અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયેલ યુવાન ગુજરાતીના સાક્ષર અનંતરાય રાવલને ત્યાં ગુજરાતીમાં એમ.એ. કરવાની સલાહ લેવા આવ્યો. અનંતરાય ત્યારે પોતાના કવિમિત્ર રત્નસિંહ પરમારને કહેતા હતા, ‘આજકાલના છોકરા કચરા જેવું લખે છે’ ત્યારે રત્નસિંહે કહ્યું, ‘કાગડા બધે કાળા’. અનંતરાય કહે, ‘છતાં અમારી કોલેજમાં યશવંત શુક્લ છે તે ખૂબ સારું લખે છે.’ આવી વાત થતી હતી ત્યાં પેલા યુવકે આવીને પૂછ્યું, ‘મારે એમ.એ. ગુજરાતી સાથે કરવું છે. મારે ક્યાં જવું?’
અનંતરાય કહે, ‘સુરતમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પાસે જાવ તો સારું.’ યુવકે નમસ્કાર કરીને ચાલવા માંડ્યું.
બાજુમાં બેઠેલા રત્નસિંહે પૂછ્યું, ‘ભાઈ! તમારું નામ શું છે?’
યુવકે કહ્યું, ‘યશવંત શુક્લ.’
રત્નસિંહે કહે, ‘જોયું ને? આનું નામ સાચી પ્રશંસા કહેવાય.’
યશવંતભાઈ સુરત ગયા. ભણતાં ભણતાં ત્યાંના ‘લોકવાણી’ સાપ્તાહિકમાં લેખો લખતા. ત્યાંની સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતા અને છતાં ૬૩ ટકા માર્ક્સ સાથે મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ. થયા. સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ગુજરાતી અને અંગ્રેજીમાં આવ્યા. આ વખતે સુરતના પ્રતાપ દૈનિકના તંત્રી કાલિદાસ શેલતને અમદાવાદના પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રીએ કોઈ સારા ઉપતંત્રી માટે પૂછતાં કાલિદાસે યશવંતભાઈની લેખનશૈલીનો ખ્યાલ હોવાથી ભલામણ કરી અને ૧૯૩૮માં યશવંતભાઈ પ્રજાબંધુના ઉપતંત્રી બન્યા.
પ્રજાબંધુમાં એ ‘સંસારના રંગ’ કોલમ લખતા. આ કોલમમાં કવિ નર્મદના બુંગિયોની જેમ સમાજસુધારા, વહેમ, રૂઢિઓ, કુરિવાજો વિશે લખાતું. કોલમ લોકપ્રિય બની. દાદાસાહેબ માવળંકરે પ્રજાબંધુની અર્ધશતાબ્દીની ઊજવણી પ્રસંગે કહેલું, ‘પ્રજાબંધુ’ મારી પાસે આવે કે તરત સૌ પ્રથમ હું ‘સંસારના રંગ’ વાંચું છું.
‘પ્રજાબંધુ’માં તે ગ્રંથાવલોકન લખતા. ગુજરાત સાહિત્ય સભાએ તેમને ૧૯૪૧ના ગ્રંથસ્થ સાહિત્યનું અવલોકન સોંપ્યું. ૨૬ વર્ષનો યુવાન તેમનાં લખાણોનું મૂલ્યાંકન કરે તે કેટલાક વયોવૃદ્ધ સાહિત્યકારોને કઠ્યું હશે. આ ઉપરાંત તેઓ ગુજરાત કોલેજમાં પાર્ટટાઈમ અધ્યાપક બન્યા. તેઓ રસળતી વાક્ધારાથી વિદ્યાર્થી પ્રિય બન્યા. બીજી કોલેજોના યુવક-યુવતી તેમની વાણીનો રસ માણવા ગુજરાત કોલેજમાં આવતાં.
‘પ્રજાબંધુ’ છોડીને યશવંતભાઈ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં ખંડ સમયના અધ્યાપક બન્યા અને સાથે બીજે શિક્ષક બન્યા. ૧૯૪૫માં અમદાવાદ આવીને ‘પ્રજાબંધુ’માં જોડાઈને બે વર્ષ તેમાં કાઢ્યાં. ૧૯૪૭માં અમદાવાદમાં ભો. જે. વિદ્યાભવનમાં જોડાયા. ત્યારથી ગુજરાત વિદ્યાસભા સાથે નાતો બંધાયો. ૧૯૫૫માં ગુજરાત વિદ્યાસભાએ રામાનંદ આર્ટ્સ કોલેજ શરૂ કરતાં યશવંતભાઈ તેના આચાર્ય બન્યા. વખત જતાં રામાનંદ કોલેજ એચ. કે. આર્ટ્સ બની પણ આચાર્ય યશવંતભાઈ રહ્યા. ગુજરાત વિદ્યાસભાના એ ટ્રસ્ટી બન્યા. ગુજરાત વિદ્યાસભા સંચાલિત બધી સંસ્થાઓના એ સંચાલક થયા. તેમની સૂઝ, ક્ષમતા, રજૂઆત, સમજાવટ અને શાલિનતાએ વિદ્યાસભાનો વડલો વિકસ્યો. નવી નવી સંસ્થાઓ અને મકાનો થયાં. પ્રેમાભાઈ ટાઉન હોલ બંધાયો. એચ. કે. કોમર્સ કોલેજ થઈ.
યશવંતભાઈ અમદાવાદના શિક્ષણજગતમાં મહત્ત્વનું સ્થાન પામ્યા. ઈંદુમતીબહેન શેઠના અવસાન પછી શેઠ ચી.ન. વિદ્યાવિહાર ટ્રસ્ટના પ્રમુખ બન્યા. બાલમંદિર, વિનય મંદિર, હાયર સેકન્ડરી સ્કૂલ, સ્ત્રી અધ્યાપન મંદિર, છાત્રાલયો વગેરે આ ટ્રસ્ટ ચલાવતું.
ગુજરાત વિધાસભાના માસિક ‘બુદ્ધિ પ્રકાશ’ના એ તંત્રી બન્યા. કુનેહ હતી. સંચાલનમાં એ ન્યાયી રહેતા. સામાની લાગણી સમય જતાં વ્યક્તિમાં રહેલા સારા ગુણોને પ્રોત્સાહતા. કામ સોંપ્યા પછી વ્યક્તિને સ્વતંત્ર રીતે, દખલ વિના કરવા દેતા. ક્યારેય તાનાશાહી ન કરે. માણસો સાથે પ્રેમથી વર્તે. એમના વહીવટમાં ચોખ્ખાઈ હતી.
યશવંતભાઈ વિદ્યાનો જીવ. રાજકીય પક્ષાપક્ષી કે અધ્યાપકોની જૂથબંધીથી એ વેગળા રહેતા. આને કારણે ગમે તે પક્ષની સરકાર હોય એમનું માન જળવાતું. ૧૯૭૪માં એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બનીને રાજકોટ ગયા. આમ છતાં અમદાવાદની વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના તાણાવાણા ચાલુ આથી પાછા અમદાવાદ આવીને એચ. કે. આર્ટ્સના આચાર્ય બન્યા. વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરતા રહ્યા.
ભારત સરકારની તુષ્ટિકરણની નીતિ એમને કઠતી હતી. ઉઘાડી આંખે દુનિયા નિહાળતા તે ઈન્ડો-ઈઝરાયલ કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ બનવા સંમત થયા અને પાંચ વર્ષ તેના પ્રમુખ પણ રહ્યા.
ગુજરાત રાજ્ય સમાજ શિક્ષણ સમિતિના એ ટ્રસ્ટી અને પ્રમુખ હતા. આ સમિતિએ ગુજરાતી ભાષામાં પ્રૌઢ શિક્ષણ માટેનું સાહિત્ય સૌથી વધારે પ્રકાશિત કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદનું અમદાવાદમાં મકાન બન્યું એમાં એમની જહેમત મહત્ત્વની હતી. તેઓ તેના મંત્રી અને પછીથી એ પ્રમુખ હતા. ગુજરાત કેળવણી મંડળ, ગુજરાત નટ મંડળ વગેરેમાં એ પ્રમુખ હતા. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક બોર્ડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, હાયર સેકન્ડરી બોર્ડ વગેરેમાં સભ્ય હતા. સંદેશમાં સમયનાં વહેણ લખતાં. ગુજરાત યુનિવર્સિટીમાં અડધી સદી સુધી તે સક્રિય હતા.
૧૯૧૫માં ઉમરેઠમાં જન્મેલા અને ૨૦૦૯માં અવસાન પામેલા યશવંતભાઈ, બાર વર્ષની ઉંમરે પિતાના અવસાનથી વિધવા માને મદદ કરવા દિવાસળીના ખોખાં બનાવીને કમાતા. અભ્યાસમાં તેજસ્વી. તેમને છેક આઠમા ધોરણથી મેટ્રીક સુધી સ્કોલરશિપ મળી. ૧૯૩૨માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીમાં પ્રથમ આવતા તેમને બી.એ. સુધી એ. જી. છાત્રાલયમાં રહેવા જમવાનું નિઃશુલ્ક મળ્યું હતું.
ગરીબી જોઈ ચૂકેલા યશવંતભાઈ દિલના અમીર હતા. બીજાના દુઃખે દ્રવી જતા. કોમળ હૃદયી તેઓ સિદ્ધાંતમાં જરા પણ બાંધછોડ વિના સામાને થાય તેટલી મદદ કરતા.
યશવંતભાઈ શિક્ષણ અને સાંસ્કૃતિક જગતની શોભા હતા. સૌજન્યમૂર્તિ આ સારસ્વતે ગુજરાતની શોભા વધારી.