ભણતરની ડિગ્રી વિના પણ સૂઝ, સ્વભાવ અને શ્રમનિષ્ઠા હોય તો માણસ શૂન્યમાંથી સર્જન કરી શકે છે. મફતલાલ ગગલદાસ શેઠ, ગૌતમ અદાણી, સવજીભાઈ ધોળકિયા એવી સેંકડો વ્યક્તિઓ અલ્પશિક્ષણે સમાજમાં ટોચે છે. એક જ વર્ગમાં ભણતા આગળના હોંશિયાર વિદ્યાર્થી ડિગ્રી મેળવે અને નોકરી મેળવીને સલામતીમાં જીવે પણ એ જ વર્ગમાં છેલ્લા બેસતા ભણતરમાં પાછળ રહેલા ધંધામાં કે નવા સાહસમાં ઝંપલાવે. પછી પેલા ભણેલા ઊંચી ડિગ્રીવાળાને નોકરી આપે છે.
હોંગકોંગના ગિરીશ શાહ આ દાખલો પૂરો પાડે છે. ૧૯૮૭માં પચ્ચીસ વર્ષનો જૈન યુવક જે બારમા સુધી માંડ પહોંચેલ તે હોંગકોંગ આવ્યો. આવતા પહેલાં ચાર વર્ષ પિતા ગિરધરલાલ અને મોટાભાઈ જીતેન્દ્રભાઈ સાથે મુંબઈમાં હીરાના વ્યવસાયની ઓફિસ સંભાળેલી. હોંગકોંગમાં ત્યારે માંડ ૧૫૦ ગુજરાતી પરિવાર હશે. યુવક નવેનવો. કોઈ ઓળખાણ નહીં. આમાં તેણે રસ્તો કંડારવાનો. પિતાના સાહસ અને સૂઝનો વારસો ધરાવતા ગિરીશભાઈ ૧૯૬૨માં મુંબઈમાં જન્મેલા અને નવસારીમાં પિતા અને માતા સવિતાબહેન સાથે ઉછર્યાં. પિતાએ પંદર વર્ષની વયે ધાનેરામાં બાપીકી હાટડીએ બેસવાને બદલે મુંબઈ આવીને કોઈ હીરાવાળાને ત્યાં કામ કરીને હીરાપારખું થઈને નવસારીમાં હીરાની ઘંટી કરી. ઘંટીની સંખ્યા વધારીને સો જેટલી કરીને ત્રણસો માણસોને રોજી પૂરી પાડતા થયા. મોટાભાઈ જીતેન્દ્રભાઈ હીરાનો વેપાર કરતા. તેમની પાસેથી વેપારીઓ માલ લઈ જઈને બેંગકોક, સિંગાપોર, હોંગકોંગ વેચતા. ગિરીશભાઈએ વિચાર્યું, ‘આપણો માલ બીજે વેચીને વેપારીઓ કમાય છે તો આપણે સીધો જ માલ ત્યાં વેચવો.’ જીતેન્દ્રભાઈને અનુકૂળ ન હોવાથી ગિરીશભાઈએ પરદેશ જવા વિચાર્યું. ગિરીશભાઈ હીનાબહેનને પરણેલા અને દીકરી અમિષા પણ હતી. છતાં એમણે અજાણ્યા દેશમાં જવાનું સાહસ કર્યું.
ગિરીશભાઈએ ધીરજપૂર્વક સખત મહેનત કરી. ફ્રી પોર્ટ હોવાથી હોંગકોંગમાં મહેનત ઊગી. આર્થિક રીતે સ્થિર થઈને તેમણે જાહેર જીવનમાં ભાગ લેવા માંડ્યો. ૧૯૯૫માં જૈન દહેરાસર થતાં એની કારોબારીના સભ્ય બન્યા. વર્ષો સુધી સભ્યપદ ચાલુ રહ્યું. ૧૯૯૯માં ગુજરાતી સમાજના વાઈસ પ્રેસિડેન્ટ થયા. આ પછી પ્રવૃત્તિ ચાલુ રાખી અને ૨૦૦૮થી ૨૦૧૦ સુધી ગુજરાતી સમાજના પ્રેસિડન્ટ રહ્યા.
ગિરીશભાઈ હોંગકોંગમાં કોઈ પણ પ્રવૃત્તિમાં હોદ્દા પર હોય કે ના હોય, પણ લોકો માટે ચાલતી કોઈ પણ પ્રવૃત્તિમાં પૈસાથી કે શરીરથી ઘસાવાનું ચાલુ રાખે છે. તેથી હોંગકોંગના ગુજરાતીઓમાં તેમનું માન છે. તેઓ કોઈ જૂથબંધીમાં પડતા નથી. આને કારણે એ સૌને ભાવતા અને ફાવતા છે. હોંગકોંગમાં ધનકુબેર ગુજરાતીઓમાં એમની ગણના ભલે થતી હોય પણ એમની સેવાભાવના, નમ્રતા અને સૌની સાથે હળીમળીને રહેવાના ગુણથી હોંગકોંગના ગુજરાતીઓના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું છે.
ગિરીશભાઈ જાહેર પ્રવૃત્તિમાં પૈસા અને સમય બંનેથી ઘસાવા છતાં એનાં ડીમડીમ પીટવાથી દૂર રહ્યા છે. પિતાની કર્મભૂમિ નવસારીમાં એમનો બંગલો હતો. ગિરીશભાઈ હોંગકોંગમાં અને બે ભાઈ મુંબઈમાં રહેતા હોવાથી બંગલો વેચી દીધો અને એના પૈસાથી નવું મકાન કર્યું અને માતા સવિતાબહેન ગિરધરલાલ મયાચંદના નામે એસ.જી.એમ. હાઈસ્કૂલ કરી. ત્રણે ભાઈ એમાં ટ્રસ્ટી બન્યા. હાઈસ્કૂલમાં ૨૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે. શાળાનો વહીવટ લાયન્સ ક્લબ કરે છે. આજે હાઈસ્કૂલ સ્વાવલંબી છે અને શિક્ષણક્ષેત્રે એનું નામ જાણીતું છે.
ગિરીશભાઈ શરૂઆતના વર્ષોમાં હોંગકોંગ, ભારત અને ઈઝરાયલથી હીરા ખરીદતા, હવે વર્ષોથી ધંધાના અનુભવી હોવાથી દલાલો મારફતે ખરીદી કરે છે.
ગિરીશભાઈ ધર્મ અને ધંધાની વચ્ચે સમતુલા સાચવીને કામ કરે છે. પડદા પાછળ રહીને નામની ખેવના વિના કામ કરે છે. તેમની સહાય ઈચ્છનારને તેઓ ભાગ્યે જ નિરાશ કરે છે. તેમના માર્ગદર્શનથી ધંધામાં આગળ વધનાર કેટલાય એમના ગુણ ગાતાં થાકતાં નથી.