૧૯૭૨માં યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર યુવકે પોતાનો યુગાન્ડાનો પાસપોર્ટ બતાવીને દેશમાં રહેવા દેવા લશ્કરી અમલદારને વિનંતી કરી. અમલદારે એનો પાસપોર્ટ ફાડી નાંખીને સામે ગન ધરીને કહ્યું, ‘તારે દેહ સાચવવો હોય તો દેશ છોડીને ચાલ્યો જા.’ યુગાન્ડામાં જ જન્મેલ, ભણેલ અને સરકારી નોકરી કરેલ યુવકે નાછૂટકે દેશ છોડવો પડ્યો. આ યુવક તે કિશોર મોઢા. ભાણવડ પાસેના રોઝડા ગામના બરડાઈ બ્રાહ્મણ લઘુભાઈ અને ગોમતીબહેનનાં દશ સંતાનોમાં તે આઠમા નંબરનો.
યુગાન્ડાના સત્તાધીશોએ કરેલો અન્યાય ભૂલીને કેનેડાના વિનિપેગમાં સ્થાયી, સ્વપુરુષાર્થે આગળ આવેલ અને સમૃદ્ધ કિશોરભાઇ યુગાન્ડાની જનતા પર સતત પ્રેમ વરસાવતા રહ્યા છે. તેમનું મોન્ડેટા ફાઉન્ડેશન દર વર્ષે લોકકલ્યાણના કામોમાં યુગાન્ડામાં લાખો રૂપિયા ખર્ચે છે.
કંપાલામાં સિટી ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલતી શિક્ષણ સંસ્થાઓમાં દર વર્ષે મદદ કરે છે. આવી એક શાળાના છાત્રાલયને તેમણે અદ્યતન ભોજનાલય બનાવી આપ્યું છે. તેમાં ફર્નિચર, રસોઈનાં વાસણ, સાધનો અને જરૂરી સરસામાન પૂરાં પાડ્યાં છે. બીજી એક શાળાને ત્રણ માળનું મકાન બનાવી આપ્યું છે. શાળાઓમાં અને નાગરિકો માટેની આરોગ્ય શિબિરોમાં પૂરી આર્થિક મદદ કરે છે.
મોન્ડેટા ફાઉન્ડેશન દીન-દુઃખિયાને માટે સદા મદદરૂપ થાય છે. નૈરોબીના હોમ લાઈફ નામના સખાવતી ટ્રસ્ટને દર વર્ષે મદદ કરે છે. કિશોરભાઈ કેન્યાના મોમ્બાસામાં પાટીદારો માટેના અતિથિ ગૃહમાં રહીને ભણ્યા હતા. તે જમાનામાં સામાજિક ભેદભાવ વિના ગુજરાતીઓ રહેતા તેથી તો યુગાન્ડાના આ બ્રાહ્મણપુત્રને પાટીદારોના અતિથિગૃહનો લાભ મળ્યો.
માનવતાભર્યા વર્તાવના અનુભવોનો કિશોરભાઈના જીવનમાં પાર નથી. તેઓ યુગાન્ડાના નેશનલ પાર્કમાં કામ કરતા હતા. અહીં પ્રાણીઓ કુદરતની ગોદમાં જીવતાં. આને લીધે તેમણે થિસિસથી ઝુઓલોજીમાં એમ.એસસી. કર્યું હતું. યુગાન્ડાથી નિરાશ્રિત બનીને તેઓ અમેરિકાના બોસ્ટનમાં આવ્યા. ખ્રિસ્તી ચર્ચે મદદરૂપ થવા તેઓને બોસ્ટનના ઝુમાં નોકરીની તક માટે સૂચવ્યું. ત્યાં ગયા ત્યારે અજાણ્યા પ્રદેશમાં બસમાં મોડા પહોંચ્યા. ખૂબ ઠંડી, વાદળ અને અંધારું હોવા છતાં ફોન કર્યો હોવાથી વડા રાહ જોઈને બેઠા હતા. મુલાકાત પતતાં વડાએ પૂછ્યું, ‘પાછા શી રીતે જશો?’ કિશોરભાઈએ કહ્યું, ‘બસમાં જઈશ.’
ઝૂના વડા કહે, ‘આ વિસ્તાર સલામત નથી. હું તમને મૂકી જઈશ.’ કારમાં જતી વખતે અધિકારી કહે, ‘અમારે ત્યાં હાલ જગા નથી, પણ ન્યૂ જર્સીના વોર્નર બ્રધર્સ ડ્રાઈવ થ્રુના એનિમલ પાર્કમાં નોકરીનો સંભવ છે.’ વિના ઓળખાણે માનવતાના નાતે ગોરાએ કરેલી મદદ તેમને યાદ છે. કિશોરભાઈને ગોરાએ બતાવેલા નોકરીના સ્થળે નોકરી મળી અને ત્યાં દોઢ વર્ષ રહ્યા. આ પછી વર્જિનિયામાં ઓટો ડીલરની કંપનીમાં તે કામ કરતા હતા ત્યારે પણ ઉપરીનો સારો અનુભવ હતો. યુગાન્ડાના નિરાશ્રિત તરીકે તેમને જાણીને ઉપરી કહે, ‘તારી લાયકાત અને અનુભવ જોતાં સારી નોકરીની તક મળે અને ઈન્ટરવ્યુમાં જવું હોય તો હું સગવડ કરીશ.’
કિશોરભાઈ ૧૯૭૨માં દિવ્યાબહેનને પરણ્યા. તેમની બીજી બે મોટી બહેનો કિશોરભાઈથી મોટા બે ભાઈઓને પરણી હતી. આમ એક જ ઘરની ત્રણ બહેનો, ત્રણ સગા ભાઈને પરણી હતી. મોટાં બહેન વસુબહેન મોટા ભાઈ ભીમજીભાઈને પરણેલાં. ભીમજીભાઈની ૩૭ વર્ષની વયે અવસાનથી શિક્ષિકા વસુબહેન વિધવા થયાં. આ ભીમજીભાઈએ બાકીના ભાઈઓને ભણાવેલા. નિરાશ્રિત વસુબહેન લંડન હતાં. બીજા નંબરના પુષ્પાબહેન ધીરુભાઈને પરણેલાં. તે નિરાશ્રિત તરીકે કેનેડા હતાં. તેમણે વસુબહેન, પુષ્પાબહેન અને કિશોરભાઈને કેનેડા બોલાવ્યાં. પુષ્પાબહેન હંગેરિયન ફોટો સ્ટુડિયોમાં કામ કરતાં હતાં. આ કંપનીને મનીટોબા રાજ્યના થોમસનમાં નવી શાખા કરવા માણસની જરૂર હોવાથી કિશોરભાઈ ૧૯૭૬માં ભાગીદાર થઈને ત્યાં વસ્યા. ૧૯૭૮માં કિશોરભાઈએ કંપની ખરીદી. કંપની ૧૯૮૧ સુધી પોતે અને પછી માણસોથી તેમણે ૨૦૦૩ સુધી ચલાવી અને કમાયા. ૧૯૮૦માં આલ્બર્ટા અને ૧૯૮૧માં વિનિપેગમાં તેમણે સ્ટુડિયો કરતાં ખૂબ સમૃદ્ધ થયા. ઉત્તમ ફોટોગ્રાફર તરીકેની આવડતથી કેનેડામાં તેમનો ધંધો વિકસ્યો.
પુષ્પાબહેનના દીકરા આશિષ અને પ્રશાંતે કેનેડામાં મોન્ડેટા કંપની શરૂ કરી. મોન્ડેટાનો શબ્દાર્થ નાનું વિશ્વ. મતલબ કે કોઈ પણ સીમા ના નડે તેવું.
બંને ભત્રીજા સાહસિક અને ગજબની કોઠાસૂઝ ધરાવતા. વય નાની અને ધંધો નવો. ત્યારે ધંધાકીય વાટાઘાટો વખતે તેમને કોઈ મોટી વયનાં અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી વિશ્વાસપાત્ર વ્યક્તિની જરૂર પડે. આથી ઘરની વ્યક્તિ તરીકે તેઓ કાકા કિશોરભાઈને આગળ કરતા. નવેનવો ધંધો અને બધાં સાધનો ના હોય ત્યારે કાકાના સ્ટુડિયોનાં સાધનોનો ઉપયોગ કરતા. ક્યારેક ખરીદી માટે પૈસા જોઈએ તો કાકા આપે. કંપની ઝડપથી પ્રગતિ કરતી થઈ. માણસો રાખવામાં, જરૂર પડ્યે એમની સામે પગલાં લેવામાં, ખરીદીમાં, બધામાં કાકાની સલાહ લઈને ભત્રીજાઓ આગળ વધતા. કંપનીએ નવું મકાન ખરીદ્યું તો મકાન પર કાકાના નામની તક્તી મૂકી. ભત્રીજાઓ કાકા તરફ ખૂબ આદરભાવ રાખતા. બહારના બધાને એમ જ લાગે કે કંપની કાકા અને ભત્રીજાઓની માલિકીની છે. જોકે, કંપની પાસે મોટા પગારદાર મેનેજર હતા જ. છતાં કાકાના માર્ગદર્શન મુજબ તંત્ર ચાલતું. એવામાં મેનેજર બિમાર થયા અને હવે તેમણે નોકરી છોડી. ભત્રીજાઓએ કાકાને જ બધી જવાબદારી ઊપાડી લેવા આગ્રહ કર્યો. તેમને મેનેજિંગ ડિરેક્ટર અને ભાગીદાર બનાવ્યા.
૨૦૦૪માં મોન્ડેટા કંપનીએ મોન્ડેટા ચેરિટેબલ ફાઉન્ડેશન સ્થાપ્યું. સખાવતી અને લોકકલ્યાણના કામો આ ફાઉન્ડેશન કરે. કંપની દર વર્ષે પોતાના નફામાંથી અમુક રકમ આ ફાઉન્ડેશનને આપે. શરૂથી મોન્ડેટા ચેરિટેબલ ફાઉન્ડેશનના કિશોરભાઈ ચેરમેન બન્યા. મોન્ડેટા ફાઉન્ડેશન દર વર્ષે ૫૦થી ૬૦ હજાર ડોલર કેન્યા અને યુગાન્ડામાં શિક્ષણ, આરોગ્ય વગેરેની પ્રવૃત્તિ માટે ખર્ચે છે. કિશોરભાઈના નિર્ણયને ભત્રીજાઓ આદરપૂર્વક સ્વીકારે છે.
કિશોરભાઈની નમ્રતા, સૂઝ, કુટુંબભાવ, ઘસાવાની વૃત્તિ એ બધાથી સાત ભાઈ અને ત્રણ બહેનના પરિવારમાં એ માનીતા છે. કિશોરભાઈ સમાજની જેમ સગાંસંબંધીને પણ મદદરૂપ થયા છે. તેમણે ફાઈલ કરીને બોલાવેલી વ્યક્તિઓ અને તે વ્યક્તિઓએ ફાઈલ કરીને બોલાવેલી વ્યક્તિઓ બધી મળીને ૮૦ જેટલી થાય છે. જેમને બોલાવ્યા તેમને નોકરી-ધંધામાં મદદરૂપ થયા. શરૂમાં તેમનાં બાળકોને શાળાએ મૂકવા-લેવા જવાનું, વ્યક્તિઓને ખરીદી માટે, દવાખાનામાં કે બેંકમાં લઈ જવાનું, ઘેર રાખવાનું કામ કિશોરભાઈનાં પત્ની દિવ્યાબહેને હોંશભેર કર્યું. દિવ્યાબહેનના પીઠબળથી કિશોરભાઈનું કામ શોભ્યું.
૭૦ વર્ષની વયે કિશોરભાઈ મોન્ડેટા કંપનીમાંથી નિવૃત્ત થયા પણ મોન્ડેટા ચેરિટી ફાઉન્ડેશનનું એમનું કામ ચાલુ જ છે. કંપનીમાં જ એમનું અલગ કાર્યાલય અને સ્ટાફ છે.
ગુજરાતી કલ્ચર સોસાયટી-મનીટોબામાં તે સક્રિય હતા. વિવિધ હોદ્દા પછી તેમાં ૧૯૯૫માં પ્રેસિડેન્ટ બન્યા અને તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. વિનિપેગ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની એડવાઈઝરી કાઉન્સિલમાં, સેવ ધ ચિલ્ડ્રન ઓફ કેનેડા વગેરેમાં તે સક્રિય રહ્યા.
૨૦૧૪માં ઈન્ડો-કેનેડા ચેમ્બર કોર્મસ અને ઈન્ડિયન એસોસિએશન ઓફ મનીટોબાએ તેમને વિશિષ્ટ એવોર્ડથી નવાજ્યા હતા. સૂઝ, સેવા અને સખાવતથી શોભતા તે વિશિષ્ટ કેનેડિયન ગુજરાતી છે.