધંધો ચાલે એવું થયું. ૧૯૯૧ સુધી ઘેર જ ઓફિસ રાખી. માલ મંગાવીને ગ્રાહકોને સીધો પહોંચાડતાં. ૧૯૯૧માં મંદી આવતાં મંગાવેલ માલનો ઘરાક તરત ના મળતાં માલ રાખવા ભાડે ગોડાઉન રાખ્યું. ધંધો વધતો ગયો. આજે બધાં થઈને સાત રાજ્યમાં થઈને તેમની પાસે દશ ગોડાઉન છે.
સમૃદ્ધિ વધી. નવા નવા માણસો રાખવાની જરૂર પડી. આજે તેમની પાસે બધા મળીને ૧૦૦ માણસ કામ કરે છે. આમાં ૩૫ જેટલા માણસ તો તેમની મુખ્ય ઓફિસમાં કામ કરે છે. જ્યાં ગોડાઉન છે ત્યાં ગ્રેનાઈટ કાપવાનાં અને જરૂરી યંત્રો પણ છે. અમેરિકામાં ગ્રેનાઈટ અને આરસના ક્ષેત્રે એ પ્રથમ હરોળના મોટા વેપારી છે.
પિનાકીનભાઈ માત્ર પૈસાલક્ષી જીવ નથી. કમાણી વધતાં તેમની ઉદારતા વધી છે. નવાં બંધાતાં મંદિરોમાં તે અવારનવાર માલના રૂપે દાન આપે છે. વિશ્વવિખ્યાત અને વિશ્વનું સૌથી મોટું એવું પશ્ચિમી જગતનું હિંદુ મંદિર તે ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્થાપિત અક્ષરધામ. તેમાં તેમણે ફ્લોરિંગ આરસ અને ગ્રેનાઈટ પૂરો પાડ્યો છે. બીએપીએસના બીજા મંદિરોમાં પણ તેમણે ફ્લોરિંગ માટે આરસ અને ગ્રેનાઈટ દાનરૂપે પૂરાં પાડ્યાં છે. તેથી કિંમત દશેક લાખ ડોલર થાય. હરિપ્રસાદ સ્વામીના પારસીપની મંદિરના નવનિર્માણમાં પણ તે ભેટરૂપ ફ્લોરિંગનો માલ આપનાર છે. એવી જ રીતે પેન્સિલવેનિયાના એલનટાઉનમાં આવેલા અનુપમ મિશન મંદિરમાં તે ફ્લોરિંગ માટેનો માલસામાન ભેટરૂપે આપનાર છે. કનેક્ટિકટના મ્યુઈંગ્ટનમાંના વલ્લભધામને તેણે ફ્લોરિંગની ભેટ આપી છે. પિનાકીનભાઈએ એ રીતે મંદિરોને લાખો ડોલરનો માલ આપ્યો છે.
પિનાકીનભાઈ સંસ્કૃતિ અને માનવતાપોષક પ્રવૃત્તિઓમાં મદદરૂપ થાય છે. પછી તે ચર્ચ હોય, હિંદુ ધર્મની ગમે તે શાખાનું કે જૈન મંદિર હોય. આરોગ્ય અંગેની કે શિક્ષણ અંગેની કોઈ પણ પ્રવૃત્તિમાં તે મદદરૂપ થાય છે. પેટલાદમાં જ્ઞાતિની બ્રાહ્મણવાડીના નવીનીકરણમાં એમણે છ લાખ રૂપિયા આપ્યા છે. અહીં દર વર્ષે નવચંડી કરવાનું તે વર્ષોથી કરે છે.
પિનાકીનભાઈને શિવમાં અને શિવનાં પ્રતીકોમાં શ્રદ્ધા છે. આથી તેમને બધી કંપનીઓના નામમાં ૐ રાખે છે. ઓમકારા નામની તેમની એક કંપની માત્ર સંગીતના કાર્યક્રમ આપે છે. ભારતીય સંગીત, ભજનો, લોકગીતો એ બધાને પ્રોત્સાહન આપીને વિદેશમાં એને લોકપ્રિય બનાવવા અને જાળવવા ભારત, કેનેડા, અખાતી દેશો વગેરેમાં એના કાર્યક્રમો ગોઠવે છે. સંગીતક્ષેત્રે ખ્યાતનામ વ્યક્તિઓને આમાં તે જોડે છે. ઓમકારામાં તે કોઈ નફાના ખ્યાલ વિના નાણાં ખર્ચે છે. ઓમ વાઈન અને લીકરની કંપની છે તેમાં ભાતભાતના વાઈનની આયાત અને વિતરણ કરે છે. ઓમકાર ટ્રેડર્સ નામની તેમની કંપની આયાત-નિકાસનું મોટું કામ છે. એમની એક કંપની ૨૯ જેટલી મોટી ટ્રકોની માલિકી ધરાવે છે અને પરિવહનનનું કામ મોટા પાયા પર કરે છે. ભારત, ઈઝરાયલ, કેનેડા, ઈટાલી, યુએસએ વગેરેમાં તેમના વેપારી સંબંધોનો પથારો છે. તેમની મુખ્ય કંપની ૧૯૮૭માં સ્થપાયેલી ઓમ ઈન્ટરનેશનલ છે.
પિનાકીનભાઈ ન્યૂ જર્સીના પ્રિસ્ટનમાં ૨૬૦૦૦ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવતા ભવ્ય એવા ઓમ પેલેસમાં વસે છે. શ્વેત આરસની પ્રતિમાઓથી શોભતું વિશાળ અને આધુનિક સવલતોથી સજ્જ આ મહાલય નોખી ભાત પાડે છે. તેમાં આઠ જેટલા ભવ્ય શયનખંડ છે. દરેકમાં વિશિષ્ટ ફર્નિચર, પ્રતિમાઓ અને સુશોભનો છે. ૧૨૦ લાખ ડોલરના ખર્ચે તૈયાર થયેલા આ ભવ્ય મહાલયમાં ૩.૫ લાખ ડોલર માત્ર ફર્નિચરમાં ખર્ચાયા છે.
પિનાકીનભાઈએ આ બધું શૂન્યમાંથી સર્જ્યું છે. ૧૯૫૫માં જન્મેલા તે ૧૯૮૦માં માતા શર્મિષ્ઠાબહેન સાથે અપરિણિત પુત્ર તરીકે અમેરિકા આવ્યા. હ્યુસ્ટનમાં વસતા ઠાકોરભાઈએ બહેન શર્મિષ્ઠાબહેનને ફાઈલ કરીને બોલાવેલાં. પિતા ડાહ્યાભાઈ મૂળે વાઘોડિયાના ઔદિચ્ય બ્રાહ્મણ અને ભાડાના મકાનમાં રહીને વૈદ તરીકે કામ કરતા. ચાર સંતાનો સાથે જીવતા પરિવારને બે છેડા ભેગા કરવા મુશ્કેલ થતા. પિતાએ બધાં સંતાનોને ભણાવીને ગ્રેજ્યુએટ બનાવ્યાં. પિનાકીનભાઈ વડોદરાથી પોલિટિકલ સાયન્સમાં ૧૯૭૬માં ગ્રેજ્યુએટ થયા. આ પછી છેક ૧૯૮૦ સુધી રિસર્ચમાં અને પછી કોલગેટના સેલ્સમેન તરીકે ગામડાં ખૂંદ્યાં. ઘડાયા. અમેરિકા આવીને શરૂમાં કોમ્પ્યુટર કંપનીમાં કામ કર્યું. પછી બેંકમાં કામ કર્યું અને પછી પિતાના સંબંધી ભૂતડાને ત્યાં નોકરી મળી. અગાઉ અમેરિકામાં નોકરી સાથે કોમ્પ્યુટરનો ડીગ્રી કોર્ષ કર્યો હતો.
૧૯૮૪માં તે કીર્તિદાબહેનને પરણ્યા. ૧૯૮૬ના અંતે ધંધાનો આરંભ કર્યો. સતત પુરુષાર્થ, સૂઝ અને સાહસને કારણે તે સફળતા પામ્યા. દાન અને સંબંધ રાખવાની કળાને લીધે યશસ્વી બન્યા.
પિનાકીન પાઠક આજે અમેરિકાના ગુજરાતીઓમાં જાણીતા અને મોટા ઉદ્યોગપતિ બન્યા છે.