ભક્તિબા સેવા, નિડરતા અને ત્યાગની ત્રિવેણી. પતિ દરબાર ગોપાળદાસ દેસાઈ ત્રણ ગામના રાજવી. ૧૯૨૨માં અંગ્રેજ સરકારે જાગીર જપ્ત કરી. સાંકળીના દરબાર ગઢનો કબજો સરકારી મેનેજરે લીધો. ભક્તિબાની કબજો લેતી વખતે ગેરહાજરી. અગાઉથી મેનેજરને તારીખ જણાવીને દરબાર સાહેબ અને ભક્તિબા સાંકળી ગયાં. મેનેજરે ડુપ્લિકેટ ચાવીથી તાળું ખોલ્યું. બંને અંદર ગયાં. આ પછી બંને ત્યાંથી પાછા ગયા ત્યારે મેનેજર ફરીથી તાળું મારીને સરકારી સીલ કરી દીધું. ભક્તિબા પાછાં આવ્યાં ત્યારે તેમણે સીલ જોઈને જાતે તોડવાં માંડતા મેનેજરે સરકારી સીલ ના તોડવા કહ્યું. નીડર ભક્તિબા સીલ તોડીને રાત્રે એકલાં જ દરબાર ગઢમાં સૂતાં.
રાજરાણી ભક્તિબા બોરસદમાં સત્યાગ્રહ છાવણીમાં રહે. આઝાદીના કેટલાક લડવૈયા અને કાર્યકરો ત્યાં રહે. સાંજે બધા સમૂહ પ્રાર્થના કરે. આવી પ્રાર્થનામાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી ચુનીભાઈ પણ ત્યાંના સ્વયંસેવક તરીકે બેસે. પ્રાર્થના પૂરી થાય. બધા વિખેરાઈ જાય પણ યુવક ચુનીભાઈ આંખો મીંચીને ત્યાં બેસી રહે. તેઓ ધ્યાનમાં મગ્ન હોય તેથી સમયનું ભાન ન રહે. ભક્તિબા આ જુએ. તેમણે ચુનીભાઈને કહ્યું, ‘તમને ધ્યાનમાં રસ છે. તમારા માટે અહીંની દુનિયા બરાબર નથી. તમે પોંડિચેરીના આશ્રમમાં જાવ.’
ચુનીભાઈ કહે, ‘હું કોઈને ઓળખતો નથી. મારી પાસે ભાડાના પૈસા નથી.’ ભક્તિબાએ એમને વાટખર્ચ અને ભાડું આપ્યું. ભલામણ પત્ર આપ્યો. આ ચુનીભાઈ અરવિંદ આશ્રમના સાધક બન્યા. માતાજીના માનીતા થયા. શ્રી અરવિંદે એમને ચુનીભાઈને બદલે દ્યુમાન નામ આપ્યું. સમગ્ર અરવિંદ આશ્રમના વખત જતાં એ મુખ્ય સંચાલક બન્યા અને આશ્રમ ફાલ્યોફૂલ્યો. દ્યુમાનજી છેક સુધી આનો યશ ભક્તિબાને આપતાં.
સૌરાષ્ટ્રના લોકસેવક ઢેબરભાઈ. સૌરાષ્ટ્રના અલગ રાજ્યના એ પ્રથમ વખત વડા પ્રધાન બન્યા. ત્યારે મુખ્ય પ્રધાન શબ્દ સૌરાષ્ટ્ર માટે ના વપરાતો. ઢેબરભાઈ અપરિણિત. તેઓ ભક્તિબાને માતા માને. ભક્તિબા એમને છઠ્ઠો દીકરો ગણતાં.
ઢેબરભાઈ આગ્રહ કરીને ભક્તિબાને પોતાના ઘરની વ્યવસ્થા સાચવવા લઈ ગયા. પછીના વર્ષોમાં ઢેબરભાઈ કોંગ્રેસના પ્રમુખ બનીને દિલ્હી ભંગી કોલોનીમાં રહેવા ગયા ત્યારે ભક્તિબાએ તેમનું - છઠ્ઠા પુત્રનું ઘર સંભાળ્યું. આને કારણે ઢેબરભાઈ નચિંત બનીને કામ કરી શક્યા.
વીરસદના ઝવેરભાઈ અમીન તે લીંબડી રાજ્યના દીવાન. ઝવેરભાઈ અમીનનો પરિવાર સ્વામીનારાયણ. ભક્તિબા દીવાનના દીકરી. તે જમાનામાં પંદર વર્ષની વયે ભક્તિબાને વિધુર દરબાર સાહેબ સાથે પરણાવ્યાં. દરબાર સાહેબ યુવાન રાજવી. તે જમાનામાં રાજવીઓમાં મદ્યપાન સહજ મનાતું. સ્વામીનારાયણ પરિવારમાં ઉછરેલાં ભક્તિબા દારૂને દૂષણ માને. પતિવ્રતા સ્ત્રી પતિને દારૂ પીવા મનાઈ ન કરી શકે. ભક્તિબાએ રસ્તો શોધ્યો. પતિને પ્રેમથી ખુશ કરીને વચન માંગ્યું. કહ્યુંઃ ‘આપને જ્યારે પીવાનું મન થાય ત્યારે હું તમને આપીશ. બીજા કોઈના હાથને બદલે મારા હાથે આપેલો દારૂ તમે પીવો એવી મારી ઈચ્છા છે.’ દરબાર સાહેબે આ સ્વીકાર્યું. પ્રેમાળ પતિવ્રતા પત્ની, સ્વામીનારાયણ પરિવારમાં ઉછરેલી તેને આ ન ગમે છતાં પતિને રાજી રાખવા જ પ્યાલો ધરે છે એવી પ્રતીતિ થઈ. પછી તો દરબાર સાહેબને જ પ્યાલી માંગતા સંકોચ થાય અને તેમણે દારૂ છોડ્યો.
૧૯૪૬માં વીરાણી કન્યા વિદ્યાલય સ્થપાતાં ભક્તિબા ટ્રસ્ટનાં પ્રમુખ બન્યાં. વખત જતાં તે વલ્લભ કન્યા કેળવણી ટ્રસ્ટ બન્યું ત્યારે પણ ભક્તિબા ટ્રસ્ટનાં પ્રમુખ બન્યાં. પ્રમુખ તરીકે તેઓ રાજકોટ સંસ્થામાં રહેતાં. તેમનું ઘર રાષ્ટ્રીય આગેવાનોનું અતિથિ ગૃહ બની રહ્યું. તેમના અવસાન પછી એ ઘરને ભક્તિબા અતિથિ ગૃહ નામ અપાયું. બહેનોને રોજીરોટી આપતી સંસ્થા પૂતળીબા સ્ત્રી ઉદ્યોગ મંડળના એ પ્રમુખ હતાં. ભક્તિબા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં છેક સુધી સંકળાયેલાં રહ્યાં. જામનગર નજીક દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય-અલિયાબાડાનાં પણ એ પ્રમુખ હતાં.
નિરાભિમાની, સેવાભાવી ભક્તિબા કોઈને ય મદદ કરવા તત્પર રહેતાં. ભક્તિબાની સેવાઓને ભારત સરકારે રાજકોટના એક રેલવે સ્ટેશનને ભક્તિનગર નામ આપીને બિરદાવી. ભક્તિનગર સ્ટેશને ભક્તિબાની યાદ જીવંત રાખી છે.