લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા ગુરુવાર 16 મેનો ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’ આવશ્યક નાણાકીય અને સ્ટોક માર્કેટ વિશે ચર્ચા અને સલાહને સમર્પિત રહ્યો હતો. આ ઈવેન્ટ પેન્શન વિષયક સામાન્ય ચિંતાઓ અને તેના ઉકેલની દિશા માટેનો મંચ પણ બની રહ્યો હતો. આ ઉપરાંત, આ ઈવેન્ટ થકી યુવાન લોકોને કારકિર્દી વિશે અમૂલ્ય સલાહ પ્રાપ્ત થઈ હતી. વિવિધ પ્રકારના પાર્ટિસિપેન્ટ્સ આ ઈવેન્ટમાં સામેલ થયા હતા જેના પરિણામે સોનેરી સંગતનો આ એપિસોડ સહુના માટે અવિસ્મરણીય અને જ્ઞાનવર્ધક અનુભવ બની રહ્યો હતો. આ ઈવેન્ટના મુખ્ય મહેમાનપદે શ્રી અલ્પેશ પટેલ OBE હતા જેઓ નામાંકિત ઈન્વેસ્ટર, મેન્ટર અને ફાઈનાન્સિયલ નિષ્ણાત છે.
માયાબહેન દીપક દ્વારા ભક્તિગીતના ગાન સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. ABPL ગ્રૂપના બિઝનેસ ડેવલપમેન્ટના વડા પૂજાબહેન રાવલ દ્વારા પ્રશ્નોત્તરીનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં ઉપસ્થિતોને સાંકળવા અને માહિતગાર રાખવા બ્યૂરો ચીફ નીલેશભાઈ પરમારે સમાચારવિશ્વમાં તાજા ઘટનાક્રમોની રૂપરેખા પૂરી પાડી હતી. ગુજરાત સમાચાર અને એશિયન વોઈના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે અતિથિવિશેષનું સ્વાગત કર્યું હતું. તેમણે વોટફર્ડના હરે કૃષ્ણ મંદિરને બંધ થતું અટકાવવા અલ્પેશ પટેલે જે ભૂમિકા ભજવી હતી તે મહત્ત્વપૂર્ણ પળોને સ્મરણ થકી જીવંત બનાવી હતી.
એશિયન વોઈસના કન્સલ્ટિંગ એડિટર શ્રી અલ્પેશ પટેલે સંપત્તિ અને ખુશી વચ્ચે સમતુલા સાધવા વિશે તેમના સુગ્રથિત જ્ઞાન અને અનુભવોની લહાણી કરવા સાથે વાતચીતોના આદાનપ્રદાનથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું. તેમની ઊંડી સમજે ઓડિયન્સ સાથે તાદાત્મ્ય સાધ્યું હતું અને તેમણે જીવનની જટિલતાઓ-મુશ્કેલીઓ અને નાણાકીય પડકારોનો સામનો કરવા સાથે જીવનમાર્ગમાં આગળ વધવા અંગે મૂલ્યવાન પરિદૃશ્યો પૂરા પાડ્યા હતા. ગ્લોબલ સમસ્યાઓનો ઉકેલ લાવવાની સાથોસાથ સંપત્તિ કેવી રીતે પેદા કરી શકાય તે બાબતે લોકોને નવી સમજ પૂરી પાડી હતી. આ સેશન દરમિયાન તેમણે નિવૃત્તિકાળની બચતો પર પ્રકાશ પાથર્યો હતો અને કારકિર્દીના વિકાસ બાબતે માર્ગદર્શન પણ આપ્યું હતું અને સ્ટોક માર્કેટમાં અંગત અનુભવો પણ રજૂ કર્યા હતા. તેમની સલાહનો મુખ્ય સૂર આ રહ્યો હતો કે, ‘તમને ખુશી અને શાંતિ મળે તે બધું જ કરજો, કુદરતી રીતે જ સફળતા અને સંપત્તિ તો તેમની પાછળ ચાલ્યા જ આવશે.’
ઈવેન્ટમાં ભાગ લેનારાઓને પીઢ ઈન્વેસ્ટર અને મેન્ટર પાસેથી મહત્ત્વનું ફાઈનાન્સિયલ માર્ગદર્શન મળ્યું હતું જેમાં, તેમણે લાંબા ગાળાના રોકાણો અને નિયમિત શિસ્તબદ્ધપણે બચત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સંપત્તિ એકત્ર કરવાના સાધનો તરીકે વેળાસરની શરૂઆત, ચક્રવૃદ્ધિ વ્યાજને પ્રોત્સાહન અને ધીરજ રાખવાની જરૂરિયાતને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
અલ્પેશભાઈએ રોકાણો ક્ષેત્રમાં ઉભરતા રોકાણ કારોને નાણાકીય સાક્ષરતા-જાણકારી, ઈન્વેસ્ટમેન્ટના સિદ્ધાંતો અને સંકળાયેલાં જોખમોથી પરિચિત થવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પોતાના જ અનુભવો વિશે જણાવી અવરોધો કે મુશ્કેલ સંજોગોમાંથી જે બોધપાઠો મેળવ્યા તેના પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે ફાઈનાન્સ સેક્ટરમાં સ્થિતિસ્થાપકતા અને દૃઢતા પર ભાર મૂકવા ઉપરાંત, માર્કેટની અસ્થિરતા, નિરાશા અને પીછેહઠની બાબતો વિશે પણ જણાવ્યું હતું. અલ્પેશભાઈની યાત્રાએ રિસ્ક મેનેજમેન્ટ, વૈવિધ્યીકરણ-ડાયવર્સિફિકેશન્સ તેમજ ઉભરતા બજારના ફલક સાથે અનુકૂલન સાધવાના મૂલ્યની સુગઠિત સમજની જાણકારી પૂરી પાડી હતી.
અલ્પેશભાઈએ પેન્શન ફંડ્સની સમસ્યાઓનું પણ સમાધાન આપ્યું હતું. પોતાના જ અનુભવોનું સુસ્પષ્ટ અને પારદર્શી વર્ણન, તેમની સમગ્ર યાત્રા દરમિયાન આવેલા પડકારો અને પ્રાપ્ત વિજયોની પણ સુપેરે જાણકારી આપી હતી. સફળતા અને નિષ્ફળતા, બંનેને પચાવવાની તેમની ઈચ્છાએ ચર્ચાને નિખાલસતા અને તત્પરતાથી ભરી દીધી હતી જેના પરિણામે, વાતચીતમાં આદાનપ્રદાનનો માહોલ વધ્યો હતો. નાણા અને ખુશી વચ્ચે સંતુલન હાંસલ કરવા વિશે તેમના માર્ગદર્શનને ઓડિયન્સે વધાવી લીધું હતું. તેઓને પોતાના ધ્યેયમાં સ્પષ્ટતા અને હેતુ સાથે આગળ વધવાની સશક્ત પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.
ઈવેન્ટમાં ભાગ લેનારા યક્ષ રાવલ અને શાર્દુલ દવેએ ફંડ્ઝ, આ ક્ષેત્રમાં જોખમો કેવી રીતે લેવા અને કારકિર્દી કેવી રીતે બનાવવી તે વિશેના પ્રશ્નો પૂછ્યા હતા. અલ્પેશભાઈએ કારકિર્દી વિકસાવવા વિવિધ તકને ઝડપી લેવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દરેક જોખમ, સફળતા કે નિષ્ફળતામાં પરિણમે છે, તેને ધ્યાનમાં લીધા વિના જ અનુભવ અને સમજણમાં વધારો કરે છે. આ અવરોધો અને શૈક્ષણિક તકો લોકોને નક્કર પ્રોફેશનલ પાયો બાંધવામાં મદદ કરે છે. તેમણે કહ્યું હતું કે ભૂલો કરવી એ વિકાસ અને સર્જનાત્મકતા માટે મહત્ત્વનું છે અને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી સાહસમાં ઝંપલાવવાની વ્યક્તિની ક્ષમતા જ તેમને મહાન પ્રોફેશનલ બનાવી શકે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ- ABPLના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.