મકરસંક્રાંતિ મૂળ આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોનાં આગમનનો ઉત્સવ છે. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પર બ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરેલ છે. સૂર્ય એ દરિદ્રતાનો નાશ કરનાર, પાપરોગ અને દુઃખ હરનાર છે.
સમગ્ર ગ્રહોના રાજા ભગવાન સૂર્યદેવ બાર રાશિમાં લગભગ એક એક માસને અંતરે પ્રવેશ કરે છે. તેથી એક વર્ષમાં સૂર્યદેવ બાર રાશિમાં પ્રવેશ કરે છે. આપણે તેને સંક્રાંતિ કહીએ છીએ. પહેલો ઉત્તરાયણ અને બીજો દક્ષિણાયાન. આ બન્ને અયન મળીને એક વર્ષ થાય છે.
મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરતા આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. મકરસંક્રાંતિ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે.
ધર્મ-અધ્યાત્મ-વિજ્ઞાનનો સમન્વય
આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના અનુસાર 14મી જાન્યુઆરીએ આવે છે. ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. આની પહેલાં સૂર્ય ધન રાશિમાં હતો, ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ભારતીય પંચાંગ પ્રમાણે કમુરતાં ચાલતાં હોય છે. એટલે કે લગ્ન આદિ માંગલિક કાર્યો થતાં નથી. જ્યારે મકર રાશિમાં સૂર્ય આવતાંની સાથે જ શુભ કાર્યો કરવાની લીલી ઝંડી મળી જાય છે.
વિવિધ પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવનો જન્મ કશ્યપ મુનિના અંશે અને માતા અદિતિના ગર્ભથી થયેલો, એટલે સૂર્યદેવ આદિત્યના નામથી જગપ્રસિદ્ધ થયા. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પરબ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરેલ છે. જ્ઞાન, વિવેક, યશ, વિદ્યા, સન્માન અને આર્થિક પ્રાપ્તિ સૂર્ય આરાધનાથી પ્રાપ્ત થાય છે. ભારતીય પરંપરામાં તો વેદકાળથી જ સૂર્યનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. સૂર્ય એ દરિદ્રતાનો નાશ કરનાર, પાપરોગ અને દુઃખ હરનાર છે. મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સૂર્યકૃપાથી જ વેદમંત્રોનું દર્શન કર્યું હતું.
મકરસંક્રાંતિના દિવસે ગાયત્રી ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે સૂર્ય દ્વારા જ દિશા, આકાશ, સ્વર્ગ, ધુલોક, ભૂલોક, મોક્ષ, નરક અને રસાતલ તથા સમસ્ત લોકોનું વિભાજન થાય છે. આ દિવસે શનિદેવની શાંતિ માટે, કૃપા મેળવવા માટે સુવર્ણ, કાળા તલ, લોખંડ, ઇન્દ્રજવ, નીલમ, અડદ, સરસિયું તેલ, કામળી, છત્રી, કાળું વસ્ત્ર અને ભેસનું દાન કરવાથી સંપૂર્ણ શાંતિ થાય છે.
ગ્રીક સંસ્કૃતિની સાથે ઉત્તરીય અમેરિકાથી મૂળ જાતિ-પ્રજાતિમાં સૂર્યદેવ તરીકે અસ્તિત્વ સ્વીકારાયું છે ને પૂજન થાય છે. જ્યારે એસ્કિમો જાતિના લોકોમાં સૂર્યનૃત્ય પ્રખ્યાત છે. સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે તલ, ફળ, ઘી, ગોળ, અનાજ, કપડાં, રોકડ રકમ અને સુવર્ણ દાનનો મહિમા અનેરો છે. આમ સૂર્યદેવની આરાધના, ઉપાસના કે પૂજન-અર્ચન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધનાનું ફળ મળે છે.
સૂર્યનું પવિત્ર અયન
ઉત્તરાયણ એ સૂર્યનું પવિત્ર અયન ગણાય છે. શ્રીમદ્ ભગવદગીતામાં આઠમા અધ્યાય ‘અક્ષર બ્રહ્મયોગ’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ ઉત્તરાયનમાં મૃત્યુ પામેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મપદને પામે છે. જ્યારે પાછલા છ માસના દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર ચંદ્રની જ્યોતિ પામી ફરી આ લોકમાં આવે છે. મહાભારત કાળમાં અર્જુનનાં બાણોથી વીંધાઈને બાણશય્યા પર સૂતેલા અને ઇચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી.
આર્યોના આગમનનો ઉત્સવ
મકરસંક્રાંતિ મૂળ હિન્દુ ધર્મનું પર્વ છે. આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોના આગમનનો ઉત્સવ છે. મધ્ય એશિયાથી ઇરાન થઈ જ્યારે આર્યો હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેની યાદગીરીનો ઉત્સવ મકરસંક્રાંતિ છે. કોઈને યાદ હશે ખરું કે સૂર્યનું પણ એક નામ પતંગ છે. આ દિવસે પતંગ ઉડાવવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે ‘રામ ઇક દિન ચંગ ઉડાઈ ચંદ્રલોક મેં પહૂંચી ગઈ’. ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી.
સંક્રાંતઃ અનેક નામ, અનેક રૂપ
મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે. ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે. જેમ કે પંજાબમાં લોહડી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડુ - દક્ષિણ ભારત - પશ્ચિમ બંગાળમાં પોંગલ, ઉત્તર પ્રદેશમાં સંક્રાંત, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખીહર અને આપણી ગરવી ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણથી આપણે ઊજવીએ છીએ. ઉત્તરાયણના દિવસે ફુલગુલાબી વાતાવરણમાં પતંગોત્સવના મહિમાની સાથે સાથે તલગોળની ચિક્કી, સીંગની ચિક્કી, શેરડી, જામફળ, બોર, ખજૂર, જીંજરા અને ચટાકેદાર સુરતી ઊંધિયુ ને રસઝરતી જલેબી ખાવાનું ચલણ માત્ર ગુજરાતીઓમાં જ છે. રાત્રે ફટાકડાની આતશબાજી અને ઝગમગતી તુક્કલોની વચ્ચે આ પર્વને હર્ષોલ્લાસથી ઊજવે છે.
પતંગબાજીનો ઇતિહાસ
પતંગબાજીનો શોખ નવાબી શોખ કહેવાતો અને ઇ.સ. પૂર્વ 206માં પ્રથમ પતંગ ચગાવનાર ચીનના હુઆન થેંગ હતા તેમ મનાય છે. ચીનમાં પતંગનો ઉપયોગ લશ્કરમાં સંકેત તરીકે કરાતો હતો. આ પતંગબાજીનો શોખ ઊડતાં ઊડતાં ભારતખંડમાં, પશ્ચિમ એશિયામાં, અગ્નિ એશિયામાં, ઇજિપ્તમાં, ગ્રીસ અને હિન્દુસ્તાનમાં આવ્યો. હિન્દુસ્તાનમાં સર્વ પ્રથમ પતંગબાજી 1750ની સાલમાં શાહઆલમના કાળમાં થઈ હતી. નવાબો તેમજ શહેનશાહોએ આ પતંગબાજીને શાહી રમતનો દરજ્જો આપ્યો, જે ફૂલીફાલીને અમદાવાદ, સુરત, વડોદરા જ નહીં બલકે સમગ્ર ગુજરાતમાં મોજમજા અને પ્રમોદનો લહાવો લૂંટતી પ્રજાજનોના ઉત્સવપ્રિય માનસને પોષી રહી છે.