'ગણતરીના દિવસોમાં લંડનના નીસડનસ્થિત બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિર ૨૫ વર્ષ પરિપૂર્ણ કરશે. દેશદેશાવરના સંતો, સત્સંગીઓ, હરિભક્તો આ અપૂર્વ સિધ્ધિને વધાવી રંગેચંગે ઉજવશે. પશ્ચિમી જગતના આ નીસડન મંદિરની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થઇ ત્યારે તે સમયે બે કરોડ નકલનો ફેલાવો ધરાવનાર રીડર્સ ડાયજેસ્ટે (વિશ્વવિખ્યાત અંગ્રેજી મેગેઝીન) તેને આ મંદિરને દુનિયાની આઠમી અજાયબી તરીકે વર્ણવ્યું હતું. BAPSસંસ્થા આ નીસડન મંદિરની સ્થાપના બાદ શ્રીજી મહારાજની અસીમકૃપા અને સંતોના આશીર્વાદથી વિશ્વવ્યાપી ભવ્ય મંદિરો નિર્માણ કરીને ખૂબ વિકસિત બની. આ મંદિર માત્ર સ્વામિનારાયણી સત્સંગીઓ માટે કે હિન્દુ ધર્મીઓ માટે જ નથી, આ મંદિર સર્વધર્મના લોકો માટે આકર્ષણ બની રહ્યું છે, અહીં શાહીપરિવારજનોથી માંડી દેશવિદેશના રાજકારણીઓ માટે પણ કેન્દ્રસ્થાને રહ્યું છે.’
'આજે નીસડનBAPSમંદિર સંતોના માર્ગદર્શનથી નાનાં બાળકો, કિશોર-કિશોરીઓ અને યુવાનોની અનેકવિધ સંસ્કાર પ્રવૃત્તિઓથી માંડી નિવૃત્ત-વધ્ધ સૌ સત્સંગીઓ માટે આ મંદિર આશીર્વાદરૂપ બની રહ્યું છે ત્યારે આજે મંદિરની ૨૫ વર્ષની રજત જયંતિની ઉજવણી ટાંણે મને જૂનાં સંસ્મરણો યાદ કરવાનું રોકી શકાતું નથી.
મને આશા છે કે "ગુજરાત સમાચાર"ના વાંચકોને મારા સ્વાનુભવની વાતો ગમશે, તેમાંથી પ્રેરણા સાંપડશે. આ સત્સંગમાં સતત સમર્પિત રહેવા માટે મને સર્વપ્રકારે પ્રોત્સાહિત કરનાર મારા વડીલો, સંતો તેમજ BAPSના ટ્રસ્ટીઓ, અગ્રણીઓનો હું સહ્દય આભાર વ્યક્ત કરું છું.’
‘BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થા સાથેની મારી સફર ખૂબ અદભૂત રહી છે
BAPSના બ્રહ્મસ્વરૂપ પૂ.યોગીબાપા ૧૯૫૫ના અરસામાં પૂર્વ આફ્રિકાના હજારો સત્સંગીઓની વિનંતીને માન આપીને પધાર્યા ત્યારે નૈરોબી-કેન્યા અને અન્ય સ્થળોએ અમારો પરિવાર સ્થાયી થયો હતો. કેન્યામાં મારા માતા-પિતાએ આપેલી સેવા બદલ તેઓ બન્ને કેન્યા સ્વામીનારાયણ સંસ્થામાં જાણીતા હતા. મારાં માતુશ્રી જે સત્સંગીઓમાં "માસીબા" તરીકે જાણીતાં હતાં અને પિતાશ્રી પાસેથી મને સત્સંગનો વારસો મળ્યો હોવાથી એક સત્સંગી તરીકેની મારી પશ્ચાદભૂમિથી પૂ.યોગીબાપા ખુબ જ માહિતગાર હતા. બાળપણથી જ અમારામાં સત્સંગના સંસ્કાર ભળેલા. કેટલાક જણે પૂ. યોગીજીને મને સાધુની દિક્ષા આપવા જણાવ્યું ત્યારે એ વખતે યોગીબાપાએ કહ્યું કે, “આને સાધુ બનાવીશું તો પછી મંદિર નિર્માણ કોણ કરશે?” યોગીબાપાએ ત્યારે જ ભવિષ્યવાણી ઉચ્ચારેલી કે, લંડનમાં ભવ્ય મંદિર બંધાશે.’
'૧૯૯૨માં પૂ. પ્રમુખ સ્વામી મહારાજએ BAPS UK ના ટ્રસ્ટી તરીકે મારી નિમણુંક કરી હતી. નીસડનમાં જે મંદિર હતું એની વિશાળ જગ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ કરવાનું નક્કી થયું. બિલ્ડીંગ કન્સટ્રકશન વિશે તેમજ એ અંગેની વાટાઘાટોની મારી કુશળતાથી પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સારી રીતે વાકેફ હતા. મને કેન્યામાં મોટો સ્ટીલ ઉદ્યોગ સ્થાપવાનો અને મોટી પ્રોપર્ટીઝના નિર્માણકાર્યનો અનુભવ મળ્યો હતો. એકવાર પૂ. યોગી મહારાજે સત્સંગીઓ સમક્ષ પ્રશ્ર મૂક્યો હતો કે કોણ મંદિરો બાંધશે ? તેના પ્રતિભાવમાં આ સંપ્રદાયની સેવા કરવા માટે મારા નામનું સૂચન થયું હતું.
આમ મારી વ્યક્તિગત સફર આ રીતે જ ચાલુ રહી. ૩૦ વર્ષ અગાઉ મેં સૌથી પહેલો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો અને એ હતો પશ્ચિમ જગતના યુ.કે.સ્થિત નીસડન ખાતે પ્રથમ પરંપરાગત હિંદુ મંદિરનું નિર્માણ કરવાનો. પૂ.પ્રમુખસ્વામીની અસીમ કૃપા અને સૌ ટ્રસ્ટીઓના સહયોગથી મને નીસડનના ભવ્ય મંદિર નિર્માણકાર્યની સેવા કરવાનો મને અદભૂત અવસર મળ્યો તેનો મેં નમ્રભાવે સ્વીકાર કર્યો હતો. પૂ. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી લંડનમાં પૂ. યોગીજી મહારાજનું જોયેલું સ્વપ્ન સાકાર થઇ શક્યું".
આજે આ મંદિર લંડનના સૌથી શ્રેષ્ઠ આકર્ષણો પૈકીનું એક બન્યું છે તેટલું જ નહીં, પરંતુ વિશ્વભરમાં ખ્યાતિ પામ્યું છે. આ મંદિરને નિહાળવા માટે દર વર્ષે વિદેશી પ્રવાસીઓ, સ્થાનિક તથા યુરોપની સ્કૂલોના બાળકો અને મહાનુભાવો સહિત લાખો મુલાકાતીઓ આવે છે. BAPSનું મંદિર અને એની હવેલી ભારતીય સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ સૌને અજાયબી સમાન લાગે છે.
મંદિર પ્રોજેક્ટની ટીમ સાથે અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની અનુમતિ, સંમતિ સાથે અમે આર્કિટેક્ટ્સથી કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સની આખી ટીમની નિમણુંક કરી. આ ભવ્ય પ્રોજેક્ટ માટે છેલ્લાં ૩૦ વર્ષમાં મેં ઈટાલી, ગ્રીસ, તુર્કી, બલ્ગેરિયા અને અન્ય ઘણાં દેશોનો પ્રવાસ કર્યો હતો અને આ મંદિર તથા તેની તમામ મૂર્તિઓ ઘડવા માટે ઉપયોગમાં લેવાતા માર્બલ અને લાઈમસ્ટોન લાવવા માટે તેમજ સ્ટોન ઉત્પાદકો સાથે તેના ભાવ (પ્રાઇઝ) વિશે વારંવાર વાટાઘાટો કરી હતી. લંડન મંદિર માટે જ નહીં, પણ અક્ષરધામ દિલ્હી, ન્યૂજર્સી, શિકાગો અને અન્ય ઘણાં શહેરોના મંદિરોના પ્રોજેકટ માટે મેં આ કારણસર પ્રવાસ કર્યો હતો. પૂ. બાપાની સલાહ હતી કે આ મંદિરોનું નિર્માણ ભક્તોની ભક્તિ દ્વારા થાય છે અને આપણે આપણી કોમ્યુનિટીને આગળ વધારવા, તેમનામાં આપણી ભારતીય પરંપરા અને સંસ્કારો જળવાઇ રહે, એનું જતન થઇ શકે એ માટે આ પ્રકારના ભવ્ય અને વિશાળ સીમાચિહ્નોની રચના કરીએ છીએ.
પૂ. પ્રમુખસ્વામીજીના માર્ગદર્શન સાથે યુકે અને યુરોપમાં બીજા ૧૨ સેન્ટરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરની સ્થાપનાથી, નીસડન મંદિરના ઉદઘાટનથી માંડીને પ્રાણપ્રતિષ્ઠાનો ખાસ ભવ્ય પાવન પ્રસંગ યોજાયો ત્યારથી આજે આ ૨૫ વર્ષથી આ નીસડન મંદિર મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યું છે અને મને સતત સહાયરૂપ બનેલા મારા પરિવારનો માટે એક મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. આ મંદિરથી આપણા સૌને માટે પૂજા કરવાનું એક સ્થળ મળ્યું છે, તેની સાથે ગર્વ અને પોતીકાપણાની લાગણી અનુભવાય છે. સમર્પણ અને સેવાને લીધે આખા BAPSમાં "માસીબા" તરીકે ઓળખાતાં અને તમામ પ્રત્યે કરુણાભાવ રાખતાં મારાં માતુશ્રીના આધ્યાત્મ જીવન અને સંસ્કારોનો મારા ઉપર ખૂબ પ્રભાવ રહ્યો છે. એના કારણે જ મારો પરિવાર અને હું મંદિરમાં દર વર્ષે યોગી જયંતીની ઉજવણી મારી માતુશ્રી "માસીબા"ના નામે યોજીએ છીએ.
સ્વામીનારાયણ સંસ્થાએ મને ઘણાં સરસ અનુભવો અને પરિચય કરાવ્યા છે. બ્રિટનના શાહીપરિવારના સભ્યો, વિશ્વના રાજવીઓ, યુ.કે.ના અગાઉના અને હાલના પ્રાઈમ મિનિસ્ટર્સ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્યધર્મના ધર્મગુરુઓ અને કેટલાંક વિશેષ મહાનુભાવોને આવકારવાનો અને તેમનો આદરસત્કાર કરવાનો BAPSએ મને વિશેષાધિકાર આપ્યો. હાઉસ ઓફ કોમન્સમાં અને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પહેલી અને અત્યાર સુધીની દીવાળી ઉજવવા માટે પણ અમારી પસંદગી કરવામાં આવી હતી.
સૌથી મહત્ત્વનું તો એ કે મંદિર દ્વારા મને ઘણું શીખવા મળ્યું છે. મંદિરે મને અને મારા પરિવારને આધ્યાત્મિક મદદ કરી અને મનુષ્ય જીવનનું મહત્વ શું અને એનો અર્થ સમજાવ્યો છે.