પૂર્વમાં ધાડ પડ્યાના સમાચારે પશ્ચિમમાં રહેતાય ભાગવા માંડે એવા વધારે હોય છે. ત્યારે સામા પૂરે જનારા વીરલા હોય છે. એવા સાહસિકો ફાવે છે. મોઝામ્બિકના પાટનગર મપુટુમાં વસતા અશ્વિન રાડિયા એવા સાહસિક અને સફળ છે. ૧૯૮૭માં મોઝામ્બિકમાં સરકારી ખામી ભરેલી નીતિને કારણે બેકારી હતી. ધંધા-રોજગાર ન હતા ત્યારે ગુજરાતમાંથી ગ્રેજ્યુએટ થયેલા યુવક અશ્વિન રાડિયાએ ૨૨ વર્ષની વયે મપુટુમાં પગ મૂક્યો. સાથે લાવેલી બેગમાં ૧૬ કિલો જેટલી ખાવા-પીવાની ચીજો અને માત્ર ચાર કિલોમાં કપડાં અને જરૂરી ચીજો હતી.
મપુટુમાં મોટા ભાઈ નલિનભાઈ અને રમાભાભી હતાં. મોટા ભાઈ સામાન્ય નોકરી કરતા હતા. માત્ર રહેવાનું ઠેકાણું હતું, પણ બાકી શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. ગજબની હિંમત અને સૂઝ ધરાવતા આ યુવકે વિચાર્યું, ‘નોકરી કરું તો મને પગાર આપવાની રકમ થાય તેના કરતા અનેકગણું કમાઈને આપું તો જ નોકરી આપે. મારી કમાણી મારે પાસે જ રહેવું તેવું કરવું છે.’
અશ્વિનભાઈએ ત્રણેક માસ કોઈની દુકાનમાં ઉઘાડી આંખે નોકરી કરી. ગ્રાહકોનું વલણ, ભાષા, રૂચિ વગેરે સમજ્યા અને પછી કટલરીની નાની દુકાન કરી. સ્થાનિક ભાષામાં આવી દુકાન તબકરી નામે ઓળખાય. અનુભવની એરણે ઘડાયા. મળતાવડો સ્વભાવ, ગ્રાહકો સાથે સલુકાઈભર્યો વહેવાર એ બધાથી ધંધો વધ્યો. હિંમત વધી. દુકાન ચાલતાં નવી દુકાન કરી. દુકાન હતી કપલાનાની. કપલાના એટલે સ્થાનિક લોકોને પહેરવાના વસ્ત્ર. દુકાનનું નામ રાખ્યું કાસા એલિફન્ટા. કાસા ઘર અને એલિફન્ટ એટલે હાથી. હાથી જેમ કદમાં મોટો હોય તેમ દુકાન પણ. નાની-મોટી સૌ ચીજો માટેની દુકાન હતી. અહીં રંગબેરંગી એવા ભાતભાતના કપલાના મળે.
અશ્વિનભાઈ ભારતમાંથી કપલાનાના મોટા આયાતકાર છે. તેમણે શૂન્યમાંથી સ્વપુરુષાર્થે ધંધો વિક્સાવ્યો છે. સલાયાના મૂળ વતની એમના પિતા રણછોડ શામજી ૧૯૪૩માં સાહસ કરીને યુગાન્ડા આવેલા. યુગાન્ડામાં અનુકૂળતા ના આવી તો મોઝામ્બિકમાં આવીને ધંધો શરૂ કર્યો. દુકાન ચાલતી હતી એવામાં ૧૯૬૧માં ભારત સરકારે લશ્કરી પગલાંથી પોર્ટુગીઝ શાસિત ગોવા, દમણ અને દીવનો કબજો લીધો. મોઝામ્બિકમાં ત્યારે પોર્ટુગીઝ અમલ હતો. પોર્ટુગીઝ સરકારે વળતાં પગલાં લઈને મોઝામ્બિકમાં વસતા સૌ ભારતીયોની દુકાનો, કારખાના, ધંધા અને મિલ્કતો જપ્ત કર્યાં. મોઝામ્બિકમાં ન જન્મેલા ભારતીયોને ફરજિયાતપણે છાવણીમાં રાખ્યા અને પછી આમાંના કેટલાકને છ-આઠ માસ પછી ભારતમાં મોકલી દીધા. આમાં રણછોડદાસનો વારો આવ્યો. તેઓ ભારતમાં આવીને પોરબંદરમાં રહ્યા.
રણછોડદાસે ભારતમાં મોઝામ્બિકના ભારતીય ગુજરાતીઓનું નિરાશ્રિત મંડળ સ્થાપીને ભારત સરકાર પાસે આવા ગુજરાતીઓને શક્ય તે આર્થિક મદદ અપાવી હતી. પરગજુ અને સેવાભાવી એવા તેમના સંસ્કાર અને નેતાગીરીનો વારસો નાના પુત્ર અશ્વિનભાઈએ સ્વીકાર્યો. રણછોડદાસ પોતે ઓછું ભણ્યા પણ પુત્રોને ભણાવવાની કાળજી રાખી. ૧૯૬૭માં તેમના મોટા પુત્ર નલિનભાઈ મોઝામ્બિક પાછા આવીને નોકરીમાં જોડાયા. નાના પુત્ર અશ્વિનભાઈનો મોઝામ્બિકમાં જન્મ તેથી ૧૯૮૦માં તે પોરબંદરથી પાછા મપુટુ ગયા. એમની કાસા એલિફન્ટા દુકાન જામી.
અશ્વિનભાઈ ધંધો જામવા છતાં એકલપેટા ન બન્યા. તેઓ કિરણબહેનને પરણ્યા પણ ભાઈ-ભાભીની સાથે સંયુક્ત કુટુંબમાં એક જ ઘરમાં રહ્યા. કિરણબહેન અને જેઠાણી રમાબહેન વચ્ચે સગી બહેન જેવો પ્રેમ છે. અશ્વિનભાઈ અને નલિનભાઈ વચ્ચે વ્યક્તિત્વનો સંઘર્ષ નથી. બંનેને બબ્બે દીકરીઓ છે. ચારેય દીકરીઓ સંયુક્ત કુટુંબમાં ઊછરી અને સંપીને રહી. અશ્વિનભાઈની નાની દીકરી શીતલ ડોક્ટર થઈને દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલમાં કામ કરે છે. બધી દીકરીઓ ભારતીય સંસ્કાર ધરાવે છે. વિવેકથી ભરેલી છે.
સમગ્ર પરિવાર અતિથિ વત્સલ છે. તેથી તેમના સંબંધોનો પથારો મોટો છે. વધારામાં અશ્વિનભાઈ જાહેર જીવનમાં સક્રિય છે. વિના બોલ્યે દાન કરે છે. બીજાને મદદ કરે છે. સંબંધો રાખવા અને ટકાવવામાં માને છે. આને કારણે મપુટુના જાહેર જીવનમાં એમની નેતાગીરી છે.
૨૦૦૪થી એ મપુટુના લોહાણ સમાજમાં ચૂંટણીઓ થતી હોવા છતાં ૨૦૧૩ સુધી ઉપપ્રમુખ રહ્યા અને પછીથી પ્રમુખ તરીકે ચાલુ છે. આ લોહાણા સમાજ રાધાકૃષ્ણ મંદિર ચલાવે છે. તેમની પાસે ભવ્ય મકાન છે. મંદિરમાં ઊજવાતા બધા હિંદુ તહેવારોના આયોજનમાં ધંધો છોડીને પણ અશ્વિનભાઈ સક્રિય રહે છે.
અશ્વિનભાઈને સેવાનું વ્યસન છે, તેવું જ બીજું વ્યસન છે ગુજરાતી પુસ્તકોના વાચનનું. ચંદ્રકાંત બક્ષીના એ ચાહક છે. છાપામાં આવતા ચંદ્રકાંત બક્ષીના બધા જ લેખોની ફાઈલ બનાવીને તેમણે સાચવી છે. કદાચ ચંદ્રકાંતભાઈ પાસે પણ આવી ફાઈલ નહીં હોય, વિદેશમાં વસતા ગુજરાતી વેપારીઓમાં આમ તે નોખી ભાત પાડે છે.