આ ઇતિહાસ પણ ક્યાંથી ક્યાં સફર કરાવતો હોય છે, રહસ્યમયી અને રસપ્રદ!
નહી તો દક્ષિણેશ્વર, બંગાળ ક્યાં, કચ્છ અને મુંબઈ કયાઁ અને ક્યાં શિકાગો? સ્વામી વિવેકનન્દની ઝળહળતી કીર્તિયાત્રાથી તો આપણે સૌ પરિચિત છીએ. પણ તેમના સાથી સંગથીઓ, મિત્રો, શુભેચ્છકો, આલોચકો, રાજવીઓ, પશ્ચિમના તેજસ્વી રત્નો, ક્રાંતિકારો....આ યાદીનો અંદાજ મને “ઉત્તિષ્ઠત, ગુજરાત!” દસ્તાવેજી નવલકથા લખતી વખતે મળ્યો. સ્વામિ નિખિલેશ્વરાનંદ સાથે ચર્ચા થઈ તે પછી પણ ઘણું મળતું રહ્યું.ગુણવંતરાય આચાર્ય-આપણાં સાગરકથાઓનો લેખક- જન્મ્યા હતા જેતલસરમાં. બ્રિટિશ જમાનામા તેને “કેમ્પ” કહેવાતું. કાઠિયાવાડી માટે તે “કાંપ” હતું. આ નાનકડા ગામની મોટી કહાણીનો સંકેત ગુણવંતરાયે પોતાની એક કોલમમાં આપ્યો હતો, પછી તેની શોધ યાત્રા થઈ તો તેનો ચીલો છેક બીલખાના આનંદ આશ્રમના મોટા ગજાના હિન્દુ પંડિત શ્રીમન્ન નથુરામ શર્મા અને ભાવનગરમાં ઘરશાળાના વિચારક-સ્થાપક નાનાભાઇ ભટ્ટ સુધી પહોંચ્યો. શ્રીમન્નના એક સાથી હરગોવિંદદાસ અજરામર પંડ્યા જેતલસરમાં આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હતા ત્યારે સ્વામિ વિવેકનંદ જૂનાગઢથી પોરબંદર જતાં આ સ્ટેશને રોકાયેલા અને પંડયાજીએ આખી રાત વાર્તાલાપ પછી સૂચવ્યું કે શિકાગોમાં યોજાનારી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે જ્વું જોઈએ. એકવાર ત્યાં પ્રભાવ પડશે અને પશ્ચિમ તમોને વધાવી લેશે તો પછી હિંદુસ્તાનના લોકો પણ ભવ્ય સન્માન કરશે. આ હરગોવિંદ દાસ પછીથી નાનાભાઇ ભટ્ટની સાથે ઘરશાળામાં સક્રિય થયા ત્યારે તેમને સૌ “મોટાભાઇ” કહેતા.
આવું જ એક બીજું ગુજરાતી પાત્ર સ્વામીના જીવનમાં ઉપકારક નિવડ્યું હતું. તે છ્બિલદાસ લલ્લુભાઈ ભણશાળી. વિવેકાનંદના પત્રોમાં તે “લલ્લુભાઈ” તરીકે ઉલ્લેખિત છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સમર્પિત પત્ની ભાનુમતિના તે પિતાજી. ભાનુમતિનો એક ભાઈ રામદાસ. તે પણ બેરિસ્ટર થયા હતા. રામદાસ અને શ્યામજી મુંબઈમાં સાથે અભ્યાસ કરતાં એટ્લે શ્યામજીની અવરજવર તેમને ત્યાં રહેતી. શ્યામજી તો અત્યંત ગરીબ પિતા કરસનદાસ ભણશાળીના પુત્ર. પોતાની અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાને લીધે આગળ વધ્યા હતા. ભુજમાં ભાટિયા ગૃહસ્થ મથુરાદાસ મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ તરુણની શક્તિનો અંદાજ મેળવ્યો એટ્લે મુંબઈ વધુ અભ્યાસ માટે લઈ ગયા, (આ માથુરદાસ સત્ય પ્રકાશના યુવા તંત્રી કરસનદાસ મૂલજીની સાથે હતા અને મહારાજ લાયબલ કેસ લડવામાં મદદ કૃ હતી). વિલ્સન હાઇસ્કૂલ, એલ્ફિંસટન હાઇસ્કૂલ, વિશ્વનાથ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં તેનો અભ્યાસ થયો, રામદાસની મૈત્રી થઈ. છબિલદાસે પુત્રને શ્યામજી વિષે પુછ્યછયું અને પુત્રી ભાનુમતિની સાથે વિવાહ થયા.
વિવેકનન્દને રામદાસનો પરિચય મૂંબઈમાં થયો. નરોત્તમ ગોકુલદાસ (વહાણવટા ઉદ્યોગ સાથે જોડાયેલા એક વધુ ભાટિયા ગૃહસ્થ)ને ત્યાં રહ્યા. વિવેકાનંદ ત્રીજીવાર મુંબઈ આવ્યા ત્યારે ખંડવાના હરિદાસ બાબુના ભાઈએ મુંબઇમાં રામદાસનો પરિચય કરાવ્યો ત્યારે યાદ આવ્યું કે અરે, શ્યામજી કૃષ્ણવર્મા અને હરવિલાસ શારદા અજમેરમાં મળ્યા ત્યારે આ મહાનુભાવોનો સંદર્ભ નીકળ્યો હતો. રામદાસ અને તેના પિતા સ્વામી દયાનંદ સરસ્વતીથી પ્રભાવિત હતા. રામદાસના બહેન ભાનુમતિનું આતિથ્ય અજમેરમાં વિવેકાનંદે માણ્યું હતું.રામદાસે કેમ્બ્રિજમાં અભ્યાસ કરેલો. સંસ્કૃતના એક ચંપૂ કાવ્ય પ્રકારને અજમાવ્યો હતો. ખબાલા હિલ્સ પર છબીલદાસે તેમને મહેમાન બનાવ્યા. સ્વામીથી તે 24 વર્ષ મોટા હતા. પરિશ્રમી જિંદગી. સામાન્ય નોકરી કરી પછી સમુદ્ર કેન્દ્રી વ્યાપાર શરૂ કર્યો. જામનગરથી ઢાકા
સુધી ચીજવસ્તુઑની નિકાસનો ધંધો વિકસિત કર્યો. એક જહાજ “ગેલેલીયો” ખરીદ્યું. માન્ચેસ્ટરનું કાપડ મુંબઈની બજારમાં
વેચાતું કર્યું.
એકવાર બંને નિરાંતે બેઠા હતા. તો પુછ્યુછયું “સ્વામી, હવે પછીનું શું આયોજન છે?” “શિકાગો ધર્મ પરિષદમાં જવું છે” સાંભળીને છબીલદાસ તો ખુશ થઈ ગયા. પણ સ્વામી ગંભીર હતા. ઘણી બધી સમસ્યાઓ હતી. આર્થિક પણ ખરી. પરદેશી મુલક. કાળા ગોરાનો ભેદભાવ. ભારત પ્ર્ત્યેનો તિરસ્કાર. હિન્દુ ધર્મ વિષે ફેલાયેલી ભ્રાંતિઓ. પોશાક જુદો. જીવન શૈલી જુદી. જવું કે ના જવું?
જેમ જેતલસરમાં સ્ટેશન માસ્તરે શિકાગોનું બીજ વાવ્યું હતું, તેમ આ કચ્છી ભાટિયા સદગૃહસ્થે સહયોગ આપ્યો. ત્યાં સુધી કે પોતે તેમની સાથે જવા તૈયાર થઈ ગયા!
સ્વામી વિવેકાનંદના આ ઐતિહાસિક પ્રવાસમાં ગુજરાતીઓનું અમુલ્ય પ્રદાન રહ્યું તેમાં એક વધુ ઉમેરો પારસી ગુજરાતી જમશેદજી નસરવાન તાતાનો. નવસારીમાં જન્મેલા આ ખ્યાત ઉદ્યોગપતિ કેનેડીયન પેસિફિક લઆઇનનું “ એમ્પ્રેસ્ ઓફ ઈન્ડિયા “ જહાજમાં સ્વામીની સાથે હતા, અને ઉદ્યોગ અધ્યાત્મની ચર્ચા કરીને સ્વામીને વૈગ્નાનિક ઢબે આશ્રમો, સંસ્થાઓ, તાલીમ શિબિરો મોટા પાયે સ્થાપવામાં આવે, તેનેસંભાળી લેવા આગ્રહ કર્યો. કોલમ્બો, મલેશિયા, વેંકોવર, કેનેડા અને શિકાગો. શિકાગોથી બોસ્ટન રેલયાત્રામાં છબીલદાસ સાથે હતા. વિશ્વ ધર્મ પરિષદમાં “તમે રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી એટ્લે પ્રવેશ નહીં મળે” તેવું કહેવામા આવ્યું. શિકાગો કરતાં બોસ્ટન રહેવા માટે સસ્તું હતું એટ્લે બંને ત્યાં રહ્યા. પછી ખબર પડી કે પરિષદ તો છેક છ મહિના પછી યોજાશે.
છબિલદાસ આટલો સમય સાથે રહ્યા, પછી લંડન જવા નીકળ્યા. સ્વામીએ કહ્યું, મારા ગુજરાતી સ્વજન! તમારી ખોટ મને સાલશે શિકાગો પરિષદમાં સાવ અપરિચિતોએ તેમને કેવી મદદ કરી તે વળી અલગ ઘટનાઓ છે. પણ એ નોંધવા જેવુ છે કે અહીથી તેમણે જેમને પત્રો લખ્યા તેમાં સૌથી મહત્વના જૂનાગઢના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલા. શિકાગો અને બીજે પડેલી મુશ્કેલીઓ , વિવિધ વ્યાખ્યાનો, ભારતમાં ભવિષ્યે શું થઈ શકે અને તેને માટે સમર્પિત યુવાનોનું સંગઠન, અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ.. આ વિચારો તેમાં વ્યક્ત થયા. હરિદાસને તેઓ મોટાભાઇ માનતા.
ગુજરાત અને વિવેકાનંદનો સેતુ ઐતિહાસિક રહ્યો છે.