સૂઝ, સેવા, સંપ અને સમર્પિત ભક્તિની પીઠિકા પર બેઠું છે સ્વામિનારાયણ નગર. અદ્ભૂત છે આ સર્જન. વિશ્વની માનવસર્જિત 21મી સદીની અજાયબીઓનો કદાચ આનાથી આરંભ ગણવો પડે. મશીન બનાવી શકાય. મશીન પાસે ગજબનાક કામ લઈ શકાય પણ હજારો માણસ પાસે - જેમાં ‘તુંડે તુંડે મર્તિભિન્ન’ છે તેની પાસે આવું કામ લઈ શકાય? સિવાય કે એલન મસ્ક કહે છે તેમ માનવના મગજમાં ઈલેક્ટ્રોનિક્સ ચીપ્સ ફીટ કરી હોય તો થાય. અહીં તે સિવાય થયું છે. ભગવાન સૌને પ્રેરતો હોય, કોઈ માણસ નહીં તે રીતે સૌ સ્વયંસેવકોએ કર્યું. કોઈ કોઈને હુકમ કરતું નથી. બતાવતું નથી અને છતાં સુપેરે, વિના ખોટકાયે કામ ચાલ્યા જ કરે છે એ સૌથી અદ્ભૂત છે.
શાસ્ત્રીજી મહારાજે નારાયણસ્વરૂપ સ્વામીને પ્રમુખપદે સ્થાપતાં કહેલું, ‘યોગીજીને આગળ રાખીને સૌ કામ કરજો’ પ્રમુખસ્વામીએ યોગીજી મહારાજ જીવતાં ક્યારેય કોઈ કામનો યશ પોતે લીધો નથી. અહીં વિના કહ્યે, બીએપીએસના હાલના પ્રાણપુરુષ મહંત સ્વામી મહારાજે એવું જ કર્યું છે, ‘જે થાય છે તે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી થાય છે. તે જ કર્તાહર્તા છે...’ એવું વલણ - વર્તન રાખ્યું છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે સર્જાયેલ 700 એકર જમીનમાં, જેની માલિકી 250 ખેડૂતો અને કેટલાક બિલ્ડરોની હતી તેમણે સ્વેચ્છાએ આ જમીન ઉત્સવ નિમિત્તે વાપરવા આપી. આજે બધું સપાટ મેદાન અને પ્રવૃત્તિથી ધમધમતું નગર છે તે 15મી જાન્યુઆરી પછી બીજી વાર કલેવર બદલીને જે તે માલિકને પરત મળશે. આવા વખતે કોઈનેય મનદુઃખ ના થાય તે રીતે જમીનો અને બિલ્ડરોએ વાપરવા આપેલા ફ્લેટ પરત આપશે. આ જમીન હજારો - લાખો ભક્તો, સંતો અને મહાનુભાવોના ચરણથી પ્રસાદીની બની તેથી આ ધરતીના માલિકો અને ફ્લેટોના માલિક - બિલ્ડરોને કદાચ વેચવા માટે ઘરાક નહીં શોધવા પડે. દેશ–વિદેશથી આવેલા કેટલાયને આ પ્રસાદીની ધરતી પર જીવનસંધ્યાએ જીવવાનું ગમશે.
શતાબ્દી મહોત્સવ નિમિત્તે રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત, આયોજકો વગેરેએ સ્વામિનારાયણ નગર સુધી પહોંચવા તૈયાર કરેલ અદ્યતન રસ્તા આ ઉત્સવની પૂર્ણાહુતિ પછી પણ ચાલુ જ રહેશે. આથી બિલ્ડરો અને જમીનમાલિકોને એમની સેવાનો પ્રસાદ મળી રહેશે.
રાજકીય પક્ષો અને સરકારો વિવિધ ઊજવણી નિમિત્તે બધું કરે છે. કેટલાક ધાર્મિક પક્ષો પણ કરતા હોય છે. ઊજવણી પૂરી થયે અહીં ગંદકીના ઢગલા નહીં હોય. ઊડતાં કાગળ, એંઠવાડ, કપડાંના ડૂચાં, કંઈ જ નહીં હોય તેની ખાતરી છે. બીએપીએસની આજ વિશિષ્ટતા છે. આ જ નોખી ભાત છે.
શતાબ્દી ઊજવણી નિમિત્તે છાપામાં લેખોનું પૂર શરૂ થયું છે. વિવિધ યુટ્યુબનું પણ તેવું જ. વિશ્વમાં ઊજવણીના લખાણનો વંટોળ આરંભાયો છે. કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી એ ચાલ્યા જ કરશે. છતાં મારી દૃષ્ટિએ શતાબ્દી મહોત્સવની નિમિત્તે અગત્યનાં પાસાં છે તે આ છે.
1) નારી ઉત્કર્ષઃ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું સ્થાન નથી એવો ચાલતો આવેલો ભ્રમ અહીંની મુલાકાત દૂર કરશે. જેમાં નારી ઉત્કર્ષ મંડપ સૌથી મહત્ત્વનો છે. આમાં રોજ બપોરે 2.30થી 4.30 સુધી મહિલાઓને લગતી જ પ્રવૃત્તિ થશે. દેશવિદેશનાં મહિલા અગ્રણી અહીં સભામાં આવશે. મહિલા વિકાસ અને મહિલાઓની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પ્રવચન થશે. પરિસંવાદ થશે. મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોની છણાવટ થશે. જેમાં સ્મૃતિ ઈરાની વગેરે સામેલ થશે. મહિલાઓ અને બાળઉછેર, મહિલાઓ સમગ્ર પરિવારની પ્રવૃત્તિની ધોરી નસ છે. તેની પ્રતીતિ કરાવતી ચર્ચા અને પ્રવચનો થશે. ‘નારી વિના સૂનો સંસાર’ એ વિચાર દૃઢ થાય તેવું આ કાર્ય બીએપીએસની આખી છાપ બદલે એવું છે. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન યોજાશે.
2) સર્વધર્મ સમભાવઃ બીએપીએસ માત્ર પોતાની માન્યતાઓની આગવી સૃષ્ટિમાં એકલવિહારી બનીને વિહરે છે એવી એક માન્યતાને બદલે સર્વધર્મ સમભાવ અને મમભાવને વરેલ છે તે વાત આ ઊજવણી દરમિયાન સૌ અનુભવશે. અગાઉ પ્રમુખસ્વામી મહારાજ વર્લ્ડ ફેઈથ એટલે વિશ્વ ધર્મ સંમેલનના પ્રમુખ બન્યા હતા. ત્યારે વિશ્વ ધર્મ પરિષદમાં યહૂદી, ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, શિન્ટો અને બીજા ઘણા ધર્મ અને તેની શાખાઓમાં સૌ ધર્મના સારરૂપ સિદ્ધાંતોની વિશદ્ છણાવટ થઈ હતી. ઉર્દૂના સુપ્રસિદ્ધ શાયર મુહમ્મદ ઇકબાલની પેલી પંક્તિ, ‘મઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના’ને બીજી રીતે જોઈએ તો, ‘પરસ્પર પ્રીત પ્રસરાવે એ જ ધર્મ’ની વાત સિદ્ધ કરવી હોય તેમ પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને માન્યતાને આદર આપેલો. આ વખતે પણ સર્વધર્મ – આસ્થાઓના આગેવાનોનું અહીં સન્માન થશે, તેમને તેમના વિચારો રજૂ કરવા તક સાંપડશે. આને કારણે માનવીય એકતા અને પ્રેમ તરફ વિશ્વ વળશે અને તેનું નિમિત્ત બીએપીએસ બનશે.
3) બાળનગરીઃ બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો દ્વારા સર્જિત અને સંચાલિત બાળનગરી. 4500થી વધારે બાળકોની પ્રવૃત્તિથી ધમધમશે. બાળકલા મંચ પર એક સાથે 150થી વધુ બાળકો નૃત્ય, ગીત, સંગીત, સંવાદ, વકતૃત્વથી જીવંત બનાવશે. સારા બનવા, સારું કરવા, સારું વિચારવાની પ્રેરણાભૂમિ આ બાળનગરી બનશે. સારા નાગરિક, સારા માણસ બનવાનો પ્રેરણાસ્ત્રોત સંતો અને ઋષિઓ રહ્યા છે. તે સ્ત્રોત બીએપીએસે ચાલુ રાખ્યો છે.
વિવિધ પ્રદર્શનો, સભાખંડોમાં આજે માનવો ઉભરાય છે. એક સાથે હજારો માણસો જમે છે. ક્યાંય ખૂટવાની બૂમ સંભળાતી નથી. ક્યાંય બગાડ થતો નથી. સંતો અને સ્વંયસેવકો હજારોની સંખ્યામાં પલાંઠી વાળીને જમતાં જોવા એ જોતાં પ્રાચીનકાળના રાજસૂર્ય યજ્ઞોની સ્મૃતિ તાજી કરે છે. ક્યાંય પડાપડી કે ઘોંઘાટ નથી.
સમગ્ર મહોત્સવમાં પ્રવેશવા સાત જેટલાં કલામંડિત પ્રવેશદ્વાર. દરેક પ્રવેશદ્વાર સુધી ડામર રોડ પહોંચે છે. મુખ્ય પ્રવેશદ્વાર 51 ફૂટની ઊંચાઈ અને 280 પહોળાઈ ધરાવે છે. જેમ જૂની કહેવત હતી, ‘વિશ્વના બધા માર્ગો રોમમાં મળે છે’ તેમ અંતે આ બધા માર્ગો અક્ષરધામ તરફ લઈ જાય છે.
દિલ્હીના અક્ષરધામની અહીં 67 ફૂટ ઊંચી પ્રતિકૃતિ છે. મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશતાં પ્રમુખસ્વામી મહારાજની 30 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા 15 ફૂટ ઊંચી પીઠિકા પર બિરાજે છે. આ સ્વર્ણિમ પ્રતિભા ખૂબ આકર્ષક અને પ્રભાવક છે.
સમગ્ર સ્વામિનારાયણ નગર 15 જાન્યુઆરી પછી વિસર્જિત થશે ત્યારે સેંકડો પ્રતિમાઓ, હજારો વૃક્ષો-છોડ બધું જ સુઆયોજિત રીતે પ્રસાદીરૂપે કે ભવિષ્યના ઉપયોગ માટે નિયત સ્થાને પહોંચી જશે. આ બધું અદૃશ્ય થશે ત્યારે જાદુઈ નગરી અદૃશ્ય થઈ જશે એવું લાગશે.
સૂઝ, સેવા, સંપ અને સમર્પિત ભક્તિનું સર્જન દસકાઓ સુધી સ્મૃતિમાં રમ્યા કરશે.