આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ હોય પણ કવિનું નામ ભુલાઈ જાય.
(ઈ. 19મી સદી પૂર્વાર્ધ)
- હરિને ભજતાં
- ગેમલ
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને...
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને...
વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરિને...
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુખ હરિયાં રે. હરિને...
•••