કોરોના મહામારીના આ કપરા કાળમાં ચોમેર નકારાત્મક્તાનો માહોલ છવાયેલો છે. બહુમતી વર્ગ ભય - નિરાશાના માહોલમાં દિવસો વીતાવી રહ્યો છે ત્યારે કલાકારોનો એક નાનકડો વર્ગ એવો પણ છે કે પોતાની સર્જનાત્મક્તાના માધ્યમ થકી આ અંધકારભર્યા માહોલમાં હકારાત્મક્તાનો ઉજાસ ફેલાવવા પ્રયત્નશીલ છે. કલાકારોના આ નાનકડા વર્ગમાં જાણીતાં ગાયિકા માયાદિપકનો પણ સમાવેશ થાય છે. બ્રિટનવાસીઓ માટે ગાયિકા માયાબહેનનું નામ લગારેય અજાણ્યું નથી.
લોકડાઉનના કારણે જાહેરજીવન ખોરવાયું છે અને લોકો ઘરમાં બેસી રહેવા મજબૂર છે ત્યારે ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત ગૌરવ પુરસ્કારથી સન્માનિત આ ગાયિકાએ પોતાના સૂરિલા સ્વર થકી સત્કાર્યો હાથ ધર્યા છે. તેઓ ફેસબુક સહિતના સોશ્યલ મીડિયાના માધ્યમથી સંગીતપ્રેમીઓનું મનોરંજન કરી રહ્યા છે તો સાથે સાથે જ કલાકારોને સહાયરૂપ પણ થઇ રહ્યા છે.
તાજેતરમાં માયાબહેને કોવિડ-૧૯માં લોકોને મદદરૂપ થવા દુનિયાનો પહેલો ઓનલાઇન ફંડ રેઇઝિંગ કાર્યક્રમ “કરોના દાન”માં સ્વરસેવા આપી હતી. ગુજરાતી કોમ્યુનિટી ઓફ નોર્ધર્ન અમેરિકા, ગુજરાતી સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા સહિત અમેરિકાની અનેક ટોચની ગુજરાતી સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રજૂ થયેલો ગીતો-ભજનોએ લોકોની બહોળી પ્રશંસા મેળવી હતી. આ જ રીતે તેમણે લેસ્ટરસ્થિત શ્રીજી ધામ હવેલીમાં શ્રીનાથજીના ભજનો ઓનલાઇન રજૂ કરીને લોકોને ભક્તિમાં રસતરબોળ કર્યા હતા. આ ઉપરાંત, યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પ્રસારિત થતી વિપો ગ્લોબલની ‘પુષ્ટિ ચેનલ’ પર ગુજરાતના ટોચના કવિઓ અને કલાકારોને લઇને સુંદર ભક્તિ ગીતો રજૂ કરી લોકચાહના મેળવી હતી.
વીતેલા સપ્તાહે, ભાઇ-બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નીમિત્તે કવિશ્રી શુકદેવ પંડયાની ખૂબ સરસ રચનાને સ્વરબદ્ધ કરીને ફેસબુક પર રજૂ કરી હતી.
“કાચા સુતરનું તે હોય શું ગજું
કરે રક્ષા એ જીવતરની આવડી
સ્નેહ અને શ્રદ્ધાના રંગે રંગાય
ત્યારે સુતર બની જાય રાખડી...”
ગીતના આવા ભાવવાહી શબ્દોએ સંગીતપ્રેમીઓને લાગણીથી તરબોળ કરી દીધા હતા.
માયાબહેને હાલમાં જ ૧૫મી ઓગસ્ટ - સ્વાતંત્ર્ય દિન પર્વે મયંક રાવલ દ્વારા લખાયેલું દેશભક્તિનું એક સુંદર ગીત સ્વરબદ્ધ કરીને તેનું વીડિયો પ્રેઝન્ટેશન YouTube ચેનલ પર મૂક્યું છે, જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હર કોઇના દિલમાં દેશપ્રેમની આહલેક જગાડતા આ ગીતના શબ્દો છેઃ
“જાગ ઉઠી હૈ સરહદેં જાગો દેશવાસીયોં
સડકોં પે મરને સે અચ્છા દેશ પે જાં કુરબાન હો...”
લોકડાઉન આમ આદમીને નડતું (કે કનડતું) હોય છે, કલા કે કલાકારને નહીં. માયાબહેને આ શબ્દોને ખરા અર્થમાં સાકાર કર્યા છે. તેમણે લોકડાઉનના આ દિવસોમાં અનેક કવિઓ અને કવિયત્રીઓની શબ્દરચનાને પોતાના સૂર અને સંગીતથી સજાવીને ફેસબુક પર રમતી મૂકીને ગુજરાતી ભાષાનું સુંદર કાર્ય કર્યું. તેમના પ્રયાસને ભરપૂર આવકાર મળ્યો. આ પછી સંગીતપ્રેમીઓની લાગણી અને માગણીને માન આપતાં ગુજરાતી સંગીતની એકમાત્ર ફ્રી એપ “જલસો” માટે અનોખો કાર્યક્રમ તૈયાર કર્યો. જેમાં તેમણે ગુજરાતનાં કવયિત્રીઓની રચનાને સ્વરબદ્ધ કરીને રજૂ કરી. સર્જન-સંગીત-સ્વરના ત્રિવેણી સંગમ સમાન આ અદભૂત કાર્યક્રમમાં રન્નાદે શાહ, રક્ષા શુકલ, ઉષા ઉપાધ્યાય, હર્ષિદા ત્રિવેદી, પારુલ બારોટ, કુસુમ કંડારિયા, જિજ્ઞા ત્રિવેદી, કવિતા શાહ, ગીતા પંડયા, ભાર્ગવી પંડયા, લક્ષ્મી ડોબરિયા, અનુરાધા દેરાસરી, યામિની વ્યાસ, નંદિતા ઠાકોર, પ્રજ્ઞા વશી જેવાં ગણમાન્ય કવિયિત્રીઓની રચના રજૂ કરાઇ છે.
લોકડાઉને અનેક લોકોની રોજગારીને કમરતોડ ફટકો માર્યો છે. આમાં પણ કલાકારોની હાલત તો બહુ કફોડી છે. આવા કલાકારોને મદદ થવાના ઉમદા ઉદ્દેશ સાથે માયાબહેને અનોખું અભિયાન આદર્યું છે. તેઓ એક પણ પૈસો લીધા વગર નજીવી સ્પોન્સરશીપ સાથે ફેસબુક પર લાઇવ કાર્યક્રમો યોજી રહ્યા છે અને આવા કાર્યક્રમ થકી જે કંઇ પણ આવક થાય છે તે કલાકારોમાં વહેંચી દે છે.
આમ, માયાદિપક પોતાની સંગીતકલા થકી લોકોમાં ફેલાયેલ ભય અને નિરાશાનો માહોલ દુર કરવા સ્તુત્ય પ્રયાસ કરી રહ્યા છે. આપ પણ આ લીંક www.facebook.com/ mayadeepak 22 થકી ઘરેબેઠાં જ માયાદિપકના સંગીતમય કાર્યક્રમો માણી શકો છો.