સેવા, સંગઠન અને સંબંધોનો જીવઃ નરેન મહેતા

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 02nd August 2020 08:26 EDT
 
 

યુગાન્ડામાંથી ઈદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કર્યા પછી આજે યુગાન્ડા ફરીથી ભારતીયોથી ઉદ્યોગ-ધંધામાં ધમધમે છે. સલામત છે. છતાં ક્યારેક તોફાન થાય તો ‘પાપડી ભેગી ઈયળ’ બફાય તેમ પણ થાય છે. યુગાન્ડાની સરકારના શેર જેમાં બહુમતીમાં છે એવી સંસ્થા યુગાન્ડા સુગર કોર્પોરેશન. તેનો વહીવટ નાનજી કાલિદાસ મહેતાના પુત્ર મહેન્દ્રભાઈ મહેતા કરતા. યુગાન્ડામાં ખાંડઉદ્યોગના સ્થાપક નાનજી કાલિદાસ તે સિનેતારિકા જૂહી ચાવલાના વડ સસરા. યુગાન્ડા સુગર કોર્પોરેશનના વિકાસ માટે સરકારે ૨૦૦૦ હેક્ટર જમીન જંગલમાંથી આપી. કોર્પોરેશન સરકારનું પણ એનો વહીવટ મહેન્દ્રભાઈ કરે. વિઘ્ન સંતોષીઓએ પ્રજાને ઉશ્કેરી કે સરકારે જંગલની જમીન વિદેશી કંપનીઓને આપી દીધી છે. તોફાનો અને ભાંગફોડ થયાં, એમાં એક અમદાવાદી યુવકને ટોળાએ મરણતોલ માર્યો. ત્યારે અમદાવાદી પણ યુગાન્ડામાં ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગપતિ નરેન મહેતાએ હિંમત કરી. પોલીસને બોલાવી. પ્રધાનોને ફોન કર્યા અને પેલા યુવકને દવાખાને પહોંચાડ્યો. જોકે, તે મરણ પામ્યો.
સામાન્ય યુવક જેનો વિદેશમાં પરિવાર ના હોય તેનું વિદેશની ધરતીમાં કોણ રક્ષણ કરે? નરેન મહેતા લાગણીશીલ અને ભારતીય હિતોના હામી લોકસેવક. તેમણે સરકારમાં રજૂઆત કરતાં યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસોવિનીએ જાહેરાત કરી કે મૃતકના પરિવારને ૧૦,૦૦૦ અમેરિકન ડોલર કોઈ પ્રધાનને રૂબરૂ મોકલીને આપશે. આ વખતે ઈન્ડિયન એસોસિએશને પરિવારને મદદરૂપ ફંડ ઉઘરાવ્યું તે રકમ ૩૦,૦૦૦ ડોલર થઈ. અમદાવાદમાં યુવકના પરિવારને આમ ૪૦,૦૦૦ ડોલર પહોંચાડવામાં નરેન મહેતાએ ભાગ ભજવ્યો.
નરેન મહેતા ૨૦૦૭થી ૨૦૧૧ ચાર વર્ષ યુગાન્ડાના ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ રહ્યા. આ પછી ૨૦૧૨થી ૨૦૨૦ સુધી ટ્રસ્ટી રહીને ધંધાકીય વ્યસ્તતાને લીધે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું.
૨૦૦૮માં યુગાન્ડાના પ્રમુખ મુસોવિની અને વિદેશપ્રધાન દિલ્હીમાં શિખર પરિષદમાં જવાના હતા ત્યારે ઈન્ડિયન એસોસિએશને ૧૨ જેટલા ઉદ્યોગપતિઓને ભારત મોકલ્યા જેથી ભારતના ઉદ્યોગપતિઓને પ્રતીતિ થાય કે યુગાન્ડામાં સલામતી છે. આ જૂથમાં નરેન મહેતા પણ હતા અને આ બધા દિલ્હી અને પછી ગુજરાતમાં ગયા હતા.
૨૦૦૭માં ઉત્તર યુગાન્ડામાં પૂરથી તારાજી થતાં ઈન્ડિયન એસોસિએશન તરફથી ૧૨ ઉદ્યોગપતિઓ સાથે નરેનભાઈ ત્યાંનાં ત્રણ ગામોમાં ગયા અને દવા, વાસણો, મચ્છરદાની, કપડાં, ધાબળાં વગેરે ૩૫,૦૦૦ ડોલરની ચીજવસ્તુઓનું વિતરણ કર્યું. તેઓ માને છે કે જે ધરતી પરથી રોટલાં રળતાં હોઈએ તેની પ્રજાનો પ્રેમ પામવા સેવા એ જ એકમાત્ર રસ્તો છે.
અમદાવાદ સાબરમતી પાવરહાઉસમાં કામ કરતાં વિદ્યારત્ન રાજકુમારીનાં પાંચ સંતાનોમાં સૌથી મોટા નરેનભાઈ. અમદાવાદમાં હાઈસ્કૂલમાં ભણીને ૧૯૭૨માં તેમણે વડોદરામાંથી ધાતુવિદ્યામાં ડીગ્રી મેળવી. આ પછી ૨૨ વર્ષ ભારતમાં ધંધામાં અને નોકરીમાં પસાર કરીને ૧૯૯૪માં યુગાન્ડા આવ્યા. અહીં તેમણે મેડીપોઈન્ટ ગ્રુપ ઓફ કંપનીઝમાં ભાગીદાર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરીને કંપનીના વિકાસમાં ભાગ ભજવ્યો. આ કંપની પ્લાસ્ટિક બેગ્સ, રોલ્સ અને શીટ્સ બનાવે છે. કંપની ટ્રેડિંગ કરે છે તે માટેની ચીજવસ્તુઓ આયાત કરે છે અને વેચે છે. આમાં જનરેટર્સ, લુબ્રિકેશન સિસ્ટમ, ફ્યુઅલ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.
ધંધાનો પથારો સાચવવા અને વધારવા પ્રવાસો કરવા પડે, ચીજવસ્તુઓના ભાવનો તુલનાત્મક અભ્યાસ કરવો પડે. ગ્રાહકો સાચવવા પડે. આ જાહેરજીવનમાં નેતાગીરી લેવી અને ટકાવવી અઘરી હોય. સતત પરિશ્રમ અને લોકસંપર્ક માંગી લે છે. જીભની મીઠાશ અને સંબંધો જાળવવાની આવડત જોઈએ. નરેનભાઈમાં આ છે. ઈન્ડિયન એસોસિએશનને યુગાન્ડાનું ભારતીય હાઈકમિશન અને યુગાન્ડાની સરકાર ભારતીય પ્રજાનું પ્રતિનિધિ માને છે. આમાં નરેનભાઈનો મહત્ત્વનો ફાળો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter