ગયા વીકે જ પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો અને ભાદરવાના આગમન સાથે દૂંદાળા દેવ વિઘ્નેશ્વર ગણપતિ દેવા વાજતે ગાજતે પૃથ્વીલોકમાં પધાર્યા. શ્રાવણ માસમાં દેવાધિદેવની પૂજા-અર્ચના, તપનો ભારે મહિમા. આ દરમિયાન અનેક વ્રત, તહેવાર પણ આવે. આ દરમિયાન ભગવાન મહાદેવજીના શિવલિંગ ઉપર દૂધ-જલ અને બિલ્વપત્ર સાથે ફળ-ફૂલ ધરાવી સૌ ધન્યતા અનુભવે છે. આવા સમયે વોટ્સઅપ ઉપર કોઇએ મને સદગરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજીના પ્રતિનિધિ-શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે થયેલી પ્રશ્નોત્તરીનો સમજવા જેવો વિડિયો મોકલ્યો છે. એમાં મુરાદાબાદના કાંઠ જિલ્લાના અમિતજીએ પ્રશ્ન કર્યો છે કે, “બાણલિંગ અને શિવલિંગમાં શું ફરક છે? ત્યારે સ્વામીજીએ કહ્યું કે, “બાણલિંગ એ નર્મદેશ્વર શિવલિંગ છે જે નર્મદા નદીમાંથી સ્વયંભૂ, આવિર્ભૂત-ઉત્પન્ન થાય છે. અન્ય જે શિવલીંગ હોય છે એમાં અઢી ઇંચથી એક વેંત (ટચલી આંગળીથી અંગૂઠા સુધી) જેટલું શિવલીંગ તમે તમારા ઘરની પૂજામાં રાખી શકો પણ એ ચલિત હોવું જોઇએ, એની સ્થાપના ન કરી શકાય. તમારો પ્રશ્ન છે કે છોકરીઓ, સ્ત્રીઓ શિવલીંગની પૂજા કરી શકે?! આવો પ્રશ્ન તમારા મનમાં કેવી રીતે ઉદભવ્યો?! શિવલીંગ એટલે મૂત્રેન્દ્રિય, મૂત્રાંગ નહિ... લીનમ્ અર્થમ્ ગમયતિ ઇતિ લિંગમ્ એટલે કે લિંગ એટલે ચિન્હ, પ્રતિક. લિંગ એ તો શિવનું પ્રતિક છે. મહિલાઓ કે છોકરીઓ શિવલીંગની પૂજા ના કરી શકે એ વિધાન તદન બેઇમાની, નકારાત્મકતા કહી શકાય. શિવપુરાણના વિદેશ્વર સંહિતામાં કહ્યું છે કે, “બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ બધા શિવની પૂજા કરી શકે. સ્ત્રીઓને પણ શિવલીંગની પૂજાનો અધિકાર છે. એનું પ્રમાણ બતાવતો શિવપુરાણનો સંસ્કૃત શ્લોક પણ સ્વામીજીએ રજૂ કર્યો. બ્રાહ્મણો માટે વેદોક્ત મંત્રોથી શિવલીંગની પૂજા બતાવી છે. બ્રાહ્મણ સહિત સૌ કોઇને વેદમંત્રોચ્ચાર કરવાનો અધિકાર છે. સ્ત્રીઓ દેવસ્થાનોમાં પૂજાવિધિ ના કરી શકે એવા વિવાદાસ્પદ વિધાનોને શંકરાચાર્ય પીઠના સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ રદિયો આપ્યો છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ખ્યાતનામ શિંગણાપુરના શનિદેવ મંદિરમાં સ્ત્રીઓ પૂજા ના કરી શકે માત્ર પુરુષોને જ અધિકાર, એવી રીતે સ્ત્રીઓ શનિવારનો ઉપવાસ ના રાખી શકે..! સ્ત્રીઓને શનિની મહાદશા હોઇ શકે તો એમની પૂજા કેમ નહિ?!!