સેવા અને સમૃદ્ધિની સુવાસઃ પંકજભાઈ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 01st July 2017 08:29 EDT
 
 

૧૯૭૨થી ૧૯૮૦ વચ્ચે યુગાન્ડામાં ગુજરાતીઓ ખાસ ન રહ્યા, પણ ૧૯૮૦ પછી નવા શાસનમાં જૂના ગુજરાતીઓ પાછા આવ્યા. નવા ઉમેરાયા. આના પરિણામે કંપાલા વિકસ્યું. જેમાં આજે ૧૫ લાખ કરતાં વધારે વસ્તી છે અને વેપાર-ધંધામાં ગુજરાતીઓને કારણે કંપાલાની રોનક ફરીથી સ્થાપિત થઈ છે.

નવા આવનારા ગુજરાતીઓમાં પંકજ પટેલનું નામ અને કામ જાણીતું થયું છે. પંકજભાઈ કંપાલાના અત્યંત અર્થસમૃદ્ધ ગુજરાતીઓમાં ભલે ના ગણાતા હોય, પણ તેમનું નામ એવા અર્થ સમૃદ્ધોની બરાબરીમાં ક્યારેક તો એથીય વધારે જાણીતું છે. કારણ છે જાહેર જીવનમાં સમયની પરવા કર્યા વગર તેમની સતત સેવા, વર્તનમાં નમ્રતા, ભક્તિભર્યો સ્વભાવ અને સૌજન્યભર્યો વ્યવહાર.
કંપાલામાં સૌથી જૂનું મંદિર તે સનાતન મંદિર. તે મંદિર કંપાલાના હિંદુઓને એક તાંતણે જોડે છે. બધી કોમના હિંદુઓ તેમાં જાતિ કે પ્રદેશના ભેદભાવ વિના ભાગ લે છે. દશેરા, રામનવમી, જન્માષ્ટમી, દિવાળી, નવું વર્ષ, નવરાત્રિ વગેરે ઊજવાય. આવી ઊજવણીનું આયોજન ભારે સમય માગી લે, વળી તે માટેના ખર્ચ અને સગવડોની જોગવાઈ કરવી પડે. કામની વહેંચણી કરવી પડે. કામ કરનારનાં મન અને માન જાળવવા પડે. મંદિરના મંત્રી તરીકે પંકજભાઈએ વર્ષો સુધી આ કામ કર્યું. હાલ તેઓ મંદિરના ટ્રસ્ટી છે.
કંપાલાના પાટીદાર સમાજના ખજાનચી તરીકેના કામથી પંકજભાઈએ પાટીદાર સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પાટીદાર સમાજને ભાડાની વાર્ષિક આવક સવા લાખ અમેરિકન ડોલર છે. આવી આવક સ્થાયી રીતે ભારતીય મૂળની બીજી કોઈ સંસ્થાને આવતી હોય તેવો ખ્યાલ નથી. પંકજભાઈ ભારતમાં હતા ત્યારે ઈસ્કોનની પ્રવૃત્તિમાં સક્રિય હતા. વધારામાં અમદાવાદના સરદાર પટેલ સેવા સમાજના આજીવન અને સક્રિય સભ્ય હતા. ૧૯૯૩માં પંકજભાઈ આવા અનુભવ સાથે કંપાલા આવ્યા.
પંકજભાઈનો કંપાલાવાસ આમ તો માત્ર ૨૫ વર્ષનો છે, જ્યારે ૭૦-૮૦ વર્ષથી વસતા પરિવારોની અહીં ખોટ નથી. આટલા ટૂંકા સમયમાં તેમના પરગજુ અને નમ્ર સ્વભાવથી તે લોકપ્રિય થયા છે અને જાહેર જીવનમાં આગેવાની પામ્યા છે. પંકજભાઈનું જીવન ધર્મપ્રધાન છે. માણસ માત્રને ઈશ્વરના સંતાન માનીને, તેમની સાથે તે પ્રેમ અને સદભાવથી વર્તે છે. આથી પંકજભાઈને ત્યાં કામ કરતા શ્યામવર્ણીઓ વર્ષોથી એમને ત્યાં ટક્યા છે.
પરદેશ સ્થાયી થનાર મોટાભાગે પોતે પોતાની આવડત અને મહેનતથી આગળ આવ્યા છે એમ માને છે. મા-બાપનું નામ એ જરૂર પડ્યે, નાછૂટકે જ વાપરે છે. પંકજભાઈ એ રીતે નોખી ભાતના છે. ઘરમાં મંદિર છે. તેમાં જુદાં જુદાં દેવ-દેવીઓની પ્રતિમાઓ છે. આ બધાની સાથે તેમણે તેમના બા જયાબહેનનો ફોટો રાખ્યો છે. રોજ તે આરતી કરે ત્યારે માતા અને પિતા રાવજીભાઈને યાદ કરીને તેમના ફોટાને વંદે છે. પત્ની નયનાબહેન, પુત્ર ચિંતન અને તેની પત્ની અવની બધાં આરતી-પૂજા કરે છે.
પંકજભાઈનો આખો પરિવાર અતિથિવત્સલ છે. મહેમાનને એક દિવસ નહીં ઘણાં અઠવાડિયા સુધી તે હસતે મોંએ રાખી શકે છે. આવા પરિવાર શોધવા મુશ્કેલ છે.
પંકજભાઈ ૧૯૯૩માં નારના વતની એવા જતીનભાઈને કારણે કંપાલા આવ્યા. જતીનભાઈ અને અશ્વિનભાઈ સાથે કીબાઓ એન્ટરપ્રાઈઝ નામની દુકાન કરી. વધારામાં બીપીસી નામે રંગ બનાવવાની ફેક્ટરી કરી. કીબાઓ કંપની ઘરવપરાશની પ્લાસ્ટિકની ચીજો બનાવતી. વધારામાં કંપની ઈન્ડસ્ટ્રીયલ અને એન્જિનિયરીંગ હાર્ડવેર બહારથી આયાત કરીને જથ્થાબંધ ભાવે વેચે. કીબાઓ કંપની જમીનના પ્લોટ ખરીદીને તેની પર ગોડાઉન બાંધીને ભાડે આપે છે. ૪૫૦ ચોરસ મીટરનું એક એવા ૨૫ ગોડાઉન અને કેટલાક ખાલી પ્લોટ કંપની પાસે છે. ૧૯૯૬માં નોબલ સિન્થેટિક કંપની સ્થાપીને રંગ બનાવવાનો કાચો માલ પેદા કરે છે. પંકજભાઈની કરુરી ફાર્માસ્યુટિકલ કંપની ભારત, ઈંગ્લેન્ડ, ઈજિપ્ત, બેલ્જિયમ, કેન્યા, જર્મની, યુએસએ વગેરે દેશોમાંથી જથ્થાબંધ દવાઓ આયાત કરે છે અને તે જ રીતે વેચે છે. સરકારના આરોગ્ય ખાતાને પણ દવાઓ પૂરી પાડે છે.
પંકજભાઈની ધંધાકીય સફળતામાં એમની નિષ્ઠા, મહેનત, પ્રામાણિકતા અને કર્મચારીઓ પાસે કામ લેવાના અનુભવ અને આવડતે ભાગ ભજવ્યો છે. ૧૯૫૦માં પંકજભાઈ અમદાવાદમાં જન્મ્યા હતા. પિતા રાવજીભાઈ ૧૯૧૪માં જન્મેલા અને તે જમાનામાં મુંબઈમાં ભણીને કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા. રાવજીભાઈ અમદાવાદની વિવિધ મિલોમાં જુદા જુદા સમયે સેલ્સમેન હતા. જે વેપારીઓ અને કંપનીઓએ મિલોનાં ઉત્પાદનની ફાળવણી કરતા.
૧૯૭૧માં બીએસસી થયા પછી છેક ૧૯૯૩ સુધી વિવિધ ધંધાઓમાં ઘડાયા પછી કંપાલા આવીને તેઓ સફળ બન્યા.
સમૃદ્ધિ છતાં શાલિનતા, સૌજન્યભર્યો વ્યવહાર અને પરગજુ સ્વભાવથી કંપાલામાં પંકજભાઈના નામ અને કામની સુવાસ પ્રસરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter